આ એપ્રિલથી તમારા જીવનમાં આવશે આ સાત બદલાવ, આવક પર પડશે અસર

એક એપ્રિલ એટલે કે ગઈ કાલથી નવું નાણાકીય વર્ષ ચાલુ થઈ ગયું. આ સાથે જ ઘણા નવા નિયમ કે નિયમોમાં થયેલા ફેરફાર પણ લાગુ થઈ ગયા. તેની અસર આપણા ખિસ્સા, ખરીદી અને રોકાણ પર પડી શકે છે.

નવા નાણાકીય વર્ષમાં આવકવેરાના નિયમથી માંડીને જીવનવીમા નીતિ પર વધુ કર અને એલપીજીના નવા ભાવને લગતાં પરિવર્તન થયાં.

આવો વિસ્તારપૂર્વક જાણીએ કે નવા નાણાકીય વર્ષમાં શું શુ બદલાયું છે –

નવી કરવ્યવસ્થા

આ વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી આવકવેરાની વ્યવસ્થાને લઈને મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.

એક એપ્રિલ 2023થી નવી કરવ્યવસ્થા આપોઆપ લાગુ થઈ ગઈ. જોકે, કરદાતા પાસે જૂની કરવ્યવસ્થા પસંદ કરવાનો પણ વિકલ્પ રહેશે.

નવી કરવ્યવસ્થા અંતર્ગત છૂટની સીમા વધારીને સાત લાખ રૂપિયા કરી દેવાઈ છે. પહેલાં આ છૂટ વાર્ષિક પાંચ લાખ રૂપિયાની આવક પર હતી.

સોનાનાં ઘરેણાં પર હૉલમાર્ક જરૂરી

સોનાનાં ઘરેણાં અને સંબંધિત સામાન પર એક એપ્રિલ, 2023થી હૉલમાર્કિંગ અનિવાર્ય કરી દેવાયું છે.

આ અંતર્ગત માત્ર છ ડિજિટવાળું આલ્ફાન્યૂમેરિક હૉલમાર્કિંગ જ માન્ય હશે.

હવે હૉલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (એચયુઆઇડી) વગર ઘરેણાંનું વેચાણ નહીં કરી શકાય.

પહેલાં એચયુઆઇડી ચાર અંકોનું હતું. અત્યાર સુધી ચાર કે છ અંકોના હૉલમાર્કનો ઉપયોગ કરાતો. પરંતુ 31 માર્ચથી છ અંકોના એચયુઆઇડીનો ઉપયોગ થશે.

યુપીઆઇથી લેવડદેવડ મોંઘી

એક એપ્રિલ 2023થી યુપીઆઇ વડે લેવડદેવડ કરવાનું મોંઘું થઈ શકે છે. નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાનએ બુધવારે જણાવ્યું કે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમૅન્ટ (પીપીઆઇ)ના ઉપયોગથી યુપીઆઇ ચુકવણી કરવા પર 1.1 ટકા ફી લાગુ થશે.

આ પ્રમાણે માત્ર વેપારી લેવડદેવડના મામલામાં બે હજાર કરતાં વધુ રકમ પર યુપીઆઇ ટ્રાન્ઝેક્શન ફી લાગશે. પરંતુ આની ગ્રાહકો પર કોઈ અસર નહીં પડે.

તેમજ, બૅન્કો વચ્ચે થતી યુપીઆઇ ચુકવણીમાં પણ આ ફી લાગુ નહીં પડે.

સિલિન્ડરના ભાવમાં ઘટાડો

પેટ્રોલિયમ અને ઑઇલ ડિસ્ટ્રિબ્યૂશન કંપનીઓએ શનિવારે તાત્કાલિક અસરથી કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ 91.5 રૂપિયા ઓછા કરવાની જાહેરાત કરી દીધી છે.

ભાવમાં તાજેતરમાં થયેલા ઘટાડા બાદ, દિલ્હીમાં 19 કિલોગ્રામ કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કીમત 2,028 રૂપિયા થશે.

જોકે, આ કંપનીઓએ એક માર્ચના રોજ કૉમર્શિયલ સિલિન્ડરોની કીમતમાં 350.5 રૂપિયા પ્રતિ યુનિટનો વધારો કર્યો હતો.

જોકે હજુ સુધી ડૉમેસ્ટિક ઉપયોગ માટેના સિલિન્ડરની કીમતમાં કોઈ ઘટાડો નથી કરાયો. પરંતુ આ સિલિન્ડરોની કીમત એક માર્ચના રોજ 50 રૂપિયા અને એક જાન્યુઆરીના રોજ 25 રૂપિયા વધારાઈ હતી.

કાર ખરીદવાનો અને સડકયાત્રાનો ખર્ચ વધશે

નવા નાણાકીય વર્ષથી ગાડી ખરીદવાનું પણ મોંઘું બની જશે. એપ્રિલથી ટાટા મોટર્સ, હીરો મોટોકૉર્પ અને મારુતિએ પોતાની ગાડીઓની કિંમતો વધારવાની જાહેરાત કરી છે.

હોન્ડા કાર્સ ઇન્ડિયાએ પણ કહ્યું છે કે સેડાન અને હોન્ડા અમેઝ કાર પણ મોંઘી થવા જઈ રહી છે. આ કંપનીઓએ કહ્યું છે કે એક એપ્રિલથી ગાડીઓની કિંમતમાં વધારો કરાશે.

આ સિવાય એક એપ્રિલથી અમુક જગ્યાઓએ સડક યાત્રા પણ મોંઘી થશે. મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર ટોલટૅક્સ વધારવાની જાહેરાત કરાઈ હતી.

મહારાષ્ટ્ર રાજ્ય સડક વિકાસ નિગમે કહ્યું છે કે એક એપ્રિલથી મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર 18 ટકા વધુ ટોલટૅક્સ વસૂલાશે.

આવી જ રીતે દિલ્હી-મેરઠ એક્સ્પ્રેસવે પર પણ ટોલની કિમતમાં દસ ટકાનો વધારો કરાયો છે.

જીવનવીમા પૉલિસીઓ પર વધુ કર

એક એપ્રિલથી પાંચ લાખ કરતાં વધુ વાર્ષિક પ્રિમિયમવાળી જીવનવીમા પૉલિસી પર ટૅક્સ લાગશે. ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા બજેટમાં આ વાતની જાહેરાત કરાઈ હતી.

જોકે, આ નિયમ યુલિપ (યુનિટ લિંક્ડ ઇન્સ્યૉરન્સ પ્લાન) પર લાગુ નહીં પડે.

સ્મૉલ સેવિંગ સ્કીમ્સ પર સરકારે વધાર્યા વ્યાજ દર

કેન્દ્ર સરકારે શુક્રવારે નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે મોટા ભાગની પોસ્ટ ઑફિસ બચત યોજનાઓ પર વ્યાજના દરમાં 0.7 ટકાનો વધારો કર્યો છે.

નાણામંત્રાલયના એક નિવેદનમાં કહેવાયું છે કે પીપીએફ અને બચત ડિપૉઝિટ માટે વ્યાજ દરોને 7.1 અને ચાર ટકાએ જાળવી રાખવામાં આવ્યા છે, જ્યારે અન્ય બચત યોજનાઓમાં 0.1 ટકા અ 0.7 ટકા વચ્ચે વધારો કરાયો છે.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટના વ્યાજદરમાં સૌથી વધારે વૃદ્ધિ કરાઈ છે. હવે તેનો વ્યાજ દર 1 એપ્રિલથી 30 જૂન, 2023ના સમયગાળા માટે સાત ટકાથી વધારીને 7.5 ટકા કરી દેવાયો છે. સુકન્યા સમૃદ્ધિ યોજના માટે નવી ટકાવારી 7.6 ટકાથી વધારીને આઠ ટકા કરી દેવાઈ છે.

વરિષ્ઠ નાગરિક બચત યોજનાઓ અને કિસાન વિકાસ પત્ર (કેવીપી) પર વ્યાજદર અનુક્રમે 8.2 ટકા (8 ટકાથી) અને 7.6 ટકા (7.2 ટકાથી) થઈ ગયા છે. વ્યાજ દરોનો વધારો એક એપ્રિલથી લાગુ થઈ ચૂક્યો છે.