You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાહુબલિ ધ ઍપિક: જો બંને બાહુબલિ ફિલ્મ એક સાથે રિલીઝ થાય તો શું થાય?
- લેેખક, જી. આર. મહર્ષિ
- પદ, બીબીસી તેલુગુ માટે
'બાહુબલિ - ધ ઍપિક' થિયેટરોમાં રજૂ થઈ છે. તે 'બાહુબલિ- ધ બિગનિંગ' (2015) અને 'બાહુબલિ 2 – ધ કન્ક્લુઝન'ને (2017) સંયોજિત કરીને એક જ ફિલ્મ તરીકે રી-રિલીઝ કરવામાં આવી છે.
આ ફિલ્મ કેવી છે, તેના વિશે વાત કરીએ તો તેની કહાણી બધાને ખબર જ છે. ફિલ્મના પહેલા ભાગમાં મહેન્દ્ર બાહુબલિ માહિશ્મતી જાય છે અને પોતાનાં માતા દેવસેનાને ભલ્લાલદેવના કબજામાંથી મુક્ત કરાવે છે.
મહેન્દ્ર બાહુબલિને સામ્રાજ્યનો વિશ્વાસુ સેવક કટપ્પા સમ્રાટ અમરેન્દ્ર બાહુબલિની દાસ્તાન કહી સંભળાવે છે.
લગભગ બે વર્ષ સુધી 'કટપ્પાએ બાહુબલિને કેમ માર્યો?' એ સસ્પેન્સ અંગે સોશિયલ મીડિયા તથા સિનેરસિકોમાં ચર્ચા થતી રહી. બીજા ભાગમાં અમરેન્દ્ર બાહુબલિ અને દેવસેનાનો પ્રેમ, રાજમાતા શિવગામી દેવીની ગેરસમજ તથા ભલ્લાદેવનું કપટ, વિલનનો વિનાશ અને છેવટે સૌ સારાવાના થાય હતા.
બાહુબલિનું શાનદાર ઍડિટિંગ
ફિલ્મ બાહબુલીના બંને ભાગને ઍડિટ કરીને ત્રણ કલાક 40 મિનિટની એક ફિલ્મ તરીકે રજૂ કરવામાં આવી છે. ઇન્ટરવલ પહેલાં બાહુબલિના પહેલા ભાગની કહાણી છે અને બીજા ભાગમાં બાકીની વાર્તા છે.
લગભગ બે કલાકની ફિલ્મ ટૂંકાવી દેવામાં આવી છે, છતાં ઍડિટિંગને (સંકલન) દાદ આપવી પડે. કોઈપણ રસપ્રદ સીન છૂટ્યો નથી.
ફિલ્મના ફર્સ્ટ હાફમાં બે અને સેકન્ડ હાફમાંથી એક ગીત કાઢી નાખવામાં આવ્યું છે. તમન્નાની લવસ્ટોરીને વૉઇસ-ઓવર દ્વારા ગતિ આપવામાં આવી છે.
સુદીપનો સીન કાઢી નાખવામાં આવ્યો છે અને બીજું ઘણું બધું ટૂંકાવી દેવામાં આવ્યું છે. એવું કહેવાય રહ્યું છે કે કેટલાંક નવાં દૃશ્યો ઉમેરવામાં આવ્યાં છે, પરંતુ તેમને ખોજવા મુશ્કેલ છે. ફિલ્મમાં ફાઇટિંગનાં દૃશ્યોને પણ સારી રીતે ઍડિટ કરી દેવામાં આવ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોટા પડદે માહિશ્મતી
ફિલ્મમાં ભાવનાત્મક પ્રાણ ફૂંકતાં દૃશ્યોને યથાવત્ રાખવામાં આવ્યાં છે. દેવસેનાનું અપમાન કરનારા ભલ્લાલદેવના દીકરાનો શિરચ્છેદ, કાલનૈયી સાથેની લડાઈ, કટ્ટપ્પા તથા શિવગામીના ક્લાઇમેક્સનાં દૃશ્યો – થિયેટરમાં આ દૃશ્યો જોઈને 10 વર્ષ પહેલાં જેવી રોમાંચક અનુભૂતિ થઈ હતી, તેવી જ થાય છે.
10 વર્ષમાં સિનેમા ઘણું બદલાઈ ગયું છે. આપણે બાહુબલિ કરતાં પણ વધુ સારાં ગ્રાફિક્સ જોયાં છે. આમ છતાં એસ.એસ. રાજામૌલીએ જે તકનીકથી બાહુબલિનું સર્જન કર્યું હતું, તે હજુ પણ ભવ્ય અને ચકિત કરી દેનાર જણાય આવે છે.
ફિલ્મને ફરીથી મોટા પડદે રજૂ કરવા માટે રાજામૌલીએ જે ટેક્નિકલ પ્રયાસ કર્યો છે, તે ફિલ્મને જોવાની નવી અનુભૂતિ આપે છે.
થિયેટરની અનુભૂતિ
ફિલ્મને ઘરે ટીવી ઉપર જોવી તથા થિયેટરમાં બંને ભાગને એકસાથે જોવા અલગ જ અનુભૂતિ છે. ફિલ્મ ઇન્ટરવલ સાથે ચાર કલાકની થઈ જાય છે.
ફિલ્મને હજુ અડધી કલાક ટૂંકાવી શકાઈ હોત, પરંતુ ફિલ્મમાંથી ગીતો તથા ભાવનાત્મક દૃશ્યોને હઠાવવામાં જોખમ રહેલું હતું, એટલે કદાચ એમ કરવામાં નથી આવ્યું.
ફિલ્મના ઇન્ટરવલ દરમિયાન 'બાહુબલિ પાર્ટ 3'નું ટીઝર દેખાડવામાં આવ્યું હતું. નવી ફિલ્મ ઍનિમેટેડ સ્વરૂપે હશે. જેમાં બાહુબલિના બંને ભાગ, લોકકથા તથા દંતકથાની કહાણીઓને સમાવીને બનાવવામાં આવેલી કહાણી હશે.
તેમાં મહારાજા બાહુબલિને દિવ્યસ્વરૂપે દેખાડવામાં આવ્યા છે. લોકો આ નવી ફિલ્મને કેવો પ્રતિસાદ આપશે, તે સમય આવ્યે જ ખબર પડશે.
ગમે એટલી વેબસિરીઝ જુઓ, પરંતુ બાહુબલિની અનુભૂતિ અનોખી છે. થિયેટરો ભરચક હતાં, તે આ વાતની પુષ્ટિ કરે છે.
10 વર્ષ અગાઉ કેટલીક બાબતો ધ્યાન બહાર ગઈ હોય, તો તે આટલાં વર્ષો પછી પણ ધ્યાન ખેંચે છે. જેમ કે, સેન્થિલ કુમારની સિનેમેટોગ્રાફી તથા કિરવાનીનું સંગીત હોલીવૂડની શ્રેણીનાં છે.
ફિલ્મનું શાનદાર અને પ્રમાણસરનું ઍડિટિંગ તેની ખૂબી છે, છતાં ત્રણ કલાક અને 40 મિનિટની લંબાઈ એ આ ફિલ્મનું નકારાત્મક પાસું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન