'ધરતી પરનું નરક' : અમેરિકાની એ ખતરનાક જેલ, જ્યાં વેનેઝુએલાના માદુરોને રાખ્યા છે

    • લેેખક, જુઆન ફ્રાન્સિસ્કો અલોન્સો
    • પદ, બીબીસી ન્યૂઝ

જો કોઈ રાષ્ટ્રપતિને મહાભિયોગ બાદ અચાનક જ મુકદ્દમાનો સામનો કરવા માટે અમેરિકા લઈ જવામાં આવે, તો તેમને ક્યાં કેદ રખાતા હોય છે?

વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોને હાલ જ્યાં રાખવામાં આવ્યા છે, તે બ્રૂકલિનના ડિટેન્શન સેન્ટરને અમેરિકાના એક વકીલે "પૃથ્વી પરનું નરક" ગણાવ્યું છે.

સાથે જ વકીલે કહ્યું હતું કે કેટલાક ન્યાયધીશો ગુનેગારોને તે સ્થળે મોકલવાનો ઇનકાર સુધ્ધાં કરી ચૂક્યા છે.

હાથકડી અને બે એન્ટિ-નાર્કોટિક્સ એજન્ટ્સની સુરક્ષા વચ્ચે માદુરો ન્યૂ યૉર્ક પહોંચ્યા, ત્યારે તેમણે મજાકમાં કહ્યું હતું, "શું ગુડ નાઇટને 'બુએનસ નોચેસ' કહેવું યોગ્ય રહેશે? ગુડ નાઈટ! હેપ્પી ન્યૂ યર!"

તે પછી તરત જ તેમને ડ્રગ ઍન્ફોર્સમેન્ટ ઍડમિનિસ્ટ્રેશન (ડીઇએ)ના વડા મથકે લઈ જવાયા હતા.

ત્યાંથી તેમને બ્રુકલિનના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટર (એમડીસી)ની એક ઓરડીમાં રાખવામાં આવ્યા હતા. માદુરો અને તેમનાં પત્ની સિલિયા ફ્લોરેસ સામેના નશીલાં દ્રવ્યો અને હથિયારોના આરોપો આટોપાઈ ન જાય, ત્યાં સુધી તેમને ત્યાં રાખવામાં આવે, એવી શક્યતા છે. માદુરો અને તેમનાં પત્નીએ તેમની સામેના આરોપોને નકારી દીધા છે.

માદુરોને જ્યાં રખાયા એ જેલ કેટલી ખતરનાક છે?

બ્રુકલિન બરોમાં આવેલી એમટીસી કૉંક્રિટ અને સ્ટીલની એક બહુમાળી જેલ છે.

તે બંદરથી અમુક મીટરના અંતરે અને ફિફ્થ એવન્યૂ, સેન્ટ્રલ પાર્ક તેમજ અન્ય લોકપ્રિય પ્રવાસન સ્થળોથી લગભગ પાંચ કિલોમીટર દૂર આવેલી છે.

આ સેન્ટર 1990ના દાયકાનાં પ્રારંભિક વર્ષોમાં શહેરની જેલોમાં થઈ રહેલો કેદીઓનો ભરાવો ઓછો કરવા માટે શરૂ કરાયું હતું.

હાલ જ્યાં સેન્ટર આવેલું છે, ત્યાં એક સમયે બંદર પર ઠલવાતા કે જહાજોમાં લાદવામાં આવતા માલ-સામાનનો સંગ્રહ કે વિતરણ કરવામાં આવતું હતું.

આ ડિટેન્શન સેન્ટરનો મુખ્ય આશય મેનહટ્ટન તથા બ્રુકલિનની અદાલતોમાં અદાલતી કાર્યવાહીની રાહ જોઈ રહેલાં મહિલા અને પુરુષ કેદીઓને રાખવાનો હોવા છતાં, ફેડરલ બ્યૂરો ઑફ પ્રિઝન (બીઓપી)ની વેબસાઇટ અનુસાર, ટૂંકા ગાળાની સજા ભોગવી રહેલા અપરાધીઓને પણ ત્યાં રાખવામાં આવે છે.

તે ન્યૂ યૉર્કના ફેડરલ બ્યૂરો ઑફ પ્રિઝન્સ સંચાલિત એકમાત્ર અટકાયતી કેન્દ્ર છે. ફેડરલ બ્યૂરો ઑફ પ્રિઝન્સે મેનહટ્ટનમાં આવેલું આવું જ એક કેન્દ્ર 2021માં બંધ કરી દીધું હતું. 2019માં દોષિત લૈંગિક અપરાધી જેફ્રી એપ્સ્ટિને રહસ્યમય સંજોગોમાં આપઘાત કર્યા બાદ આ નિર્ણય લેવાયો હતો.

અમેરિકન ઍટર્નીના કાર્યાલય અને બે ફેડરલ કોર્ટહાઉસની વચ્ચે આવેલા આ ડિટેન્શન સેન્ટરની ફરતે સ્ટીલ બેરિયર્સ અને લાંબા અંતરનાં દૃશ્યો લેવા માટે સક્ષમ કૅમેરા ગોઠવાયેલા છે.

માદુરોના આગમન પછી બહારની સુરક્ષા વધુ મજબૂત કરી દેવાઈ છે.

પબ્લિક બ્રૉડકાસ્ટિંગ સર્વિસ (પીબીએસ)ના જણાવ્યા પ્રમાણે, કેન્દ્રને અત્યંત સલામત ડિઝાઇન કરવામાં આવ્યું હોવા છતાં, તેમાં રમત-ગમતની સુવિધાઓ, તબીબી એકમો તથા પુસ્તકાલય પણ છે.

માધ્યમોના અહેવાલો પ્રમાણે, ત્યાંના કેદીઓ દિવસનો મોટા ભાગનો સમય અત્યંત નાની ઓરડીઓમાં વિતાવે છે. સેન્ટર અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી પૂરી પાડવામાં આવી નથી.

જેલનું 'અમાનવીય વાતાવરણ'

માધ્યમોના અહેવાલો અનુસાર, 1,000 લોકોને રાખવા માટે બંધાવાયેલા આ સેન્ટરમાં 2019માં 1,600 લોકોને રાખવામાં આવ્યા હતા. પીઓપીની વેબસાઇટ પ્રમાણે, અત્યારે ત્યાં 1,330 કરતાં વધુ લોકોને અટકાયત હેઠળ રખાયા છે.

એપી ન્યૂઝ એજન્સી દ્વારા નવેમ્બર, 2024માં અદાલતી દસ્તાવેજોને ટાંકીને પ્રકાશિત કરવામાં આવેલી વિગતો અનુસાર, સેન્ટર ભલામણ કરાયેલા કર્મચારીઓના માત્ર અડધા સ્ટાફ સાથે ચાલી રહ્યું છે.

નિષ્ણાતો જણાવે છે કે, કેદીઓનો વધુ પડતો ભરાવો અને સ્ટાફની અછત એ એમટીસીમાં વારંવાર થતી હિંસાનાં મુખ્ય કારણો છે.

બિલ્ડિંગની માળખાકીય સુવિધા પણ ચિંતાનો વિષય છે.

2019માં વીજકાપને કારણે સેન્ટર અંદર રહેતા લોકોએ દિવસો સુધી હાડ થીજવતી ઠંડીમાં હીટિંગ વિના રહેવું પડ્યું હતું.

"એમટીસીનું વાતાવરણ અસ્વીકાર્ય અને અમાનવીય છે," એમ ન્યૂ યૉર્કના તત્કાલીન ઍટર્ની જનરલ લેટિટિયા જેમ્સે કહ્યું હતું.

અટકાયત કેન્દ્રની કંગાળ સ્થિતિ મામલે તેમણે સરકાર સામે કેસ પણ દાખલ કર્યો હતો. તેમણે કહ્યું હતું, "કોઈ વ્યક્તિ જેલમાં કેદ હોય, તેનો અર્થ એ નથી કે, તેને માનવ અધિકારોથી વંચિત કરી દેવી જોઈએ."

ન્યૂ યૉર્ક ટાઈમ્સ સાથે વાત કરનારા વકીલ એન્ડ્રૂ ટાલક જેવા લોકોએ આ જેલને "પૃથ્વી પરનું નરક" ગણાવી હતી.

ટાલકે 2024માં સાથી કેદીઓએ ચાકુ મારીને મોતને ઘાટ ઉતારેલા એડવિન કોર્ડેરોના બચાવમાં ઉપરોક્ત નિવેદન કર્યું હતું.

2021થી લઈને 2024 દરમિયાન અહીં ઘણા કેદીઓએ આત્મહત્યા કરી હોવાનું પણ કહેવાય છે.

જેલમાં ભ્રષ્ટાચારની ફરિયાદો

સેન્ટરની કંગાળ સ્થિતિથી અસંતુષ્ટ ન્યાયાધીશો કેદીઓને ત્યાં મોકલતાં ખચકાય છે.

જિલ્લા ન્યાયાધીશ ગેરી બ્રાઉને ઑગસ્ટ, 2024માં જણાવ્યું હતું કે, કરચોરીના 75 વર્ષીય આરોપીને જો પોલીસ બ્રુકલિન મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટર મોકલશે, તો તેઓ આરોપીની નવ માસની જેલવાસની સજા રદ કરી દેશે અને તેના બદલે તેને ઘરમાં નજરકેદ રાખશે.

"અહીંના હિંસક બનાવો દેખરેખનો અભાવ, શાંતિભંગ અને પ્રાણઘાતક વહીવટના અરાજકતાભર્યા માહોલ તરફ ધ્યાન દોરે છે," એમ ધ ઇન્ડિપેન્ડન્ટે બ્રાઉનને કહેતા ટાંક્યા હતા.

આ ઉપરાંત, ભ્રષ્ટાચારના સમાચારો પણ સપાટી પર આવતા રહે છે.

ગયા વર્ષે માર્ચમાં હિંસા તથા પ્રતિબંધિત ચીજો રાખવાને લગતા 12 જુદા-જુદા કેસમાં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે (કેદીઓ અને ભૂતપૂર્વ અધિકારીઓ સહિત) 25 લોકો સામે તપાસનો આદેશ આપ્યો હતો.

અગાઉના નિવેદનમાં બીઓપીએ કહ્યું હતું, "અમને સોંપવામાં આવેલી વ્યક્તિઓનું રક્ષણ કરવું તેમજ જેલના સ્ટાફ અને સમુદાયની સલામતીની જાળવણી કરવી, એ અમારું કર્તવ્ય છે."

એમટીસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર ખાતેના પ્રશ્નોનું નિવારણ કરવા માટે એક ઇમર્જન્સી ઍક્શન ટીમની રચના કરવામાં આવી છે તેમજ વધુ સ્ટાફની ભરતી કરીને જાળવણીનું પડતર કાર્ય સંપન્ન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

કોર્ડેરો તથા અન્ય વ્યક્તિઓનાં મોત બાદ કેટલીક ધરપકડો પણ કરાઈ હતી.

અહીં અન્ય જાણીતી હસ્તીઓ પણ અટકાયતમાં રહી

બ્રુકલિન મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરની ભયાનક સ્થિતિ છતાં અમેરિકન અધિકારીઓએ મહત્ત્વની વ્યક્તિઓને ત્યાં મોકલવાનું ચાલુ રાખ્યું છે.

જેમકે, માદુરો અહીં કેદ થનારા પ્રથમ લેટિન અમેરિકન રાજકીય નેતા નથી.

હોન્ડુરાસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જુઆન ઓરલેન્ડો હર્નાડેઝને ગત જૂન સુધી ત્રણ વર્ષ કરતાં વધુ સમય માટે આ કેન્દ્રમાં કેદ રખાયા હતા.

અમેરિકાની ફેડરલ કોર્ટે નશીલાં દ્રવ્યોની હેરફેર બદલ તેમને 45 વર્ષની કેદની સજા સંભળાવી, તે પછી તેમને અન્ય જેલ સંકુલમાં ખસેડવામાં આવ્યા હતા.

જોકે, ગત ડિસેમ્બરમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને માફ કરી દીધા હતા.

મૅક્સિકોના ભૂતપૂર્વ જાહેર સુરક્ષા સચિવ જેનેરો ગાર્સિયા લુના પણ આ ડિટેન્શન સેન્ટરની એક ઓરડીમાં કેદ છે.

આ ઉપરાંત, મૅક્સિકોનો કુખ્યાત ડ્રગ તસ્કર જોકિન "એલ ચાપો" ગુઝમેન પણ અહીં કેદ હતો.

આ ઉપરાંત મૅક્સિકોના નાગરિક તથા સિનાલોઆ કાર્ટેલના એક નેતા ઇસ્માઇલ "એલ માયો" ઝામ્બાડાને નશીલાં દ્રવ્યોની હેરાફેરી અંગેની પૂછપરછ માટે હજુયે આ જ ઇમારતમાં રાખવામાં આવ્યો છે.

11મી સપ્ટેમ્બર, 2001ના રોજ ન્યૂ યૉર્કના ટ્વિન ટાવર્સ પરના હુમલા પછી ધરપકડ કરાયેલા અલ કાયદાના સભ્યો પણ અહીં કેદ હતા.

પ્રસિદ્ધ રૅપર અને સંગીતકાર શોન "ડીડી"ને પણ અમુક મહિનાઓ માટે આ જ અટકાયત કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો.

એક દાયકા કરતાં વધુ સમય સુધી મહિલાઓની પજવણી કરવાના આરોપમાં દોષિત ઠર્યા બાદ અને ચાર વર્ષના જેલવાસની સજા થયા બાદ તેને ન્યૂ જર્સીની અન્ય એક જેલમાં ખસેડવામાં આવ્યો હતો.

એપસ્ટિનનાં સાથી અને ભૂતપૂર્વ આસિસ્ટન્ટ ઘિઝલેઇન મેક્સવેલ, દેવાળું ફૂંકનારા એફટીએક્સ ક્રિપ્ટો પ્લૅટફૉર્મના સ્થાપક સેમ બેન્ક્સમેન-ફ્રાઇડ તથા નાણાકીય છેતરપિંડી આચરવા બદલ ત્રણ વર્ષના જેલવાસની સજા કાપનારા ટ્રમ્પના ભૂતપૂર્વ અંગત વકીલ માઇકલ કોહેન પણ બ્રુકલિન ડિટેન્શન સેન્ટરમાં કેદવાસ ભોગવી ચૂકેલા ભૂતપૂર્વ કેદીઓ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન