You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅનેડામાં ગુજરાતીઓ સહિત લાખો ભારતીયો પર જોખમ, લીગલ સ્ટેટસ ગુમાવશે તો શું થશે?
વિદેશમાં ભણવા અને કાયમ માટે સેટલ થવા માગતા ભારતીયોમાં અમેરિકાની સાથે સાથે કૅનેડા એક મનપસંદ દેશ છે, પરંતુ કૅનેડાએ હવે ઈમિગ્રેશનના નિયમો વધુ ચુસ્ત બનાવવાનો નિર્ણય લીધો છે. તેના કારણે 2028 સુધીમાં કૅનેડામાં પર્મેનન્ટ રેસિડન્ટ્સ, વિદેશી વિદ્યાર્થીઓ, ટેમ્પરરી વર્કર્સ અને રેફ્યુજીની સંખ્યામાં મોટો ઘટાડો થવાની શક્યતા છે.
એક અંદાજ પ્રમાણે કૅનેડાના નવા નિયમોના કારણે ત્યાં વસતા લગભગ 10 લાખથી વધુ ભારતીયો થોડા જ સમયમાં પોતાનું લીગલ સ્ટેટસ ગુમાવી શકે છે.
આ એવા લોકો છે જેઓ અહીં ભણે છે અને કામ કરે છે. તેમના વિઝા એક્સપાયર થાય ત્યારે તેમને ડિપોર્ટ કરવામાં આવે તેવી સંભાવના છે.
અહીં કૅનેડાની નવી ઇમિગ્રેશન નીતિ વિશે વાત કરીએ જેના કારણે ભારતીયો સહિત લાખો વિદેશીઓને અસર થવાની શક્યતા છે.
પીઆરની સંખ્યામાં કાપ મુકાશે
ભારતીયો એ કૅનેડામાં સૌથી ઝડપથી વૃદ્ધિ કરી રહેલો વર્ગ છે. ફૉર્બ્સના અહેવાલ પ્રમાણે 2013થી 2023 વચ્ચે કૅનેડામાં ભારતીય ઇમિગ્રન્ટ્સની સંખ્યા 326 ટકા વધીને 1.40 લાખ સુધી પહોંચી હતી. છેલ્લા બે દાયકામાં કૅનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ 5800 ટકા વધ્યું છે.
હવે લિબરલ પાર્ટીના વડા પ્રધાન માર્ક કાર્ની એ ઇમિગ્રેશન નીતિમાં ફેરફાર કર્યા છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના સમયથી કૅનેડામાં ઇમિગ્રેશનના નિયમો ચુસ્ત બનવાના શરૂ થયા હતા. કોવિડ વખતે ઇમિગ્રેશનના નિયમોમાં રાહત આપવામાં આવી તેના કારણે વધારે પડતા લોકો કૅનેડામાં આવી ગયા હતા એવું જસ્ટિન ટ્રુડોનું પણ માનવું હતું.
કૅનેડા સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે 2026થી 2028 વચ્ચે કૅનેડામાં પર્મેનન્ટ રેસિડન્ટની સંખ્યા 3.80 લાખ પર સ્થિર રાખવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2027ના અંત સુધીમાં કૅનેડામાં ટેમ્પરરી રેસિડન્ટ્સની સંખ્યા કુલ વસતીના પાંચ ટકાથી ઓછી રાખવાનો લક્ષ્ય છે. તે મુજબ 2026માં 3.85 લાખ નવા ટેમ્પરરી રેસિડન્ટને પ્રવેશ અપાશે જ્યારે 2027 અને 2028માં આ સંખ્યા 3.70 લાખ રહેશે.
2024માં કૅનેડાએ 4.83 લાખ લોકોને પર્મેનન્ટ રેસિડન્સી આપી હતી જ્યારે 2025માં આ 3.95 લાખની મર્યાદા નક્કી કરવામાં આવી હતી.2026માં 3.80 લાખ પર્મેનન્ટ રેસિડન્સી અપાશે.
ભારતીયો માટે ચિંતા શા માટે?
એક અંદાજ પ્રમાણે 2025ના અંતમાં કૅનેડામાં લગભગ 1.5 લાખથી વધારે ભારતીયોની વર્ક પરમિટ ખતમ થઈ ગઈ હશે. ઇમિગ્રેશન કન્સલ્ટન્ટને ટાંકીને જણાવાયું છે કે 2026ના અંતમાં વધુ 9.27 લાખ ભારતીયોની પરમિટ એક્સપાયર થવાની છે.
આ દરમિયાન તેઓ નવા વિઝા ન મેળવે અથવા પર્મેનન્ટ રેસિડન્સી પ્રાપ્ત નહીં કરી શકે તો ભારતીયો લીગલ સ્ટેટસ ગુમાવશે.
આ ઉપરાંત કૅનેડામાં રેફ્યુજીની સંખ્યા પર પણ નિયંત્રણ આવશે અને તેની સંખ્યા 12 હજાર ઘટાડીને 56,200 કરવામાં આવશે.
કૅનેડામાં સ્ટુડન્ટ ઍડમિશનમાં પણ કાપ મુકાશે. 2026માં 1.55 લાખ નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે જ્યારે ત્યાર પછીના વર્ષમાં આ સંખ્યા ઘટીને 1.50 લાખ થશે.
કૅનેડામાં ઇમિગ્રેશનમાં કાપની અસર
કૅનેડાની ઉદાર ઇમિગ્રેશન નીતિના કારણે તેની વસ્તીમાં ઝડપથી વધારે થઈ રહ્યો હતો, પરંતુ બીબીસીના અહેવાલ પ્રમાણે ઇમિગ્રેશન પર નિયંત્રણ લાદવામાં આવ્યાં ત્યારથી કૅનેડાની વસ્તી ઘટી છે.
જેમ કે જુલાઈ અને ઑક્ટોબર મહિના વચ્ચે કૅનેડાની વસ્તીમાં 76 હજારનો ઘટાડો થયો હતો. તેનું કારણ એ છે કે 2027 સુધીમાં કૅનેડાની કુલ 4.16 કરોડની વસ્તી સામે ટેમ્પરરી રેસિડન્ટની સંખ્યા પાંચ ટકા સુધી રાખવાનો નિર્ણય લેવાયો છે.
અગાઉ ઇમિગ્રેશન નીતિ ઉદાર હતી ત્યારે 2022માં પહેલી વખત કૅનેડાની વસ્તીમાં 10 લાખ કરતા વધુ ઉછાળો આવ્યો હતો. ઑક્ટોબર મહિનાના આંકડા મુજબ કૅનેડામાં 28 લાખથી વધારે નોન-પર્મેનન્ટ રેસિડન્ટ હતા જે કુલ વસ્તીના 6.8 ટકાથી વધુ થાય છે.
2022માં કૅનેડાની સંઘ સરકારે જાહેરાત કરી હતી કે 2025 સુધીમાં દર વર્ષે પાંચ લાખ ઇમિગ્રન્ટ્સને પ્રવેશ આપવામાં આવશે. તે પ્રમાણે, 2025 સુધીમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા વધારી 15 લાખ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં તત્કાલીન ટ્રુડો સરકારે તેની નીતિ બદલી હતી.
વર્ક પરમિટ ખતમ થાય પછી શું થાય?
કૅનેડામાં વસતા ટેમ્પરરી રેસિડન્ટની મુદત પૂરી થાય ત્યાર પછી તેમને આઈઆરસીસી (ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ કૅનેડા) દ્વારા પરમિટ રિન્યૂ કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવે છે. તેમણે વર્ક પરમિટ ફી ઉપરાંત 255 ડૉલર ચૂકવવા પડે છે.
એક વખત નવી પરમિટ મળી જાય ત્યાર પછી કામ કરી શકાય છે. પરંતુ પરમિટ મળવાની બાકી હોય ત્યાં સુધી કામ કરવાની મંજૂરી હોતી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન