વર્લ્ડકપ : એ પાંચ કારણો જેના લીધે ટીમ ઇન્ડિયા ફાઇનલ સુધી ‘અજેય’ રહી

ઇમેજ સ્રોત, Getty Images
પાછલા લગભગ દોઢ મહિનાથી ભારત અને સમગ્ર વિશ્વમાં ‘છવાયેલો વનડે વર્લ્ડકપનો ક્રિકેટ ફીવર’ તેના રોમાંચક અંત તરફ આગળ વધી રહ્યો છે.
અનેક રોમાંચક અને રસાકસીભર્યા મુકાબલાનું નિમિત્ત બનેલી આ ટુર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો વિશ્વના બે સૌથી મોટા ક્રિકેટ પ્રતિસ્પર્ધી દેશો વચ્ચે યોજાવાનો છે.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ રસપ્રદ રહેવાના અણસારેય વ્યક્ત કરી દેવાયા હતા.
હવે જ્યારે આવનારા ‘રસપ્રદ મુકાબલા’ની વાત થઈ રહી છે ત્યારે આ સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ દ્વારા કરાયેલા ‘રસપ્રદ અને અભૂતપૂર્વ પર્ફૉર્મન્સ’ને પણ ન ભૂલવો જોઈએ.
આ વર્લ્ડકપમાં ભારતીય ટીમ કંઈક અલગ જ ફૉર્મમાં જણાઈ રહી છે. ગત 5 ઑક્ટોબરથી લીગ મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે પોતાની વર્લ્ડકપની સફરની શરૂઆત કરનાર ટીમ ઇન્ડિયા અત્યાર સુધી એકેય મૅચમાં હારી નથી.
ભલે પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર ખડો કરી દેવાનું પરાક્રમ હોય કે આક્રમક અંદાજમાં રનચેઝ ટીમ ઇન્ડિયા પાસે જાણે જીત માટેની બધી સામગ્રી તૈયાર જ પડી છે.
ટીમની ઘાતક બૉલિંગ લાઇનઅપથી માંડીને અદ્ભુત બેટિંગ પ્રદર્શનનાં ક્રિકેટવિશ્વમાં ભારે પ્રશંસા કરાઈ રહી છે.
ક્રિકેટ એ ટીમ ગેમ છે. પરંતુ દરેક ટીમની જીત પાછળ કેટલાંક મહત્ત્વપૂર્ણ પરિબળો જરૂર કામ કરતાં હોય છે. એવી જ રીતે આ વર્લ્ડકપમાં ભારતના અત્યાર સુધીના ‘અજેય પર્ફૉર્મન્સ’ પાછળ કેટલાંક કારકો જવાબદાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિક્રમી વિરાટ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્લ્ડકપમાં ભારતના સાતત્યપૂર્ણ પર્ફૉર્મન્સમાં આંખે ઊડીને વળગે એ હકીકત છે ટીમના બેટિંગક્રમના આધારસ્તંભ મનાતા વિરાટ કોહલીનું ફૉર્મ અને જબરદસ્ત પ્રદર્શન.
વિરાટ કોહલીની બેટિંગ અને તેમનું આક્રમક વલણ એ વર્લ્ડકપમાં ભારત અને પ્રતિસ્પર્ધી ટીમ વચ્ચે મહત્ત્વપૂર્ણ તફાવત બનીને સામે આવ્યો હતો.
આ વાતની સાક્ષી તેમના આ વર્લ્ડકપમાં તેમના આંકડા પૂરે છે. અત્યાર સુધી ભારતે રમેલી દસ મૅચોમાં તેઓ 101 રનની સરેરાશ સાથે રમીને 711 રન બનાવી ટુર્નામેન્ટના ટૉપ સ્કોરર બની ગયા છે.
એટલું જ નહીં વનડે વર્લ્ડકપમાં આજ દિન સુધી સૌથી વધુ રન બનાવવા મામલે તેમણે ક્રિકેટના ‘માસ્ટર બ્લાસ્ટર’ સચીન તેંડુલકરનેય પાછળ છોડી દીધા છે.
વર્લ્ડકપમાં અત્યાર સુધી તેઓ ત્રણ વખત સદી ફટકારી ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી ચૂક્યા છે. વિરાટની ઇનિંગો એટલા માટે પણ ખાસ રહી કારણ કે ભારતની જીતની સાથોસાથ તેમનું પ્રદર્શન ક્રિકેટવિશ્વમાં નવા કીર્તિમાનો સર્જી રહ્યું છે.
પછી ભલે વનડેમાં 50 સદી બનાવનાર પ્રથમ પ્લેયર બનવાની હોય કે રનચેઝમાં ગજબ સરેરાશ જાળવવાનું તેમનું કારનામું.
અત્યાર સુધી તેઓ વર્લ્ડકપમાં પાંચ વખત અર્ધ સદીનો આંકડો પાર કરી ચૂક્યા છે.
તેમના આ બધા રેકૉર્ડોએ વર્લ્ડકપના રોમાંચને વધુ ‘વિરાટ’ બનાવી દીધો છે.
રોહિત શર્મા : ટીમ ઇન્ડિયાના આક્રમણનું સુકાન

ઇમેજ સ્રોત, ALEX DAVIDSON-ICC/ICC VIA GETTY IMAGES
આ વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાના સુકાની રોહિત શર્માનું નામ મૅચ પહેલાં અને બાદમાં છપાયેલા અહેવાલોમાં ગેમમાં તેમના પ્રદર્શન અને ફાળાની ઝાઝી ચર્ચા જામેલી નથી જોવા મળી.
પરંતુ ટીમ ઇન્ડિયાના સુકાની રોહિત ખૂબ જ કુશળતાપૂર્વક ટીમના વહાણને અનેક પડકારો પર કરીને ફાઇનલમાં સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે.
કપ્તાન તરીકેના સચોટ-અસરકારક નિર્ણયો હોય કે ઓપનર બૅટ્સમૅન તરીકેની જવાબદારી ગેમના દરેક પાસામાં તેમણે ‘ડિસ્ટિંક્શન’ સાથે સફળતા હાંસલ કરી બતાવી છે.
નિષ્ણાતો મુજબ વર્લ્ડકપમાં તેમની કપ્તાનીમાં કપિલદેવ જેવી દૃષ્ટિ, સૌરવ ગાંગુલી જેવું આક્રમક વલણ, દ્રવિડ જેવું ધૈર્ય અને ધોનીના શાંત સ્વભાવ-દૃઢ મનોબળનું અજબ સંયોજન જોવા મળ્યું છે.
વર્લ્ડકપમાં એક પણ મૅચ ન હારીને રોહિત શર્માએ દર્શાવ્યું કે ટીમમાં જરૂર હોય ત્યારે ફેરફાર કરવાના સાહસની વાત હોય કે મુશ્કેલ પરિસ્થિતિમાં તેમની એકસૂત્રતા જાળવવાની તેમનામાં કાબેલિયત છે.
ક્યારેય દબાણને પોતાના પર કે ટીમ પર હાવી ન થવા દેતા કપ્તાન રોહિત શર્માની કૅપ્ટન્સી સ્કિલની ક્રિકેટરસિકો સહિત ક્રિકટજગતના દિગ્ગજો વખાણ કરતા નથી થાકી રહ્યા.
આ ટુર્નામેન્ટમાં કપ્તાન તરીકેના પોતાના કૌશલ્યનો પરચો આપવાની સાથોસાથ ટુર્નામેન્ટમાં ઘણા પ્રસંગો એવાં જોવા મળ્યાં છે, જ્યાં તેમણે ટીમના ઓપનર તરીકે કરેલા આક્રમક પ્રદર્શને ટીમને પ્રતિસ્પર્ધી સામે ‘ફ્રન્ટફૂટ પર લાવી દેવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા’ ભજવી છે.
ઓપનર તરીકેની તેમની પ્રારંભિક ફટકાબાજીથી ઘણી વાર આ વર્લ્ડકપની મૅચોમાં પ્રતિસ્પર્ધી ટીમનું મનોબળ શરૂઆતમાં ધ્વસ્ત કરી ટીમ માટે જીતનો પાયો નાખવામાં તેઓ સફળ રહ્યા છે.
અત્યાર સુધીની દસ મૅચોમાં રોહિત શર્મા 55ની સરેરાશ સાથે 550 રન બનાવી ચૂક્યા છે. જેમાં એક સદી અને ત્રણ અર્ધ સદી સમાવિષ્ટ છે. વર્લ્ડકપમાં ટૉપ સ્કોરરની યાદીમાં તેઓ પાંચમા ક્રમે છે.
કપ્તાનીના દબાણનો ઓછાયો તેમની બેટિંગ પર તેમણે પડવા દીધો નથી. એ વાતની સાબિતી છે આ વર્લ્ડકપમાં સૌથી વધુ (28) છગ્ગા ફટકારવાનો તેમનો રેકૉર્ડ.
ન્યૂઝીલૅન્ડ સામેના સેમિફાઇનલ બાદ દિગ્ગજોએ કરેલાં તેમનાં વખાણ એક ખેલાડી અને કપ્તાન તરીકેની તેમની કાબેલિયતની સાક્ષી પૂરે છે.
તેમનાં વખાણ કરતાં ઇંગ્લૅન્ડ ભૂતૂપૂર્વ કપ્તાન નાસિર હુસૈને કહેલું, “કાલે હેડલાઇનમાં મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર છવાયેલા હશે, પરંતુ જો ભારતીય ટીમની વાત કરાય તો તેના અસલી હીરો રોહિત શર્મા છે. તેમણે ભારતની રમત બદલી નાખી છે. આ ટીમ ગભરાઈને પીછેહઠ નથી કરતી, પરંતુ આગળ આવીને આક્રમક રમતનું પ્રદર્શન કરે છે.”
'શાનદાર' શમી અને ભારતની 'મૅચવિનર બૉલિંગ ત્રિપુટી'

ઇમેજ સ્રોત, ANI
વર્લ્ડકપની પ્રારંભિક મૅચો બાદ જ્યારે ન્યૂઝીલૅન્ડ સામેની પાંચમી મૅચમાં શમીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું ત્યારે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે શમી માત્ર છ મૅચોમાં જ વર્લ્ડકપના બીજા તમામ ધુરંધર બૉલરોને પાછળ છોડી વર્લ્ડકપના ટોચના બૉલર બની જશે.
પોતાની ઝડપ અને લાઇન-લૅન્થથી વિરોધી ટીમના બૅટ્સમૅનોને આશ્ચર્યચકિત કરી દેનારા શમીએ આ વખત વર્લ્ડકપમાં કંઈક એવું તો પ્રદર્શન કરી બતાવ્યું કે ન માત્ર સમગ્ર ક્રિકેટજગત પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી જેવી રાજકીય હસ્તીઓએ પણ શમીના પ્રદર્શનને ‘યાદગાર’ ગણાવ્યું હતું.
શમીએ વર્લ્ડકપની પાછલી છ મૅચોમાં બૉલ વડે એવો તો તરખાટ મચાવ્યો છે કે કોહલી, શ્રેયસ અય્યર, રોહિત શર્મા અને શુભમન ગિલ જેવા ધુરંધર ખેલાડીઓના જબરદસ્ત બેટિંગ પ્રદર્શનો છતાં ત્રણ મૅચમાં શમીને ‘પ્લેયર ઑફ ધ મૅચ’નો ખિતાબ મળી ચૂક્યો છે.
તેઓ હાલ વર્લ્ડકપમાં માત્ર છ મૅચમાં 23 વિકેટ ઝડપીને સૌથી વધુ વિકેટ ખેરવનાર બૉલરોની યાદીમાં ટોચ પર છે.
ક્રિકેટજગતના ધુરંધરો આ વર્લ્ડકપમાં શમીની બૉલિંગને ‘અનપ્લેએબલ’ ગણાવીને બિરદાવી રહ્યા છે.
શમીની સાથોસાથ પેસર બુમરાહ અને મોહમ્મદ સિરાજની જોડીએ પણ ટીમના પેસ બૉલિંગ આક્રમણને ‘અભૂતપૂર્વ’ ધાર આપી દીધી હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ ત્રિપુટીએ અત્યાર સુધી થયેલી દસ મૅચોમાં પોતાના ‘મૅચ વિનિંગ’ પર્ફૉર્મન્સે વિરોધી ટીમના બેટિંગ ઑર્ડરનું મનોબળ તોડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
અત્યાર સુધી આ ત્રિપુટી વર્લ્ડકપમાં 54 વિકેટો લઈ સામેની ટીમના મનમાં પોતાની ધાક બેસાડવામાં કામિયાબ રહી છે.
શ્રેયસ અય્યરની પ્રતિભાથી થયું મિડલ ઑર્ડર બન્યું મજબૂત

ઇમેજ સ્રોત, Getty Images
વર્લ્ડકપ પહેલાં ક્રિકેટના જાણકારોને ભારતની ટીમ અંગે સૌથી વધુ ‘ચિંતા જન્માવતી બાબતોમાં ટીમનો મિડલ ઑર્ડર’ એક લાગતો હતો.
ઘણાને ચિંતા હતી કે પાછલા ઘણા સમયથી ટીમ તેના શરૂઆતના અમુક બૅટ્સમૅનોના જબરદસ્ત અને એકતરફી પર્ફૉર્મન્સના દમ પર જીત સુનિશ્ચિત કરી રહી હતી. આ સમયે ભારતે વર્લ્ડકપ જીતવાનું પોતાનું સ્વપ્ન પૂરું કરવા માટે ટીમના મિડલ ઑર્ડરને મજબૂત કરવાની જરૂરિયાત પણ ભાર મુકાયો હતો.
આ ચિંતા ત્યારે વધુ ઘેરી બની જ્યારે વર્લ્ડકપમાં અધવચ્ચે જ મિડલ ઑર્ડરના મહત્ત્વપૂર્ણ આધાર એવા હાર્દિક પંડ્યાને ટીમથી બહાર થવું પડ્યું.
પરંતુ વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની મિડલ ઑર્ડરની મજબૂતીની આ કમીને શ્રેયસ અય્યરે પોતાના ‘જવાબદાર પ્રદર્શન અને ગજબ પ્રતિભાના દમ’ પર પૂરી કરી છે.
શ્રેયસ અય્યર પોતાની આક્રમક બેટિંગ સ્ટાઇલના બળે ભારતીય ટીમની ચિંતાના કારણ એવા મિડલ ઑર્ડરને ‘ટીમની તાકત’માં તબદીલ કરી દીધો.
તેઓ મૅચ ફિનિશર તરીકેની ભૂમિકા ભજવવાની સાથોસાથ અંતિમ ઓવરોમાં એવી ફટકાબાજી કરે છે કે જેથી સામેની ટીમ માટે રન બનવાની ગતિ ઘટાડી ટીમ ઇન્ડિયાને મોટો સ્કોર બનાવતા રોકવાનું કામ લગભગ અશક્ય લાગવા મંડે છે.
તેમની ધુંઆધાર બેટિંગ સામે અંતિમ ઓવરોની પ્રતિદ્વંદ્વી ટીમની તમામ વ્યૂહરચનાઓ નિરર્થક સાબિત થઈ જાય છે. અને ટીમ એવો સ્કોર બનાવી લે છે જે અમથું જ સામેની ટીમના મનોબળ માટે ઘાતક પુરવાર થાય છે.
પોતાના આ ઘાતક પ્રદર્શનના દમ પર તેઓ વર્લ્ડકપના ટૉપ સ્કોરરની યાદીમાં સાતમા ક્રમે છે. શ્રેયસે વર્લ્ડકપની દસ મૅચોમાં અત્યાર સુધી 75.14 રનની સરેરાશ સાથે બે સદી અને ત્રણ અર્ધ સદીની મદદથી 526 રન બનાવી લીધા છે.
કોચ દ્રવિડની ‘અભેદ્ય વ્યૂહરચના’

ઇમેજ સ્રોત, Getty Images
ટીમ ઇન્ડિયાના આ વર્લ્ડકપમાંના પર્ફૉર્મન્સ માટે ઘણા નિષ્ણાતો ટીમના કોચ રાહુલ દ્રવિડની વ્યૂહરચનાને પણ શ્રેય આપી રહ્યા છે.
કહેવાય છે કે ટીમ ઇન્ડિયાના કપ્તાન જેટલી જ મુશ્કેલીભરી જવાબદારી અને દબાણ ટીમના કોચ પર પણ હોય છે. પરંતુ દ્રવિડે ટીકાકારોના દબાણ છતાં ટીમ માટે દીર્ઘદૃષ્ટિ સાથે કેટલાક એવા નિર્ણયો કર્યા જેનું ફળ હાલ વર્લ્ડકપમાં ટીમના ‘અજેય’ પર્ફૉર્મન્સ સ્વરૂપે મળ્યું છે.
કહેવાય છે કે વર્ષ 2021માં ટીમમાં ભારે ઊથલપાથલની સ્થિતિ વચ્ચે કોચપદ સંભાળનારા દ્રવિડની નજર શરૂઆતથી જ વર્ષ 2023ના વનડે વર્લ્ડકપ પર હતી.
તેઓ આ માટે ઘણા પ્રયોગો કરતા રહ્યા. અને એ પણ નુકસાનના જોખમ છતાં.
તેમણે પોતાના ખેલાડીઓનું સમર્થન કર્યું. જ્યારે ટીમમાં કે. એલ. રાહુલને સામેલ કરવા મામલે ટીકાકારોએ પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે તેઓ આ નિર્ણયના બચાવમાં મજબૂતી સાથે ઊભેલા દેખાયા.
આજે રાહુલ ટીમની કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવી રહ્યા છે, માત્ર તેમની બેટિંગના કારણે નહીં પરંતુ તેમની વિકેટકીપિંગની પ્રતિભાના દમ પર પણ ખરું.
ઘણા લોકોએ શ્રેયસ અય્યરને પણ ટીમમાં સામેલ કરવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા પરંતુ તેઓ ભારતના વર્લ્ડકપના ટૉપ સ્કોરર બૅટ્સમૅનોમાં સામેલ છે.
દ્રવિડે આ વર્લ્ડકપમાં પોતાના બૉલરો પર પણ ખૂબ વિશ્વાસ બતાવ્યો. ખાસ કરીને ફાસ્ટ બૉલિંગમાં. જેમાં મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહની ત્રિપુટી સામેલ છે.
ખરેખર તો રાહુલ દ્રવિડની પ્રક્રિયામાં એ વાત સુનિશ્ચિત કરવાનું સામેલ હતું કે એક મોટી ટુર્નામેન્ટમાં જતા પહેલાં ટીમ પાસે યોગ્ય કૉમ્બિનેશન હોય અને યોગ્ય સમયે ટીમ ફૉર્મમાં હોય.
તેમણે કપ્તાન રોહિત શર્મા સાથે પણ એક વિશ્વાસપાત્ર સંબંધ કેળવ્યો. આ તમામ વ્યૂહરચનાની સફળતાનું પ્રતિબિંબ ભારતના વર્લ્ડકપના પર્ફૉર્મન્સમાં ખૂબ સારી રીતે ઝિલાઈ રહ્યું છે.














