આધાશીશી : શું ફાસ્ટફૂડ આ અસહ્ય દુખાવાને મટાડી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રુથ ક્લૅગ
- પદ, આરોગ્ય તથા સ્વાસ્થ્ય સંવાદદાતા
આ એક એવી પરિસ્થિતિ છે જે યુકેમાં એક કરોડથી વધુ લોકોને અસર કરે છે. આ ભવિષ્ય બદલી શકે છે, કારકિર્દીનો અંત લાવી શકે છે અને દુનિયાને હજુ વધુ નાની કરી શકે છે.
તેથી જ્યારે એવો કોઈ ઉપાય આવે છે, જે આધાશીશીને "મટાડવા" અથવા રોકવાનો દાવો કરે છે તો લોકો તેને અજમાવશે.
આ અવસ્થાની તબીબી સારવાર ઉપલબ્ધ છે, પરંતુ હજુ સુધી તેનો ઇલાજ નથી. ડૉક્ટરની પ્રિસ્ક્રાઇબ કરાયેલી દવાઓ ખૂબ અસરકારક હોઈ શકે છે - પરંતુ તે હંમેશાં કામ નથી કરતી નથી. ઘણા લોકો માટે કોઈ સરળ ઉપાય નથી.
કેટલાક લોકો દુર્બળ કરતી આ પીડાને નિયંત્રિત કરવાની પોતપોતાની રીતો શોધે છે: હેરડ્રાયરથી તેમના ચહેરાને એક બાજુથી હવા આપવી અથવા બરફની થેલી બાંધીને ગરમ પાણીથી સ્નાન કરવું અને સ્મૂધી પીવી.
પરંતુ હવે એક નવો જુગાડ અચાનક વાઇરલ થઈ રહ્યો છે - મૅકમાઇગ્રેન મીલ. ફુલ-ફેટવાળું કોલા અને નમકીન ફ્રાઇસની જોડી સેંકડો લોકો માટે કારગત સાબિત થઈ રહી હોય તેવું લાગે છે. આ લોકો ટિકટૉક (TikTok) પર એના ગુણોની પ્રશંસા કરી રહ્યા છે.
'એવું લાગે છે કે જાણે આંખની કીકી કચડાઈ રહી હોય'

ઇમેજ સ્રોત, Getty Images
ઑક્સફર્ડશાયરના નિક કૂક આધાશીશીના હુમલાની સ્થિતિમાં "દવાઓથી ભરેલું પર્સ" પોતાની સાથે રાખે છે. તેઓ કહે છે કે આ પીડાને દૂર કરવા માટે તે "કોઈ પણ જાતના પ્રયાસ" કરશે.
"જ્યારે તમે આ પરિસ્થિતિ સાથે જીવતા હો અને તમે અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરી રહ્યા છો અને તમારે તે ચાલુ રાખવાની જરૂર છે, ત્યારે તમે કંઈ પણ અજમાવી જુઓ છો."
સૌથી ખરાબ સમયે નિક આંખની આસપાસ એવો દુખાવો અનુભવે છે કે જાણે તેમની આંખની કીકી કચડાઈ રહી હોય. તેઓ કહે છે કે કોલામાં રહેલું કૅફિન અને ખાંડ તેમને મદદરૂપ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"જો હું આ સ્થિતિને જલદી પકડી લઉં તો ક્યારેક-ક્યારેક મને કામ લાગી શકે છે. જ્યારે મારી નજર ઝાંખી થઈ જાય છે અને મને લાગે કે આધાશીશીનું દર્દ ઊપડી રહ્યું છે."
તેઓ ભાર મૂકીને કહે છે કે કોલા પીવાથી આધાશીશીના દર્દથી રાહત આપતી તેની રોજ લેવાની ગોળી ઓમીટ્રિપ્ટીલાઈની જગ્યા આ ઉપચાર નથી લઈ લેતો, પરંતુ આનાથી ક્યારેક તેમને "દિવસના અંત સુધી ટકી રહેવા" માટે મદદ મળે છે.
27 વર્ષીય કાયલી વેબસ્ટર જેમણે આખી જિંદગી ક્રૉનિક માઇગ્રેનનો (દીર્ઘકાલીન આધાશીશી) સામનો કરવો પડ્યો છે, તેમના માટે આધાશીશીના હુમલાને ધીમો પાડવા માટે ફ્રાઇસ પરનું મીઠું મદદરૂપ સાબિત થઈ શકે છે.
"આ મદદ કરી શકે છે," તેઓ સાવધાનીપૂર્વક કહે છે, પરંતુ તે ચોક્કસપણે કોઈ ઇલાજ નથી.
"આધાશીશી એક જટિલ ન્યૂરોલૉજિકલ સ્થિતિ છે અને ફાસ્ટ ફૂડ ભોજનમાં થોડું કેફિન, મીઠું અને ખાંડ નાખીને તેનો ઇલાજ કરી શકાતો નથી."
કાયલીએ વિવિધ દવાઓના કોકટેલ અજમાવ્યા, તેમના પગ ગરમ પાણીમાં રાખવા, માથાના પાછળના ભાગમાં ભીનું કાપડ, ઍક્યુપંકચર, કપિંગ - પરંતુ તેની કોઈ ખાસ અસર થઈ નહીં.
તેમને રાહત આપતી થોડી સારવારોમાંની એક મેડિકલ બોટોક્સ છે - તેમના માથા, ચહેરા અને ગરદનમાં ડઝનબંધ ઇન્જેક્શન આપવામાં આવ્યાં છે. બોટોક્સ આધાશીશી માટે કેવી રીતે કારગત છે તે હજુ પણ સ્પષ્ટ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે ચેતામાંથી છોડવામાં આવતા શક્તિશાળી પીડાના સંકેતોને અવરોધે છે.
આધાશીશી : માથાના દુખાવાથી અલગ

ઇમેજ સ્રોત, Kayleigh Webster
આધાશીશી - દિવસો સુધી રહી શકે છે અને તે માથાના દુખાવાથી ખૂબ જ અલગ છે, જે ટૂંકા ગાળાનું હોય છે અને પેરાસિટામોલ જેવી પેઇનકિલર્સથી આની સારવાર સરળતાથી કરી શકાય છે. આધાશીશીથી માથામાં દુખાવો, ગરદનમાં દુખાવો, નિષ્ક્રિયતા આવે છે, દૃષ્ટિ ઝાંખી પડી શકે છે અને વાણી અને હલનચલનને પણ અસર કરી શકે છે.
ઈસવીસન પૂર્વે 3000ની માનવ ખોપરીઓ દર્શાવે છે કે પ્રાચીન ઇજિપ્તવાસીઓને પણ આધાશીશીની સમસ્યા હતી. આનો લાંબો ઇતિહાસ હોવા છતાં હજુ તેનું ચોક્કસ કારણ અજ્ઞાત છે.
એવું માનવામાં આવે છે કે મગજની આસપાસ રક્તવાહિનીઓ અને ચેતા પેશીઓમાં પીડા રિસેપ્ટર્સ ખોટી રીતે કામ કરે અને ખોટા સંકેતો મોકલે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. પરંતુ આપણે જાણતા નથી કે કેટલાક લોકોમાં આવી અતિશય સંવેદનશીલ નર્વસ સિસ્ટમ શા માટે હોય છે - અને તે કેટલીક વસ્તુઓ પર કેમ પ્રતિક્રિયા આપે છે અને અન્ય પર કેમ નહીં.

ઇમેજ સ્રોત, Eloise Underwood
નિષ્ણાતો કહે છે કે શા માટે ફક્ત કેટલાક લોકો - લગભગ સાતમાંથી એક - ને આ અસર થાય છે.
માઇગ્રેન ટ્રસ્ટના ટ્રસ્ટી અને આધાશીશીમાં નિષ્ણાત ડૉ. કે કેનિસ કહે છે કે મૅકમાઇગ્રેન ભોજનમાં એવાં તત્વો છે, જે હુમલાને રોકવામાં મદદ કરી શકે છે, પરંતુ આ તત્ત્વો "મૅકડોનાલ્ડ્સ" માટે સ્વાભાવિક નથી હોતાં.
ડૉ. કેનિસ કહે છે, "કોકમાં રહેલું કેફિન ચેતા વિક્ષેપક તરીકે કાર્ય કરી શકે છે, તે એક પદાર્થ છે જે ચેતા પ્રવૃત્તિને અસર કરે છે. કેટલાક લોકો માટે આ ખલેલ હકારાત્મક રીતે કાર્ય કરે છે."
"આધાશીશી માટે લોકો કેટલીક પેઇનકિલર્સ લે છે જેમાં કેફિન હોય છે - અને કેટલીક તેને સારો પ્રતિભાવ આપે છે - પરંતુ આપણને સંપૂર્ણપણે ખબર નથી કે શા માટે."
પરંતુ તે નિયમિતપણે આધાશીશીને નિયંત્રિત કરવાના માર્ગ તરીકે કોલા જેવા કેફિનયુક્ત ફિઝી પીણાંનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપે છે.
ડૉ. કેનિસ ઉમેરે છે, "વધુ પડતું કેફિન પણ એક ટ્રિગર બની શકે છે – જે લાંબા ગાળે વધુ ખરાબ પરિસ્થિતિમાં પરિણમી શકે છે."
તેઓ સમજાવતાં કહે છે કે ફાસ્ટ ફૂડ ભોજનમાં અન્ય ઘટકો, જેમ કે ચિપ્સ પરનું મીઠું. આધાશીશી પર સોડિયમની અસરોનું પરીક્ષણ કરવામાં આવ્યું નથી.
ડૉ. કેનિસ ચેતવણી પણ આપે છે કે ફાસ્ટ ફૂડ ઘણી વાર અલ્ટ્રા-પ્રોસેસ્ડ હોય છે અને સ્વસ્થ આહાર માટે અનુકૂળ હોતું નથી, તેમાં ટાયરામાઇનનું ઉચ્ચ સ્તર હોઈ શકે છે, જે સામાન્ય રીતે ઘણા ખોરાકમાં જોવા મળતું કુદરતી સંયોજન છે, જે ખરેખર ગંભીર આધાશીશીનું કારણ બની શકે છે.
એલોઇસ અંડરવૂડ માટે સોશિયલ મીડિયા પર આવતા કોઈ પણ ઝડપી ઉપાય કામ કરતા નથી.
સોશિયલ મીડિયા પર ઇલાજ શોધતા લોકો

ઇમેજ સ્રોત, Nick Cook
ક્રૉનિક માઇગ્રેન (દીર્ઘકાલીન આધાશીશી)થી પીડાતાં એલોઇસ સાત વર્ષથી "જાદુઈ કોકટેલ" શોધી રહ્યાં છે - તેમણે લોકોને ગરમ પાણીમાં પગ નાખવાની ભલામણ કરતા જોયા છે (નિષ્ણાતો દ્વારા ભલામણ કરવામાં આવતી નથી અને સંભવિત રીતે તે ખતરનાક છે); ગરમ કૉફી પીવી (કેફિન ટ્રિગર હોઈ શકે છે); અથવા વિવિધ વાઇબ્રેટિંગ ઉપકરણો જેની થોડી અસર થઈ છે.
એલોઇસ સમજાવે છે, "ઓનલાઇન ઘણા બધા વીડિયો છે જે આપણા બધાની નિરાશાનો લાભ લે છે."
તેમણે ઘણી નોકરીઓ છોડી દીધી છે - ઘણી વાર ઑફિસના વાતાવરણમાં પ્રકાશ અને અવાજ જે તેમની આધાશીશીનું કારણ બને છે. તેમણે તાજેતરમાં ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે કામ કરવાનું બંધ કરી દીધું છે અને હવે તેમણે ઘરેથી લગ્નનાં ફૂલોને પ્રેસ અને ફ્રેમ કરવાનો વ્યવસાય શરૂ કર્યો છે.
તેઓ તેમની આસપાસના અવાજોની તીવ્રતા ઘટાડવા માટે લૂપ ઇયર બડ્સ પહેરે છે, અને તેમણે પોતાના સામાજિક જીવનને પણ મર્યાદિત કરી દીધું છે.
એલોઇસ કહે છે, "લોકો માને છે કે આધાશીશી ફક્ત માથાનો દુખાવો છે, પરંતુ ખરેખર તે તેનું એક લક્ષણ છે."
"મારા માટે આધાશીશી એ આખા શરીરને લગતો અનુભવ છે.
"આધાશીશીએ મારા જીવનને સંપૂર્ણપણે નાનું બનાવી દીધું છે."

ઇમેજ સ્રોત, Kayleigh Webster
NIHR-કિંગ્સ ક્લિનિકલ રિસર્ચ ફેસિલિટીના ન્યૂરૉલૉજિસ્ટ પ્રોફેસર પીટર ગોડ્સબી કહે છે કે વર્ષોના ભંડોળના અભાવ પછી સંશોધને હકારાત્મક પરિણામો આપવાનું શરૂ કરી રહ્યું છે.
તેમના તાજેતરના અભ્યાસ દર્શાવે છે કે હેપેન્ટ્સ તરીકે ઓળખાતી દવાઓ આધાશીશીના હુમલા પહેલાં પીડા રિસેપ્ટર્સના જૂથને અવરોધિત કરી શકે છે, જે પીડા શરૂ થાય તે પહેલાં જ તેને કાપી નાખે છે.
એલોઇસ કહે છે, "કોઈ પણ નવી સારવાર આશાનું કિરણ છે."
"તેઓ કહે છે કે કોઈ પણ દવા દરેક માટે કામ કરશે નહીં - પરંતુ તે કોઈક માટે કામ કરશે."
જીવનશૈલીમાં ફેરફાર પણ ફરક લાવી શકે છે, પ્રોફેસર ગોડ્સબી સમજાવે છે. તે કંટાળાજનક હોઈ શકે છે, પરંતુ મૂળભૂત રીતે - "તમારા મગજનું ધ્યાન રાખો".
"તમે નિયમિત રહો, ઉતાર ચઢાવથી બચો. જો તમે ચેતવણીનાં ચિહ્નો જેમ કે, બગાસું આવવું, ઊંઘ આવવી, મૂડમાં ફેરફાર, વધુ પેશાબ કરવો અને મીઠું અને ખાંડની તલપ અનુભવી શકો છો તો તમારા શરીરને સાંભળો."
"તમારા શરીરને સાંભળો"

ઇમેજ સ્રોત, Getty Images
નિક બરાબર આવું જ કરી રહ્યા છે. બની શકે તેઓ કદાચ કોલા અને મીઠાવાળા ફ્રાઇસ તરફ આર્કષિત થાય, પરંતુ હાલમાં તો તેમણે આધાશીશીને નિયંત્રિત કરવા માટે પોતાનું આખું જીવન ગોઠવ્યું છે.
નિક કહે છે, "હું દારૂ પીતો નથી, વાદળછાયું વાતાવરણ હોય તો પણ હું સનગ્લાસ પહેરી રાખું છું."
"જ્યારે હું અને મારો સાથી દૂર જઈએ છીએ, ત્યારે અમે વસ્તુઓ લઈએ છીએ તેમાંથી અડધી આધાશીશીનો સામનો કરવા માટેની હોય છે."
તાજેતરના એક સપ્તાહના અંતે થયેલી પાર્ટીમાં નિકે તેમના મિત્રોના જીવનમાં તફાવત જોયો.
નિક કહે છે, "તેઓ આખી રાત જાગીને સવાર સુધી દારૂ પીતા હતા."
"હું મારું પોતાનું ઓશીકું, સફરજન, કેળાં, વીટાબિક્સ અને મારા માટે જરૂરી નાસ્તો લઈને આવ્યો હતો. કારણ કે ભૂખ પણ એક મુખ્ય કારણ બની શકે છે."
"હું રાત્રિ સુધીમાં પથારીમાં સૂઈ જાઉં છું - મારા સાથીઓ મને ઓળખે છે, અને તે ઠીક છે, કારણ કે મારે મારું જીવન આ રીતે જ જીવવું પડશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












