You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરા : ‘લગ્નેતર સંબંધ’ રાખવા બદલ યુવાનને જેલની સજા કેમ થઈ?
વડોદરાની એક કોર્ટે ‘લગ્નબહાર સંબંધ’ રાખવા મામલે એક યુવાનને ભારતીય દંડસંહિતાની કલમ 498 (ક) અંતર્ગત માનસિક ત્રાસ આપવાનો દોષિત ગણી ત્રણ માસની સજા ફટકારી છે.
16 ડિસેમ્બરે વડોદરાના જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ડૉ. રાકેશ પરિયાનીએ મામલે ચુકાદો આપ્યો હતો.
નોંધનીય છે કે ભારતીય દંડસંહિતાની કલમ 498 (ક) અંતર્ગત મહિલાના ઉત્પીડન માટે જવાબદાર પતિ કે પતિનાં સગાંને ત્રણ વર્ષ સુધીની સજા અને સજા સાથે દંડની જોગવાઈ કરાયેલ છે.
આ કિસ્સો એટલા માટે પણ જાણવા યોગ્ય બની જાય છે કારણ કે અહીં વાત ‘લગ્નબહારના સંબંધ’ એટલે કે ‘ઍક્સ્ટ્રામૅરિટલ અફેર’ની છે.
શું હતો સમગ્ર મામલો?
ઉપરોક્ત કેસમાં યોગેશભાઈ અરવિંદભાઈ પટેલ નામના શખ્સ અને તેમના પરિવારજનો પર તેમનાં પત્નીએ પાંચ વર્ષ પહેલાં ઘરેલુ હિંસાનો એટલે કે આઈપીસી 498 (ક) અંતર્ગત ગુનો દાખલ કરાવ્યો હતો.
જેમાં તેમણે યોગેશભાઈ અને તેમના પરિવાર પર શારીરિક-માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો હતો.
આ કેસની દલીલો પર એક નજર કરીએ તો કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું છે કે, “બંને પક્ષોની રજૂઆતો સાંભળી, આરોપી યોગેશ પટેલને ભારતીય દંડસંહિતાની કલમ 498 (ક) મુજબ કસૂરવાર ઠરાવવામાં આવ્યા છે. પરંતુ આ મામલે શારીરિક ત્રાસની ફરિયાદનો ગુનો સાબિત થતો નથી પરંતુ તેમનો લગ્નબહારનો સંબંધ હતો અને તેઓ પરસ્ત્રી સાથે મળીને તેમની પત્નીને છૂટાછેડા લેવા માટે દબાણ કરતા હતા. જેથી માનસિક ત્રાસની ફરિયાદ યોગ્ય જણાય છે. આ આરોપ અંતર્ગત તેમને ત્રણ માસની સાદી કેદની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ કરાય છે.”
શું 'ઍક્સ્ટ્રામૅરિટલ અફેર'ને કારણે જેલ થઈ શકે?
ધ હિંદુ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર મદ્રાસ હાઇકોર્ટે આ મુદ્દે પ્રકાશ પાડ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મદ્રાસ હાઇકોર્ટે તેમની સામેના એક કેસમાં ઠરાવ્યું હતું કે, “જો કોઈ વ્યક્તિ લગ્નબહાર સંબંધ બાંધે અને તે ઘરેલુ કંકાસનું કારણ બને તો તેને પત્ની સાથે માનસિક ક્રૂરતા આચરવાના ગુના માટે દોષિત ઠેરવી શકાય.”
હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના એક અગાઉના ચુકાદાનું અર્થઘટન કરતાં આ કેસમાં જણાવ્યું હતું કે, “માનસિક ક્રૂરતાનો કૉન્સેપ્ટ જેતે વ્યક્તિના સામાજિક હોદ્દા, તેની સંવેદનશીલતા અને સહનશીલતા પર આધાર રાખે છે. તેથી તેનું સામાન્ય અર્થઘટન કરવું અઘરું છે. આવી બાબતોમાં દરેક મામલાને અલગ જોવો પડે.”
આ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રૅક્ટિસ કરતાં ઍડ્વોકેટ શિવાની ચાવાલા જણાવે છે કે, “ઍક્સ્ટ્રામૅરિટલ અફેર બાબતે જે તે વ્યક્તિને માનસિક ત્રાસનો અનુભવ થયો છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવી પડે. આમાં દરેક કેસમાં અલગ રીતે તપાસ કરવી પડે.”
“માનસિક ત્રાસ થયાનો દાવો કરતી વ્યક્તિ એ એ માટે શું સારવાર લીધી છે, તેનાથી તેમના જીવનની ગુણવત્તામાં શું ઘટાડો થયો છે, આ બધા મુદ્દા તપાસીને જ કહી શકાય કે માનસકિ ત્રાસ થયો છે કે નહીં. જો થયો હોય તો ઘરેલુ હિંસાની કલમ હેઠળ આરોપી સામે કામ ચલાવી શકાય.”