You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રજ્વલ રેવન્નાને બળાત્કારના ગુનામાં જનમટીપની સજા, આખો મામલો શું છે?
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી માટે, બૅંગ્લુરુથી
જનતા દળ (સેક્યુલર)ના પૂર્વ સાંસદ અને પૂર્વ પીએમ દેવગૌડાના પૌત્ર પ્રજ્જ્વલ રેવન્નાને બળાત્કારના એક મામલામાં આજીવન કેદની સજા સંભળાવાઈ છે.
કોર્ટે તેમને પાંચ લાખનો દંડ પણ ફટકાર્યો છે અને બળાત્કાર પીડિત મહિલાને સાત લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે.
ગત વર્ષે તેમની સામે જાતીય શોષણના ચાર કેસ દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી એકમાં તેમને શુક્રવારે દોષી ઠેરવવામાં આવ્યા હતા.
ગયા વર્ષે તેમના વિરુદ્ધ યૌનશોષણના ચાર કેસ નોંધાયા હતા, જેમાંથી પહેલા કેસમાં તેમને શુક્રવારે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.
પ્રજ્વલ રેવન્ના ઉપર તેના ઘરમાં કામ કરતાં 48 વર્ષીય મહિલા પીડિતા સાથે બળાત્કાર કર્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા.
આ કેસમાં લગાવવામાં આવેલા તમામ આરોપોમાં પ્રજ્વલ દોષિત ઠરેલા છે.
ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે રચાયેલી વિશેષ અદાલતના અધ્યક્ષ ઍડિશનલ સિટી સિવિલ ઍન્ડ સેશન્સ જજ સંતોષ ગજાનન ભટ્ટે આ ચુકાદો આપ્યો.
પ્રજ્વલ રેવન્ના સામેનો કેસ શું છે?
પ્રજ્વલ સામે તત્કાલીન ભારતીય દંડ સંહિતાની (IPC) કલમ 376(2)(કે) (પ્રભાવશાળી વ્યક્તિ દ્વારા બળાત્કાર), 376(2)(એન) (વારંવાર બળાત્કાર), 354(એ) (કપડાં ઉતારવાના ઇરાદાથી હુમલો અથવા બળનો ઉપયોગ), 354(સી) (ગંદી નજરે જોવું), 506 (સાક્ષીઓને પ્રભાવિત કરવા) અને માહિતી ટૅક્નૉલૉજી અધિનિયમની કલમ 66(ઈ) હેઠળ દોષિત ઠેરવવામાં આવેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અભિયોજન પક્ષે 1632 પાનાંની ચાર્જશીટ, ઇલેક્ટ્રોનિક અને ગેર-ઇલેક્ટ્રોનિક પુરાવાઓ સાથે 183 દસ્તાવેજો રજૂ કર્યા હતા. અદાલતે કેસ નોંધાવનાર પીડિતાના પરિવાર સહિત 26 સાક્ષીઓની પૂછપરછ કરી હતી.
અદાલતે આ વર્ષે 2 મેના રોજ કેસની સુનાવણી શરૂ કરી હતી અને કેસ પૂર્ણ કરવા માટે દરરોજ સુનાવણી હાથ ધરી હતી.
અદાલતમાં હાજર વકીલોના જણાવ્યા અનુસાર, જજનો ચુકાદો સાંભળ્યા પછી પ્રજ્વલ રેવન્ના અદાલતમાં જ રડી પડ્યા હતા.
પેન ડ્રાઇવથી ચર્ચામાં આવ્યો હતો યૌન શોષણનો મામલો
વિશેષ તપાસ દળ (SIT)નાં ચાર મહિલા પોલીસ અધિકારીઓ પ્રજ્વલ રેવન્નાને ભારે સુરક્ષા વચ્ચે પરપન્ના અગ્રહારા જેલમાંથી અદાલત સુધી લાવ્યાં હતાં.
જજના આદેશના થોડી જ મિનિટોમાં, પ્રજવલને પાછા જેલમાં લઈ જવામાં આવ્યો હતો.
આ મહિલા અધિકારીઓએ 31 મે, 2024ના રોજ બૅંગ્લુરુ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી પ્રજ્વલ રેવન્નાને ધરપકડ કરી હતી. પ્રજ્વલ રેવન્ના ગયા વર્ષે 26 એપ્રિલે હાસન લોકસભા બેઠક પર મતદાન પૂરું થતાં જ જર્મની નાસી છૂટ્યા હતા.
જ્યારે તેના દાદા અને પૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવગૌડાએ જાહેરમાં કહ્યું હતું કે 'તે પાછો આવીને દેશના કાયદાનો સામનો કરે,' ત્યારે પ્રજ્વલ રેવન્નાની વાપસી થઈ હતી. જર્મનીથી પાછા આવતા જ રેવન્નાની વિમાનમથક પર જ ધરપકડ કરવામાં આવી હતી.
પ્રજ્વલ રેવન્નાએ તેમના કથિત યૌન શોષણના વીડિઓ વાઇરલ થતાં જ દેશ છોડવા માટે પોતાના રાજદ્વારી પાસપૉર્ટનો (જે સાંસદોને આપવામાં આવે છે) ઉપયોગ કર્યો હતો.
હાસનમાં "હજારો" પેન ડ્રાઇવ દ્વારા કથિત યૌન શોષણના વીડિયો વાઇરલ થયા હતા. આ પેન ડ્રાઇવમાં 2960 ક્લિપ્સ હતી અને મોટાભાગની ક્લિપ્સમાં પીડિતાની ઓળખ ખુલ્લી થઈ ગઈ હતી.
લોકસભાની ચૂંટણીમાં હાસન બેઠક પરથી પ્રજ્વલ રેવન્નાની 40,000થી વધુ મતે હાર થઈ હતી.
મહિલા પોલીસ અધિકારીઓની ટીમે કે. આર. નગરના એક ફાર્મહાઉસમાંથી કેસ કરનારાં પીડિતાને બચાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આરોપ છે કે પીડિતાને SIT સમક્ષ હાજર થવાથી રોકવા માટે પ્રજ્વલના પિતા અને કર્ણાટક સરકારમાં મંત્રી રહેલા એચ. ડી. રેવન્ના અને તેમનાં પત્ની ભવાની રેવન્નાએ કથિત રીતે તેનું અપહરણ કર્યું હતું.
આ અપહરણ કેસની સુનાવણી ચાલુ છે. એચ. ડી. રેવન્નાએ તેમના પર લાગેલા આરોપોને રાજકીય ષડયંત્ર ગણાવ્યા છે. પોલીસે તેમની ધરપકડ કરી હતી, પરંતુ તેમને આ કેસમાં જામીન મળી ગયા હતા.
ચાર્જશીટમાં શું છે?
પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ચાર્જશીટમાં જણાવાયું છે કે આરોપીએ 2021માં પીડિતાનો બે વખત બળાત્કાર કર્યો હતો. એક વખત હાસન જિલ્લાના હોલેનરસીપુર સ્થિત ફાર્મહાઉસમાં અને બીજી વખત એચ. ડી. રેવન્નાના બૅંગ્લુરુ સ્થિત નિવાસસ્થાને.
ચાર્જશીટ અનુસાર, બંને ઘટનામાં પ્રજ્વલે પોતાનાં કૃત્યનો વીડિયો રેકૉર્ડ કર્યો હતો.
ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે પીડિતા યૌન શોષણનો વિરોધ કરી રહ્યાં છે અને રડી રહ્યાં છે. આ જ વાત 28 એપ્રિલ, 2024ના રોજ નોંધાવેલી પીડિતાની ફરિયાદમાં પણ છે.
ફોરેન્સિક રિપોર્ટથી પુષ્ટિ થઈ છે કે વીડિયોમાં દેખાતી વ્યક્તિ પ્રજ્વલ રેવન્ના છે. પીડિતાએ ઘટનાના સમયે પહેરેલી પોતાની સાડી તેઓ જગ્યાએ જ્યાં તે કામ કરતાં હતાં, ત્યાંની અલમારીમાં સુરક્ષિત રાખી હતી અને DNA વિશ્લેષણમાં સાડી પર પ્રજ્વલ રેવન્નાનાં નિશાન મળ્યાં છે.
પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ આરોપો સૌપ્રથમ જૂન 2022માં સામે આવ્યા હતા. જોકે, તેમને મીડિયા માટે ગૅગ ઑર્ડર મળ્યો હતો, જેના કારણે આ મામલે કોઈ મીડિયા રિપોર્ટિંગ થઈ શક્યું ન હતું.
એપ્રિલમાં તેમના ઘરમાં કામ કરતાં પીડિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ ત્રણ અન્ય પીડિતાઓએ પણ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન