ગુજરાતમાં વરસાદ ફરી ક્યારે શરૂ થશે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત કેવી રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ચોમાસાના લગભગ ત્રણ મહિના જેટલો સમય પસાર થઈ ગયો છે અને હવે માત્ર એક મહિનો બાકી છે ત્યારે ગુજરાતના 19 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે.
જૂનથી શરૂ થતું ચોમાસું સપ્ટેમ્બર મહિનામાં પૂરું થાય છે, એટલે કે સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય રીતે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જાય છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ વર્ષે સપ્ટેમ્બરની શરૂઆત પણ સુસ્ત રહે તેવી ધારણા છે.
ગુજરાતમાં ઑગસ્ટ મહિનામાં તમામ જિલ્લાઓમાં સરેરાશ કરતાં 60થી 90 ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે અને તેના કારણે વરસાદ પર આધારિત ખેતી કરતા ખેડૂતો હવે મૂંઝવણમાં મુકાયા છે.
એક તરફ ઉત્તર ભારત અને પૂર્વોત્તરના કેટલાંક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને ક્યાંક પૂરની સ્થિતિ પેદા થઈ રહી છે. જ્યારે ગુજરાતમાં વરસાદ સાવ બંધ થઈ ગયો છે.
સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાની શરૂઆત થતી હોય છે અને જેથી જૂન મહિનામાં ઓછો વરસાદ પડે છે. પરંતુ જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં રાજ્યમાં સૌથી વધારે વરસાદ પડે છે. આ વર્ષે પણ જુલાઈ મહિનામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો પરંતુ ઑગસ્ટ મહિનામાં વર્ષો બાદ સૌથી ઓછો વરસાદ પડ્યો.

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં વરસાદ ક્યારે શરૂ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઑગસ્ટ મહિનાના બાકી રહેલા દિવસોમાં પણ વરસાદ પડે તેવી શક્યતા દેખાતી નથી. એટલે કે વરસાદનો કોઈ નવો રાઉન્ડ આ મહિનાના અંત સુધી શરૂ થાય તેવી શક્યતા દેખાતી નથી.
રાજ્યમાં છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી છુટીછવાઈ વરસાદી ગતિવિધિ ચાલુ છે પરંતુ પાકને ફાયદો કરાવે તેવો વરસાદી રાઉન્ડ જોવા મળ્યો નથી.
સપ્ટેમ્બર મહિનાની શરૂઆત પણ ગુજરાતમાં માટે સારી રહે તેવી શક્ચતા દેખાતી નથી. હવામાન વિભાગે જારી કરેલા બુલેટિન પ્રમાણે સપ્ટેમ્બરના શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ દક્ષિણ ગુજરાતમાં જે છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે તે પણ આવનારા દિવસોમાં બંધ થઈ જશે અને લગભગ સમગ્ર ગુજરાત ફરીથી શુષ્ક થઈ જશે.
હવામાન વિભાગે જુલાઈ મહિનામાં ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની આગાહી કરતાં જણાવ્યું હતું કે પશ્ચિમ ભારત સહિતના દેશના ઘણા વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થાય તેવી શક્યતા છે.
હવામાનનાં વિવિધ મૉડલો પણ રાજ્યમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી શક્યતા દેખાડતાં નથી.

રાજ્યમાં વરસાદ ફરી ક્યારે પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધીમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, તથા મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ વધે તેવી કોઈ શક્યતા નથી.
હાલ બંગાળની ખાડી પણ શાંત છે અને તેમાં પણ કોઈ નવી સિસ્ટમ બનતી દેખાતી નથી. સામાન્ય રીતે ગુજરાતમાં થનારો ભારેથી અતિભારે વરસાદ બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમો પર આધારીત હોય છે.
જોકે, ECMWF અને GFSનાં મૉડલો એવું દર્શાવી રહ્યાં છે કે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં બંગાળની ખાડી ફરી સક્રિય થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
જો ફરી બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ સર્જાય અને તે મજબૂત બનીને ગુજરાત કે રાજસ્થાન તરફ આવે તો ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ આવી શકે.
જોકે, ઑગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆત સુધી આવી કોઈ સિસ્ટમ બનવાની હાલ સંભાવના દેખાતી નથી. જેથી હજી પણ રાજ્યના ખેડૂતોએ એકાદ અઠવાડિયા સુધી વરસાદની રાહ જોવી પડશે.

ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની ઘટ?

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દાહોદ અને ગાંધીનગરમાં સૌથી વધારે વરસાદમાં ઘટ જોવા મળી છે.
આ ઉપરાંત, અમદાવાદ, અરવલ્લી, ડાંગ, મહેસાણા, નર્મદા, પંચમહાલ, તાપી, અને વડોદરા જિલ્લામાં પણ વરસાદમાં ઘટ જોવા મળી છે.
તેના સિવાય આણંદ, ભરૂચ, છોટા-ઉદેપુર, ખેડા, મહીસાગર, પાટણ, સાબરકાંઠા, સુરત, અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદમાં ઘટ જોવા મળ્યો છે.
પરંતુ અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, દિવ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, પોરબંદર અને રાજકોટમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે.














