ચીન વિરુદ્ધ તાઇવાનને સુરક્ષા પૂરી પાડતું 'સિલિકૉન શિલ્ડ' શું છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

એક ટાપુ રાષ્ટ્ર કે જેનું કદ ક્યુબા જેટલું પણ નથી, છતાં તે વિશ્વની એક મહાશક્તિ સામે ઊભા રહેવાની હામ કેવી રીતે ભીડી શકે છે?

પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના (ચીન) તથા તેના પાડોશી દેશ તાઇવાન વચ્ચેનું અંતર માત્ર 180 કિલોમીટર છે. તાઇવાનની ભાષા તથા તેના પૂર્વજ ચાઇનીઝ છે, છતાં ત્યાં અલગ રાજકીય વ્યવસ્થા છે અને તે જ ચીન તથા તાઇવાનની વચ્ચે દુશ્મનાવટનું કારણ પણ છે.

તાઇવાનની ખાડીની એક તરફ ચીન છે, જેની વસતિ લગભગ 130 કરોડ છે અને ત્યાં એકપક્ષીય રાજવ્યવસ્થા છે, જ્યારે બીજી તરફ તાઇવાન છે, જ્યાં લગભગ બે કરોડ 30 લાખ લોકો લોકતાંત્રિક વ્યવસ્થામાં રહે છે.

વર્ષ 1949થી ચીન તથા તાઇવાનની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે તાઇવાન આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં સ્થાન નથી મેળવી શકતું તથા તેને મર્યાદિત આંતરરાષ્ટ્રીય માન્યતા મળેલી છે. દુનિયાના માત્ર 13 દેશ જ તાઇવાનનો 'સ્વતંત્ર રાષ્ટ્ર' તરીકે સ્વીકાર કરે છે.

બીજી બાજુ, ચીન તેને પોતાનાથી અલગ થયેલો 'વિદ્રોહી પ્રદેશ' માને છે. વર્ષ 2005માં ચીને ભાગલાવાદવિરોધી કાયદો પસાર કર્યો હોત, જે તાઇવાનને બળજબરીપૂર્વક ચીનમાં ભેળવવાનો તેના રાજનેતાઓને અધિકાર આપે છે.

આની જોગવાઈ મુજબ જો તાઇવાન ખુદને 'સ્વતંત્ર રાષ્ટ્ર' જાહેર કરે, તો ચીનની સેના તેના ઉપર હુમલો કરી શકે છે, પરંતુ વર્ષોના તણાવ અને ધમકીઓ પછી તાઇવાને એક વ્યૂહરચના ખોળી કાઢી છે, જેના કારણે ચીન તેની ઉપર હુમલો કરતાં ખચકાય છે.

ત્રણ દેશોનો ત્રિકોણ

ચીનની સરકાર વારંવાર એવી ધમકી આપી છે કે તે તાકતના જોરે તાઇવાનને ચીન સાથે ભેળવી દેશે. તાઇવાનનાં લોકપ્રિય રાષ્ટ્રપ્રમુખ સાઈ ઇંગ-વેન અને અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર કેવિન મૅકાર્થી વચ્ચે કૅલિફોર્નિયામાં મુલાકાત થઈ.

ગત વર્ષે નૅન્સી પૉલેસીએ તાઇવાનની રાજધાની તાઇપેઈની મુલાકાત લીધી હતી એ પછી મૅકાર્થી પણ મુલાકાત લેવા માગતા હતા, પરંતુ એના બદલે રાષ્ટ્રપ્રમુખ ઇંગ-વૅને અમેરિકાની મુલાકાત લીધી હતી. પૉલેસીની મુલાકાત પછી ચીન દ્વારા તાઇવાનની રાજધાની ઉપરથી પસાર થાય એ રીતે મિસાઇલ્સ છોડવામાં આવી હતી. ચીન દ્વારા ધમકીઓ પણ આપવામાં આવી હતી.

તાજેતરની મુલાકાત પહેલાં ચીને ધમકી આપી હતી કે તાઇવાનના મુદ્દે અમેરિકા આગની સાથે રમી રહ્યું છે. ચીન દ્વારા તાઇવાનના પૂર્વ રાષ્ટ્રપતિ મા યિંગ-જેયુને ચીનનાં પાંચ-શહેરોની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.

1949માં તાઇવાન અસ્તિત્વમાં આવ્યું, તે પછી પહેલી વખત ચીને ત્યાંના કોઈ રાષ્ટ્રપ્રમુખને મૅઇનલૅન્ડ ચાઇનામાં આવવા માટે આમંત્રણ પાઠવ્યું છે. યિંગ-જેયુ અને ચીન 'બધા ચાઇનીઝ' હોવાની વાત કહે છે, પરંતુ તાઇવાનનો એક મોટો વર્ગ આ વાત સાથે સહમત નથી જણાતો.

યિંગ-જેયુની પાર્ટીનો દાવો છે કે તે ચીન સાથે યુદ્ધ અટકાવી શકે છે. અમેરિકા દ્વારા વર્ષ 1979માં ચીનને માન્યતા આપવામાં આવી હતી.

શું છે 'સિલિકૉન શિલ્ડ'?

તાઇવાનની આ વ્યૂહરચના 'સિલિકૉન શિલ્ડ'ની જેમ કામ કરે છે. તાઇવાન માટે તે એક એવું 'હથિયાર' છે, જેને કોઈપણ દેશ નજીકના સમયમાં સરળતાથી બનાવી શકે તેમ નથી. તે તાઇવાનનો મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ પણ છે.

ફાઇટર જેટથી લઈને સોલાર પેનલ અને વીડિયો ગેમ્સથી લઈને તબીબી ઉપકરણો આ ઉદ્યોગ ઉપર આધારિત છે. પત્રકાર ક્રૅગ ઍડિશને પોતાના પુસ્તક 'સિલિકૉન શિલ્ડ – પ્રોટેક્ટિંગ ટાઇવાન અગૅઇન્સ્ટ ઍટેક ફ્રૉમ ચાઇના'ના શીર્ષકમાં આ શબ્દ રજૂ કર્યો છે.

ઍડિશનના કહેવા પ્રમાણે, "આ શબ્દનો મતલબ છે કે તાઇવાન દુનિયાભરમાં ખૂબ જ ઉન્નત પ્રકારની સેમિકંડક્ટર ચિપ્સનું અગ્રણી ઉત્પાદક છે, જેના કારણે જ ચીનની સેના તેની ઉપર હુમલો નથી કરી શકતી."

ઍડિશનનું અનુમાન છે કે દુનિયાના આ સૅક્ટર ઉપર એટલી મોટી અસર પડી શકે છે કે ચીને તેની ભારે આર્થિક કિંમત ચૂકવવી પડે. આ યુદ્ધ એટલું મોંઘું પડી શકે છે કે કદાચ ચીન હુમલો કરવાનું ટાળે.

દુનિયાના અન્ય દેશોની જેમ ચીન પણ તાઇવાનમાં નિર્મિત ઍડવાન્સ્ડ સેમિકંડક્ટર ચિપ્સ માટે તેના ઉપર આધાર રાખે છે. વિશેષ પ્રકારની આ ચિપ્સ પર સેમિકંડક્ટર સર્કિટ બનાવવામાં આવે છે. આ ચિપ સિલિકૉનની બનેલી હોય છે. દુનિયાની લગભગ દરેક ટેકનિકલ વસ્તુઓમાં તેનો ઉપયોગ થાય છે.

શીતયુદ્ધ સમયે 'MAD સિદ્ધાંત' (મ્યુચુઅલ ઍશ્યોર્ડ ડિસ્ટ્રક્શન) પ્રચલિત હતો, મતલબ છે કે બંનેની બરબાદી નિશ્ચિત છે. તાઇવાનની ખાડીમાં કોઈ સૈન્ય કાર્યવાહીની અસર એટલી વ્યાપક હશે કે ચીન કે અમેરિકા પણ તેની આડઅસરથી બચી નહીં શકે.

આ સંજોગોમાં 'સિલિકૉન શિલ્ડ' એક અસરદાર હથિયારની જેમ ચીનની સેના સામે તાઇવાનને સુરક્ષિત રાખે છે. ઍડિશનનું કહેવું છે કે તાઇવાન ઉપર હુમલાની કિંમત એટલી મોટી હશે કે ચીનની સરકારે હુમલો કરતાં પહેલાં વારંવાર વિચારવું પડશે.

સિલિકૉન શિલ્ડની અસરકારકતા

આમ છતાં હજુ સુધી નાનકડા એવા તાઇવાન સામે ચીન કોઈ સૈન્ય કાર્યવાહી નથી કરી શક્યું. આથી સ્પષ્ટ છે કે તાઇવાનનું 'સિલિકૉન શિલ્ડ' ખૂબ જ અસરકારક છે.

જો દુનિયાનાં ટેકનિકલ સાધનોને કાર્યરત્ રાખવા માટે તાઇવાન આટલું મહત્ત્વપૂર્ણ ન હોત, તો શક્ય છે કે અત્યાર સુધીમાં ચીને તાઇવાનની ઉપર કબજો જમાવી લીધો હોત.

વર્ષ 1996માં તાઇવાનની ખાડીમાં તણાવ પેદા થયો હતો. તે સમયે અમેરિકાએ તેના ફાઇટર જેટના બે સમૂહ તાઇવાનની મદદ માટે મોકલ્યા હતા, જેથી કરીને તાઇવાનને ધ્યાનમાં રાખીને ચીન દ્વારા હાથ ધરવામાં આવેલો સૈન્ય અભ્યાસ અટકાવી શકાય. એ કવાયતમાં મિસાઇલ ફાયર કરવાનો અભ્યાસ પણ સામેલ હતો.

કોવિડ-19 પછી વિશ્વભરની કંપનીઓ ચીનની ઉપરનો આધાર ઘટાડી રહી છે અને 'ચાઇના +1'ની વ્યૂહરચના ઉપર કામ કરી રહી છે. એવી જ રીતે સપ્લાય ચેઇનમાં વૈવિધ્ય લાવવા માટે પણ પ્રયાસ થઈ રહ્યા છે. અમેરિકા દ્વારા સૈન્ય દૃષ્ટિએ જરૂરી સિલિકૉન ચિપ અને તેને લગતી સુવિધા ઉત્પાદિત કરવા માટે તજવીજ હાથ ધરી છે.

ભારત દ્વારા વર્ષ-2022માં સેમિકંડક્ટર મિશનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 28 nmથી 45 nm માટે પ્રોજેક્ટના ખર્ચના 40 ટકા, 45 nmથી 65 nmના પ્રોજેક્ટના ખર્ચના 30 ટકા અને 28nm કે તેથી ઓછા માટે સ્થાપના ખર્ચના 50 ટકા આપવાની જાહેરાત કરવામાં આવી છે અને આ માટે વિશ્વભરની કંપનીઓ પાસેથી આવેદનો મંગાવવામાં આવ્યાં છે.

આ માટે ભારતની નરેન્દ્ર મોદી સરકારે 76 હજાર કરોડની ફાળવણી કરી છે અને જરૂર પડ્યે વધુ રકમ ફાળવવાની પણ તૈયારી દાખવી છે. અનેક ભારતીય કંપનીઓએ ભાગીદારીમાં પ્લાન્ટ નાખવાની તત્પરતા દાખવી છે. હજુ સુધી આ યોજના ચાલુ છે અને નિર્ધારિત સમય પૂર્ણ થયે ક્વૉલિફાય થનાર કંપનીઓને આર્થિક મદદ કરવામાં આવશે.

દક્ષિણ કોરિયા અને જાપાને પણ ઘરઆંગણે સેમિકંડક્ટરના ડિઝાઇનિંગથી માંડીને ઉત્પાદન માટે તજવીજ હાથ ધરી છે.

યુક્રેને ઊભી કરી અવઢવ

મોટાભાગના સૈન્ય નિષ્ણાતોનું માનવું છે કે ચીનની સેના પાસે તાઇવાનની ઉપર હુમલો કરવાની ક્ષમતા નથી.

વર્ષ-2021માં તત્કાલીન જૉઇન્ટ ઑફ સ્ટાફના ચૅરમૅન જનરલ માર્ક માઇલે જણાવ્યું હતું કે તાઇવાન ઉપર હુમલો કરવો ખૂબ જ જટિલ હશે અને તે ચીનને ખૂબ જ મોંઘો પડશે.

યુક્રેન ઉપર રશિયાનું આક્રમણ એક વર્ષ પછી પણ કોઈ નિષ્કર્ષ લાવી નથી શક્યું. ટેકનૉલૉજીની દૃષ્ટિએ સામાન્ય પ્રકારના ડ્રોને રશિયાની બખ્તરિયા ગાડીઓને કડૂસલો કાઢી દીધો છે. આ સિવાય પશ્ચિમ દ્વારા આપવામાં આવેલાં હથિયારોનો સામનો કરવો રશિયાની સેના માટે મુશ્કેલ બની રહ્યું છે. તેની સામે તાઇવાન ડ્રોન તથા અન્ય ક્ષેત્રે ઉન્નત ટેકનૉલૉજી ધરાવે છે.

તાઇવાનની સામે સૈન્ય અભિયાન હાથ ધરતા પહેલાં એ પણ જોવું પડશે કે શું તાઇવાનનો બચાવ કરવા અમેરિકા આગળ આવશે. આ સંજોગોમાં તાઇવાન ઉપર ચીન દ્વારા હુમલો કરવામાં આવે તો અમેરિકાએ બાજુએ રહીને જોતું રહેશે, એવું માનવું મુશ્કેલ છે.

થોડા મહિના અગાઉ લીક થયેલા એક ગુપ્ત દસ્તાવેજમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે વર્ષ 2025માં ચીન દ્વારા તાઇવાનની ઉપર આક્રમણ કરવામાં આવે એવી શક્યતા છે.

અમેરિકાની મદદ માટેની મજબૂરી

જો ચીન દ્વારા તાઇવાન પર કબજો જમાવવામાં આવે તો દુનિયાની ઉન્નત ચીપ્સ બનાવતી ફેકટરીઓ તેના તાબા હેઠળ આવી જશે, જેની સીધી અસર અમેરિકા ઉપર થશે.

છેલ્લા કેટલાક દાયકા દરમિયાન અમેરિકાએ મોટા પ્રમાણમાં હથિયાર વેંચ્યા છે, જે પણ ચીનને મળી જાય. આ કારણથી પણ તાઇવાન ઉપરના હુમલા દરમિયાન અમેરિકા શાંત રહે તેમ નથી જણાતું.

1979માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જિમ્મી કાર્ટરે એકતરફી રીતે ચીન સાથેના કૂટનીતિક સંબંધ સ્થાપિત કર્યા અને તાઇવાન સાથેના સત્તાવાર સંબંધ સમાપ્ત કરી દીધા હતા. અમેરિકાની કૉંગ્રેસે 'તાઇવાન રિલેશન્સ ઍક્ટ' પસાર કર્યો હતો.

આ કાયદા હેઠળ જ અમેરિકા દ્વારા તાઇવાનને પોતાની સુરક્ષા કરવા માટે હથિયારનું વેચાણ કરી શકતું હતું. તાઇવાન પ્રત્યે અમેરિકાની નીતિમાં એક પ્રકારની 'વ્યૂહાત્મક અસ્પષ્ટતા' ઉડીને આંખે વળગે છે.

જોકે, તાઇવાન સંદર્ભે અમેરિકા દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે, તે શબ્દો કરતાં વધારે સ્પષ્ટ છે. વર્ષ 1996માં તાઇવાનની ખાડીમાં મિસાઇલસંકટ વિકટ બન્યું, ત્યારે તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ બીલ ક્લિન્ટને ચીનની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે બે ફાઇટર જેટ તહેનાત કરવાના આદેશ આપ્યા હતા. અમેરિકા દ્વારા ચીનને આપવામાં આવેલો આ એક કડક સંદેશ હતો.

વર્ષ 2001માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યૂ બુશે કહ્યું હતું કે જો ચીન દ્વારા તાઇવાનની ઉપર હુમલો કરવામાં આવશે તો તેને બચાવવા માટે અમેરિકા દ્વારા શક્ય તમામ પગલાં લેવામાં આવશે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને કહ્યું છે કે જો ચીન દ્વારા તાઇવાનની ઉપર હુમલો કરવામાં આવશે તો તેની સુરક્ષા કરશે. આમ છતાં મોટાભાગના અમેરિકન રાષ્ટ્રપ્રમુખોએ આ મુદ્દે સાર્વજનિક રીતે ખાસ કશું નથી કહ્યું.

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અમેરિકાએ તાઇવાનની સાથે સામરિકસંબંધ સ્થાપિત કર્યા હતા અને તેને આધુનિક હથિયાર પણ વેંચ્યા હતા. રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનની સરકારે પણ નિકટતાની નીતિને યથાવત્ રાખી છે.

વર્ષ-2021માં જૂન મહિનાની શરૂઆતમાં અમેરિકાના સૅનેટરોનું એક પ્રતિનિધિમંડળ કોવિડ વૅક્સિન ડોનેશન યોજના હેઠળ વિશેષ વિમાન દ્વારા કોરોનાની વૅક્સિનોની ખેપ લઈને તાઇવાન પહોંચ્યું હતું.

તાઇવાનના હવાઈમથક ઉપર બૉઇંગ સી-17 પ્રકારના અમેરિકન સૈન્યના વિશાળકાય વિમાનની હાજરીએ ચીનને આડકતરો સંદેશ આપવાનો પ્રયાસ હતો.

સેમિકંડક્ટર માઇક્રૉચીપ્સની તંગી અને તાઇવાન

વર્ષ 2021 દરમિયાન ઑટોમૉટિવ સૅક્ટરમાં સેમિકંડક્ટર ચિપ્સની અછત ઊભી થઈ, કારણ કે કોરોનાની મહામારી પછી માગ કેવીક વધશે અને તેને પૂર્વવત્ થતાં કેટલો સમય લાગશે, તે અંગેનું ગણિત માંડવામાં ઑટો કંપનીઓ નિષ્ફળ રહી હતી.

પહેલાં તો કંપનીઓએ ચિપના ઑર્ડર રદ કરી દીધા, પછી તેમને અહેસાસ થયો કે જ્યારે તેઓ નવા ઑર્ડર આપશે, ત્યારે લાઇનમાં તેમણે સૌથી છેલ્લા રહેવું પડશે. આ પ્રકારની સ્થિતિ અન્ય ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોની બાબતમાં પણ જોવા મળી હતી.

જેમાં લૅપટૉપ તથા ગેમિંગ મશીનોનો પણ સમાવેશ થાય છે. દુનિયાભરમાં લૉકડાઉનને કારણે તેની માગમાં જંગી વૃદ્ધિ થઈ હતી. તાઇવાન આ પ્રોડ્ક્ટનું મુખ્ય સપ્લાયર છે. આને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન ઉપર પણ નકારાત્મક અસર પડી હતી.

તાઇવાનની કંપનીની ભૂમિકા

દુનિયાભરની સેમિકંડક્ટરની માગમાંથી ચોથા ભાગનો હિસ્સો તાઇવાનની એક જ કંપની દ્વારા પૂરી કરવામાં આવે છે. આ કંપનીનું નામ 'તાઇવાન સેમિકંડક્ટર મૅન્યુફૅક્ચરિંગ કંપની' (ટીએસએમસી) છે, જે નવો પ્લાન્ટ શરૂ કરી રહી છે. આ તેની લાંબાગાળાની યોજના છે.

તાત્કાલિક ધોરણે ટીએસએમસી દ્વારા અછત સમયે એવા ગ્રાહકોને પ્રાથમિકતા આપવામાં આવી કે જેને તત્કાળ જરૂર હતી. જે ગ્રાહકો હાલમાં સેમિકંડક્ટરની ખરીદી કરીને અછતનો લાભ લેવા માગતા હતા, તેમને રાહ જોવા માટે જણાવવામાં આવ્યું હતું.

ટીએસએમસી દ્વારા ચિપ ઇન્ડસ્ટ્રીના સ્વિટ્ઝરલૅન્ડ બનવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મતલબ કે તે તટસ્થ રહેવા માગે છે, પરંતુ હવે આ વ્યૂહરચના તેના છેલ્લા પડાવ પર પહોંચી ગઈ છે.

ચીન સાથેના ટ્રેડવૉર દરમિયાન જ્યારે અમેરિકા દ્વારા ચીનની કંપની ખ્વાવે ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યા, ત્યારે ટીએસએમસીએ મજબૂરીમાં અમેરિકાનો સાથ આપવો પડ્યો હતો. આમ તો કંપની પાસે આમ કરવા સિવાય કોઈ રસ્તો રહ્યો પણ ન હતો.

ટીએસએમસીના મોટા ભાગના ખરીદદાર ઉત્તર અમેરિકાના દેશ છે. વર્ષ 2020ના આંકડા પ્રમાણે, કંપનીને લગભગ 62 ટકા ઑર્ડર ઉત્તર અમેરિકાના દેશો પાસેથી મળ્યા હતા.

ઍપ્પલ, એનવીડિયા, ક્વાલકૉમ જેવી કંપનીઓમાંથી ટીએસએમસીને જંગી કમાણી થાય છે. વર્ષ 2020 દરમિયાન કંપનીના કુલ વેચાણમાંથી માત્ર 17 ટકા આવક ચીનમાંથી થઈ હતી, જેમાં ખ્વાવે પાસેથી મળેલા ઑર્ડરોનો પણ સમાવેશ થાય છે.

બીજી બાજુ, ટીએસએમસી કેટલીક અમેરિકાની કંપનીઓ ઉપર આધાર રાખે છે. આ કંપનીઓ માઇક્રૉચિપના નિર્માણ માટે જરૂરી મશીન બનાવવાનું કામ કરે છે. આથી પણ કંપની ચાહે તો પણ અમેરિકાની ઇચ્છા વિરુદ્ધ જઈ શકે તેમ નથી.

જો તેણે અમેરિકાનાં નિર્દેશોનો ભંગ કર્યો હોત તો તેની ઉપર પણ નિષેધાત્મક આદેશ લાગુ થયા હોત અને અમેરિકાની ઉન્નત ટેકનૉલૉજી તેને ન મળી હોત. એવું કહેવાય છે કે ટીએસએમસીનો આત્મા અમેરિકન છે. કારણ કે કંપનીના સંસ્થાપક મૉરિસ ચાંગ સહિત મોટા ભાગના સીઈઓ તથા અન્ય ટોચના અધિકારીઓ તેમનો શૈક્ષણિક અભ્યાસ અમેરિકામાં કર્યો છે અને તેમણે લાંબા સમય સુધી અમેરિકન કંપનીઓમાં કામ કર્યું છે. તેમાંથી કેટલાક તો અમેરિકાના નાગરિક પણ છે.

'આત્મનિર્ભરતા' શક્ય છે ?

ટેકનિકલ દૃષ્ટિએ કોઈ પણ દેશ સંપૂર્ણપણે આત્મનિર્ભર ન બની શકે અને સેમિકંડક્ટરની બાબતમાં જરા પણ નહીં. છેલ્લા કેટલાક દાયકા દરમિયાન આ ઉદ્યોગ છૂટોછવાયો રહ્યો છે.

ટેકનિકલ ચીજોના ઉત્પાદનમાં કામ લાગતી ચીજો દુનિયાભરના અલગ-અલગ દેશોમાં ઉત્પાદિત થાય છે તથા અલગ-અલગ કંપનીઓ દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવ છે. ચિપની ડિઝાઇન મોટા ભાગે અમેરિકામાં તૈયાર થાય છે અને મોટા ભાગે તેનું ઉત્પાદન તાઇવાનમાં થાય છે.

આ ઉત્પાદનોનું ઍસેમ્બલિંગ તથા ટેસ્ટિંગ મોટાભાગે ચીનમાં થાય છે, અથવા તો દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં ઉત્પાદિત થાય છે.

ટીએસએમસી દ્વારા અમેરિકાના એરિઝોના ખાતે એક નવી ફેકટરી નાખવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જે અમેરિકાના સંરક્ષણ ઉદ્યોગ માટે સેમિકંડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરશે. અમેરિકાની સરકારે આને માટે ટીએસએમસી ઉપર દબાણ ઊભું કર્યું હતું.

અમેરિકાની સેના ઇચ્છે છે કે સેમિકંડક્ટર ચિપ્સનું ઉત્પાદન દેશમાં જ થવું જોઈએ. અમેરિકાનું સંરક્ષણ વિભાગ ગ્લોબલ ફાઉન્ડ્રીઝ ઉપર આધાર રાખી રહી હતી અને તેના માટે વિશ્વાસપાત્ર પણ હતી. જો કે, ટેકનૉલૉજીની બાબતમાં તે ટીએસએમસીથી પાછળ રહી ગઈ હતી.

આ પછી ટીએસએમસીને એરિઝોના ખાતે પ્લાન્ટ શરૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે અમેરિકામાં ટીએસએમસીના આગમનને કારણે ઍપલ, ક્વાલકૉમ તથા એનવીડિયા જેવી અમેરિકન કંપનીઓને મોટો લાભ થશે.

આ અંગે અમેરિકનોને એક આશ્વાસન રહેશે કે તેમની સૈન્ય સામગ્રી માટે જરૂરી એવી એક સામગ્રી અમેરિકામાં જ તૈયાર થાય છે અને તે સંપૂર્ણપણે તાઇવાન ઉપર આધારિત નથી.

આત્મનિર્ભર બનવા ચીનના પ્રયાસ

ચીન દ્વારા સેમિકંડક્ટર ઇન્ડસ્ટ્રીનું મુખ્ય કેન્દ્ર બનવાની દિશામાં મહત્ત્વકાંક્ષી યોજના હાથ ધરવામાં આવી છે, પરંતુ એ સવાલ ઊભો છે કે તાઇવાન ઉપરના મદારને સમાપ્ત થતા કેટલો સમય લાગશે?

ચીન જ નહીં, પરંતુ યુરોપના અનેક દેશ તથા અમેરિકા પણ આમ જ ઇચ્છે છે. છતાં કોઈ પણ દેશ માટે વ્યવહારુ રીતે જોવામાં આવે તો આમ કરવું અશક્ય હશે. જો કોઈ દેશ સેમિકંડક્ટર બનાવવાનું કામ પૂર્ણ કરી પણ લે તો પણ તેના ઉત્પાદન માટે એટલો જંગી ખર્ચ થશે કે કોઈ પણ દેશ હજાર વખત વિચાર કરે.

આ બાબત માત્ર ચીન પર જ નહીં, અમેરિકા પર પણ એટલી હદે જ લાગુ થાય છે. જો ચીન સેમીકંડક્ટર ચિપ્સની આયાત ઘટાડવા માગતું હોય તો તેનો મતલબ એ છે કે તેણે ઘર આંગણે ઉત્પાદન કરવું પડશે.

પરંતુ આ માટે તેણે વિદેશની સહાયતા લેવી પડશે અને આ સ્થિતિ આગામી દાયકાઓ સુધી બદલાશે નહીં.