You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

પહેલાં ક્યારેય તહેનાત ના કર્યું હોય એટલું સૈન્ય ભારતે ચીનની સરહદે કેમ ખડગી દીધું?

ભારતના વિદેશમંત્રીએ કહ્યું છે કે ભારતે ચીન સાથેની વિવાદિત સરહદ પર સૈનિકોની તહેનાતીને અભૂતપૂર્વ સ્તરે વધારી દીધી છે અને ભારત ચીનને સરહદ પરની સ્થિતિ "એકપક્ષીય રીતે બદલવા" નહીં દે.

લાઇવ કવરેજ

  1. પહેલાં ક્યારેય ના ખડક્યું હોય એટલું સૈન્ય ભારતે ચીનસરહદે કેમ તહેનાત કર્યું?

    ભારતના વિદેશમંત્રીએ કહ્યું છે કે ભારતે ચીન સાથેની વિવાદિત સરહદ પર સૈનિકોની તૈનાતીને અભૂતપૂર્વ સ્તરે વધારી દીધી છે.

    એસ. જયશંકરે ઉમેર્યું હતું કે ભારત ચીનને સરહદ પરની સ્થિતિ "એકપક્ષીય રીતે બદલવા" નહીં દે.

    એસ. જયશંકરની ટિપ્પણીઓ અરુણાચલ પ્રદેશ રાજ્યમાં સરહદ સાથેના વિવાદિત વિસ્તારમાં ભારતીય અને ચીની દળોની અથડામણ બાદ આવી છે.

    ભારતે કહ્યું કે ચીનના સૈનિકોના અતિક્રમણને કારણે ઘર્ષણ શરૂ થયું હતું.

    ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેમની જાણકારી અનુસાર, સરહદ પર સ્થિતિ "સામાન્ય રીતે સ્થિર" છે અને બંને પક્ષો આ મુદ્દા પર વાતચીત જાળવી રહ્યા છે.

    ભારત અને ચીન વચ્ચે વિવાદિત 3,440 કિલોમિટર (2,100 માઈલ) લાંબી ડી ફેક્ટો બૉર્ડર છે - જેને વાસ્તવિક નિયંત્રણ રેખા અથવા એલએસી કહે છે. બંને બાજુના સૈનિકો ઘણાં સ્થળોએ સામસામે આવે છે, અને તણાવ ક્યારેક અથડામણ કે ઘર્ષણમાં પરિણમે છે.

    પશ્ચિમમાં લદ્દાખ ક્ષેત્રમાં ગલવાન ખીણમાં જૂન 2020માં હિંસક અથડામણ થઈ ત્યારે 20 ભારતીય સૈનિકો અને ઓછામાં ઓછા ચાર ચીની સૈનિકો મૃત્યુ પામ્યા હતા અને તે પછી બંને પક્ષ સ્થિતિ થાળે પાડવાના પ્રયાસ કરી રહ્યા છે.

    તાજેતરનું ઘર્ષણ એ ઘટનાના એક વર્ષ બાદ 9 ડિસેમ્બરે થયું હતું અને તેમાં કેટલાક સૈનિકોને નાની ઈજાઓ થઈ હતી. ભારતીય સૈન્યે જણાવ્યું હતું કે બંને પક્ષો તરત જ વિસ્તારમાંથી હઠી ગયા હતા.

    એસ. જયશંકર સોમવારે મીડિયા સમુહ ‘ઇન્ડિયા ટુડે’ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતી વખતે આ ઘટના અંગે પુછાયેલા પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા.

    તેમણે કહ્યું, "આજે, આપણે ચીનની સરહદે પૂર્વે કદી નહોતી એટલી માત્રામાં ભારતીય સૈન્યને તહેનાત કરી દીધું છે. ચીની આક્રમણનો સામનો કરવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. એલએસીને એકપક્ષીય રીતે બદલવાના કોઈ પણ પ્રયાસનો સામનો કરવા માટે ભારતની સેના સાબદી છે."

    ચીને હજુ સુધી આ ટિપ્પણીનો જવાબ આપ્યો નથી.

    તાજેતરની અથડામણને કારણે ગયા અઠવાડિયે દેશમાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો, સરહદની સ્થિતિ અંગે તત્કાલ ચર્ચા કરવાની માગને નકારી કાઢવા બદલ વિરોધ પક્ષોએ સંસદમાંથી વૉકઆઉટ કર્યું હતું.

    કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર ચીનની ધમકીની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે અને સાથે જ આક્ષેપ કર્યો છે કે દેશની સેના સરહદ પર ભારતીય સૈનિકોને "માર ખાવા" છોડી દઈ રહી છે.

    સોમવારે સંસદમાં બોલતા એસ. જયશંકરે કહ્યું કે રાહુલ ગાંધીના શબ્દોએ ભારતીય સૈનિકોને "અપમાનિત" કર્યા છે અને વિદેશમંત્રીએ સરકાર પરિસ્થિતિ પ્રત્યે ઉદાસીન હોવાનો ઇનકાર કર્યો હતો.

  2. ગુજરાત વિધાનસભામાં માત્ર 17 ધારાસભ્યોવાળી કૉંગ્રેસની શું છે સ્ટ્રૅટેજી? જિગ્નેશ મેવાણીએ શું કહ્યું?

    ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર આજે યોજાયું જેમાં વિપક્ષે વૉક આઉટ કર્યું હતું. વિપક્ષના નેતાની પસંદગી મામલે કૉંગ્રેસના નેતાઓએ સદનમાં પહેલા જ દિવસે વૉકઆઉટ કર્યું હતું.

    વૉકઆઉટ વિશે કૉંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બીબીસી ગુજરાતીને કહ્યું કે, ”વિધાનસભાના નિયમોને નેવે મૂકીને જ્યારે વિધાનસભામાં વિપક્ષનો અવાજ દબાવવાની વાત થતી હોય તો તે લોકશાહીનું ખૂન છે. સંખ્યા ઓછી હોય તો પણ દબાવવાના નથી.”

    કૉંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "માર્ચ મહિનાના જે વિધાનસભા સત્ર મળશે તેમાં લોકોના સવાલો પૂછશે તેને હું સદનમાં ઉઠાવીશ."

    કૉંગ્રેસની વિધાનસભા બેઠકો 2017ની વિધાનસભા ચૂંટણીમાં મળેલી 77 બેઠકોમાંથી આ વખતે 17 બેઠકો પર પહોંચી ગઈ છે, તો કૉંગ્રેસ સામે કેવા પડકારો છે, આ પ્રશ્નના જવાબમાં જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, જેટલું કૉંગ્રેસ માટે પડકારજનક છે એટલો જ મોટો પડકાર ભાજપ માટે છે કારણ કે 156 બેઠકો આવી છે તો તેમની પાસે છટકવાનું કોઈ બહાનું નથી કે મોરબીના પીડિતોને ન્યાય કેમ ન મળે? મ કેવલ તેમની પાસે બહુમત છે તેમની પાસે 157 બેઠકોની બહુમતી છે. આંગનવાડી કે આશા વર્કરની મહિલાઓને કેમ કાયમી ન કરી શકાય?”

    જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, “આઉટસોર્સિંગ કર્મચારીઓને કૉન્ટ્રૅક્ટ કરીને ન્યાય ન આપે. 48 હજાર કિલોમિટર લાંબું નર્મદા કેનાલનું નેટવર્ક પૂરું ન કરે, ઉનાકાંડમાં દલિતો સામેના કેસ પરત ન લે, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી ન કરે. આટલી મોટી બહુમતી છે, આનાથી વધારે સફળતા જોઈએ? 100માંથી 40 બાળકો ગુજરાતમાં કુપોષિત છે. બે વર્ષમાં ગુજરાતનાં બાળકોમાં કુપોષણ ખતમ કરીને બતાવો. નહીં તો તમે સત્તાધારી પક્ષ તરીકે નિષ્ફળ કહેવાશો.”

    “વિધાનસભાની બહાર ક્યાંય પણ અન્યાયની ઘટના બને તો ગુજરાતના માણસ તરીકે તેની સાથે ઊભા રહેવું જોઈએ, વિદ્યાર્થીઓ, ગરીબો અને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવા જોઈએ.”

    “આ ચૂંટણીમાં કૉંગ્રેસનું પરિણામ ઓછું આવ્યું પરંતુ ભારત દરેક જિલ્લા, તાલુકા અને મતદાનબૂથમાં કૉંગ્રેસનું કૅડર છે તેને ઝોમ આપીશું અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું ભાથું મળે. અને યુવાનોના ઉત્સાહને ઝોમ મળે તેવું કામ કરીશું.”

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની કફોડી હાલત થયા બાદ જિગ્નેશ મેવાણીની શું જવાબદારી રહેશે એ વિશે તેમણે કહ્યું કે, “કાર્યકારી પ્રમુખ છું વિધાનસભામાં મજબૂતીથી બોલું, જે નથી જીતી શક્યા તેમના વિસ્તારોના પ્રશ્નોને વાચા આપું.”

  3. નાઝીઓ માટે કામ કરનાર મહિલા, 10,500 લોકોની હત્યામાં 'ભાગીદાર'

    નાઝીઓના યાતના શિબિરમાં એક કમાંડર માટે કામ કરનાર એક પૂર્વ સેક્રેટરી 10,505 લોકોની હત્યામાં ભાગીદાર હોવાનું સામે આવ્યું છે.

    97 વર્ષનાં ઇર્મગાર્ડ ફર્ચનરે કિશોરાવસ્થામાં ટાઇપિસ્ટ તરીકે સ્ટટહૉફમાં 1943થી 1945 સુધી કામ કર્યું હતું.

    ફર્ચનર, તે મહિલાઓમાં સામેલ છે જેમની પર નાઝીઓ સાથે જોડાયેલા ગુનામાં છેલ્લા કેટલાક દાયકાઓમાં ટ્રાયલ ચલાવવામાં આવ્યાં છે.

    તેઓ એક સામાન્ય નાગરિક તરીકે કામ કરી રહ્યાં હતાં, પરંતુ જજે માન્યું કે તેમને સંપૂર્ણ રીતે ખબર નહોતી કે કૅમ્પમાં શું ચાલી રહ્યું છે.

    એક અનુમાન અનુસાર સ્ટટહૉફમાં 65 હજાર લોકોનાં મૃત્યુ ત્યાંની દયનીય પરિસ્થિતિને કારણે થયાં. આમાં યહૂદી કેદી, પોલૅન્ડના ગેર યહૂદી, અને સોવિયેટના સૈનિક સામેલ હતા. ફર્ચનર તે વખતે માત્ર 18 કે 19 વર્ષનાં હતાં અને તેમની સામે જુવેનાઇલ કોર્ટમાં મુકદમો ચાલ્યો હતો.

    2021માં જ્યારે મુકદમો શરૂ થયો ત્યારે ફર્ચનર પોતાના રિટાયરમેન્ટ હોમમાંથી ભાગી ગયાં હતાં, પછી પોલીસે તેમને પકડ્યાં હતાં.

    ટ્રાયલ દરમિયાન 40 દિવસ સુધી ચૂપ રહ્યા બાદ તેમણે કોર્ટે કહ્યું કે, "જે થયું તેના માટે હું માફી માગું છું."

    "મને અફસોસ છે કે હું સ્ટટફોર્ટમાં ત્યારે હતી- હું બસ આ જ કરી શકું છું."

    તેમને બે વર્ષની સજા આપવામાં આવી છે.

    નાઝીઓના કૅમ્પમાંથી બચી ગયેલા જોસેફ સાલોમોનોવિચના પિતાને સપ્ટેમ્બર 1944માં સ્ટનહૉફમાં ગોળી મારી દેવામાં આવી હતી.

    તેમણે કહ્યું કે, "તેઓ અપરોક્ષ રીતે દોષિત છે, ભલે પછી તે ઑફિસમાં બેસીને મારા પિતાના મૃત્યુના પ્રમાણપત્ર પર સ્ટૅમ્પ માર્યો હતો."

    નાઝી કૅમ્પમાંથી બચનાર મૅનફ્રેડ ગોલ્ડબર્ગે કહ્યું કે તેમને માત્ર બે વર્ષની સજા આપવામાં આવી હતી, અને તેમણે આ નિર્ણયને "એક ભૂલ" ગણાવી હતી.

  4. ભાવનગર પોલીસે ગોપાલ ઇટાલિયાની ધરપકડ કર્યાનો દાવો

    આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનો દાવો છે કે ભાવનગર પોલીસે આજે તેમની ધરપકડ કરી હતી. ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી.

    ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કર્યું હતું કે, “ગુજરાતની જનતા દ્વારા ભ્રષ્ટ ભાજપને આપેલી પૂર્ણ બહુમતવાળી નવી સરકારે કામ કરવાનું શરૂ કરી દીધું છે.

    “ભાવનગર પોલીસે આજે મારી ધરપકડ કરી છે. મારી દાદીનું ગઈકાલે નિધન થયું, સમગ્ર પરિવાર દુખી છે, પરંતુ આજે ભાજપે મારી ધરપકડ કરી છે. કદાચ આ જ કામ માટે તેમને બહુમત મળ્યા હશે.”

    ઉલ્લેખનીય છે કે, બે મહિના અગાઉ ગોપાલ ઈટાલિયાએ દ્વારકામાં ભાષણમાં કૃષ્ણ ભગવાન વિશે વાત કરી હતી, તેની સામે રંઘોળાના આહીર સમાજની એક વ્યક્તિએ ઉમરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઉમરાળા પોલીસે કરી ગોપાલ ઈટાલિયાની અટકાયત કરી હતી.

    ગોપાલ ઇટાલિયાની અટકાયત બાદ જામીન આપી મુક્ત કરાયા હતા.

    ઉમરાળા પોલીસ સ્ટેશનના પીએસઓએ બીબીસી ગુજરાતીને આપેલી માહિતી મુજબ ગોપાલ ઈટાલિયાને જામીન આપી દેવાયા છે.

  5. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ભાજપ વિશે શું કહ્યું?

    ધવલસિંહ ઝાલા આ વખતે બાયડની બેઠક પરથી અપક્ષ તરીકે વિધાનસભામાં ચૂંટાયા છે. 2017માં કૉંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય બનેલા ધવલસિંહ ત્યારબાદ ભાજપમાં સામેલ થઈ ગયા હતા.

    જોકે 2022ની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ ન મળતા બાયડની બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને જીતી ગયા.

    તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ભાજપમાં જોડાવા વિશે આ વાત કહી હતી.

    ધવલસિંહ ઝાલાએ કહ્યું હતું કે, “મને એટલી ખબર પડે છે કે અપક્ષ તરીકે પ્રજાએ ચૂંટ્યા છે, એટલે પ્રજા કામ જુએ છે, પ્રજા માત્ર ચૂંટણી સિમ્બોલ જુએ છે, એવું હું માનતો નથી.”

    તેમણે ભાજપની સાથે રહેવા વિશે વાત કરતા કહ્યું કે, “જેની પણ સરકાર હોય, સરકાર સાથે રહીને કામ કરીએ તો સ્વાભાવિક છે કે વધારે કામ થઈ શકે. પરંતુ અમે ત્રણેય ધારાસભ્યો મળીને નિર્ણય કરીશું, જો પ્રજાનાં કામ કરવા હોય તો કોઈ પણ સરકાર હોય, સરકાર સાથે રહીએ તો પ્રજાનાં કામ થતાં હોય છે. એવું હું ચોક્કસપણે માનું છું. આ મારો અંગત મત છે.”

    “કોઈ પણ પક્ષ હોય પણ હજુ સુધી અમે કોઈ નિર્ણય લીધો નથી. સી. આર. પાટીલ ભૂતકાળમાં હું જે પાર્ટીમાં હતો, એના પ્રમુખ છે, તેથી અમે તેમનું સન્માન કરીએ છીએ. તેમણે અમને ચૂંટાયા બાદ અભિનંદન પણ પાઠવ્યા હતા.”

    અલ્પેશ ઠાકોર અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે, “અલ્પેશભાઈ અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સંગઠનના પ્રમુખ છે, સમાજમાં તેમનું મોટું નામ છે. અમારી લાગણી એમની સાથે જ છે અને હંમેશાં તેઓ સમાજ માટે કંઈને કંઈ કરતા આવ્યા જ છે.”

    “અમારી સામાજિક વાત થતી રહે છે, રાજકીય કોઈ ચર્ચા થતી નથી. પણ જરૂર પડશે ત્યારે તેમનો અમે સંપર્ક કરીને મુલાકાત કરીશું. સમાજની દૃષ્ટિથી તેઓએ હંમેશાં મને નાનાભાઈની જેમ રાખ્યો છે.”

  6. જસદણના મંદિરમાં 'મહાદેવને જળાભિષેક' કરવા રૂ.351 ચુકવાના નિર્ણયથી ભાવિકોમાં રોષ

    રાજકોટ જિલ્લાનાં જસદણ નજીક સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે.

    આ મંદિરના ટ્રસ્ટ ઉપાધ્યક્ષ અને નાયબ કલેક્ટર દ્વારા મહાદેવને જળાભિષેક કરવા માટે રૂ. 351 ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

    મહાદેવને જળાભિષેક કરવાના રૂ. 351 ચુકવવાનું બોર્ડ લગાવવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

    આ અંગે નાયબ કલેક્ટર રાજેશ આલે જણાવ્યું હતું કે, “જળાભિષેક માટે રૂપિયા ચુકવવાનો આદેશ એક પ્રકારે ટ્રસ્ટને સેવા માટે આપવા બરાબર છે. જે લોકો મંદિરમાં બેસી રહેતા હતા તેમની પાસેથી અમે રૂમની ચાવીઓ લઈ લીધી હોવાથી તેઓ વિરોધ કરી રહ્યા છે.”

    તેઓએ વધુમાં કહ્યું હતું કે, “આ સરકાર સંચાલિત મંદિર છે. અહીં કોઈ એક-બે લોકોનો ઇજારો નથી. પણ જે રકમ નક્કી કરવામાં આવી છે તે સામાન્ય લોકોને પરવડે તે રીતે નક્કી કરાઈ છે. સોમનાથ મંદિરમાં પણ પૂજા કરવા માટે નાણાં ચૂકવવા પડે છે. જે પણ રકમ ભેગી થશે તે યાત્રિકોની સુવિધાઓ માટે વાપરવાની છે. તેમની સુવિધાઓ માટે અમે આ પ્રકારના નિર્ણયો લેતા હોઈએ છીએ.”

  7. ચીન સહિત દુનિયામાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ભારતમાં કેસ ઘટવાનું શું કારણ?

    અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, દુનિયાભરમાં કેટલાક દેશોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે પરંતુ ભારતમાં કોરોના સંક્રણ સતત ઘટી રહ્યું છે.

    ગત અઠવાડિયે દેશમાં કોરોના સંક્રમણના કારણે 12 મૃત્યુ થયાં અને આ દરમિયાન ત્રણ દિવસ એવાં હતાં જ્યારે એક પણ મૃત્યુ કોરોનાથી થયું નહોતું.

    માર્ચ 2020માં જ્યારથી ભારતમાં કોરોનાથી મૃત્યુ થવાનાં શરૂ થયાં ત્યારથી આ આંકડો સૌથી ઓછો છે. આ અઠવાડિયે કોરોનાથી 1,103 નવા કેસ આવ્યા જે 23-29 માર્ચ 2020 પછી સૌથી ઓછા સંક્રમણવાળું અઠવાડિયું છે.

    23-29 માર્ચ 2020ના 736 કોરોનાના કેસ સામે આવ્યા હતા અને બીજા અઠવાડિયે કેસ વધીને 3,154 થયા હતા.

    ગત પાંચ મહિનાથી કોરોનાના કેસ દેશમાં સતત ઘટી રહ્યા છે. જુલાઈ 18-24 વાળા અઠવાડિયા પછીથી સતત કોરોનાના કેસ દેશમાં ઘટી રહ્યા છે. આ અઠવાડિયે કોરોનાએ 1.36 લાખ નવા કેસ સામે આવ્યા છે. ત્યાર બાદથી દર અઠવાડિયે કોરોનાના કેસ ઘટતા રહ્યા છે.

    ગત અઠવાડિયે 12 મૃત્યુ નોંધાયાં, સંક્રમણથી થનારાં મૃત્યુના હિસાબથી આ સૌથી ઓછાં હતાં.

    ત્યારે એશિયા અને યુરોપના દેશોમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. worldometers.info અનુસાર, સમગ્ર વિશ્વમાં બીજી નવેમ્બરથી કોરોનાના કેસની સરેરાશ સંખ્યા વધી રહી છે. બીજી નવેમ્બરવાળા અઠવાડિયામાં સરેરાશ 3.3 લાખ નવા કેસ નોંધાયા અને 18 ડિસેમ્બરના આ આંકડામાં 55 ટકાનો ઉછાળો આવ્યો છે અને નવા કેસ 5.1 લાખ નવા કેસ થયા હતા.

    ચીનમાં કોરોનાના નવા કેસ મોટી સંખ્યામાં સામે આવે છે અને આ ત્યારે થઈ રહ્યું છે જ્યારથી ચીને કોવિડ નીતિઓના નિયમોમાં ઢીલ આપી છે. જોકે 7-8 ડિસેમ્બરના ચીનમાં કોરોનાથી થયેલાં મૃત્યુના કોઈ કેસ સામે નથી આવ્યા.

    આ વખતે સૌથી વધારે નવા સંક્રમણના મામલા જાપાનમાં આવી રહ્યા છે. જ્યારે ગત એક અઠવાડિયામાં 10 લાખ નવા કેસ સામે આવ્યા છે. આ અઠવાડિયે જાપાનમાં કોરોનાથી 1600 મૃત્યુ થયાં છે. ત્યારે દક્ષિણ કોરિયામાં એક અઠવાડિયામાં 4.5 લાખ નવા કેસ સામે આવ્યા છે.

    ત્યારે ચીનના ટોચના આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે શિયાળામાં કોરોનાની ત્રણ સંભાવિત લહેરોમાંથી પહેલી લહેરનો સામનું ચીન અત્યારે કરી રહ્યું છે.

    આ મહિનાની શરૂઆતમાં કડક નિયંત્રણ હટાવવામાં આવ્યાં ત્યાર બાદ કોરોના સંક્રમણમાં ધરખમ વધારો થયો છે.

    તાજા આધિકારિક આંકડા અનુસાર નવા કેસની સંખ્યા ઘટી છે.

  8. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પાસેથી ટ્વિંકલ ખન્નાએ કઈ ત્રણ બાબતો શીખી?

    બોલિવૂડનાં અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો ઇન્ટરવ્યૂ કર્યો છે. પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ઇન્ટરવ્યૂની તસવીરો શૅર કરતા તેમણે પિચાઈ પાસેથી શીખેલી ત્રણ બાબતો વિશેની માહિતી આપી.

    • ભારતમાં ઉછેર પામવાનો વૈશ્વિક ફાયદો શું છે?
    • જમીન સાથે જોડાયેલાં રહેવા માટે તે શું કરે છે?
    • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયા પર શું અસર પડશે?

    કોણ છે સુંદર પિચાઈ?

    સુંદર પિચાઈનો જન્મ 1972માં ભારતના તામિલનાડુમાં થયો હતો. તેમના પિતા વ્યવસાયેઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા, જે એક બ્રિટિશ કંપની જીઈસીમાં કામ કરતા હતા અને તેમનાં માતા સ્ટેનોગ્રાફર હતાં.

    શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સુંદર પિચાઈને આઈઆઈટી ખડગપુરમાં પ્રવેશ મળ્યો, જ્યાં તેમણે મેટલર્જીમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. અમેરિકાની સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પિચાઈએ અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલમાંથી એક ગણાતી વૉર્ટનથી એમબીએનો અભ્યાસ કર્યો.

    વર્ષ 2004માં ગૂગલ સાથે જોડાયેલા સુંદર પિચાઈ, 2015માં ગૂગલ આલ્ફાબેટનો હિસ્સો બન્યા બાદ તેના સીઈઓ બન્યા.

  9. 'કૉંગ્રેસના નેતાઓએ દેશ માટે જીવ આપ્યા છે...ભાજપનું કૂતરું પણ મર્યું?' મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર હંગામો

    રાજ્યસભામાં આજે કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના એ નિવેદન પર હંગામો થયો જે તેમણે સોમવારના રાજસ્થાનના અલવરમાં આપ્યું હતું.

    મલ્લિકાર્જુન ખડગેએ ભારત જોડો યાત્રામાં ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, "અમારી પાર્ટીના નેતાઓએ દેશ માટે જીવ આપ્યા. ભાજપવાળાઓનું કૂતરું પણ મર્યું શું? પરંતુ, તેઓ દેશભક્ત અને અમે કંઈ બોલીએ તો દેશદ્રોહી."

    આ નિવેદન પર કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે મલ્લિકાર્જુન ખડગે માફી માગવા કહ્યું હતું.

    ત્યાં રાજ્યસભામાં બોલતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેમણે આ નિવેદન સંસદની બહાર આપ્યું હતું એટલે આની પર સંસદમાં ચર્ચા કરવાની જરૂરત નથી.

    તેમણે આ નિવેદનને એક વખત ફરી રાજ્યસભામાં ફરી ઉચ્ચાર્યું, "હું હજી પણ કહી શકું છું કે આઝાદીની લડાઈમાં એ લોકોનું કોઈ યોગદાન નહોતું. આ માફી માગનારા લોકો છે."

  10. કિલિયન ઍમબાપે : ફૂટબૉલ વર્લ્ડકપ હારી ગયેલા ફ્રાન્સના એ ખેલાડીની કહાણી જેણે કરોડો ચાહકોના દિલ જીતી લીધા

  11. કૅપિટલ હિલ હિંસામાં ટ્રમ્પ પર ચાર અપરાધિક મામલા ચલાવાની ભલામણ

    અમેરિકામાં ગત રવર્ષ થયેલ કૅપિટલ રમખાણોની તપાસ કરી રહેલ કમિટીનું કહેવું છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર વિદ્રોહ સહિત અપરાધિક મામલા ચલાવા જોઈએ.

    ડેમૉક્રૅટિક પાર્ટીની આગેવાનીવાળી કમિટીએ એકમતી સાથે ટ્રંપ વિરુદ્ધ કેસ ચલાવા માટે ન્યાય વિભાગને ભલામણ કરી છે.

    કમિટીએ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ સહયોગી હોપ હિક્સની એક ક્લિપ પણ સામે મૂકી હતી જેમાં ચૂંટણીમાં હારને સ્વીકારવાથી ઇનકાર કરતાં તેમને જોઈ શકાય છે.

    6 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકાની કૅપિટલ બિલ્ડિંગ પર હુમલો કરતાં ટ્રમ્પ સમર્થકોની તસવીરો સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. ટ્રમ્પ સમર્થક, રાષ્ટ્રપતિ સ્વરૂપે જો બાઇડનનો વિરોધ કરી રહ્યા હતા.

    વૉશિંગટન શહેરમાં થયેલ આ હિંસામાં એક પોલીસ અધિકારી સહિત પાંચ લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં.

    કંઈ પણ ખોટું કર્યું હોવાની વાતનો ઇનકાર કરતાં ટ્રમ્પે એક નિવેદન જાહેર કર્યું છે જેમાં પૅનલને તેમણે ‘કાંગારૂ કોર્ટ’ કહી હતી.

    પ્રતિનિધિ સભાની પસંદગી સમિતિ લગભગ 18 મહિનાથી કૅપિટલ હિલ રમખાણોની તપાસમાં લાગેલી છે. સોમવારે પોતાની અંતિમ બેઠકમાં કમિટીએ ભલામણ કરી હતી કે ટ્રમ્પે ચાર આરોપનો સામનો કરવો જોઈએ.

    -વિદ્રોહ માટે ઉશ્કેરણી, આવું કરનારાની મદદગારી અને મદદ કરવાનો વાયદો કરવો

    -આધિકારિક કાર્યવાહીમાં વિક્ષેપ ઊભો કરવો

    -અમેરિકા સાથે દગો કરવાનું કાવતરું

    -ખોટું નિવેદન આપવાનું કાવતરું

  12. ઈરાનનું ચલણ ગગડ્યું, એક ડૉલરની કિંમત ત્રણ લાખ 86 હજાર રિયાલ

    ઈરાની ચલણ રિયાલનું મૂલ્ય રેકૉર્ડ નીચલા સ્તરે પહોંચી જતાં ઈરાનની કેન્દ્રીય બૅન્કના ગવર્નરે અમુક હદ સુધી સરકારવિરોધી પ્રદર્શનોને જવાબદાર ઠેરવ્યાં છે.

    ઈરાનનું ચલણ અમેરિકન ડૉલરની સરખામણીએ સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. વિદેશી મુદ્રા વેબસાઇટ બોનબાસ્ટ પ્રમાણે બજારમાં એક ડૉલર ત્રણ લાખ 95 હજાર રિયાલ સુધીમાં વેચાયો છે. આ પહેલાં પાછલા શુક્રવારે જ એક ડૉલર ત્રણ લાખ 86 હજારે ચાલી રહ્યો હતો.

    લોકો પોતાની બચત સુરક્ષિત રાખવા માટે ડૉલર અને સોનું ખરીદવાની કોશિશ કરી રહ્યા છે.

    કેન્દ્રીય બૅન્કના ગવર્નર અલી સાલેહાબાદીએ માન્યું છે કે,“અમેરિકાના પ્રતિબંધો સાથે પાછલા બે મહિનાની ઘટનાઓએ ઈરાની ચલણને કમજોર કર્યું છે. કમજોર રિયાલની સ્થિતિ સુધારવા માટે માર્કેટમાં ડૉલર લવાઈ રહ્યા છે.”

    મહસા અમીનીના મૃત્યુ બાદ શરૂ થયેલ પ્રદર્શનો બાદથી રિયાલમાં લગભગ 20 ટકાનો ઘટાડો નોંધાયો છે.

    મે 2018માં અમેરિકાનું પરમાણુ સમજૂતીમાંથી બહાર નીકળવું અને ઈરાન પર પ્રતિબંધોને ફરીથી લાગુ કરવાથી પહેલાં ઈરાની રિયાલનું મૂલ્ય લગભગ 65 હજાર પ્રતિ ડૉલર પર રહ્યું હતું.

    સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે સરકારવિરોધી પ્રદર્શનોમાં 495 પ્રદર્શનકારીઓનાં મૃત્યુ થયાં છે, જેમાં 68 સગીર પણ સામેલ છે.

    આ સિવાય 62 સુરક્ષાદળના જવાનોનાં પણ મૃત્યુ થયાં છે, બીજી તરફ 18 હજાર 450 લોકોની ધરપકડ કરાયાનું અનુમાન છે.

  13. નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    19 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.