પહેલાં ક્યારેય ના ખડક્યું હોય એટલું સૈન્ય ભારતે ચીનસરહદે કેમ તહેનાત કર્યું?

ઇમેજ સ્રોત, TWITTER.COM/DRSJAISHANKAR
ભારતના વિદેશમંત્રીએ કહ્યું છે કે ભારતે ચીન સાથેની વિવાદિત સરહદ પર સૈનિકોની તૈનાતીને અભૂતપૂર્વ સ્તરે વધારી દીધી છે.
એસ. જયશંકરે ઉમેર્યું હતું કે ભારત ચીનને સરહદ પરની સ્થિતિ "એકપક્ષીય રીતે બદલવા" નહીં દે.
એસ. જયશંકરની ટિપ્પણીઓ અરુણાચલ પ્રદેશ રાજ્યમાં સરહદ સાથેના વિવાદિત વિસ્તારમાં ભારતીય અને ચીની દળોની અથડામણ બાદ આવી છે.
ભારતે કહ્યું કે ચીનના સૈનિકોના અતિક્રમણને કારણે ઘર્ષણ શરૂ થયું હતું.
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેમની જાણકારી અનુસાર, સરહદ પર સ્થિતિ "સામાન્ય રીતે સ્થિર" છે અને બંને પક્ષો આ મુદ્દા પર વાતચીત જાળવી રહ્યા છે.
ભારત અને ચીન વચ્ચે વિવાદિત 3,440 કિલોમિટર (2,100 માઈલ) લાંબી ડી ફેક્ટો બૉર્ડર છે - જેને વાસ્તવિક નિયંત્રણ રેખા અથવા એલએસી કહે છે. બંને બાજુના સૈનિકો ઘણાં સ્થળોએ સામસામે આવે છે, અને તણાવ ક્યારેક અથડામણ કે ઘર્ષણમાં પરિણમે છે.
પશ્ચિમમાં લદ્દાખ ક્ષેત્રમાં ગલવાન ખીણમાં જૂન 2020માં હિંસક અથડામણ થઈ ત્યારે 20 ભારતીય સૈનિકો અને ઓછામાં ઓછા ચાર ચીની સૈનિકો મૃત્યુ પામ્યા હતા અને તે પછી બંને પક્ષ સ્થિતિ થાળે પાડવાના પ્રયાસ કરી રહ્યા છે.
તાજેતરનું ઘર્ષણ એ ઘટનાના એક વર્ષ બાદ 9 ડિસેમ્બરે થયું હતું અને તેમાં કેટલાક સૈનિકોને નાની ઈજાઓ થઈ હતી. ભારતીય સૈન્યે જણાવ્યું હતું કે બંને પક્ષો તરત જ વિસ્તારમાંથી હઠી ગયા હતા.
એસ. જયશંકર સોમવારે મીડિયા સમુહ ‘ઇન્ડિયા ટુડે’ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતી વખતે આ ઘટના અંગે પુછાયેલા પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા.
તેમણે કહ્યું, "આજે, આપણે ચીનની સરહદે પૂર્વે કદી નહોતી એટલી માત્રામાં ભારતીય સૈન્યને તહેનાત કરી દીધું છે. ચીની આક્રમણનો સામનો કરવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. એલએસીને એકપક્ષીય રીતે બદલવાના કોઈ પણ પ્રયાસનો સામનો કરવા માટે ભારતની સેના સાબદી છે."
ચીને હજુ સુધી આ ટિપ્પણીનો જવાબ આપ્યો નથી.
તાજેતરની અથડામણને કારણે ગયા અઠવાડિયે દેશમાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો, સરહદની સ્થિતિ અંગે તત્કાલ ચર્ચા કરવાની માગને નકારી કાઢવા બદલ વિરોધ પક્ષોએ સંસદમાંથી વૉકઆઉટ કર્યું હતું.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર ચીનની ધમકીની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે અને સાથે જ આક્ષેપ કર્યો છે કે દેશની સેના સરહદ પર ભારતીય સૈનિકોને "માર ખાવા" છોડી દઈ રહી છે.
સોમવારે સંસદમાં બોલતા એસ. જયશંકરે કહ્યું કે રાહુલ ગાંધીના શબ્દોએ ભારતીય સૈનિકોને "અપમાનિત" કર્યા છે અને વિદેશમંત્રીએ સરકાર પરિસ્થિતિ પ્રત્યે ઉદાસીન હોવાનો ઇનકાર કર્યો હતો.










