'ભારતીય સૈનિકોનું અપમાન ન કરવું જોઈએ' રાહુલ ગાંધીએ સૈનિકો માટે 'પીટાઈ' શબ્દ વાપરતા વિદેશમંત્રીએ આપ્યો જવાબ

ફિફા વર્લ્ડકપ જીતવાનું દેશનું 36 વર્ષ જૂનું સપનું પૂરું થયું ત્યારે મેસ્સી સહિત આર્જેન્ટિનાના ખેલાડીઓની આંખો ભીંજાઈ ગઈ હતી.

લાઇવ કવરેજ

  1. 'ભારતીય સૈનિકોનું અપમાન ન કરવું જોઈએ' રાહુલ ગાંધીએ સૈનિકો માટે 'પીટાઈ' શબ્દ વાપરતા વિદેશ મંત્રીએ આપ્યો જવાબ

    ભારતના વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ભારતના વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર

    ભારતના વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે સોમવારે રાજ્યસભામાં અરુણાચલ પ્રદેશમાં ચીનના કથિત અતિક્રમણ અંગે ચર્ચા કરાવવાની માગ ફગાવાયા બાદ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું.

    તેમણે કહ્યું કે, આપણા સૈનિકો યાંગત્સેમાં 13 હજાર ફીટની ઊંચાઈ પર ઊભા છે અને સરહદની રક્ષા કરી રહ્યા છે. તેમનું સન્માન કરવું જોઈએ અને તેમના વખાણ કરવા જોઈએ. જયશંકરે હાલમાં ભારતીય સેના અંગેના કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરી હતી જેમાં રાહુલ ગાંધીએ 'પીટાઈ' શબ્દ વાપર્યો હતો. જયશંકરે કહ્યું કે ભારતીય સૈનિકો માટે આવા શબ્દ ન વાપરવા જોઈએ.

    જયશંકરે કહ્યું કે, “અમને રાજકીય ટીકા સામે કોઈ વાંધો નથી પરંતુ આપણે આપણા જવાનોનું અપમાન ન કરવું જોઈએ.મેં સાંભળ્યું છે કે મારે પણ મારી સમજણ વધારવાની જરૂર છે. જ્યારે હું જોવું છું કે કોણ સલાહ આપી રહ્યું છે, હું તેમનું સન્માન કરું છું.”

    ગત અઠવાડિયે એક પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીએ તવાંગમાં ઘર્ષણ અંગે કહ્યું હતું કે , “આપણા જવાન સરહદ પર માર ખાઈ રહ્યા છે.”

    કેન્દ્ર સરકાર પર ચીનની સરહદ પર તણાવને ઘટાડવા માટે યોગ્ય પગલાં ન લેવાના વિપક્ષના આરોપ વિશે જયશંકરે કહ્યું કે, “ જો અમે ચીન વિશે ન વિચારતા હોત તો કોઈ સરહદ પર ભારતીય સેના મોકલી? જો અમે ચીન વિશે ન વિચારતા હોત તો અમે શા માટે ચીન પર તણાવ ઘટાડવા અને પાછળ ખસવા માટે દબાણ કરી રહ્યા છીએ? અમે કેમ જાહેરમાં કહી રહ્યા છીએ કે અમારા સંબંધ સામાન્ય નથી?”

  2. ફિફા વર્લ્ડકપ જીતનાર આર્જેન્ટિનાની ટીમને ઇનામમાં મળશે કરોડો રૂપિયા

    લિયોનલ મેસ્સી

    ઇમેજ સ્રોત, Getty Images

    લિયોનલ મેસ્સીએ શાનદાર પ્રદર્શન કરીને આર્જેન્ટિનાને વર્લ્ડકપમાં વિજય અપાવ્યો છે.

    ફિફા વર્લ્ડકપ જીતવાનું દેશનું 36 વર્ષ જૂનું સપનું પૂરું થયું ત્યારે મેસ્સી સહિત આર્જેન્ટિનાના ખેલાડીઓની આંખો ભીંજાઈ ગઈ હતી.

    વર્ષોની મહેનત સફળ થઈ અને દેશ માટે વર્લ્ડ કપ જીતવાનું મેસ્સીનું સપનું પણ પૂરું થઈ ગયું.

    આ સંતોષની સાથે-સાથે આર્જેન્ટિનાને ઇનામમાં વિશાળ રાશિ પણ મળશે. વિજેતા ટીમ આર્જેન્ટિનાને 347 કરોડ રૂપિયાનું ઇનામ મળશે.

    ટ્રોફીની સાથે સાથે વિજેતા ટીમના ખેલાડીઓને ઇનામમાં મોટી રાશિ પણ મળશે.

    લિયોનલ મેસ્સી, એમબાપે

    ઇમેજ સ્રોત, Getty Images

    ફાઇનલમાં આર્જેન્ટિના સામે હારનાર ફ્રાન્સની ટીમ બીજા સ્થાને રહી છે. ભલે ફ્રાન્સની ટીમને હારનો સામનો કરવો પડ્યો હોય પરંતુ ફ્રૅન્ચ ખેલાડી એમબાપ્પેનું પ્રદર્શન ચર્ચામાં છે. ફ્રાન્સના ખેલાડીઓને ભલે હાર મળી હોય પરંતુ તેમને હતાશ નથી થવું પડ્યું.

    ફ્રાન્સની ટીમને ઇમાનમાં 248 કરોડ રૂપિયા મળશે.

    ત્રીજા સ્થાને રહેનાર ક્રોએશિયાને 223 કરોડ રૂપિયા મળશે.

    મોરક્કો ભલે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયું હોય પરંતુ તેણે દુનિયામાં લોકોનાં દિલ જીત્યાં છે. મોરક્કોને 206 કરોડ રૂપિયાનું ઇનામ મળશે.

    મેસ્સી

    ઇમેજ સ્રોત, Getty Images

    બ્રાઝિલ, નેધરલૅન્ડ્સ, પૉર્ટુગલ અને ઇંગ્લૅન્ડ જેવી ટીમો જે ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી તેમને 140 કરોડ રૂપિયા મળશે.

    પ્રી ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં હારનાર ટીમોને 114 કરોડ રૂપિયા ઇનામ મળશે. સેનેગલ, ઑસ્ટ્રેલિયા, પોલૅન્ડ, સ્પેન, જાપાન, સ્વિત્ઝરલૅન્ડ, દક્ષિણ કોરિયાનો આ કૅટેગરીમાં સમાવેશ થાય છે.

    વર્લ્ડકપમાં ક્વૉલિફાઇ કરનાર દરેક ટીમને 74 કરોડ રૂપિયા ઇનામમાં મળશે. કતર, ઇક્વાડોર, વેલ્સ, ઇરાન, મેક્સિકો, સાઉદી અરેબિયા, ટ્યુનિશિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયા, કૅનેડા, બેલ્જિયમ, જર્મની, કોસ્ટા રિકા, સર્બિયા, કૅમરૂન, ઘાના, ઉરુગ્વેની ટીમ આ કૅટેગરીમાં સામેલ છે.

    ફૂટબૉલ વર્લ્ડકપનું સંચાલન કરતી સંસ્થા ફિફાએ 2022 વર્લ્ડકપ માટે 440 મિલિયન ડૉલર ફાળવ્યા હતા.

  3. ગુજરાતીઓને અમેરિકામાં ગેરકાયદે મોકલવા માટે ઉત્તર ગુજરાતના કૅમ્પમાં ટ્રેનિંગ યોજાઈ હતી?

    આર્જેન્ટીના

    ઇમેજ સ્રોત, Getty Images

    એક ગુજરાતી પરિવારના કૅનેડમાંથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા મૃત્યુ પામવાની ઘટના સામે આવ્યો હતો.

    કૅનેડા અથવા મેક્સિકોના રૂટથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવા માટે લોકો ખતરનાક રૂટ અપનાવતા હોય છે, તેની તૈયારી માટે ઉત્તર ગુજરાતમાં ખાસ કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર 'કબૂતરબાજી'ના રૅકેટ્સની તપાસમાં સામે આવ્યું છે કે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવા ઇચ્છતા લોકોને 15 ફીટ ઊંચી દીવાલો, કાંટાળી વાડ નીચેથી સરકવું અને બાળકો તથા ભારે વજનની બૅગ્સ સાથે લાંબા અંતર સુધી દોડવાનું પ્રશિક્ષણ આપવામાં આવે છે.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર દિલ્હી પોલીસે જણાવ્યું છે કે આ ટ્રેનિંગ કૅમ્પ્સ ઉત્તર ગુજરાતમાં દૂરના વિસ્તારોમાં છુપાયેલા મોટા ફાર્મહાઉસીઝમાં ચાલે છે. ઉવારસદ, માણસા, અને ગાંધીનગરના પાળિયાદ અને મહેસાણાના વિજાપુર ગામમાં આ ટ્રેનિંગ કૅમ્પ ચાલતા હતા.

    અખબાર અનુસાર દિલ્હી પોલીસની ટીમે ગેરકાયદેસર રીતે વિદેશ જવાનો પ્રયત્ન કરતા લોકોની ધરપકડ અથવા માનવ તસકરીના કેસની તપાસ કરી રહી છે.

    અખબારે સૂત્રેને ટાંકતા લખ્યું છે કે ડિંગુચાના પરિવારનું કૅનેડાથી અમેરિકા જવાના રૂટમાં થીજીને મૃત્યુ થવાના કિસ્સા બાદ લોકો કૅનેડની જગ્યાએ મેક્સિકોનો રૂટ વધારે પસંદ કરે છે. જોકે આ ઘટના સામે આવી તે પહેલાં પણ ટ્રેનિંગ કૅમ્પ ચાલતા હતા.

    અખબાર લખે છે કે દિલ્હી પોલીસે મહેસાણાના મિતેશ વિઠ્ઠલ પટેલની તપાસ કરતા ટ્રેનિંગ કૅમ્પ વિશે જાણ્યું હતું. મિતેશ પટેલની ઇસ્તાંબુલના અધિકારીઓએ ધરપકડ કરી હતી, તેમની ધરપકડ મેક્સિકોના સ્ટીકર સાથે નકલી પાસપોર્ટ મળવાને કારણે થઈ હતી.

    તેમને દોહા થઈને ભારત લવાયા અને બીજી ઑક્ટોબર 2021ના દિવસે દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરી હતી. નવી દિલ્હી ઍરપોર્ટ પરથી વીઝા ઑન ડિપાર્ચરના કથિત કૌભાંડમાં પકડાયેલા નારણ ચૌધરીની ધરપકડ બાદ થયેલી તપાસમાં ટ્રેનિંગ કૅમ્પ્સ હોવાની વાતની પુષ્ટિ થઈ હતી.

    તેમની ધરપકડ વિઝા સ્ટીકર્સ સાથેના નકલી પાસપોર્ટ આપવાના મામલામાં કરાઈ હતી.

    અખબારે દિલ્હી પોલીસના અધિકારીને ટાંકતા લખ્યું છે કે, માનવ તસકરો તેમના ક્લાયન્ટ્સને 15થી ત્રણ મહિનાના ટ્રેનિંગ મૉડ્યુલમાં ફિટ કરવામાં આવે છે.

  4. બિહાર : બેગુસરાયમાં 13 કરોડ રૂપિયાના ખર્ચે બનતો નિર્માણાધીન પુલ તૂટ્યો

    પુલ

    ઇમેજ સ્રોત, VISHNU NARAYAN

    બિહારના બેગુસરાય જિલ્લામાં એક નિર્માણાધીન પુલ રવિવારે પડી ગયો. હજુ આ પુલનું આધિકારિક રીતે ઉદ્ઘાટન પણ નહોતું થયું.

    જોકે કેટલાક દિવસોથી નાની ગાડીઓ જેમકે ટેૅમ્પો કાર, મોટર સાઇકલ ચાલક અને પગપાળા ચાલતા લોકો માટે આ પુલ વપરાશમાં હતો.

    આ નિર્માણાધીન પુલ જિલ્લાના સાહેબપુર કમાલ વિધાનસભા અને બ્લૉકમાં સ્થિત છે.

    બૂઢી ગંડક પર નિર્માણાધીન આ પુલની લંબાઈ 206 મિટર છે અને આનું નિર્માણનું કુલ બજેટ 13 કરોડ રૂપિયા હતું.

    પુલના બે અને ત્રણ નંબરના થાંભલા રવિવારના નદીમાં પડી ગયા.

    આ પુલ બેગુસરાયના ખગડિયા જિલ્લાથી જોડવા માટે બની રહ્યો હતો.

    સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમણે પુલ તૂટતા પહેલાં ફરિયાદો કરવામાં આવી હતી કે પુલના નિર્માણમાં ખરાબ ગુણવત્તાનું મટિરિયલ વપરાયું છે પરંતુ કોઈએ સાંભળ્યું નહીં.

    ત્રણ દિવસ પહેલાં સ્થાનિક ધારાસભ્ય સતાનંદ ઉર્ફ લલન યાદવે પુલમાં તિરાડના સંદર્ભમાં સંબંધિત વિભાગને પત્ર લખ્યો હતો.

  5. થાઈલૅન્ડમાં લડાયક જહાજ ડૂબી જતાં 31 નાવિકો લાપતા

    થાઈલૅન્ડમાં લડાયક જહાજ ડૂબ્યું

    ઇમેજ સ્રોત, ROYAL THAI NAVY

    થાઈલૅન્ડની નેવીનું કહેવું છે કે એક લડાયક જહાજ થાઈલૅન્ડની ખાડીમાં ડૂબી ગયું છે અને 31 નાવિકો લાપતા છે.

    આ જહાજ પર 100થી વધુ સભ્યોવાળું ક્રૂ સવાર હતું અને 31 નાવિકો લાપતા છે.

    રવિવાર રાત્રે એચટીએમએએસ સુખોતાઇ જહાજમાં પાવર કંટ્રોલ રૂમમાં પાણી ભરાઈ ગયું હતું, અધિકારીઓનું કહેવું છે કે ક્રૂના 75 સદસ્યોને બચાવવામાં આવ્યા છે અને 31 લોકો હજુ લાપતા છે.

    થાઈલૅન્ડની નેવીના પ્રવક્તાનું કહેવું છે કે 12 કલાકથી વધુ સમય થઈ ગયો છે પરંતુ અમે લાપતા લોકોને શોધવાનું કામ ચાલુ રાખશું.

    બચાવ ટીમો રાતભર લાપતા લોકોને શોધવાનું કામ કરતી રહી અને સોમવારે પણ ઑપરેશન ચાલુ હતું. નેવી અનુસાર આ દુર્ઘટનાનાં કારણોની તપાસ કરાશે.

    નેવીના પ્રવક્તા એડમિરલ પોગક્રોંગ મોનથાર્ડપલિને બીબીસીને જણાવ્યું કે, " અમારા ઇતિહાસમાં ક્યારેય આવું બન્યું નથી, ખાસ કરીને એવા જહાજમાં જે અત્યારે સક્રિય છે."

    અધિકારીઓનું કહેવું છે કે જહાજમાં પાણી ભરાઈ ગયા પછી તે ડૂબી ગયું, તેના પાવર રૂપમાં શૉર્ટ સર્કિટ થયું હતું. વીજળી ન હોવાને કારણે ક્રૂને જહાજનું નિયંત્રણ ફરી મેળવવામાં મુશ્કેલી થઈ હતી.

  6. એલન મસ્કે ટ્વિટર યૂઝર્સને પૂછ્યું, "હું સીઈઓ રહું કે નહીં, તમે કહો..."

    એલન મસ્ક

    ઇમેજ સ્રોત, REUTERS/HANNIBAL HANSCHKE

    અમેરિકાના ટેકનૉલૉજી ઉદ્યોગપતિ એલન મસ્કે રવિવારે ટ્વિટર યૂઝર્સને પૂછ્યું છે કે તેમને ટ્વિટરના વડા બનવું જોઈએ કે નહીં.

    એલન મસ્કે કેટલાંક અઠવાડિયાં અગાઉ 44 અબજ ડૉલરના સોદામાં માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વિટરને ખરીદી લીધી છે. એ સોદા બાદ તેઓ ટ્વિટરમાં સતત ફેરફાર કરી રહ્યા છે.

    આ ફેરફારોમાં મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણીની સાથે જ ટ્વિટરની નીતિઓ અને બિઝનેસમાં પણ ફેરફાર લાવવું સામેલ છે.

    એલન મસ્ક ટ્વિટરની સાથે ટેસલા અને સ્પેસએક્સના પણ પ્રમુખ છે. અને મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ ટેસલાના શૅરનો ભાવ ગગડ્યો છે.

    મસ્કે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, "શું મને ટ્વિટરના પ્રમુખના પદ પરથી હઠાવી દેવો જોઈએ? હું આ પોલનાં પરિણામનું પાલન કરીશ."

    અત્યાર સુધી એલન મસ્કે આ ટ્વીટના પોલમાં એક કરોડ લોકો પોતાનો મત આપી ચૂક્યા છે.

    આની પહેલાં ટ્વિટરએ બીજી સોશિયલ મીડિયાના પ્રમોશનને ટ્વિટર પર પ્રતિબંધિત કર્યો હતો. આમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને માસ્ટોડૉન સામેલ છે.

  7. હિમાચલ પ્રદેશમાં અદાણીના બે સિમેન્ટ પ્લાન્ટ બંધ, શું છે કારણ

    ગૌતમ અદાણી

    ઇમેજ સ્રોત, GETTY IMAGES

    હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસ પાર્ટીની સરકાર બન્યા બાદ અદાણી સમૂહના બે સિમેન્ટ પ્લન્ટ બંધ થઈ ગયા છે. આની સાથે જ હિમાચલ પ્રદેશમાં સિમેન્ટના ભાવ વધી ગયા છે.

    હિમાચલ પ્રદેશના નવા મુખ્ય મંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ અમર ઉજાલા અખબાર સાથે વિશેષ વાતચીતમાં આનું કારણ જણાવ્યું.

    તેમણે કહ્યું કે, "આ મામલો કાયદાવ્યવસ્થા સાથે જોડાયેલો છે. ફૅકટરી યુનિયન અને અદાણી સમૂહ વચ્ચે વિવાદ છે. સરકાર ઇચ્છે છે કે સમજૂતી થઈ જાય પરંતુ ન યુનિયનનું નુકસાન થાય અને ન ફેકટરીનું. પરંતુ એક વાત સ્પષ્ટ કરી દઉં કે હિમાચલ પ્રદેશમાં સિમેન્ટનો ભાવ ઘટાડવા જ પડશે. એવું ન બનવું જોઈએ કે પંજાબમાં સિમેન્ટ સસ્તો હોય અને હિમાચલ પ્રદેશમાં મોંઘો મળે.'

    આ ઇન્ટરવ્યૂમાં સુક્ખૂએ કહ્યું કે તેમની સરકાર જૂની પેન્શન સ્કીમ પરત લાવવા માટે કેવા પ્રયત્નો કરી રહી છે.

    તેમણે કહ્યું કે, " ગત ભાજપ સરકાર રાજ્ય પર 70 હજાર કરોડનું દેવું છોડીને ગઈ છે. મોટો પડકાર છે પરંતુ સમાધાન પણ છે. અમે પહેલા દિવસે કહ્યું હતું કે અને ફરીથી કહું છું કે કર્મચારીઓની જૂની પેન્શન સ્કીમ પર નિર્ણય પ્રથમ કેબિનેટ બેઠકમાં લેશું. અન્ય યોજનાઓ પૂરી કરવાી પણ અમારી જવાબદારી છે."

    આની સાથે જ વીરભદ્રસિંહ પરિવાર સાથે કથિત તણાવના મુદ્દા પર હિમાચલ પ્રદેશના નવા મુખ્ય મંત્રીએ કહ્યું કે, " કૉંગ્રેસ એક પરિવાર છે. રાજ્યમાં હવે કોઈ જૂથબંધી નથી. વીરભદ્રસિંહ પરિવારની કેટલીક ઇચ્છાઓ છે. અમે તે અનુસાર કામ કરીશું. તેમના પુત્ર ધારાસભ્ય છે, બધા ધારાસભ્યોને સાથે લઈને ચાલીશું."

    હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીની જીત પછી કૉંગ્રેસ નેતા રહેલા વીરભદ્રસિંહનાં પત્ની પ્રતિભાસિંહ અથવા તેમના પુત્ર વિક્રમાદિત્યસિંહના મુખ્ય મંત્રી બનવાની ચર્ચા હતી.

    પ્રતિભાસિંહ તરફથી નિવેદન પણ આવ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટી વીરભદ્રસિંહ અને તેમના પરિવારના યોગદાનને નકારી ન શકે.

    પરંતુ આખરે કૉંગ્રેસ પાર્ટીએ સુખવિંદરસિંહ સુક્ખૂને મુખ્ય મંત્રી અને મુકેશ અગ્નિહોત્રીને નાયબ મુખ્ય મંત્રીનું પદ આપ્યું હતું.

  8. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારને નડી શકે તેવા પાંચ પડકારો કયા છે?

  9. ગુજરાતમાં 13 ટકા વોટશૅર મેળવવો એ ‘બળદને દોહવા જેવું કામ’ હતું, પણ અમે કરી બતાવ્યું : કેજરીવાલ

    અરવિંદ કેજરીવાલ

    ઇમેજ સ્રોત, Getty Images

    આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું હતું કે, “ગુજરાતમાં પાંચ બેઠકો અને 13 ટકા વોટશૅર મેળવવાનું કામ એ બળદને દોહવા જેવું કામ હતું, પણ અમે એ કરી બતાવ્યું.”

    તેમણે રવિવાર પાર્ટીની રાષ્ટ્રીય કાર્યાકારિણી અને નેશનલ કાઉન્સિલ મિટિંગમાં આ વાત કહી હતી.

    નોંધનીય છે કે તાજેતરમાં પૂરી થયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા, આ ચૂંટણીમાં ‘શરૂઆતમાં જીતનો દાવો કરનાર’ પાર્ટીને પાંચ બેઠકો પર સફળતા મળી હતી.

    આમ આદમી પાર્ટીને બોટાદ, દેડિયાપાડા, ગારિયાધાર, વિસાવદર અને જામજોધપુરની બેઠક પર વિજય હાંસલ થયો હતો.

    દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં આગળ કહ્યું હતું કે, “મીડિયાના લોકો ગુજરાતમાં આ વખત સરકાર કેમ ન બની તે વિશે પ્રશ્ન પૂછે છે ત્યારે મને આનંદ થાય છે, દેશમાં પહેલાં ક્યારેય પ્રથમ વખત ચૂંટણીમાં ઊતરેલો પક્ષ વિજેતા બનશે તેવી વાત નહોતી થતી, પરંતુ હવે અમારા આગમન સાથે આ વાત થવા લાગી છે. હું એ બધાને કહેવા માગીશ કે પંજાબની જેમ ગુજરાતમાં પણ બીજી વખત આમ આદમી પાર્ટી સરકાર બનાવશે.”

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  10. ચૂંટણી બાદ ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર સોમવારથી શરૂ થશે, યોગેશ પટેલને બનાવાયા પ્રોટેમ સ્પીકર

    ગુજરાત વિધાનસભા

    ઇમેજ સ્રોત, cms.neva.gov.in

    તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતની નવી ચૂંટાયેલી 15મી વિધાનસભાનું પ્રથમ સત્ર 19 ડિસેમ્બર એટલે કે સોમવારથી શરૂ થશે.

    નોંધનીય છે કે આ હેતુસર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભાજપના વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પેટલને પ્રોટેમ સ્પીકર નીમ્યા છે. સત્રના પ્રથમ દિવસે નવા ધારાસભ્યોની પ્રોટેમ સ્પીકર દ્વારા શપથવિધિ કરાવાશે.

    બે દિવસીય સત્રના બીજા દિવસે એટલે કે 20 ડિસેમ્બરે ગૃહ અધ્યક્ષ ચૂંટશે.

    નોંધનીય છે ભાજપ તરફથી અધ્યક્ષપદ અને ઉપાધ્યક્ષપદ માટે અનુક્રમે શંકર ચૌધરી અને જેઠા ભરવાડનાં નામ જાહેર કરાયાં છે.

    અધ્યક્ષની ચૂંટણી બાદ રાજ્યપાલ ગૃહનું સંબોધન કરશે. જે બાદ રાજ્યપાલનો આભાર પ્રસ્તાવ રજૂ કરાશે.

    આ સત્ર દરમિયાન ગૃહમાં તાજેતરમાં મૃત્યુ પામેલ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવશે.તેમજ ચૂંટણી અગાઉ રાજ્ય સરકાર દ્વારા શહેર વિસ્તારોમાં મંજૂરી વગરનાં બાંધકામને કાયદેસર બનાવવાના હેતુસર જાહેર કરાયેલ વટહુકમ સંદર્ભે ગૃહમાં તેને લગતું બિલ રજૂ કરાશે.

  11. એવું શહેર જ્યાં કિન્નરો આપે છે સ્વરક્ષાની તાલીમ

  12. ફિફા વર્લ્ડકપ : મેસ્સીને ફાઇનલમાં જીત સાથે ગોલ્ડન બૉલ, ઍમબાપેને ગોલ્ડન બૂટથી સંતોષ માનવો પડ્યો

    ફૂટબૉલ વર્લ્ડકપ ફાઇનલ

    ઇમેજ સ્રોત, Getty Images

    રવિવારે કતારમાં યોજાયેલ ફિફા વર્લ્ડકપની રોમાંચક ફાઇનલમાં આર્જેન્ટિનાની ટીમે લાયોનેલ મેસ્સીની આગેવાનીમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ફ્રાન્સને હરાવીને ટ્રૉફી કબજે કરી હતી.

    આ સાથે જ આર્જેન્ટિના 36 વર્ષ બાદ વર્લ્ડકપ ચૅમ્પિયન બનવામાં સફળ રહ્યું હતું.

    લાંબા ખેંચાયેલા આ મુકાબલામાં પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિના 4-2થી જીત્યું હતું.

    ફુલ ટાઇમ ઍક્સ્ટ્રા ટાઇમમાં મુકાબલો 3-3ની બરોબરીએ છૂટ્યા બાદ મૅચ પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચ્યો હતો.

    ફ્રાન્સના કિલિયન ઍમબાપેએ શાનદાર પ્રદર્શન કરતાં ફુલ ટાઇમમાં સતત ત્રણ ગોલ ફટકારી હેટ્રિક નોંધાવી હતી.

    ટુર્નામેન્ટમાં તેમના પ્રદર્શન માટે ઍમબાપેને ‘ગોલ્ડન બૂટ’ ઍવૉર્ડ મળ્યો હતો.

    તેમણે આખી ટુર્નામેન્ટમાં કુલ આઠ ગોલ કર્યા હતા.

    જ્યારે આર્જેન્ટિનાના કપ્તાન લાયોનેલ મેસ્સીને ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ ખેલાડી તરીકેનો ગોલ્ડન બૉલ પુરસ્કાર અપાયો હતો.

    આ સાથે જ આર્જેન્ટિનાના એમિલિયાનો માર્ટિનેઝને ગોલ્ડન ગ્લવ અને એન્ઝો ફર્નાન્ડિઝને બેસ્ટ યંગ પ્લેયર ઍવૉર્ડ મળ્યો હતો.

  13. નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    18 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.