લિયો વરાડકર : ભારતીય મૂળના નેતા બીજી વખત બન્યા આયરલૅન્ડના PM

ત્રણ મહિનાના ગાળા બાદ ભારતીય મૂળના લિયો વરાડકર આયરલૅન્ડના વડા પ્રધાન બન્યા છે. તેઓ બીજી વખત દેશના વડા પ્રધાન બન્યા છે.

લાઇવ કવરેજ

  1. લિયો વરાડકર : ભારતીય મૂળના નેતા બીજી વખત બન્યા આયરલૅન્ડના PM

    આયરલેન્ડના વડા પ્રધાન લિયો વરાડકર

    ઇમેજ સ્રોત, Getty Images

    ત્રણ મહિનાના ગાળા બાદ ભારતીય મૂળના લિયો વરાડકર આયરલૅન્ડના વડા પ્રધાન બન્યા છે. તેઓ બીજી વખત દેશના વડા પ્રધાન બન્યા છે.

    વર્ષ 2020ની ચૂંટણી બાદ અહીંની ફાઇન ગેલ પાર્ટી, ફિએના ફેલ પાર્ટી અને ગ્રીન પાર્ટી વચ્ચે સરકારની રચના માટે ગઠબંધન થયું હતું.

    ગઠબંધન સરકાર બને એ પહેલાં જ કરાર કરાયો હતો કે આમાંથી બે-બે પક્ષોના નેતાઓ અડધોઅડધો સમય દેશના વડા પ્રધાન બનશે.

    એ સહમતી અનુસાર ફિએના ફેલના માઇકલ માર્ટિન 16 ડિસેમ્બર 2022 સુધી વડા પ્રધાનનું પદ સંભાળશે અને એ બાદ નાયબ વડા પ્રધાનના પદ પર રહશે જ્યારે ડેપ્યુટી વડા પ્રધાનનું પદ સંભાળી રહેલા ફાઇન ગેલના વરાડકર વડા પ્રધાનનું પદ સંભાળશે.

    વરાડકરનો જન્મ 18 જાન્યુઆરી 1979માં ડબલીનમાં થયો હતો અને તેમનાં માતા મરિયમ એક આયરીશ નર્સ હતાં. જ્યારે તેમના પિતા અશોક ભારતીય પ્રવાસી હતી. તેઓ વ્યવસાયે ડૉક્ટર હતા અને 1960ના દાયકામાં ઇંગ્લૅન્ડની નેશનલ હેલ્થ સર્વિસમાં કામ કરતાં હતાં.

    અશોક મૂળે મહારાષ્ટ્રના સિંઘુદુર્ગ જિલ્લાના વરાડ ગામના હતા અને 1960ના દયકામાં તેમનો પરિવાર આયરલૅન્ડમાં વસી ગયો હતો.

  2. માસિક વખતે સેનેટરી પૅડનો ઉપયોગ કેટલો સલામત?

  3. ગુજરાતમાં આપની ભૂમિકા પર રાહુલ ગાંધીના આરોપ અંગે ભગવંત માને શું કહ્યું?

    ભગવંત માન

    ઇમેજ સ્રોત, Getty Images

    'જો ગુજરાતમાં આપ ન આવી હોત તો કૉંગ્રેસે ભાજપને હરાવ્યો હોત', એવા રાહુલ ગાંધીના નિવેદન પર આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને પ્રતિક્રિયા આપી છે.

    માને કહ્યું છે, "રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત કેટલી વખત લીધી? તેઓ રાજ્યની એક માત્ર મુલાકાત થકી ચૂંટણી જીતી લેવા માગતા હતા."

    "ચૂંટણીઓ ત્યાં યોજાઈ હતી જ્યાં સૂર્ય આથમે છે. રાહુલ ગાંધીએ પોતાની પદયાત્રા ત્યાંથી શરૂ કરી જ્યાં સૂર્ય સૌપ્રથમ ઊગે છે. પહેલાં એમને એમનું ટાઇમિંગ સરખું કરી લેવા દો. કૉંગ્રેસ બદલવાની નથી. એ માત્ર લેણદેણ કરશે."

    તેમણે કૉંગ્રેસ પર આરોપ લગાવતાં કહ્યું, "પાર્ટી એટલી ગરીબ થઈ ગઈ છે કે વિરોધી પાર્ટીઓને સરકાર બનાવવા માટે ધારાસભ્યો ખૂટતા હોય ત્યારે એ પોતાના ધારાસભ્યો વેચી દે છે. પાર્ટી કૉમામાં છે."

    નોંધનીય છે કે શુક્રવારે મીડિયા સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ગુજરાતની ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી ના લડતી હોત તો કૉંગ્રેસે ભાજપને હરાવી દીધો હોત.

    રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાના 100 દિવસ પૂરા થવા નિમિત્તે જયપુર ખાતે મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા.

    મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો મેળવીને ‘અભૂતપૂર્વ’ જીત હાંસલ કરી હતી. જ્યારે કૉંગ્રેસને માત્ર 17 બેઠકો જ મળવા પામી હતી. તેમજ આમ આદમી પાર્ટીએ પાંચ બેઠક સાથે પોતાનું ખાતું ખોલાવ્યું હતું.

    આ ચૂંટણીમાં ઘણા રાજકીય વિશ્લેષકોએ પણ કહ્યું હતું કે ‘ઘણી બેઠકો પર આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કૉંગ્રેસનો ખેલ બગાડ્યો હતો.’

  4. ભારતને આપેલ જવાબમાં પાકિસ્તાને ફરી કર્યો વર્ષ 2002નાં ગુજરાત રમખાણોનો ઉલ્લેખ

    બિલાવલ ભુટ્ટો

    ઇમેજ સ્રોત, Getty Images

    ભારત અને પાકિસ્તાન વચ્ચે એકબીજા સામે નિવેદનબાજી ચાલી રહી છે. હવે પાકિસ્તાનના વિદેશમંત્રાલયે ભારતીય વિદેશમંત્રાલયના નિવેદનનો જવાબ આપ્યો છે.

    પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારત પોતાના નિવેદનોથી વર્ષ 2002નાં ગુજરાત રમખાણોની હકીકત છુપાવવા માગે છે.

    પાકિસ્તાની વિદેશમંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “ભારત સરકારે પોતાના નિવેદનથી વર્ષ 2002ના ગુજરાતના નરસંહારની હકીકતને છળ-કપટ પાછળ સંતાડવાની કોશિશ કરી છે. એ જનસંહાર, લિંચિંગ, રેપ અને લૂંટની શરમજનક કહાણી છે. સત્ય તો એ છે કે ગુજરાત નરસંહારના માસ્ટરમાઇન્ડને સજા ન મળી અને હવે તેઓ ભારતના વડા પ્રધાન છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    “કોઈ પણ શબ્દાડંબર ભારતમાં ‘ભગવા આતંકવાદ’ના અપરાધોને છુપાવી નથી શકતો. સત્તાધારી પાર્ટીની રાજકીય વિચારધારા હિંદુત્વે નફરત, અલગતાવાદ અ સજાથી બચાવના માહોલને જન્મ આપ્યો છે.”

    પ્રવક્તાએ કહ્યું, “ભારતના હિંદુત્વ આધારિત રાજકારણમાં સજાથી બચાવની સંસ્કૃતિ ઊંડાણપૂર્વક જોડાયેલી છે. દિલ્હી-લાહોર સમઝૌતા એક્પ્રસેસ પર થયેલ હુમલાના દોષિત અને માસ્ટરમાઇન્ડને છોડી દેવાયા. આ હુમલામાં ભારતની જમીન પર 40 પાકિસ્તાની માર્યા ગયા હતા. એ આરએસએસ-ભાજપ પ્રમાણે ન્યાયના નરસંહારને દર્શાવે છે.”

    “ભારત પીડિત હોવાનું જૂઠાણું ચલાવે છે પંરતુ તે જાતે ભારતના ગેરકાયદેસર કબજાવાળા જમ્મુ અને કાશ્મીરમાં દમનનો ગુનેગાર છે. તે જાતે દક્ષિણ એશિયામાં આતંકવાદી સમૂહોનું પ્રાયોજક અને ફાઇનાન્સર છે.”

    આ વિવાદની શરૂઆત પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોના એક નિવેદનથી થઈ હતી.

    તેમણે કહ્યું હતું કે, “ઓસામા બિન લાદેન મરી ચૂક્યો છે પરંતુ ‘બુચર ઑફ ગુજરાત’ જીવતો છે. અને તે ભારતનો વડા પ્રધાન છે. જ્યાં સુધી વડા પ્રધાન નહોતો બન્યો ત્યાં સુધી તેના અમેરિકા પ્રવાસ પર પ્રતિબંધ હતો.”

    બિલાવલ ભુટ્ટોની આ ટિપ્પણીનો ભારતમાં ઘણો વિરોધ થઈ રહ્યો છે.

    આના જવાબમાં ભારતીય વિદેશમંત્રાલયે પ્રવક્તા અરિંદમ બાગચીએ નિવેદન જાહેર કરીને કહ્યું, “પાકિસ્તાનના હિસાબે પણ આ નિવેદન અત્યંત નીચલા સ્તરનું છે. પાકિસ્તાનના લઘુમતીઓ પ્રત્યેના વલણમાં કોઈ ખાસ બદલાવ નથી આવ્યો. તેને ભારત પર લાંછન લગાડવાનો કોઈ અધિકાર નથી.”

    “આતંકવાદને નાણાકીય સહાયતા આપવાની, સંરક્ષણ આપવાની અને તેને સ્પૉન્સર કરવામાં પાકિસ્તાનની નિર્વિવાદિત ભૂમિકા હંમેશાં ચર્ચામાં રહી છે. પાકિસ્તાનના વિદેશમંત્રીના અસભ્ય બોલ, એ દેશ દ્વારા આંતકવાદનો એક પ્રૉક્સી સ્વરૂપે ઉપયોગ કરવાની અસફળતાનું પરિણામ છે.”

  5. બિલકીસબાનો કેસમાં દોષિતોની મુક્તિ અંગે પ્રશ્ન ઉઠાવતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

    બિલકીસબાનો

    ઇમેજ સ્રોત, ANI

    ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે બિલકીસબાનો રેપ કેસમાં ગુજરાત સરકારને દોષિતોની સજામાફી માટેની અરજી વર્ષ 1992ની સજામાફીની નીતિ અંતર્ગત કરવાના સૂચન પર ફેરવિચારણા કરવાની અરજી ફગાવી દીધી છે.

    સમાચાર સંસ્થા એએનઆઈએ આ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    નોંધનીય છે કે ગત 15 ઑગસ્ટે ગુજરાત સરકારની એક સમિતિએ બિલકીસબાનો કેસમાં દોષિતોની સજામાફી માટેની અરજી ગ્રાહ્ય રાખી બળાત્કાર અને હત્યાના કેસમાં જન્મટીપ ભોગવી રહેલા 11 દોષિતોને છોડી મૂક્યા હતા.

    દોષિતોની મુક્તિ બાદ તેમનું સ્વાગત કરાયાનાં દૃશ્યો સામે આવતાં આ નિર્ણયની ઘણી ટીકા થઈ હતી અને મામલો રાતોરાત સમાચારોમાં છવાઈ ગયો હતો.

    નોંધનીય છે કે વર્ષ 2002માં ગુજરાતનાં રમખાણો વખતે બિલકીસબાનો પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, જેની તપાસ સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે સીબીઆઈ દ્વારા કરાઈ હતી.

    આ કેસ ગુજરાત બહાર મુંબઈમાં ચલાવામાં આવ્યો હતો. વર્ષ 2008માં બૉમ્બેની કોર્ટે 11 દોષિતોને સજા ફટકારી હતી.

    11 દોષિતોને સજામાફી બાદ સમગ્ર દેશમાં ઠેરઠેર આ નિર્ણયનો વિરોધ થયો હતો. તેમજ સુપ્રીમ કોર્ટમાં આ મામલાને લઈને અરજીઓ પણ થઈ હતી.

  6. રાહુલ ગાંધીના ચીન મુદ્દેના નિવેદન પર ભાજપના રવિશંકર પ્રસાદનો શાબ્દિક પ્રહાર

    રવિશંકર પ્રસાદ

    ઇમેજ સ્રોત, GETTY IMAGES

    ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર સેનાની ક્ષમતા પર સવાલ ઉઠાવાનો આરોપ લગાવ્યો છે.

    તેમણે રાહુલ ગાંધીના ચીન અંગેના નિવેદનની ટીકા કરી છે.

    તેમણે ઉરી અને બાલાકોટનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીને સવાલ કર્યો કે તેઓ ક્યાં સુધી સેના પર સવાલ ઉઠાવતા રહેશે.

    રાહુલ ગાંધીએ તવાંગમાં ભારત અને ચીનના જવાનો વચ્ચે થયેલા ઘર્ષણ અંગે એક નિવેદનમાં કહ્યું હતું કે 'ચીન અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાના જવાનોને મારી રહ્યું છે.'

    રવિશંકર પ્રસાદે કહ્યું, "તમે ઉરી અને બાલાકોટ બાદ પછી પણ સેનાની બહાદુરીની પ્રમાણ માગ્યું હતું. હવે તો જુઠ્ઠાણું ફેલાવાનું અને દેશનું મનોબળ તોડવાનું કામ બંધ કરો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારત બહુ મજબૂત છે અને પોતાની સીમાની રક્ષા કરવામાં સક્ષમ છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    તેમણે કહ્યું, "રાહુલ ગાંધીજી! ક્યાં સુધી તમે જુઠ્ઠું બોલીને સેના પર સવાલ ઉઠાવતા રહેશો? હવે તો આપણી સેનાની બહાદુરી મીડિયામાં ઉપલબ્ધ પુરાવાઓથી જગજાહેર થઈ ગઈ છે, તેમ છતાં તમે સેના પર સવાલ ઉઠાવી રહ્યા છો."

    કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીન ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાની તૈયારી કરી રહ્યું છે.

    રાહુલ ગાંધીએ રાજસ્થાનના જયપુરમાં ભારત જોડો યાત્રાના 100મા દિવસે થયેલી પત્રકારપરિષદમાં આ વાત કરી હતી.

    રાહુલ ગાંધીએ કહ્યું, "ચીન આપણી સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, પણ આપણી સરકાર એ વાતને સ્વીકારતા માટે તૈયાર નથી. તે સત્ય છુપાવી રહી છે."

  7. બિહાર : 'પતિ મજૂરી કરીને ગુજરાન ચલાવતા, હવે અમારું શું થશે?', ઝેરી દારૂએ ઉજાડ્યા અનેક પરિવાર

  8. ‘જો ગુજરાતમાં સ્કૂલ ચલાવવી હોય તો ગુજરાતી ભણાવવી પડશે’, હાઇકોર્ટનું કડક વલણ

    ગુજરાત હાઇકોર્ટ

    ઇમેજ સ્રોત, Gujarat High court

    ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગુજરાત હાઈકોર્ટની એક ખંડપીઠે શુક્રવારે કહ્યું હતું કે સરકારે રાજ્યમાં ચાલતી સ્કૂલોને સ્પષ્ટ જણાવી દેવું પડશે કે જો રાજ્યમાં સ્કૂલ ચલાવવી હોય તો તેમણે ગુજરાતી ભાષા ભણાવવી પડશે.

    આ સિવાય ખંડપીઠે રાજ્ય સરકારને સૂચવ્યું હતું કે આ બાબતે કાયદાકીય જોગવાઈ પણ કરવી જોઈએ.

    નોંધનીય છે કે આ ખંડપીઠ અમદાવાદસ્થિત એક એનજીઓ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરી હતી, જેમાં અરજદારોએ તમામ સ્કૂલોમાં ગુજરાતી ભાષા ફરજિયાતપણે શીખવવાનો હુકમ કરવાની દાદ માગી છે.

    માતૃભાષા અભિયાન નામના એનજીઓ અને તેના પાંચ ટ્રસ્ટીઓ દ્વારા કરાયેલી જાહેર હિતની અરજીમાં ગુજરાત સરકારના 13 એપ્રિલ, 2018ના ઠરાવનો અમલ કરાવાની માગણી કરાઈ હતી.

    આ ઠરાવ અનુસાર શાળામાં પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધી ફરજિયાતપણે ગુજરાતી ભાષા ભણાવાની છે.

    અરજદારો અનુસાર ઠરાવ છતાં ઘણી સ્કૂલોમાં ગુજરાતી ભાષા ભણાવાતી નથી, તેમજ ઘણી સ્કૂલોમાં ગુજરાતી ભાષાને એક વૈકલ્પિક વિષય તરીકે રાખવામાં આવી છે.

  9. વડા પ્રધાન મોદી પર બિલાવલ ભુટ્ટોના નિવેદન વિરુદ્ધ ભાજપનું દેશવ્યાપી વિરોધપ્રદર્શન

    નરેન્દ્ર મોદી

    ઇમેજ સ્રોત, PTI

    પાકિસ્તાનના વિદેશમંત્રીના વડા પ્રધાન મોદી વિરુદ્ધ અપાયેલા વિવાદિત નિવેદન વિરુદ્ધ આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં વિરોધપ્રદર્શન કરશે.

    આ વિરોધપ્રદર્શન તમામ રાજ્યોનાં પાટનગરોમાં કરાશે. આ દરમિયાન ભાજપના કાર્યકર્તા પાકિસ્તાનના વિદેશમંત્રીના નિવેદનનો કઠોર વિરોધ કરવાની સાથે તેમનાં અને પાકિસ્તાનનાં પૂતળાં બાળશે.

    ભાજપે આ અંગે જાહેર કરેલ નિવેદનમાં કહ્યું છે કે, “પાકિસ્તાનના વિદેશમંત્રીનું નિવેદન સંપૂર્ણપણે અપમાનજનક અને કાયરતાપૂર્ણ છે. આ નિવેદન માત્ર સત્તામાં ટકી રહેવા અપાયેલું છે.”

    “તેનો હેતુ વિશ્વને છેતરવાનો અને પાકિસ્તાનની કથળતી જતી અર્થવ્યવસ્થા, અરાજકતા, સેનામાં મતભેદ, ખરાબ થતા વૈશ્વિક સંબંધો અને દેશમાં આંતકવાદને પ્રોત્સાહન જેવા મુદ્દાઓથી વિશ્વનું ધ્યાન હઠાવવાનો છે.”

    પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ શુક્રવારે કહ્યું હતું, “ઓસામા બિન લાદેન મરી ચૂક્યો છે પર ‘બુચર ઑફ ગુજરાત’ જીવતા છે. અને તેઓ ભારતના વડા પ્રધાન છે. જ્યાં સુધી તેઓ વડા પ્રધાન નહોતા બન્યા ત્યાં સુધી અમેરિકામાં તેમના પ્રવેશ પર પાબંદી હતી.”

    બિલાવલ ભુટ્ટોની આ ટિપ્પણીનો ભારતમાં ઘણો વિરોધ થઈ રહ્યો છે.

    ભારતનાં વિદેશ રાજ્યમંત્રી અને નવી દિલ્હીનાં સાંસદ મીનાક્ષી લેખીએ ભુટ્ટોના નિવેદનના જવાબમાં કહ્યું છે કે, “સામાન્યપણે વિદેશમંત્રી આવી રીતે વાત નથી કરતા. આ એ જ લોકો છે જેમણે બલુચિસ્તાનમાં લોકોને માર્યા છે, જેમણે કાશ્મીરમાં લોકોને માર્યા છે. આવું જ પંજાબ અને કરાચીમાં પણ કરાયું છે.”

    ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, “પાકિસ્તાનના હિસાબે પણ આ નિવેદન નીચલા સ્તરનું છે. લઘુમતીઓ અંગેના તેના વલણમાં કોઈ ફેર આવ્યો નથી. તેને ભારત પર લાંછન લગાડવાનો કોઈ અધિકાર નથી.”

  10. ‘જો ગુજરાતમાં આપ ન આવી હોત તો કૉંગ્રેસે ભાજપને હરાવ્યો હોત’: રાહુલ ગાંધી

    રાહુલ ગાંધી

    ઇમેજ સ્રોત, Bharat Jodo/Twitter

    રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં શુક્રવારે કહ્યું હતું કે ‘જો ગુજરાતમાં આપ ન આવી હોત તો કૉંગ્રેસે ભાજપને હરાવ્યો હોત.’

    રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાના 100 દિવસ પૂરા થવા નિમિત્તે જયપુર ખાતે મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા.

    ઇન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસની જીત અંગે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “ભાજપે પોતાની વ્યવસ્થાતંત્રીય ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કર્યો પરંતુ અમે તેમને હરાવ્યા.”

    નોંધનીય છે કે તાજેતરમાં પૂરી થયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો મેળવીને ‘અભૂતપૂર્વ’ જીત હાંસલ કરી હતી. જ્યારે કૉંગ્રેસને માત્ર 17 બેઠકો જ મળવા પામી હતી. તેમજ આમ આદમી પાર્ટીએ પાંચ બેઠક સાથે પોતાનું ખાતું ખોલાવ્યું હતું.

    આ ચૂંટણીમાં ઘણા રાજકીય વિશ્લેષકોએ પણ કહ્યું હતું કે ‘ઘણી બેઠકો પર આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કૉંગ્રેસનો ખેલ બગાડ્યો હતો.’

  11. નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    16 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.