રાહુલ ગાંધીએ કહ્યું કે 'ચીન ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાની તૈયારી કરી રહ્યું છે'
રાહુલ ગાંધીએ રાજસ્થાનના જયપુરમાં ભારત જોડો યાત્રાના 100મા દિવસે થયેલી પત્રકારપરિષદમાં આ વાત કરી હતી.
લાઇવ કવરેજ
રાહુલ ગાંધીએ કહ્યું કે 'ચીન ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાની તૈયારી કરી રહ્યું છે'

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ચીન ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાની તૈયારી કરી રહ્યું છે.
રાહુલ ગાંધીએ રાજસ્થાનના જયપુરમાં ભારત જોડો યાત્રાના 100મા દિવસે થયેલી પત્રકારપરિષદમાં આ વાત કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું, "ચીન આપણી સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, પણ આપણી સરકાર એ વાતને સ્વીકારતા માટે તૈયાર નથી. તે સત્ય છુપાવી રહી છે."
રાહુલ ગાંધીએ આ સમયે ચીનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે મીડિયા તેને ચીન અંગે સવાલ નથી કરતું.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ચીન મામલે રાહુલ ગાંધીનો આ સરકાર સામે મોટો હુમલો કહી શકાય. તેમણે મીડિયાને પણ ફરિયાદના સૂરમાં કહ્યું કે કોઈ તેમને ચીન અંગે પૂછતું નથી.
તેમણે કહ્યું, "ચીને ભારતના બે હજાર વર્ગ કિલોમીટર વિસ્તાર પર કબજો કર્યો છે. તેણે ભારતના 20 જવાનોને શહીદ કર્યા છે અને અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાના જવાનો સાથે મારપીટ કરી રહ્યું છે.
અમરેલી : બે દિવસમાં રજા અપાઈ અને 'દેખાતું બંધ' થઈ ગયું, મોતિયાના ઑપરેશનથી 'દૃષ્ટિ ગુમાવ્યા'નો સમગ્ર મામલો શો છે?
ગાંબિયામાં બાળકોનાં મૃત્યુ માટે જવાબદાર કફ સીરપનો ભારત સરકારે કર્યો બચાવ

ઇમેજ સ્રોત, WHO
ઇમેજ કૅપ્શન, ચાર બ્રાન્ડની કફ સીરપ ભારત સરકારે કહ્યું હતું કે, ગાંબિયામાં જે ચાર બ્રાન્ડની કફ સીરપ પીવાના કારણે બાળકોનાં મૃત્યુ થયાં હતાં, તે ભારતમાં પરીક્ષણ સમયે સુરક્ષિત મળી આવી છે.
WHOએ ઑક્ટોબરમાં કહ્યું હતું કે, “મેડન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા બનાવવામાં આવેલી ચાર બ્રાન્ડની કફ સીરપ 66 બાળકોનાં મૃત્યુ સાથે સંકળાયેલી હોઈ શકે છે.”
જોકે, ભારતે ડ્રગ કંટ્રોલરેને એક પત્રમાં કહ્યું હતું કે, WHOએ હજુ સુધી કોઈ પુરાવા રજૂ કર્યા નથી. ભારત આફ્રિકાનો જેનરિક દવાઓનો સૌથી મોટો સપ્લાયર છે.
ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ ડૉ. વીજી સોમાનીએ 13 ડિસેમ્બરે WHOના નિયમન સાથે જોડાયેલી જવાબદારીઓ સંભાળનારા રોજેરિયો ગૅસ્પરને આ અંગે પત્ર લખ્યો હતો. ભારતના આરોગ્ય વિભાગે આ પત્ર પત્રકારો સાથે શૅર કર્યો છે.
WHOએ જણાવ્યું હતું કે, તેઓએ આ સીરપનું સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં ડાઈથાલિન ગ્લાઈકોલ અને ઇથિલિન ગ્લાઈકોલની માત્રા વધુ પડતી મળી આવી હતી.
તેઓએ ડાઈથાલિન ગ્લાઈકોલ અને ઇથિલિન ગ્લાઈકોલ મનુષ્ય માટે ઝેરીલો પદાર્થ છે, જેના સેવન જીવલેણ બની શકે છે.
ધારાસભ્ય બન્યા બાદ હાર્દિક પટેલે કેમ કહ્યું? 'સરકારી સ્કૂલો કેવી હોય એ જોવા મારા વીરમગામની શાળાએ આવો'

ઇમેજ સ્રોત, Hardik Patel/facebook
ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વીરમગામ વિધાનસભા બેઠક પરથી હાર્દિક પટેલનો વિજય થયો છે. હાર્દિક પટેલે જીત બાદ હવે વીરમગામની શાળાઓની મુલાકાત લીધી હતી.
તેમણે વીરમગામની કન્યાશાળા-1 સરકારી શાળામાં મિનિ-સાયન્સ સેન્ટર અને કુમારશાળા-1 સરકારી શાળામાં ભોજનાલય અને પ્રાર્થના હૉલનાં ઉદ્ધાટન કર્યાં હતાં.
શાળાની મુલાકાત બાદ તેમણે તેમના ફેસબુક ઍકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, "સરકારી સ્કૂલો કેવી હોય એ જોવું હોય તો મારા વીરમગામની પ્રાથમિક કન્યા શાળા-1 અને પ્રાથમિક કુમાર શાળા-1 જોવા અચૂક આવજો."
તેમણે જણાવ્યું હતું કે, "આ બંને સરકારી પ્રાથમિક શાળા છે. સરકાર અને સામાજિક સંસ્થાના સહયોગથી ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી સરકારી શાળાઓ બની છે."
તેઓએ એમ પણ કહ્યું હતું કે, "વીરમગામ શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરે, તે માટે જે પ્રયાસ કરવા પડશે તે હું કરીશ. આ સાથે તેમણે શાળાને સુંદર બનાવવા બદલ તાલુકા શિક્ષણ અધિકારી અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યાં હતાં."
મોરબી: નગરપાલિકાના સભ્યોએ પાલિકાને સુપરસીડ નહીં કરવા કરી રજૂઆત

ઇમેજ સ્રોત, AFP
ઇમેજ કૅપ્શન, મોરબી પુલ દુર્ઘટના મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ત્યારે હવે મોરબી નગરપાલિકા સુપરસીડ કરવાની કવાયત ચાલી રહી છે. જેમાં 47 સભ્યોએ નગરપાલિકા સુપરસીડ ના થાય તે માટે મુખ્ય મંત્રીને રજૂઆત કરી છે.
નગરપાલિકાના 52 પૈકી 49 સભ્યોએ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો છે. જેમાં મુખ્ય મંત્રીને શુભેચ્છા પાઠવી હતી.
તેઓએ રજૂઆત કરી હતી કે, મોરબી નગરપાલિકા અને અજંતા મેન્યુ.પ્રા.લી. (ઓરેવા ગ્રુપ) સાથે મોરબીના પુલ બાબતે 8 માર્ચ 2022ના રોજ થયેલા એગ્રીમેન્ટમાં 49 સભ્યો પૈકી એકપણ સભ્યએ સહી કરી નથી. એગ્રીમેન્ટ સામાન્ય સભામાં રજૂ થયેલો નથી, જેથી સહી કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
આ અંગે સરકાર દ્વારા એગ્રીમેન્ટની સમગ્ર પ્રક્રિયામાં 49 સભ્યો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાંય સામેલ નથી અને કોઈની સહી નથી. જેથી સભ્યોને ન્યાય મળે તેમજ સભ્યોના નિયત સમયકાળ સુધી યથાવત રહે તે મુજબ જરૂરી નિર્ણય કરવા જણાવ્યું છે.

ઇમેજ કૅપ્શન, કાઉન્સિલર દેવાભાઈ અવાડિયા આ અંગે મોરબી નગરપાલિકાના કાઉન્સિલર દેવાભાઈ અવાડિયાએ જણાવ્યું હતું કે, “અમે મુખ્ય મંત્રી સહિતના નેતાઓને રજૂઆત કરી હતી કે, આ પુલ દુર્ઘટનામાં જે લોકોનાં મૃત્યુ થયાં એ અંગે અમને ઘણું દુ:ખ થયું છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે નગરપાલિકાના 52 સભ્યોનો કોઈ વાંક નથી, તેમ છતાં સહી કરી છે, તેનો અમે બચાવ કરવા માગીએ છે. અમારામાંથી કોઈએ જનરલ બોર્ડનો ઠરાવ કર્યો નથી, અમને કોઈ જાતની ખબર હોય, તો સુપરસીડ કરે તો અમને કોઈ વાંધો નથી. પણ જો પાલિકાને સુપરસીડ કરવામાં આવશે, તો ફરી ચૂંટણી કરશે અને ચૂંટણી થશે તો પ્રજા હેરાન થશે. આમાં અમારો કોઈ વાંક નથી.”
પાકિસ્તાનના નેતા બિલાવટ ભુટ્ટોએ કેમ ગુજરાતનાં રમખાણ યાદ કરાવ્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાન વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યાર બાદ ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે 'આતંકી' ઓસામા બિન લાદેનની યાદ અપાવી હતી. લાદેનનું નામ સાંભળતાં જ પાકિસ્તાન તરફથી પ્રતિક્રિયા આવવા લાગી હતી.
નવભારત ટાઈમ્સના અહેવાલ અનુસાર, પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં ગુજરાતનાં રમખાણોની વાત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એસ. જયશંકરને લઈને 'અપમાનજનક ટિપ્પણી' કરી હતી.
બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે, “ઓસામા મરી ગયો છે, પરંતુ નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન છે. વડા પ્રધાન બનતા પહેલાં તેમના પર અમેરિકા આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો."
આ સિવાય બિલાવલે આરએસએસ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "આ આરએસએસના વડા પ્રધાન છે, આ આરએસએસના વિદેશમંત્રી છે. આરએસએસ શું છે? તે હિટલરમાંથી પ્રેરણા લે છે.”
બિલાવલે કહ્યું હતું કે, “ભારત હવે ગાંધીની વિચારધારાથી નથી ચાલતું."
આ પહેલાં તેઓએ બુધવારે યુએનએસસીમાં કહ્યું હતું કે, "ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશમીર એક મોટો મુદ્દો છે અને યુએનના પ્રસ્તાવોને લાગુ કરવા જોઈએ.”
મલેશિયામાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 16નાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Reuters
મલેશિયાના પાટનગર ક્વાલાલંપુર પાસે શુક્રવારે સવારે ભૂસ્ખલન થવાથી ઓછામાં ઓછા 16 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ દુર્ઘટનામાં અત્યાર સુધી 60 લોકોને બચાવી લેવાયા છે.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, હજુ પણ ઘણા લોકો ગુમ છે, જેમની શોધખોળ ચાલી રહી છે.
મલેશિયાના અગ્નિશમન વિભાગે જણાવ્યું છે કે આ અકસ્માત મલેશિયાના સેલંગોર પ્રાંતમાં રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્ર બહાર લગભગ ત્રણ વાગ્યે થયો.
અગ્નિશમન વિભાગના નિદેશકે જણાવ્યું છે કે કૅમ્પ પર લગભગ 100 ફૂટની ઊંચાઈથી ભૂસ્ખલન થતાં એક એકર વિસ્તારમાં તેની અસર થઈ હતી.
આ ભૂસ્ખલનમાં 92 લોકો ફસાયેલા હતા જે પૈકી 53ને સુરક્ષિત બચાવી લેવાયા છે.
કૉંગ્રેસની ભારત જોડો યાત્રાનો 100મો દિવસ, હિમાચલના મુખ્ય મંત્રી રાહુલ ગાંધી સાથે ચાલશે

ઇમેજ સ્રોત, Twitter/IYC
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વવાળી ભારત જોડો યાત્રાનો શુક્રવારે 100મો દિવસ છે.
પાછલા 100 દિવસોમાં ભારત જોડો યાત્રા તામિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાંથી પસાર થઈ છે.
કૉંગ્રેસ પાર્ટી તરફથી જાહેર કરાયેલ તસવીરોમાં રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત પણ ચાલતા દેખાયા.
હિમાચલ મુખ્ય મંત્રી સુખવિંદરસિંહ સુક્ખૂ અને ઉપમુખ્ય મંત્રી મુકેશ અગ્નિહોત્રી આજે આ યાત્રા સાથે જોડાશે.
પાછલા દિવસોમાં આ યાત્રામાં અર્થશાસ્ત્રી રઘુરામ રાજનથી માંડીને ફિલ્મી કલાકારો જેમ કે સ્વરા ભાસ્કર, પૂજા ભટ્ટ, રિયા સેન અને આનંદ પટવર્ધન સામેલ થઈ ચૂક્યા છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં ST ક્વોટાની 51 BDS બેઠકોને જનરલ કેટેગરીમાં રૂપાંતરિત કરાઈ

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, MBBS અને BDS બેઠકોની કૂલ સંખ્યા 7,263 છે એડમિશન કમિટીએ પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ (ACPUGMEC) માટે બુધવારે જાહેરાત કરી હતી કે, MBBS અને BDS કોર્સ માટે એડમિશનના મૉપ-અપ રાઉન્ડમાં અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત 51 BDS બેઠકોને જનરલ કેટેગરીમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આ બેઠકો ખાલી રહી ગઈ હતી.
ટાઈમ્સસ ઑફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, સમિતિના નિવેદનમાં જણાવાયું છે કે, તમામ ST કેટેગરીની MBBS બેઠકો મૉપ-અપ રાઉન્ડમાં ભરવામાં આવી છે. બુધવારે 213 એમબીબીએસ અને 608 BDS જનરલ કેટેગરીની બેઠકો ખાલી રહી હતી.
સમિતિએ જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ માટે અનામત તમામ બેઠકો ભરવામાં આવી છે, જ્યારે એસસી શ્રેણીમાં 41 BDS બેઠકો ખાલી રહી છે.
મૉપ-અપ રાઉન્ડ 14 ડિસેમ્બરે શરૂ થયો હતો અને 18 ડિસેમ્બરે સમાપ્ત થશે.
પ્રવેશ સમિતિના આંકડા અનુસાર, 331 MBBS અને 570 BDS રાજ્ય ક્વોટાની બેઠકો બે રાઉન્ડ પછી ખાલી રહી હતી. તેથી મૉપ-અપ રાઉન્ડ યોજવામાં આવ્યો છે.
રાજ્યમાં એમબીબીએસની 6,008 બેઠકો છે, જેમાંથી 4,796 ગુજરાત રાજ્ય ક્વોટામાં છે, 285 નેશનલ ક્વોટાની બેઠકો છે, 288 મૅનેજમૅન્ટ ક્વોટાની છે અને 639 એનઆરઆઈ ક્વોટાની બેઠકો છે.
રાજ્યમાં BDS માટે 1,225 બેઠકો છે, જેમાંથી 36 નેશનલ ક્વોટાની બેઠકો, 984 રાજ્ય ક્વોટાની બેઠકો, 87 મૅનેજમૅન્ટ અને 148 એનઆરઆઈ ક્વોટાની બેઠકો સામેલ છે.
MBBS અને BDS બેઠકોની કુલ સંખ્યા 7,263 છે.
શંકર ચૌધરી : 27 વર્ષની વયે ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા સામે પડવાથી વિધાનસભા અધ્યક્ષ બનવા સુધી
સોશિયલ મીડિયા પર ‘બૉયકૉટપઠાન’ ટ્રેન્ડ બાદ શાહરુખ ખાને ‘સંકીર્ણતા’ અંગે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ગુરુવારે બોલીવૂડના ઍક્ટરો અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાને કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં સોશિયલ મીડિયા અને વાણીની સ્વતંત્રતા વિશે વાત કરી હતી.
અમિતાભ બચ્ચને આ પ્રસંગે વાત કરતાં કહ્યું હતું કે, “હાલ પણ, નાગરિક અધિકારો અને વાણી સ્વાતંત્ર્ય અંગે પ્રશ્નો ઊઠી રહ્યા છે.”
આગામી સમયમાં શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાન’ રિલીઝ થવાની છે, ‘પઠાન’ની રિલીઝ પહેલાં તેના ગીતને લઈને વિવાદ સર્જાતાં સોશિયલ મીડિયા પર ‘બૉયકૉટ પઠાન’ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.
આ સમારોહ દરમિયાન શાહરુખ ખાને ‘કેવી રીતે સોશિયલ મીડિયા વિચારોની સંકીર્ણતાથી ફૂલીફાલી રહ્યું છે’, એ મુદ્દે વાત કરી હતી.
તેમણે આ મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે, “સિનેમા અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ થકી અભિવ્યક્ત થતાં વિચારો એ હાલના સમયમાં માનવીય અભિવ્યક્તિ અને અનુભવોનો મુખ્ય ભાગ બની ગયા છે. આપણા સમયની સામૂહિક પરિદૃશ્ય સોશિયલ મીડિયાથી ઘડાઈ રહ્યું છે. અને હવે જ્યારે એવું મનાય છે કે સોશિયલ મીડિયાનો પ્રસાર કદાચ સિનેમા પર નકારત્મક અસર ઉપજાવશે તેવા સમયે હું માનું છે કે સિનેમાની ભૂમિકા વધુ મહત્ત્પૂર્ણ બની જાય છે.”
“વિશ્વ પાકિસ્તાનને આતંકવાદના કેન્દ્ર સ્વરૂપે જુએ છે”, યુએનમાં વિદેશમંત્રી જયશંકરનું નિવેદન

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/Shutterstock
ઇમેજ કૅપ્શન, ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં કહ્યું છે કે વિશ્વ પાકિસ્તાનને ‘આતંકવાદના કેન્દ્ર સ્વરૂપે’ જુએ છે.
પાકિસ્તાનનાં વિદેશ રાજ્યમંત્રી હિના રબ્બાની ખારે ગત બુધવારે ઇસ્લામાંબાદમાં એક પત્રકારપરિષદમાં કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભારત કરતાં સારી રીતે કોઈએ આતંકવાદનો ઉપયોગ નથી કર્યો.
આ નિવેદન અંગે પલટવાર કરતાં એસ. જયશંકરે કહ્યું કે, “મને ખ્યાલ છે આપણે પાછલાં અઢી વર્ષથી કોવિડ સામે ઝઝૂમી રહ્યા છીએ. આના કારણે આપણા પૈકી મોટા ભાગના લોકો બ્રેન ફોગિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.”
“પરંતુ હું આપને આશ્વસ્ત કરવા માગું છું કે વિશ્વ એ નથી ભૂલ્યું કે આતંકવાદ ક્યાં જન્મ લે છે. અને તે ક્ષેત્ર (દક્ષિણ એશિયા) અને તેનાથી આગળ સામે આવનાર આતંકવાદી પ્રવૃત્તિઓ પર કોના હાથનાં નિશાન છે.”
તેમણે આ અંગે આગળ વાત કરતાં કહ્યું હતું કે, “આ પ્રકારની કાલ્પનિક કહાણીઓ ઘડવા કરતાં તેમને આ બાબતનો ખ્યાલ થવો જોઈએ.”
આ નિવેદન સાથે તેમણે અમેરિકાનાં તત્કાલીન વિદેશમંત્રી હિલેરી ક્લિંટને વર્ષ 2011માં પાકિસ્તાનમાં આપેલ નિવેદનને યાદ કરાવ્યું.
તેમણે કહ્યું, “મેં હિના રબ્બાની ખારના નિવેદન સાથે સંકળાયલ રિપોર્ટ વાંચ્યા છે. અને એ વાંચીને મને દસ વર્ષ જૂની વાત યાદ આવી ગઈ. હિલેરી ક્લિંટન પાકિસ્તાનના પ્રવાસે આવ્યાં હતાં. હિના રબ્બાની ખાર એ સમયે મંત્રી હતાં.”
“અને હિલેરી ક્લિંટને તેમની પાસે ઊભાં રહીને કહ્યું હતું કે જો તમે તમારા ઘરના પછવાડે સાપ પાળી રહ્યા હો તો તમે એ આશા ન રાખી શકો કે એ માત્ર તમારા પાડોશીઓને જ કરડશે, આખરે તેઓ એમને પણ કરડશે જેમના ઘરના પછવાડે તે રહી રહ્યા છે.”
“પરંતુ આપ બધા જાણો છો કે પાકિસ્તાન સલાહ માનવામાં સારું નથી. તમે જુઓ કે ત્યાં શું થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાને સૌથી પહેલાં પોતાની કરતૂતો સુધારીને સારા પાડોશી બનવું જોઈએ.”
ગુજરાત : ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે આપના પાંચ ધારાસભ્યો અરવિંદ કેજરીવાલને મળ્યા

ઇમેજ સ્રોત, Arvind Kejriwal/Twitter
તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો મેળવીને ખાતું ખોલાવ્યું હતું.
પરંતુ ચૂંટણીપરિણામ જાહેર થયાના અમુક દિવસ બાદ જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી ચર્ચા શરૂ થતાં આ વાત સમાચારોમાં છવાઈ ગઈ હતી.
જોકે, એ સમયે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યોએ એ આ વાતને ‘અફવા’ ગણાવી ફગાવી દીધી હતી.
દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેઓ આમ આદમી પાર્ટીની ગુજરાતના પાંચ ધારાસભ્યોને દિલ્હી ખાતે મળ્યા હતા.
તેમણે પાંચેય ધારાસભ્યોને શુભકામના પણ પાઠવી હતી.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અહેવાલ અનુસાર આ મુલાકાતમાં રાજ્યમાં પાર્ટીના સંગઠનમાં બદલાવ અને ચૂંટાયેલા ધારાસભ્યોની તેમાં ભૂમિકા અંગે ચર્ચા થઈ હતી.
નોંધનીય છે કે અમુક દિવસ પહેલાં જૂનાગઢની વિસાવદર વિધાનસભાની બેઠક પરથી આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર અને ધારાસભ્ય ભૂપત ભાયાણીની ગાંધીનગર મુલાકાત અને તે બાદ મીડિયા સાથેની વાતચીતમાં વડા પ્રધાન મોદીનાં વખાણ કરવાના કારણે એવી ચર્ચા શરૂ થઈ હતી કે તેઓ અને આમ આદમી પાર્ટીના અન્ય ધારાસભ્યો પણ ભાજપમાં સામેલ થવાના છે.
8 ડિસેમ્બરે આવેલ ચૂંટણીપરિણામોમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી (વિસાવદર), ઉમેશ મકવાણા (બોટાદ), હેમંત ખાવા (જામજોધપુર), સુધીર વાઘાણી (ગારિયાધાર) અને ચેતર વસાવા (દેડિયાપાડા)ને જીત હાંસલ થઈ હતી, જ્યારે ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિતના આપના મોટા નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો હતો.
ભાજપ ગુજરાતમાં જીત્યો કારણ કે તે મોદી-શાહનું ગૃહરાજ્ય છે : કૉંગ્રેસનેતા કમલનાથ

ઇમેજ સ્રોત, Getty Images
ડેક્ક્નહેરાલ્ડના એક અહેવાલ અનુસાર ગુરુવારે મધ્ય પ્રદેશ કૉંગ્રેસના વડા કમલનાથે કહ્યું હતું કે ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એટલા માટે જીત્યો કારણ કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય છે, જેના કારણે મતદારોને ‘અસર’ થઈ.
નોંધનીય છે કે 8 ડિસેમ્બરે આવેલ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને ‘અભૂતપૂર્વ’ જીત હાંસલ થઈ હતી. ભાજપને આ ચૂંટણીમાં 156 બેઠકો મળી હતી જ્યારે કૉંગ્રેસે માત્ર 17 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો હતો.
નોંધનીય છે કે મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કમલનાથ અને તેમના દીકરા નકુલ નાથ જેઓ છીંડવાડાથી લોકસભાના સાંસદ છે, કેટલાક આયોજનોમાં ભાગ લઈ રહ્યા હતા તે દરમિયાન આ વાત કહેવાઈ હતી.
કમલનાથે રિપોર્ટરો સાથેની વાતચીતમાં મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા.
નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
15 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.
