અમેરિકામાં જ્યારે 1000 વર્ષ જૂનું ખોવાયેલું નગર મળી આવ્યું તો કેવાં રહસ્યો ખૂલ્યાં?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, INAH

    • લેેખક, ઇલિયટ સ્ટેન
    • પદ, બીબીસી ટ્રાવેલ

પુરાતત્ત્વવિદોને મેક્સિકોના યુકટાનના અખાતમાંથી એક હજાર વર્ષ જૂનું નગર મળી આવ્યું છે. જે માયા સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. નવી શોધને કારણે આ સંસ્કૃતિને લગતી કેટલીક ખૂટતી કડીઓને જોડવામાં મદદ મળશે એવું સંશોધકોનું માનવું છે.

રોજબરોજના વપરાશમાં આવતી અનેક ચીજવસ્તુઓની શોધ માયા સંસ્કૃતિના લોકોએ કરી હતી, જેના કારણે વિશ્વનું ધ્યાન હંમેશાં તેમના પ્રત્યે ખેંચાતું રહ્યું છે.

માયા સંસ્કૃતિના લોકો વિજ્ઞાન, સ્થાપત્ય, શિલ્પકળા અને નગરવ્યવસ્થામાં સમય કરતાં ખૂબ જ આગળ હતા. લગભગ 1500-1700 વર્ષ પછી પણ તેમનાં સર્જન વિસ્મયમાં મૂકી દે તેવાં છે.

એક તબક્કે અનેક બાબતોમાં યુરોપિયનો કરતાં પણ આગળ હોવા છતાં આ સંસ્કૃતિનું પતન કેવી રીતે થયું તેના વિશે નક્કર જવાબ નથી મળતા અને એ તેમનાં સર્જનોની જેમ જ કૌતુકનો વિષય છે.

ગ્રે લાઇન

માયા સંસ્કૃતિની 'માયાવી' દુનિયા કેવી હતી?

મધ્ય અમેરિકાનાં ગાઢ જંગલો માયાસંસ્કૃતિનાં રહસ્યો પોતાનામાં સંગ્રહી રાખ્યાં છે

ઇમેજ સ્રોત, Julien Cruciani/Alamy

ઇમેજ કૅપ્શન, મધ્ય અમેરિકાનાં ગાઢ જંગલો માયાસંસ્કૃતિનાં રહસ્યો પોતાનામાં સંગ્રહી રાખ્યાં છે

માયા સંસ્કૃત્તિની ગણના પશ્ચિમની ઉન્નત અને આધુનિક સભ્યતાઓમાં થાય છે. ઈસ 200થી 900ના તેમનો ચરમકાળ અંદાજવામાં આવે છે. જ્યારે તેઓ મોટા ભાગના મધ્ય-અમેરિકા ઉપર રાજ કરતા.

તેઓ પથ્થરમાંથી નગર અને પિરામિડ કંડારવામાં નિષ્ણાત હતા. માયા સભ્યતાના લોકોએ લગભગ 40 જેટલાં ભવ્ય નગર વિકસાવ્યાં હોવાનું માનવામાં આવે છે. જેમાંથી ટીકલ, ઉઆક્ષાકટુન, કોપાનમાં તેના ઉત્કૃષ્ટ નમૂના જોવા મળે છે.

તેમણે ખગોળશાસ્ત્ર, વિજ્ઞાન, સ્થાપત્યકળા, ગણિતશાસ્ત્ર અને લેખનકળામાં ખૂબ જ પ્રગતિ કરી છે. ખગોળશાસ્ત્રને ધ્યાનમાં રાખીને તેઓ પોતાનાં નગરોની સંરચના હાથ ધરતા. યુરોપિયનોમાં 'શૂન્ય' ચલણમાં આવ્યું તેના લગભગ એક હજાર વર્ષ પહેલાં માયા સંસ્કૃતિના લોકો તેનો ઉપયોગ કરતા.

ઈસ પૂર્વે પહેલી સદીમાં તેમણે કૅલેન્ડર તૈયાર કર્યું હતું, જે જુલિયન કૅલેન્ડર કરતાં પણ વધુ ચોક્કસ હતું. એ પછીના 1700થી બે હજાર વર્ષ દરમિયાન યુરોપ અને એશિયામાં તેનો વ્યાપક ઉપયોગ થયો.

ચૉકલેટ, વિશ્વની પહેલી દડા આધારિત રમત તથા રબરની શોધ પણ માયા સંસ્કૃતિના કાળમાં જ થઈ હોવાનુ માનવામાં આવે છે.

ગ્રે લાઇન

કેમ સંકેલાઈ 'માયા'નગરી?

પિરામિડ આકારની ઊંચી સંરચનાઓ માયા સંસ્કૃતિની વાસ્તુકલાની ખાસિયત

ઇમેજ સ્રોત, Alpineguide/Alamy

ઇમેજ કૅપ્શન, પિરામિડ આકારની ઊંચી સંરચનાઓ માયા સંસ્કૃતિની વાસ્તુકલાની ખાસિયત
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 2013માં ઇયાન તથા તેમની ટીમને આઠમી સદીનું માયા સંસ્કૃતિનગર મળી આવ્યું હતું, જેના વિશે અગાઉ કોઈને માહિતી ન હતી. આઠમી સદી દરમિયાન આ શહેરમાં 40 હજાર લોકો રહેતા હશે એવું માનવામાં આવે છે.

કાળક્રમે કાકટનનું જંગલ આ નગર પર ફરી વળ્યું અને તેને પોતાની અંદર છુપાવી લીધું.

વર્ષ 2014માં ઇયાન અને તેમની ટીમને લાગુનિતા અને તામચેન નામનાં વધુ બે નગર મળી આવ્યાં.

જેમાં પિરામિડ આકારનાં મંદિર, બજાર તથા ગૂંચવણભરી ભાષામાં લખાયેલા શિલાલેખ મળી આવ્યાં હતાં. લગભગ એક હજાર 200 વર્ષ પહેલાં આ નગરોને રહસ્યમય રીતે ત્યજી દેવામાં આવ્યાં હતાં.

નવીન શોધ પછી ઇયાને પ્રથમ વખત બીબીસી ટ્રાવેલ સાથે વાત કરી અને કહ્યું, યુક્ટાન અખાતના મધ્ય ભાગના લગભગ ત્રણથી ચાર હજાર વર્ગ કિલોમીટર વિસ્તારમાં અહીં એક પણ આર્કિયૉલૉજિકલ સાઇટ ન હતી, હવે તે જગ્યા પણ ભરાઈ ગઈ છે.

યુદ્ધ, લાંબા દુકાળ, ફળદ્રુપ માટીનું ધોવાણ, જળવાયુ પરિવર્તન જેવાં કારણો કે આમાંથી એક કરતાં વધુ પરિબળોને કારણે તેમણે પોતાનાં નગર છોડ્યા હશે. ઈસ એક હજારમાં લગભગ બધાં શહેર ખાલી થઈ ગયાં હતાં.

આઠમી અને નવમી સદી દરમિયાન માયા સંસ્કૃતિના લોકોએ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીમાં આધુનિક હોવા છતાં પોતાનાં નગરોને શા માટે ત્યજી દીધાં, તે સવાલ હજુ પણ અનુત્તર છે.

બીબીસી ગુજરાતી

મળી ગઈ ખૂટતી કડી?

તાજેતરમાં ઇયાન તથા તેમની ટીમને મેક્સિકોના બાલામકૂ ઇકૉલૉજિકલ કન્ઝર્વેશન ઝોનમાંથી માયા સંસ્કૃતિના કાળમાં ધમધમતાં નગરના અવશેષ મળી આવ્યાં છે. પુરાતત્ત્વજ્ઞોને આશા છે કે અહીંથી માયા સંસ્કૃતિના પતન વિશે કેટલીક નોંધપાત્ર માહિતી મળી શકે છે.

ઇયાને લગભગ 50 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલી આ સાઇટને 'ઑક્મટન' એવું નામ આપ્યું છે. યુકાટેક માયાની ભાષામાં તેનો મતલબ પાષાણસ્તંભ એવો થાય છે. અહીં મળેલાં માટીનાં વાસણોનો અભ્યાસ કરતાં ઈસ 600થી 800 દરમિયાન અહીં લોકો રહેતા હશે એવું માનવામાં આવે છે. પોતાના સમયમાં તે રાજકીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ કેન્દ્ર હશે.

ઇયાન કહે છે કે તેમને તથા ટીમને લાગતું હતું કે અહીંથી કશું મહત્ત્વપૂર્ણ મળશે, પરંતુ શું તેના વિશે તેમને અંદાજ ન હતો. સંશોધકોને અહીં 15થી 25 મીટર ઊંચા પિરામિડ, વેદી, પાષાણસ્તંભ અને ઇમારતોના સમૂહ મળી આવ્યા છે.

તેઓ તટીય વિસ્તારોમાંથી આંતરિક વિસ્તારોમાં રહેવા શા માટે જતા રહ્યા, તે મોટો સવાલ છે. ઇયાનનું માનવું છે કે આઠમી સદીમાં માયા સંસ્કૃતિનાં નગર ખાલી થવા લાગ્યાં હતાં, છતાં દસમી સદી સુધી ત્યાં લોકો રહેતા.

અહીંની ઇમારતોમાં પાછળથી ફેરફાર કરવામાં આવ્યા છે. જે અલગ વિચારધારા ધરાવતા કે નવા રહીશો તરફ અણસાર આપે છે.

ઈસુ પૂર્વે ત્રીજી સદીમાં તેમણે લેખનકળા વિકસાવી હતી અને હજારો પુસ્તક કાગળ ઉપર ઉતાર્યાં હતાં. તેની લિપિ હજુ પણ ઉકેલી શકાઈ નથી, જેના કારણે એ સમય વિશેનાં અનેક રહસ્ય હજુ પણ અકબંધ છે.

સંશોધકોને આશા છે કે માર્ચ-2024માં અહીં ફરીથી અભ્યાસ હાથ ધરશે એટલે સભ્યતાના લોકો કોણ હતા, તેઓ શું હતા તેના વિશે જવાબ મળશે. તેમનો નાટ્યાત્મક ઢબે નાશ કેવી રીતે થયો, એ કોયડાનો જવાબ પણ કદાચ મળી જાય.

બીબીસી ગુજરાતી

આર્કિયૉલૉજિસ્ટો આડે અડચણો

આર્કિયૉલૉજિસ્ટ ઇયાનની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Mauricio Marat, INAH, Mexico

ઇમેજ કૅપ્શન, આર્કિયૉલૉજિસ્ટ ઇયાનની ફાઇલ તસવીર

માયા સંસ્કૃતિને લગતી શોધખોળને 'વાસ્તવિક જીવનના ઇન્ડિયાના જોન્સ' સાથે સરખાવવામાં આવે છે. સ્ટિવન સ્પીલબર્ગને તેની પ્રારંભિક ઓળખ આ ફિલ્મો થકી જ મળી હતી.

યુકટાનના જંગલમાં અનેક પ્રકારનાં જીવડાં, સાપ, જેગુઆર તથા અન્ય વન્ય પ્રાણીઓનો ભય રહે છે. તે જૈવવૈવિધ્યની દૃષ્ટિએ વિશ્વના સમૃદ્ધ વિસ્તારોમાંથી એક છે. અહીં 86 કરતાં વધુ પ્રકારનાં સસ્તન પ્રાણી વસે છે.

પુરાતત્ત્વવિદો હવામાં લેઝર આધારિત લાઇડર ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને લેઝર દ્વારા જમીન પર જંગલથી ઢંકાયેલી માનવસર્જિત સંરચનાઓ વિશે માહિતી મેળવી હતી અને જીપીએસની (ગ્લોબલ પૉઝિશનિંગ સિસ્ટમ) મદદથી ત્યાં સુધી પહોંચ્યા હતા.

લતાવનની વચ્ચે પ્રવેશવું ખૂબ મુશ્કેલ છે. અનેક વિસ્તારોમાં રસ્તા કે કેડીઓ નથી અને સંશોધકોએ જાતે જ 60 કિલોમીટર જેટલો રસ્તો કંડારવો પડ્યો હતો. ભારે ગરમીની વચ્ચે રસ્તો કરવા અને સુરક્ષા માટે તેમણે દાતરડું સતત સાથે રાખવું પડતું.

મૂળે સ્લૉવેનિયાના આર્કિયૉલૉજિસ્ટ ઇવાન સ્પ્રાઇત્ઝએ 30 વર્ષ કરતાં વધુ સમય મેક્સિકોમાં ગાળ્યો છે અને માયા સંસ્કૃતિ પર સંશોધનકાર્ય કર્યું છે.

ઇવાન કહે છે, "અહીં કામ કરવા માટે થોડું ધૂની હોવું જરૂરી છે. જે સદીઓથી લોકોની નજરથી દૂર હોય તેને શોધવા માટે થોડો ભોગ તો દેવો પડે."

ઇયાનનું કહેવું છે કે આ નગરો ખોવાઈ ગયાં છે એ ખરું, પરંતુ ક્યાં તેના વિશે કોઈ નક્કરપણે નથી જાણતું. તેઓ કહે છે, "મોટા ભાગનાં નગર ઉષ્ણકટિબંધીય જંગલવિસ્તારથી ઢંકાયેલાં છે, એટલે એ સવાલ ચોક્કસથી થાય કે અહીં સંસ્કૃતિ કેવી રીતે પાંગરી હશે?"

એક સદી કરતાં વધુ સમયથી માયા સંસ્કૃતિ અને તેની સાઇટોનું સંશોધનકાર્ય ચાલી રહ્યું છે, છતાં તેના નાશ વિશેના મહત્ત્વપૂર્ણ સવાલનો જવાબ હજુ પણ નથી મળ્યો.

રેડ લાઇન
રેડ લાઇન