રવીન્દ્ર જાડેજાએ સદી માર્યા પહેલાં બેન સ્ટોક્સ જોડે હાથ કેમ ના મિલાવ્યા, મેદાનમાં શું વિવાદ થયો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
માન્ચેસ્ટર ટૅસ્ટમૅચમાં એક તબક્કે ભારતની ટીમ 311 રન પાછળ હતી. તેની શૂન્ય રને બે વિકેટો પડી ચૂકી હતી પરંતુ ભારતના બૅટ્સમૅનોએ હાર નહીં માની. રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદરની ઐતિહાસિક ઇનિંગને કારણે ઇંગ્લૅન્ડના બૉલરો લાચાર થઈ ગયા હતા. આને આખરે ઇંગ્લૅન્ડના મોઢામાં આવેલો જીતનો કોળિયો ભારતે છીનવી લીધો અને મૅચ ડ્રૉ થઈ ગઈ.
આ મુકાબલો ઘણો ઐતિહાસિક રહ્યો.
ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગમાં 669 રન બનાવ્યા બાદ ભારત 311 રન પાછળ હતું. ભારતની બીજી ઇનિંગમાં પહેલી જ ઓવરમાં તેના બે બૅટ્સમૅનો આઉટ થઈ ગયા હતા જેને કારણે ભારત પર હારનું જોખમ તોળાતું હતું. પરંતુ કેએલ રાહુલ અને કૅપ્ટન શુભમન ગિલે પારીને સંભાળી.
તેમની વચ્ચે 188 રનની ભાગેદારી તથા ત્યાર બાદ રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદરની શાનદાર પારીએ ઇંગ્લૅન્ડના બૉલરોને વિકેટ માટે તરસાવી દીધા. ગિલે પણ સદી ફટકારી અને જાડેજા તથા સુંદરે પણ સદી બનાવી. જાડેજા અને સુંદર વચ્ચે 203 રનની ભાગેદારી થઈ.
મૅચ ડ્રૉ થઈ ત્યારે ભારતે ચાર વિકેટોના ભોગે 425 રન બનાવ્યા હતા અને રવીન્દ્ર જાડેજા 107 રન બનાવીને અને સુંદર 101 રને નૉટઆઉટ રહ્યા હતા. આ સિરીઝમાં ભારત 1-2થી પાછળ છે.
જાડેજાએ બેન સ્ટોક્સ સાથે હાથ મિલાવવાનો કર્યો ઇન્કાર

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે ઇંગ્લૅન્ડ ટીમના કૅપ્ટન બેન સ્ટોક્સને મૅચમાં કોઈ પરિણામ નહીં દેખાતા તેઓ જાડેજા સાથે હાથ મિલાવીને મૅચને ડ્રૉ જાહેર કરીને પૂર્ણ કરવા માગતા હતા, પરંતુ જાડેજાએ આમ કરવાનો ઇન્કાર કર્યો.
હકીકતમાં ચોથી ટેસ્ટમૅચના છેલ્લા દિવસે બેન સ્ટોક્સની ટીમ ભારતીય બૅટ્સમૅનોને આઉટ કરવામાં નિષ્ફળ રહી, જેના કારણે સ્ટોક્સે મૅચને ડ્રૉ ડિક્લેર કરીને પૂરી કરવાનો નિર્ણય લીધો. પરંતુ રવીન્દ્ર જાડેજાએ તેમની સાથે હાથ મિલાવવાનો ઇન્કાર કર્યો.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ઍન્ડરસન-તેંડુલકર ટ્રૉફીની ચોથી ટેસ્ટમૅચમાં છેલ્લા દિવસે ખાસ ઉતાર-ચઢાવ જોવા મળ્યા નહીં, પરંતુ અંતિમ એક કલાકમાં રોમાંચ શિખરે પહોંચી ગયો. ભારતે 386/4નો સ્કોર બનાવ્યો હતો અને માત્ર 15 ઓવરો બાકી હતી. કોઈ પરિણામ નીકળતું દેખાતું નહોતું, ત્યારે ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સે રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદરને હાથ મિલાવીને મૅચ ડ્રૉ કરવાનો પ્રસ્તાવ આપ્યો. પરંતુ ભારતીય ટીમે આ પ્રસ્તાવને નકારી દીધો, જેના કારણે બેન સ્ટોક્સ નારાજ થઈ ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમ્પાયરો દ્વારા પણ સ્ટોક્સનો પ્રસ્તાવ ભારતીય ખેલાડીઓ સુધી પહોંચાડવામાં આવ્યો, પરંતુ જવાબ એ જ રહ્યો. ભારતે રમત ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ સૌથી પહેલા રવીન્દ્ર જાડેજાએ પોતાની સદી પૂર્ણ કરી અને પછી વૉશિંગ્ટન સુંદરએ પણ શતકીય ઇનિંગ રમી. ત્યારબાદ જ ભારતીય ખેલાડીઓએ મૅચ પૂરી કરવાનો નિર્ણય લીધો. જણાવી દઈએ કે જ્યારે આ વિવાદ થયો ત્યારે જાડેજા 89 અને વૉશિંગ્ટન સુંદર 80 રન પર રમતા હતા.
બેન સ્ટોક્સ નારાજ થઈ ગયા

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, ત્યારબાદ ઇંગ્લૅન્ડની ટીમ અને સ્ટોક્સ નારાજ દેખાયા. ઇંગ્લૅન્ડના તમામ ખેલાડીઓ આ દરમિયાન જાડેજાને સ્લૅજ કરી રહ્યા હતા. ત્યારબાદ હેરી બ્રૂક બૉલિંગ કરવા આવ્યા અને તેમણે ખૂબ જ ઢીલી બૉલિંગ કરી, એવું દર્શાવ્યું કે તેઓ બંને બૅટ્સમૅનને શતક બનાવવામાં મદદ કરવા માંગે છે. અંતે જાડેજાએ છક્કો અને સુંદરે બાઉન્ડરી ફટકારીને પોતપોતાની સદી પૂર્ણ કરી.
જોકે, બંનેની સદી પૂર્ણ થયા બાદ મૅચને ડ્રૉ જાહેર કરવામાં આવી ત્યારે જાડેજા અને સ્ટોક્સે હાથ મિલાવ્યા હતા.
ભારત મૅચ ડ્રૉ કરવામાં સફળ

ઇમેજ સ્રોત, ANI
ભારતીય ટીમ રવિવારે ઇંગ્લૅન્ડ સામે ચોથી ટેસ્ટમૅચ ડ્રૉ કરાવવામાં સફળ રહી. ઇંગ્લૅન્ડે પ્રથમ ઇનિંગમાં 669 રન બનાવી 311 રનની વિશાળ લીડ મેળવી હતી. તેના જવાબમાં ભારતે કેએલ રાહુલ-શુભમન ગિલ વચ્ચે અને પછી રવીન્દ્ર જાડેજા-વૉશિંગ્ટન સુંદર વચ્ચે થયેલી શતકીય ભાગીદારીના કારણે મૅચના અંતિમ દિવસે બીજી ઇનિંગમાં લીડ મેળવવામાં સફળતા મેળવી, જેના કારણે ઇંગ્લૅન્ડનું મૅચ જીતવાનું સપનું તૂટી ગયું.
પ્રથમ ઇનિંગમાં 311 રનના મોટા તફાવતથી પાછળ રહી ગયેલી ભારતીય ટીમે બીજી ઇનિંગમાં ખાતું ખોલ્યા વિના બે વિકેટ ગુમાવ્યા છતાં ચાર વિકેટે 425 રન બનાવ્યા. ભારત તરફથી શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદરે સદી ફટકારી હતી.
ભારતની બીજી ઇનિંગમાં ખરાબ શરૂઆત

ઇમેજ સ્રોત, ANI
ભારતની બીજી ઇનિંગની શરૂઆત ખૂબ ખરાબ રહી. ટીમે પ્રથમ ઓવરમાં જ યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શનની વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ શુભમન ગિલ અને કેએલ રાહુલ વચ્ચે ત્રીજા વિકેટ માટે 421 બૉલમાં 188 રનની ભાગીદારી થઈ.
બેન સ્ટોક્સે આ ભાગીદારી તોડી. મૅચના પાંચમા દિવસે ભારતે કેએલ રાહુલની વિકેટ ગુમાવી. રાહુલ 230 બૉલમાં 90 રન બનાવી પેવેલિયન પરત ફર્યા. કૅપ્ટન શુભમન ગિલ 238 બૉલમાં 103 રન બનાવી આઉટ થયા. તેમને આર્ચરે આઉટ કર્યા.
વૉશિંગ્ટન સુંદર (101) અને રવિન્દ્ર જાડેજા (107) એ શતકીય ઇનિંગ રમી. ઇંગ્લૅન્ડે શનિવારે પ્રથમ ઇનિંગમાં 669 રન બનાવી 311 રનની વિશાળ લીડ મેળવી હતી. ભારતે પ્રથમ ઇનિંગમાં 358 રન બનાવ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












