You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોંથા : બંગાળની ખાડીમાં આવેલું શક્તિશાળી વાવાઝોડું ક્યાં અને ક્યારે ટકરાશે, હવામાન વિભાગે શું આગાહી કરી?
પ્રચંડ વાવાઝોડાં પેદા કરવા માટે જાણીતી બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયું છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વાવાઝોડું 'મોંથા' મંગળવાર સાંજે અથવા રાત્રે આંધ્ર પ્રદેશમાં દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ દરમિયાન 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે.
ભુવનેશ્વરમાં ભારત હવામાન વિભાગનાં ડાયરેક્ટર ડૉ મનોરમા મોહંતીએ જણાવ્યું કે, "વાવાઝોડું 28 ઑક્ટોબરની સવારે તીવ્ર થવાની આશંકા છે. આ 28 ઑક્ટોબરની સાંજે અથવા રાત્રે આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે, કાકીનાડાની આસપાસના દરિયાકાંઠે ટકરાઈ શકે છે."
તેમણે વધુમાં જણાવ્યું કે, "દરિયાકાંઠો પાર કરતી વખતે આ ભીષણ ચક્રવાતનું રૂપ ધારણ કરશે. આ દરમિયાન 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. ચક્રવાતની અસરથી ઓડિશામાં આવતા બેથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આશંકા છે."
ત્યારે, ઓડિશાના મુખ્ય મંત્રી મોહન ચરણ માઝીએ કહ્યું કે વાવાઝોડાની પરિસ્થિતિને જોતા તૈયારીઓ કરવામાં આવી છે.
મોહન ચરણ માઝીએ કહ્યું કે, "વાવાઝોડું 'મોંથા' આંધ્ર પ્રદેશના કાકીનાડામાં લૅન્ડફૉલ કરશે. આનાથી ઓડિશાના કેટલાક જિલ્લા પણ પ્રભાવિત થશે."
તેમણે કહ્યું કે, "વધુ નુકસાનની આશંકા નથી તો પણ અમે સારી તૈયારી કરી છે. કાલે સવારે (મંગળવારે) એક ઇમર્જન્સી મીટિંગ થશે, જેમાં અમે સમીક્ષા કરીશું."
બંગાળની ખાડીમાં સર્જાયેલા શક્તિશાળી વાવાઝોડાએ કઈ દિશા પકડી?
સોમવારે સવારે ભારતીય હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં મોંથા વાવાઝોડું શક્તિશાળી બન્યું છે, જેના કારણે આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લા છ કલાકથી વાવાઝોડું 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું. સવારની સ્થિતિ પ્રમાણે ચેન્નાઈથી વાવાઝોડું 560 કિમીના અંતરે હતું જ્યારે આંધ્ર પ્રદેશના કાકિનાડાથી 620 કિમી, વિશાખાપટ્ટનમથી 650 કિમી અને ઓડિશાના ગોપાલપુરથી 790 કિમીના અંતરે હતું. આંદામાન નિકોબાર ટાપુઓના પૉર્ટ બ્લેરથી વાવાઝોડું 810 કિમી પશ્ચિમમાં આવેલું હતું.
આગામી 12 કલાકમાં વાવાઝોડું આગળ વધીને તીવ્ર રૂપ ધારણ કરશે અને 28 ઑક્ટોબરે શક્તિશાળી સિવિયર સાયક્લોનમાં ફેરવાઈ જાય તેવી આગાહી છે. ત્યાર પછી તે મંગળવારે બપોરે મછલીપટ્ટનમ અને કલિંગાપટનમના દરિયાકિનારા વચ્ચે પહોંચશે. તે સમયે તેના પવનની ઝડપ 90થી 100 કિમી પ્રતિ કલાકથી લઈને 100 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની આગાહી છે.
વાવાઝોડું કઈ દિશામાં ફંટાઈ રહ્યું છે?
આ વાવાઝોડું એવા સમયે આવી રહ્યું છે જ્યારે અરબી સમુદ્રમાં એક ડિપ્રેશનની રચના થઈ છે, જેના કારણે ગુજરાતમાં ઘણી જગ્યાએ રવિવારથી વરસાદ ચાલુ છે. આ ડિપ્રેશન અરબી સમુદ્રમાં મુંબઈથી 720 કિમી, પણજીથી 750 કિમી અને મેંગલોરથી 940 કિમીના અંતરે આવેલું છે.
આગામી 24 કલાકમાં ડિપ્રેશન આગળ વધીને પૂર્વ મધ્ય અરબી સમુદ્ર તરફ જાય તેવી શક્યતા છે.
દરમિયાન આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં વાવાઝોડાની સ્થિતિના પગલે ઍલર્ટની સ્થિતિ છે. બીબીસી તેલુગુના અહેવાલ પ્રમાણે આંધ્ર પ્રદેશમાં સોમવારે ભારે વરસાદ પડવાની સંભાવના છે અને મંગળવારે અત્યંત ભારે વરસાદ પડી શકે છે.
કેટલીક જગ્યાએ મંગળવારે 20 સેમી કરતાં પણ વધુ વરસાદ પડી શકે છે.
પડોશી રાજ્ય તેલંગણામાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેલંગણામાં સોમવારે મધ્ય વરસાદ પડી શકે છે. મંગળવાર અને બુધવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેના કારણે માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી સમુદ્રમાં ન જવાની સલાહ અપાઈ છે.
વાવાઝોડાને કારણે ઝડપી પવન ફૂંકાવાનો શરૂ
આંધ્ર પ્રદેશ અને યનમના દરિયાકિનારે સોમવારે સવારથી તેજ પવન ફૂંકાતો હતો. પવનની ઝડપ 45 કિમી પ્રતિ કલાકથી લઈને 55 કિમી પ્રતિ કલાક સુધીની છે.
આજે પવનની ઝડપ 65 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે. મંગળવારે વાવાઝોડું આવશે ત્યારે 70થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને સાંજ સુધીમાં પવનની ઝડપ વધીને 100થી 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
29 ઑક્ટોબરની સવાર સુધી આ સ્થિતિ રહેવાની આગાહી છે. ત્યાર પછી ધીમે ધીમે પવનની ગતિ ઘટવા લાગશે.
હવામાન વિભાગે શું કહ્યું?
આંધ્ર પ્રદેશ, તેલંગણા, ઓડિશા જેવાં રાજ્યોમાં વાવાઝોડાની સ્થિતિના પગલે હવામાન વિભાગે આ મુજબની સલાહ આપી છેઃ
- વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં માછીમારી કરવા ન જવું, સમુદ્રથી દૂર રહેવું.
- દરિયાકિનારે ઝૂંપડામાં રહેતા લોકોએ સલામત જગ્યાએ જતા રહેવું
- વાવાઝોડા દરમિયાન ઘરમાં જ રહેવું, બહાર ન નીકળવું
- હોડીમાં મુસાફરી ન કરો, હાલમાં સમુદ્રની સફર સુરક્ષિત નથી.
- ઝાડ કે વીજળીના થાંભલાની નજીક ઊભા ન રહો.
- વાવાઝોડા દરમિયાન વીજળીનાં સાધનોનો પ્લગ કાઢી નાખો. પાણી ભરાયું હોય એવી જગ્યાથી દૂર રહો.
- રોડ અથવા હવાઈમાર્ગે મુસાફરી સિમિત કરી દો.
- હવામાનની આગાહી અને અપડેટ પર સતત નજર રાખો. જરૂર પડે તો સલામત જગ્યાએ જતા રહેવાની તૈયારી રાખો.
બંગાળની ખાડીમાં વધુ વાવાઝોડાં રચાયાં છે
ભારતના દરિયામાં ચોમાસા પહેલાં એપ્રિલ અને મે મહિનામાં વાવાઝોડાં સર્જાવા માટેની સૌથી વધારે અનુકૂળ પરિસ્થિતિઓ હોય છે અને આ બે મહિનામાં ઘણાં વાવાઝોડાં સર્જાયાં છે.
ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્ર કરતાં સામાન્ય રીતે બંગાળની ખાડીમાં વાવાઝોડાં વધારે સર્જાતાં હોય છે.
વાવાઝોડાની તીવ્રતા કેટલી હશે તેનો આધાર જે તે જગ્યાના તાપમાન પર રહેલો છે.
નોંધનીય છે કે પાણી અને હવાના તાપમાનને કારણે સર્જાતાં લૉ પ્રેશરના કારણે વાવાઝોડાં સર્જાતાં હોય છે અને તે અનુસાર તેની તીવ્રતા પણ વધતી-ઘટતી હોય છે.
વેધર ડોટકૉમના એક અહેવાલ અનુસાર ગત વર્ષે પશ્વિમ કાંઠે ત્રાટકેલા વાવાઝોડા નિસર્ગના નિર્માણ દરમિયાન પાણીની સપાટીનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ હતું.
ભારતીય હવામાન ખાતાના રિપોર્ટ અનુસાર અરબ સાગર ક્ષેત્રના તાપમાનમાં 1981-2010ના સમયગાળાના સરેરાશ તાપમાનની સરખામણીમાં 0.36 સેલ્સિયસનો વધારો જોવા મળ્યો હતો. દરેક વાવાઝોડાની શક્તિનો સ્રોત સપાટીનું તાપમાન હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન