You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોંથા : ગુજરાતના હવામાનમાં ફેરફાર શરૂ, દરિયામાં બનશે ખતરનાક વાવાઝોડું, કેટલી ઝડપથી ફૂંકાશે પવન?
બંગાળની ખાડીના વિસ્તારમાં મોંથા વાવાઝોડું આકાર લઈ રહ્યું છે જેના કારણે ભારતના પૂર્વ દરિયાકિનારે હવામાનમાં ફેરફાર થયો છે અને તેની અસર ગુજરાત સુધી પહોંચી શકે છે.
અત્યારની સ્થિતિ પ્રમાણે આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારે ભારે પવન સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 28 ઑક્ટોબર, મંગળવારની રાતે આંધ્ર પ્રદેશમાં કાકીનાડાના દરિયાકિનારે મોંથા વાવાઝોડું ટકરાઈ શકે છે. 'મોંથા'નો અર્થ 'સુંદર ફૂલો' એવો થાય છે. આ નામ થાઇલૅન્ડ દ્વારા સૂચવવામાં આવ્યું હતું.
હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન રચાયું છે જે સોમવારે સાયક્લોન કે વાવાઝોડામાં રૂપાંતરિત થઈ શકે છે અને ત્યાર પછી તીવ્ર વાવાઝોડા (સિવિયર સાયક્લોન)ના સ્વરૂપમાં મછલીપટ્ટનમ અને કાકીનાડા વચ્ચે લૅન્ડફોલ કરી શકે છે.
તે વખતે પવનની ઝડપ 90થી 100 કિમી પ્રતિકલાક સુધી રહેવાની શક્યતા છે. તેની ઝડપ વધીને 110 કિમી પ્રતિકલાક સુધી પણ પહોંચી શકે છે.
વાવાઝોડાની અસર હેઠળ રવિવારે કેન્દ્રશાસિત પુડ્ડુચેરી ઉપરાંત તામિલનાડુનાં ચેન્નાઈ, રાનીપેટ, તિરુવલ્લુર, કાંચીપુરમ્ અને વિલ્લુપુરમ્ સહિતનાં સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
એક તરફ ડિપ્રેશન, બીજી તરફ વાવાઝોડું
હાલમાં એક તરફ ગુજરાતની નજીક અરબી સમુદ્રમાં ડિપ્રેશન રચાયું છે, જ્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં વાવાઝોડાની સ્થિતિ પેદા થઈ છે.
અરબી સમુદ્રમાં ગોવાથી 380 કિમી દૂર, મુંબઈથી સાઉથ વેસ્ટમાં 400 કિમી દૂર, કર્ણાટકના મેંગલોરથી 620 કિમી ઉત્તર પશ્ચિમમાં અને લક્ષદ્વિપથી 640 કિમી ઉત્તર પશ્ચિમમાં ડિપ્રેશન સ્થિત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ડિપ્રેશન આગામી ચોવીસ કલાકમાં આગળ વધશે જેના કારણે ગુજરાત, ગોવા, કોંકણ, અને કેરળમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.
આંધ્ર પ્રદેશ, તામિલનાડુમાં ઍલર્ટ
બંગાળની ખાડીમાં જે વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ છે, તેના કારણે આંધ્ર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ જેવાં રાજ્યોને ખાસ અસર થાય અને ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
બીબીસી તામિલના અહેવાલ પ્રમાણે ચેન્નાઈ, કાંચીપુરમ, પુડ્ડુચેરીમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું કે 28 ઑક્ટોબર સુધી દરિયામાં ભારે ઉથલપાથલ રહેશે. દરિયામાં 35-45 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે, જે વધીને 55 કિલોમીટર (પ્રતિકલાક) સુધી પહોંચી શકે છે, જેના કારણે આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે.
કૅબિનેટ સચિવ ટી. વી. સોમનાથને શનિવારે બંગાળની ખાડીના સંભવિત વાવાઝોડા અંગે તૈયારીઓની સમીક્ષા કરી હતી. 900થી વધારે જહાજોને દરિયાકિનારે લાંગરવામાં આવ્યાં છે.
નૅશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમોને તૈયાર રાખવામાં આવી છે જેથી ઝડપથી બચાવ અને રાહત કાર્યવાહી શરૂ કરી શકાય.
ગુજરાતમાં વરસાદ
ગુજરાતમાં આજથી ત્રણ દિવસ સુધી વરસાદ પડશે જેમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં પણ સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે.
લેટેસ્ટ આંકડા પ્રમાણે ગીર સોમનાથના સુત્રાપાડામાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે નવસારીમાં 1.65 ઇંચ, વલસાડમાં 1.42 ઇંચ, સુરત શહેરમાં 1.18 ઇંચ અને નવસારીના જલાલપોરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.
આજે પણ અમરેલી, વડોદરા, રાજકોટમાં સવારથી વરસાદના અહેવાલ છે.
મોંથા વાવાઝોડું શું છે?
બંગાળની ખાડીમાં જે વાવાઝોડું રચાશે તેનું નામ 'મોંથા' અગાઉની પદ્ધતિ પ્રમાણે રાખવામાં આવશે. એક વખત વાવાઝોડું સર્જાય ત્યાર પછી ભારતીય હવામાન વિભાગ તેને નામ આપશે. મોંથા નામ થાઇલૅન્ડે આપેલું છે.
ભારતીય હવામાન વિભાગ એ છ પ્રાદેશિક હવામાન વિજ્ઞાન કેન્દ્રો પૈકી એક છે.
કુલ 13 સભ્ય દેશો સાથે મળીને ઉષ્ણકટિબંધિય ચક્રવાત અને વાવાઝોડા અંગે આગાહી કરે છે જેમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ઈરાન, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઇલૅન્ડ, યુએઈ અને યમન સામેલ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન