હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 100થી વધુ લોકોનાં મૃત્યુ, મૃતકાંક વધે તેવી સંભાવના

ઇમેજ સ્રોત, DHARMENDRA CHAUDHARI
ઉત્તર પ્રદેશના હાથરસમાં એક સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 100થી વધુ શ્રદ્ધાળુઓનાં મોત થયા છે. ઉત્તર પ્રદેશના આગરા ઝોનના એડીજી કાર્યાલયે તેની પુષ્ટિ કરી છે.
એડીજી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે મૃતદેહોને અલગ-અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા છે જેને કારણે મૃતકોની સંખ્યા પછી ખબર પડશે.
આ પહેલાં હાથરસના પોલીસ અધિક્ષક નિપુણ અગ્રવાલે તેની પુષ્ટિ કરતાં બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાને જણાવ્યું હતું કે આ હાદસામાં અંદાજે 60થી વધુ લોકોનાં મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ છે.
ઘટનાને નજરે જોનારા સાક્ષીઓનું જણાવવું છે કે આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધી શકે છે. હાથરસ તંત્ર દ્વારા લોકોની મદદ માટે બે હેલ્પલાઇન પણ જારી કરવામાં આવી છે- 9259189726 અને 9084382490.
તે પહેલાં એટાના એસએસપી રાજેશ કુમાર સિંહે કહ્યું હતું કે, "એક દુ:ખદ ઘટના બની છે. હાથરસ જિલ્લાના સિકંદરરાઉ નજીકના મુગલગઢી ગામમાં ભોલે બાબાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યાં થયેલી નાસભાગને કારણે લોકોનાં મોત થયા છે. એટાની હૉસ્પિટલમાં 27 મૃતદેહો આવ્યા છે. આ મૃતદેહોમાં 23 મહિલાઓ, ત્રણ બાળકો અને એક પુરૂષનો મૃતદેહ છે. ઘાયલો હજુ સુધી અહીં હૉસ્પિટલમાં આવ્યા નથી.”
સિકંદરારાઉ ટ્રૉમા સેન્ટર પર ઘાયલોને પહોંચાડવામાં આવી રહ્યાં છે.

ઇમેજ સ્રોત, DHARMENDRA CHAUDHARY
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાથરસની આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું.
તેમણે કહ્યું, "આ સમયે ચર્ચા વચ્ચે ગંભીર સમાચાર મળી રહ્યા છે. યુપીના હાથરસમાં જે નાસભાગ થઈ તેમાં અનેક લોકોનાં મૃત્યુ થયા છે. જે લોકોનાં મૃત્યુ થયાં છે તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. જે ઘાયલ છે તેઓ જલદી સ્વસ્થ થાય તેવી કામના કરું છું. રાજ્યસરકારની દેખરેખમાં તંત્ર રાહત બચાવ કાર્યમાં જોતરાયું છે. હું ગૃહને ભરોસો આપવા માગુ છું કે પીડિતોને તમામ બનતી મદદ કરવામાં આવશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયાની અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, DHARMENDRA CHAUDHARI
બીબીસીના સહયોગી ધર્મેન્દ્ર ચૌધરીએ ટ્રૉમા સેન્ટરથી કેટલાક વીડિયો મોકલાવ્યા છે જેમાં પરિજનો આક્રોશ કરતાં સ્પષ્ટ જોવા મળે છે.
ટ્રૉમા સેન્ટર પર હાજર પીડિતોના પરિજને કહ્યું કે, “આટલી મોટી દુર્ઘટના થઈ ગઈ પણ કોઈ સીનીયર અધિકારી અહીં હાજર નથી. ભોલે બાબાને કોણે અહીં આટલો મોટો કાર્યક્રમ કરવાની પરવાનગી આપી હતી? તંત્ર ક્યાં છે?”
ઘાયલો અને મૃતકોને ટ્રૉમા સેન્ટરે ટ્રકો અને ટૅમ્પોમાં લઈ જવામાં આવ્યા.
વીડિયોમાં અનેક મહિલાઓના મૃતદેહો ટ્રૉમા સેન્ટરની બહાર જમીન પર પડેલાં જોઈ શકાય છે.

ઇમેજ સ્રોત, DHARMENDRA CHAUDHARY
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર યુપી સીએમઓ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના શોક સંતપ્ત પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે રાજ્ય સરકારના મંત્રી લક્ષ્મીનારાયણ ચૌધરી અને સંદિપસિંહ ઘટનાસ્થળે રવાના થયા છે. પ્રદેશના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક પણ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.
યુપી સરકારે ઘાયલોને તત્કાલ હૉસ્પિટલ પહોંચાડીને સમુચિત ઉપચાર કરવાના નિર્દેશ જારી કર્યા છે. આ ઉપરાંત એડીજી આગ્રા અને કમિશનર અલીગઢના નેતૃત્વમાં દુર્ધટનાની તપાસના આદેશ પણ આપ્યા છે.
વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ બુધવારે હાથરસ પહોંચી રહ્યા છે.
શરૂઆતી તપાસમાં શું જાણવા મળ્યું?

ઇમેજ સ્રોત, DHARMENDRA CHAUDHARY
સીએમઓ એટાના ઉમેશ કુમાર ત્રિપાઠીએ પણ કહ્યું કે, "મૃતદેહો પૉસ્ટમોર્ટમ હાઉસમાં પહોંચ્યા છે, જેમાં મહિલાઓ અને પુરૂષો સામેલ છે. ઘણા ઘાયલોને પણ દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની વધુ માહિતી તપાસ બાદ આપવામાં આવશે."
તેમણે કહ્યું કે શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું છે કે ધાર્મિક આયોજન દરમિયાન થયેલી નાસભાગને કારણે આ ઘટના બની છે.
ટ્રોમા સૅન્ટર પહોંચેલા એક પીડિત પરિજને કહ્યું, "આટલી મોટી દુર્ઘટના થઈ પરંતુ એક પણ વરિષ્ઠ અધિકારી જોવા મળ્યો નથી. ભોલે બાબાને કોણે પરવાનગી આપી હતી, તંત્ર ક્યાં છે?"
ટ્રોમા સૅન્ટર પાસે અફરાતફરીનો માહોલ છે અને લોકો પોતાના પ્રિયજનોની તલાશમાં ત્યાં પહોંચ્યા છે.

ઇમેજ સ્રોત, ANI
હાથરસના ડીએમ આશિષકુમારે કહ્યું, "ધાર્મિક સત્સંગ દરમિયાન જ્યારે લોગોને ગરમી લાગી હશે ત્યારે તેઓ બહાર નીકળવા લાગ્યા. તે સમયે આ દુર્ધટના ઘટી. ઘટનાની તપાસ માટે તપાસ સમિતિ બનાવવામાં આવી છે. આ આયોજનની પરવાનગી એસડીએમ દ્વારા આપવામાં આવી હતી. આ એક ખાનગી કાર્યક્રમ હતો. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસદળ તહેનાત હતું. અંદરની વ્યવસ્થા સંભાળવાનું કામ આયોજકોનું હતું. હવે હાલ તપાસ ચાલી રહી છે. કારણોની હકીકત તપાસ બાદ ખબર પડશે પરંતુ હાલ અમારું ધ્યાન ઘાયલોની સારવાર આપવામાં છે."












