You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સરકારે બોર્નવિટા જેવા પાઉડરને ઓનલાઇન ઈ-કૉમર્સ વેબસાઇટોની હેલ્થ ડ્રિન્ક કૅટેગરીમાંથી હઠાવવા કેમ કહ્યું?
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
તમે કોઇ કરિયાણાની દુકાન કે ગ્રોસરી સ્ટોર પર જાઓ તો તમને ત્યાં સરસ રીતે ગોઠવેલાં અલગ-અલગ ડ્રિન્કસ જોવા મળશે. તમે તેમાંથી આરોગ્ય માટે ફાયદાકારક હોવાનું દર્શાવતાં કોઈ ડ્રિન્કસને ખરીદો છો? જોકે, આ કહેવાતાં હેલ્થ ડ્રિન્ક્સ હકીકતમાં આરોગ્ય માટે લાભદાયક છે, ખરાં?
ભારતનાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે હાલમાં જ ઈ-કૉમર્સ કંપનીઓને એક સૂચના જાહેર કરી છે.
આ સૂચનામાં કહ્યું છે, “અમારા ધ્યાનમાં આવ્યું છે કે ઈ-કૉમર્સ સાઇટ કે પ્લૅટફૉર્મ પર બૉર્નવિટા અને અન્ય કેટલાંક ડ્રિન્કસને હેલ્થ ડ્રિન્કસની કૅટેગરીમાં રાખવામાં આવ્યાં છે.”
ભારતનાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પોતાની સૂચનામાં જણાવ્યું, “નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સે (એનસીપીસીઆર) પોતાની તપાસમાં એફએસએસ ઍક્ટ 2006, એફએસએસએઆઈ અને મૉડલેઝ ઇન્ડિયા ફુડ પ્રાઇવેટ લિમિટેડના નિયમોમાં હેલ્થ ડ્રિન્કસની કોઈ વ્યાખ્યા નથી કરવામાં આવી.”
મંત્રાલયે કહ્યું કે આ કારણે જ ઈ-કૉમર્સ કંપનીઓ અને પૉર્ટલોને સલાહ આપવામાં આવે છે કે તેઓ બૉર્નવિટા જેવાં ડ્રિન્કસને હેલ્થડ્રિન્કસની કૅટેગરીમાંથી પોતાની સાઇટ કે પ્લૅટફૉર્મ પરથી હઠાવી નાખે.
આ મામલો કેમ સામે આવ્યો?
આ મામલે એનસીપીસીઆરનાં અધ્યક્ષ પ્રિયંકા કાનૂન્ગોએ બીબીસીને જણાવ્યું, "અમને ગયા વર્ષે એક ફરિયાદ મળી હતી. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે બૉર્નવિટામાં ખાંડનું પ્રમાણ નક્કી કરેલાં પ્રમાણથી વધારે છે. આ ઉપરાંત તેની જાહેરાતમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બાળકોના વિકાસ માટે પણ સારું છે.
તેમણે કહ્યું, “આ જાહેરાતો ભ્રામક છે અને બાળકોનાં હિતમાં નથી. અમે આ વિશે સંબંધિત સરકારી એજન્સીઓને જાણકારી આપી. અમે બૉર્નવિટા સાથે પણ આ વિશે વાતચીત કરી અને કંપનીએ લેખિતમાં આપ્યું કે તેમની પ્રોડક્ટ હેલ્થ ડ્રિન્ક નથી.”
પ્રિયંકા કાનૂનગોએ જણાવ્યું, “ત્યાર પછી અમે એફએસએસઆઈ સાથે સંપર્ક કર્યો અને કહ્યું કે એફએસએસ ઍૅક્ટ 2006માં હેલ્થડ્રિન્કની કોઈ કૅટેગરી નથી. આમ, કોઈપણ વસ્તુ જેવી કે જ્યુસ, પાઉડર કે ઍનર્જી ડ્રિન્કસને હેલ્થ ડ્રિન્ક્સનાં નામે વેચી ન શકાય.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગનું (એનસીપીસીઆર) ગઠન સંસદના અધિનિયમ હેઠળ આવતા બાળ સુરક્ષા અધિકાર આયોગ ઍક્ટ 2005ના આધારે કરવામાં આવ્યું હતું.
બીબીસીએ આ વિશે મૉડેલેઝ ઇન્ડિયા ફૂડ પ્રાઇવેટ લિમિટેડ સાથે ઈ-મેલથી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે જવાબ આપવાની ના પાડી.
“કંપનીઓ માર્કેટિંગ સ્ટંટ ચલાવી રહી છે”
મુંબઈમાં ડાયાબિટિસ કેર સેન્ટરમાં ડૉક્ટર કોવિલે કહ્યું, "આ કંપનીઓ માર્કેટિંગ સ્ટંટ ચલાવી રહી છે અને હેલ્થ ડ્રિન્કસ જેવું કંઈ હોતું નથી. ઈ-કૉમર્સ વેબસાઇટ પર તમને એવાં કેટલાંય ડ્રિન્કસ મળી જશે જેને સ્વાસ્થ્યનાં નામે વેચવામાં આવી રહ્યાં છે."
ડૉક્ટર કોવિલે કહ્યું કે આવાં ડ્રિન્કસ સ્વાસ્થ્ય માટે લાભદાયક નથી.
તેમના મત પ્રમાણે લોકોએ એવાં ડ્રિન્કસનું સેવન કરવું જોઈએ જેમાં મિનરલ, વિટામિન અને માઇક્રોન્યૂટિયન્ટ હોય અને ખાંડનું પ્રમાણ નહિવત્ હોય.
જોકે, ખાંડની કેટલી માત્રાને ઓછી માત્રા ગણી શકાય?
આ વિશે ડૉ. રાજીવ કોવિલે કહ્યું, “ભારતમાં ફૂડ લેબલિંગ 100 ગ્રામ પર થાય છે. ઉદાહરણ રૂપે કોઈ પણ ખાદ્ય પદાર્થમાં 100 ગ્રામ પર ખાંડનું પ્રમાણ દસ ગ્રામથી પણ ઓછું હોવુ જોઈએ. જો ખાંડનુ પ્રમાણ પાંચ ગ્રામથી પણ ઓછુ હોય તો તેને લો શુગર કહી શકાય. અને જો ખાંડની માત્રા 0.5 ગ્રામ હોય તો તેને શુગર ફ્રી પદાર્થ ગણી શકાય. આ દરેક ડ્રિન્કસમાં ખાંડ સિવાય કાર્બૉહાઇડ્રેટસ જેવા કે કૉર્ન સિરપ પણ હોય છે.”
એફએસએસઆઈની વેબસાઇટ પર પણ આ સૂચનાને છાપવામાં આવી છે.
આ સૂચનામાં કહેવામા આવ્યું છે, “અમારા ધ્યાનમાં આવ્યું છે કે જે ખાદ્ય પદાર્થોને પ્રોપરાઇટરી ફૂડનું લાઇસન્સ મળ્યું છે, જે ડેયરી આધારિત ડ્રિન્કસ મિક્સ, સીરિયલ પર આધારિત ડ્રિન્કસ અને મૉલ્ટ આધારિત હેલ્થ ડ્રિન્ક્સ અને એનર્જી ડ્રિન્ક્સની કૅટેગરીમાં વહેંચવામા આવી રહ્યાં છે.”
આ કારણે એફએસએસ તરફથી જે ઉત્પાદોને એનર્જી ડ્રિન્કસનુ લાઇસન્સ મળ્યું છે તે ઉત્પાદો માટે જ તેનો ઉપયોગ કરી શકાય છે. અને એફએસએસ એક્ટમાં હેલ્થ ડ્રિન્કસની કોઈ વ્યાખ્યા કરવામા આવી નથી.
પ્રિયંક કાનૂનગોએ દાવો કર્યો છે કે આ પાઉજર કે ડ્રિન્કસમાંથી બાળકોને એટલી ખાંડ મળી રહે છે કે તેમણે દિવસમાં કોઈ વધારાની ખાંડ લેવાની જરૂરત નથી. જોકે, આ ઉત્પાદને બનાવતી કંપનીઓ આ વિશે કોઈ જાણકારી નથી આપતી.
ખાંડ કેટલા પ્રમાણમાં ખાવી જોઇએ?
ડૉ. અરુણ ગુપ્તા બાળ રોગના વિશેષજ્ઞ છે અને ન્યૂટ્રિશન એડવોકેસી ઇન પબ્લિક ઇન્ટરેસ્ટ (એનએપીઆઈ) નામની થિંક ટેન્કના સંયોજક છે.
ડૉંક્ટર અરુણ ગુપ્તાએ કહ્યું કે આપણા લોકો પર હેલ્થ ડ્રિન્કસના નામે આ વસ્તુઓ વર્ષોથી થોપવામા આવી રહ્યાં છે.
તેમણે કહ્યું, “સરકારનુ કહેવું છે કે હેલ્થ ડ્રિકન્સ ની વ્યાખ્યા કરવામા આવી નથી તો સરકાર આ વિશે કેમ પગલા લેતી નથી. માત્ર સૂચનાઓથી કેવી રીતે કામ ચાલશે. હેલ્થી ડ્રિકન્સ કે ખોરાક અને અનહેલ્થી ખોરાકની સ્પષ્ટ વ્યાખ્યા હોવી જોઈએ.”
જાણકારોનું કહેવું છે કે ડ્રિકન્સનાં કેટલાય વિકલ્પો બજારમાં મળી રહે છે જેમાં ખાંડનું પ્રમાણ ઘણુ વધારે છે.
ડૉ. રાજીવ કોવિલ અને ડૉં અરુણ ગુપ્તાનુ કહેવું છે કે જેવી રીતે ધૂમ્રપાનની લત લાગી જાય છે તેવી જ રીતે બાળકો અથવા લોકોને પણ ખાંડ ખાવાની લત લાગી શકે છે કારણ કે તે ખૂશીનો અનુભવ પણ આપે છે.
પરંતુ જ્યારે તેઓ આવા પીણાંનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે, ત્યારે તેમને બિનચેપી રોગો થવાનું જોખમ વધી જાય છે. બિન-ચેપી રોગનો અર્થ એ છે કે તે રોગ જે કોઈ ચેપથી નહીં પરંતુ અસ્વસ્થ જીવનશૈલીને કારણે થાય છે.
આ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમ કે - વજન વધારો, મેદસ્વીતા, અને ડાયાબિટીસની સમસ્યા પણ થાય છે.
ડૉક્ટરોએ કહ્યું કે બિસ્કિટમાં ખાંડની સાથે મીઠું પણ હોય છે. જ્યુસ અને એનર્જી ડ્રિન્ક્સમાં ખાંડની માત્રા વધારે હોય છે. આ ઉપરાંત આ ભધા ખાદ્ય પદાર્થો અલ્ટા પ્રોસેસ્ડ ફૂડની શ્રેણીમાં પણ આવે છે.
બ્રિટિશ મેડિકલ જનરલની હાલની એક રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે આની અસર માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ ઉંમરમાં પણ ઘટાડો થઈ શકે છે.
ડૉ. અરુણ ગુપ્તાએ કહ્યું, “જો તમારા રોજીંદા ખોરાકમાં દસ ટકાથી વધારે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ હોય તો તમને ડાયાબિટિસ, કેન્સર, હ્રદયને લગતા રોગો અને ડિપરેશન જેવી બિમારીઓ થઈ શકે છે. આ બહેન-ચેપી રોગોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.”
જાહેરાતોમાં જણાવવું જોઈએ કે દરેક ખાદ્ય પદાર્થમાં ખાંડ અને મીઠાનું પ્રમાણ કેટલુ છે.
ડૉં. અરુણ ગુપ્તાએ કહ્યું, “લો શુગર પ્રોડક્ટોની વ્યાખ્યા કરવામા આવી છે પરંતુ વધારે ખાંડ વાળા ખાદ્ય પદાર્થો વિશે કોઈ જાણકારી આપવામા આવતી નથી.”
આવી જાહેરખબરોની પ્રસિદ્ધિ ઓછી થવી જોઈએ જેથી કરીને આવા ઉત્પાદનોની ખરીદી ઘટી શકે.
ડૉ. અરુણ ગુપ્તા અને ડૉ. રાજીવ કોવિલ કહે છે કે લોકોને જાગૃત કરવા પડશે કારણ કે તેઓને ફૂડ લેબલ કેવી રીતે વાંચવું તે આવડતું નથી. આવી સ્થિતિમાં જે લોકો ભણેલા નથી તેમને ધ્યાનમાં રાખીને ટ્રાફિક કલર કોડિંગ દ્વારા જાગૃત કરવા જોઈએ. તે જ સમયે, ઉચ્ચ ખાંડ, મીઠું અને ચરબીવાળા ઉત્પાદનોને લઈને મોટી ચેતવણી આપવી જોઈએ.
આવા ઉત્પાદનોની કિંમત ઊંચી રાખવી જોઈએ અને ટેક્સ પણ ઊંચો હોવો જોઈએ જેથી કરીને તે ખરીદનાર વ્યક્તિ જોઈ શકે કે તે વપરાશ અથવા સ્વાદ માટે શું લઈ રહ્યો છે.