ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી શિબુ સોરેનનું નિધન, ત્રણ વાર મુખ્ય મંત્રી બનવા સુધીની કેવી હતી તેમની સફર

ઇમેજ સ્રોત, Getty Images
ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક શિબુ સોરેનનું નિધન થયું છે.
આ માહિતી તેમના પુત્ર અને ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેને આપી છે.
હેમંત સોરેને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે , "આદરણીય દિશોમ ગુરુજી આપણને સૌને છોડીને ચાલ્યા ગયા છે. આજે હું શૂન્ય થઈ ગયો છું."
ઝારખંડના ભૂતપૂર્વ મંત્રી બાદલ પત્રલેખે બીબીસી સંવાદદાતા ચંદન કુમાર જજવારેને જણાવ્યું હતું કે 'શિબુ સોરેન લગભગ બે મહિનાથી દિલ્હીની ગંગારામ હૉસ્પિટલમાં દાખલ હતા. હાલમાં, હેમંત સોરેન પણ ગંગારામ હૉસ્પિટલમાં છે, તેઓ શુક્રવારે જ દિલ્હી પહોંચ્યા હતા.'
શિબુ સોરેન ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના સ્થાપક હતા અને લાંબા સમય સુધી પાર્ટીના પ્રમુખ રહ્યા હતા. તેમણે ત્રણ વખત ઝારખંડના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. આ ઉપરાંત, તેઓ સંસદના બંને ગૃહો, રાજ્યસભા અને લોકસભાના સભ્ય પણ હતા.
શિબુ સોરેન: ઝારખંડના રાજકારણના 'દિશોમ ગુરુ'

ઇમેજ સ્રોત, Hemant Soren/X
ઝારખંડના સંથાલ આદિવાસી સમુદાયમાં જન્મેલા શિબુ સોરેનનું બાળપણ સંઘર્ષથી ભરેલું હતું.
1973માં, તેમણે ઝારખંડ મુક્તિ મોરચાની રચના કરી હતી જેનો ઉદ્દેશ્ય બિહારના જંગલ અને આદિવાસી વિસ્તારોથી અલગ ઝારખંડ રાજ્ય બનાવવાનો હતો. લગભગ ત્રણ દાયકાના સંઘર્ષ પછી, તેમનું લક્ષ્ય વર્ષ 2000માં પ્રાપ્ત થયું.
1980થી 2019 સુધી, તેઓ દુમકા બેઠક પરથી ચૂંટણી જીતીને સાત વખત લોકસભા પહોંચ્યા. 2019માં તેમને ભાજપના ઉમેદવાર સુનીલ સોરેન સામે હારનો સામનો કરવો પડ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત, તેઓ વર્ષ 2005, 2008-09 અને પછી 2009-10 માં ત્રણ વખત ઝારખંડના મુખ્ય મંત્રી રહ્યા.
રાજ્ય ઉપરાંત, તેમણે કેન્દ્રમાં યુપીએ સરકારમાં મંત્રી તરીકે પણ કામ કર્યું.
સ્વાસ્થ્યના કારણોસર તેઓ ધીમે ધીમે સક્રિય રાજકારણથી દૂર થતા ગયા અને તેમના અનુગામી તરીકે, તેમના પુત્ર હેમંત સોરેને પક્ષ સંબંધિત કાર્યની જવાબદારી સંભાળી.
પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના સંસ્થાપક શિબુ સોરેનના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
પીએમ મોદીએ ઍક્સ પર લખ્યું, "શિબુ સોરેન જી એક જમીની નેતા હતા. જેમણે જનતા પ્રત્યે અતૂટ સમર્પણ સાથે સાર્વજનિક જીવનમાં ઊંચાઈઓને પ્રાપ્ત કરી. તેઓ આદિવાસી સમુદાય, ગરીબો અને વંચિતોના સશક્તિકરણ માટે વિશેષરૂપે સમર્પિત હતા."
વડા પ્રધાને કહ્યું, "તેમના નિધનથી હું દુ:ખી છું. મારી સંવેદના તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે."
પીએમ મોદીએ જણાવ્યું કે તેમણે ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન સાથે વાત કરીને સંવેદના પ્રગટ કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












