ગુજરાત : એ પાંચ કારણો જેના લીધે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓએ રાજીનામાં આપવાં પડ્યાં

ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, ભાજપ, ગુજરાત સરકાર, મંત્રીમંડળ ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, @Bhupendrapbjp

    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતનાં રાજકીય વર્તુળોમાં એ ચર્ચા હતી કે ગુજરાતના મંત્રીમંડળનું ગમે ત્યારે વિસ્તરણ થઈ શકે છે.

વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે ગુજરાત સરકારના 16 મંત્રીએ રાજીનામું આપી દીધું છે. નવું મંત્રીમંડળ આજે ગાંધીનગરસ્થિત મહાત્મા મંદિરમાં શપથ લેશે.

ગુજરાતમાં ભાજપને 2022ની ચૂંટણીમાં 156 બેઠકો જેટલી શક્તિશાળી બહુમતી મળી હતી અને ત્યાર બાદ તેના ધારાસભ્યોની સંખ્યા વધીને 162 થઈ ગઈ હતી. તેમ છતાં મંત્રીમંડળમાં આ બદલાવ કરવામાં આવ્યો છે ત્યારે લોકોમાં એ કુતૂહલ છે કે આખરે તમામ મંત્રીઓને કેમ હઠાવી દેવાયા?

ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, ભાજપ, ગુજરાત સરકાર, મંત્રીમંડળ ગુજરાત, બીબીસી ગુજરાતી

'અમુક ઘટનાઓને કારણે ભાજપ સામે નારાજગી'

ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, ભાજપ, ગુજરાત સરકાર, મંત્રીમંડળ ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

અમદાવાદ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સ ભણાવતા આસિસ્ટન્ટ પ્રોફેસર સાર્થક બાગચી સાથે બીબીસીએ આ મુદ્દે વાત કરી હતી.

તેમનું કહેવું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ એ ઍન્ટી ઇન્કમ્બન્સી કરતાં વધારે અમુક ઘટનાઓને કારણે ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ પ્રવર્તેલી નારાજગી છે.

સાર્થક બાગચી કહે છે, "ભાજપની આ સ્ટ્રેટેજી રહી છે. ભાજપ ગુજરાતમાં એક પ્રભાવશાળી પાર્ટી તરીકે સ્થાપિત છે ત્યારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ગુજરાત સરકારમાં બે વાર મંત્રીમંડળો રાજીનામું આપી ચૂક્યાં છે. આ પહેલાં પણ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીએ રાજીનામું આપવું પડ્યું હતું અને મંત્રીમંડળ બદલી નાખવામાં આવ્યાં હતાં. "

પ્રો. બાગચી કહે છે કે, "2022માં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં વધારે બેઠકો મળી હતી, પરંતુ 2024 પછી તેમના વોટશેરમાં ઘટાડો થયો હતો તેનું એક કારણ એ છે કે પાર્ટી ઓબીસી મતદારોને આકર્ષવામાં થોડી નિષ્ફળ ગઈ હતી."

પ્રો. સાર્થક બાગચી જણાવે છે કે, "કેટલીક વહીવટીય અવ્યવસ્થાઓ પણ આ મંત્રીમંડળના વિસ્તરણ પાછળનું એક કારણ હોઈ શકે છે. અને ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં બનેલી દુર્ઘટનાઓ જેમ કે ગંભીરા બ્રિજ, મોરબી દુર્ઘટના, હરણીકાંડને લઈને લોકોમાં ગુસ્સો અને નારાજગી હતાં. આવી ઘટનાઓમાંથી પ્રવર્તતી નારાજગીને ખાળવા તેમણે આ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હોય તેવું લાગે છે."

ધબકાર દૈનિકના તંત્રી વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા પણ ઍન્ટિ-ઇન્કમબન્સીને એક કારણ ગણાવે છે.

તેઓ કહે છે, "સરકાર સામે ઍન્ટિ-ઇન્કમ્બન્સી એક કારણ છે. સત્તાવિરોધી લહેર આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ અસર કરી શકે છે એ કારણ જવાબદાર છે."

ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, ભાજપ, ગુજરાત સરકાર, મંત્રીમંડળ ગુજરાત, બીબીસી ગુજરાતી

ભાજપમાં 'આંતરિક અસંતોષ'

ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, ભાજપ, ગુજરાત સરકાર, મંત્રીમંડળ ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ગુજરાતનાં રાજકીય વર્તુળોમાં કાયમ એવું મનાતું રહ્યું છે કે અમિત શાહ અને આનંદીબહેન પટેલનો ગુજરાતના મંત્રીમંડળ પર પ્રભાવ રહ્યો છે.

સરદાર પટેલ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સ વિભાગના અધ્યાપક પ્રો. બળદેવ આગજા બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, "સતત ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, ત્યારે પાર્ટીમાં બધાની અપેક્ષા સંતોષવામાં ઊણપ રહી જતી હોય છે. તે પણ એક મહત્ત્વનું કારણ હોઈ શકે છે."

તેઓ કહે છે, "ચોક્કસ ભાજપમાં જૂથબંધી છે. કૉંગ્રેસ કરતાં ભાજપની જૂથબંધી જુદા પ્રકારની છે. તેમાં પણ અલગ-અલગ પ્રકારનાં જૂથ છે, જેમ કે આનંદીબહેન પટેલનું જૂથ, અમિત શાહનું જૂથ, નરેન્દ્ર મોદીનું જૂથ અને આરએસએસનું જૂથ. પણ ભાજપનો આ લોકો પર કંટ્રોલ વધારે હોવાથી અસંતોષ લોકો સામે જાહેરમાં જવલ્લે જ જોવા મળે છે. "

નરેશ વરિયા કહે છે કે, "દરેક પક્ષમાં રાજકીય મહત્ત્વાકાંક્ષાને લઈને અસંતોષ રહેલો હોય છે, પરંતુ ભાજપ સામેનો આંતરિક અસંતોષ જાહેરમાં આવતો નથી. ઉપરાંત મંત્રીઓની છબી પણ તાજેતરમાં ઘણી ખરડાઈ છે. તેનાથી પક્ષને નુકસાન થવાની સંભાવના રહેલી છે. આથી, મને લાગે છે કે પાણી પહેલાં પાળ બાંધવામાં આવી રહી છે."

ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, ભાજપ, ગુજરાત સરકાર, મંત્રીમંડળ ગુજરાત, બીબીસી ગુજરાતી

સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું 'પ્રભુત્વ'?

ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, ભાજપ, ગુજરાત સરકાર, મંત્રીમંડળ ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વીસાવદરથી આપના ગોપાલ ઇટાલિયાની જીત બાદ સૌરાષ્ટ્રનાં સમીકરણો બદલાય તેવું પ્રતીત થઈ રહ્યું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તાજેતરમાં વીસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી હતી. ત્યાર બાદ આમ આદમી પાર્ટીએ સભાઓ અને આંદોલનોને યથાવત રાખ્યાં છે. વિશ્લેષકોનું માનવું છે કે તે પણ ભાજપ માટે ચિંતાનો વિષય છે.

પ્રો. સાર્થક બાગચી કહે છે કે, " વીસાવદરની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતી હતી. તેનું એક કારણ એ હતું કે પાટીદાર વોટબૅન્ક ત્યાં અસરકારક ભૂમિકામાં છે. તેનો ફાયદો 'આપ'ને મળ્યો હતો. ત્યાંનાં સ્થાનિક પરિબળોને પણ અસરકાર હતાં."

તેઓ કહે છે, "સૌરાષ્ટ્રના શહેરી વિસ્તારો જેવા કે રાજકોટ, પોરબંદર, જામનગર વગેરેમાં ભાજપની મજબૂત સ્થિતિ છે, પરંતુ આ શહેરી વિસ્તારોમાં પણ 'આપ' પોતાનું વર્ચસ્વ સ્થાપવાના પ્રયત્ન કરી રહી છે. 'આપ'નું હાલનું વર્ચસ્વ દક્ષિણ ગુજરાત અને સુરતમાં છે. તેથી આમ આદમી પાર્ટી તે ભાજપ માટે હાલ પૂરતો પડકાર નથી, પરંતુ જો સૌરાષ્ટ્રમાં 'આપ' આગળ વધે તો મોટો પડકાર ઊભો થશે."

પ્રો. બળદેવ આગજા કહે છે કે, "સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી 'આપ' અસરકારક રીતે ઊભરી આવી છે, પરંતુ અંતે આમ આદમી પાર્ટી ભાજપનું જ વલણ અને વ્યવહાર અપનાવતી હોય છે. એટલે આગળ શું થશે એ કહેવું મુશ્કેલ છે."

નરેશ વરિયાના મતે "સૌરાષ્ટ્રમાં 'આપ'નું વર્ચસ્વ વધી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ ગોપાલ ઇટાલિયા છે અને એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે 'આપ'ની પાટીદાર મતો પર અસર વધી છે. પાટીદારોની અવગણના ભાજપને 2017માં પણ ભારે પડી હતી. તે એક કારણ હોઈ શકે છે."

ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, ભાજપ, ગુજરાત સરકાર, મંત્રીમંડળ ગુજરાત, બીબીસી ગુજરાતી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ સામે પડકાર

ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, ભાજપ, ગુજરાત સરકાર, મંત્રીમંડળ ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અગાઉ કેશુભાઈ પટેલ અને આનંદીબહેને પણ રાજીનામું આપી દેવું પડ્યું હતું

ગુજરાતમાં આવતા જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026ના સમયગાળામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે. એવામાં અનેક લોકો આ ચૂંટણી સાથે સાંકળીને પણ મંત્રીમંડળના બદલાવોને જોઈ રહ્યા છે.

નરેશ વરિયા જણાવે છે કે, "મંત્રીમંડળના વિસ્તરણનાં બે મુખ્ય કારણ, નેતાઓને સાચવવા અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું છે. તેથી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ આ નિર્ણય લેવાયો છે."

પ્રો. સાર્થક બાગચી બીબીસી સાથે વાત કરતા જણાવે છે કે, "સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ એક કારણ છે. મંત્રીમંડળનું ભાજપ એ વિસ્તરણ કરવું પડ્યું છે. ભાજપમાં તાજેતરમાં પ્રદેશ પ્રમુખ બનેલા જગદીશ વિશ્વકર્મા તેમનું નવું સંગઠન સ્થાપિત કરશે અને તેની ફરીથી ડિઝાઇન કરશે અને તેની ચોક્કસ અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર પડી શકે છે."

જોકે, બળદેવ આગજાનું કહેવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને કોઈ ખાસ નુકસાન જશે નહીં, કારણ કે તે ખૂબ મજબૂત છે.

ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, ભાજપ, ગુજરાત સરકાર, મંત્રીમંડળ ગુજરાત, બીબીસી ગુજરાતી

પાટીદાર અને ઓબીસી મતોને સાચવવાનો પ્રયાસ

ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, ભાજપ, ગુજરાત સરકાર, મંત્રીમંડળ ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Facebook

ઇમેજ કૅપ્શન, ભાજપ, કૉંગ્રેસ અને આપ ત્રણેયના પ્રદેશ પ્રમુખ હવે ઓબીસી સમુદાયમાંથી આવે છે

હાલમાં મુખ્ય મંત્રીપદે ભૂપેન્દ્ર પટેલ છે અને તેઓ પાટીદાર સમુદાયમાંથી આવે છે. જ્યારે ભાજપે સામેપક્ષે ઓબીસી સમુદાયમાંથી આવતા જગદીશ પંચાલને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. કૉંગ્રેસ અને આપના પ્રદેશ પ્રમુખ પણ ઓબીસી છે.

પ્રો. સાર્થક બાગચી કહે છે કે, " ઓબીસી મતદારોને સાધવા એ પણ મંત્રીમંડળ બદલવા પૈકીનાં કારણોમાંથી એક હોઈ શકે છે. એ જુઓ કે ભાજપે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને બદલ્યા નથી. તેઓ જાણે છે કે 2024માં થોડે અંશે ઓબીસી મતદારોને આકર્ષવામાં ભાજપ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યો હતો. આથી, તેમની સ્ટ્રેટેજી બદલી છે. જાતિ આધારિત વસ્તીગણતરી જેવા મુદ્દે કરેલી પીછેહઠ પણ તેનું મોટું ઉદાહરણ છે. "

પ્રો. બળદેવ આગજા જણાવે છે કે, "મંત્રીમંડળનું વિસ્તરણ પાટીદાર અને ઓબીસી ફેક્ટરના સંતુલન માટેનો પ્રયત્ન છે. તે ઉપરાંત કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અર્જુન મોઢવાડિયા જેવા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવાની કવાયત પણ હોઈ શકે છે."

નરેશ વરિયા જણાવે છે કે, "ઓબીસી અલગ-અલગ જ્ઞાતિઓનો વર્ગ છે, પણ તેમનો કોઈ સર્વમાન્ય નેતા નથી. ઓબીસીની સરકાર સામે નારાજગી તે કૉંગ્રેસનો પ્રોજેક્ટ છે, પરંતુ હજુ મને લાગે છે કે સરકાર સામેનો અસલ પડકાર પાટીદાર મતદારોને સાચવવાનો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન