સુપ્રીમ કોર્ટે બિલકીસબાનો કેસના દોષિતોને મુક્ત કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય રદ કર્યો

ઇમેજ સ્રોત, GETTY IMAGES
સુપ્રીમ કોર્ટે બિલકીસબાનુ ગૅંગરેપ કેસમાં દોષિત સાબિત થયા બાદ જનમટીપની સજા ભોગવી રહેલા કેદીઓની સજા માફી કરીને તેમને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે. કોર્ટે બિલકીસબાનોની અરજીને સુનાવણી માટે યોગ્ય ગણી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું છે કે દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય કરવાનો અધિકાર ગુજરાત સરકાર પાસે નહીં, મહારાષ્ટ્ર સરકાર પાસે હતો.
ગત વર્ષે 15 ઑગસ્ટના રોજ ગુજરાત સરકારે દોષિતોની સજામાફીની અરજી પર કાર્યવાહી કરીને 11 દોષિતોને મુક્ત કર્યા હતા. નોંધનીય છે કે તમામ દોષિતો ગોધરા સબજેલમાં સજા ભોગવી રહ્યા હતા.
આ કેસના તમામ દોષિતોને આજીવન કેદની સજા ફટકારાઈ હતી. ગુજરાત સરકારે દોષિતોની દોષસિદ્ધિ સમયે લાગુ રાજ્યની સજામાફીની નીતિ અંતર્ગત આ માફી આપ્યાની સ્પષ્ટતા કરી હતી.
નોંધનીય છે કે મામલામાં ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો દરમિયાન બિલકીસબાનોના પરિવારના 14 લોકોની હત્યા કરી દેવાઈ હતી અને તેમના પર સામૂહિક બળાત્કાર પણ ગુજારાયો હતો.
આ કેસ સામે આવતા સમગ્ર ભારતમાં સમાચારોમાં છવાઈ ગયો હતો.
બિલકીસબાનો ગૅંગ રેપ કેસમાં દોષિતોની સજામાફી બાદ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારના આ નિર્ણયને પડકારતી સંખ્યાબંધ અરજીઓ કરાઈ હતી.
જેમાં ખુદ બિલકીસબાનોની અરજી સહિત સીપીઆઈ (એમ)નાં નેતા સુભાષિની અલી, પત્રકાર રેવતી લૌલ, લખનૌ યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર રૂપ રેખા વર્મા અને તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રાની જાહેર હિતની અરજીઓ સામેલ છે.
સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી જસ્ટિસ બી. વી. નાગરત્ના અને ઉજ્જલ ભુયાનની બેન્ચ દ્વારા કરાઈ રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મામલે બંને જજોની બેન્ચે ગત 12 ઑક્ટોબરના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
દોષિતોને સજામાફી કેવી રીતે મળી?

ઇમેજ સ્રોત, DAXESH SHAH
નોંધનીય છે કે આ કેસમાં તમામ દોષિતોની સજામાફીની અરજીની સમીક્ષા માટે રચાયેલી સમિતિની ભલામણ બાદ ગુજરાત સરકારની સજામાફીની નીતિ હેઠળ મુક્ત કરાયા હતા.
નોંધનીય છે કે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના 11 મે, 2022ના ચુકાદાના અનુસંધાને સજામાફીનો નિર્ણય કર્યો હતો.
ગુજરાત સરકાર વતી આ કેસમાં સુપ્રીમકોર્ટમાં હાજર રહેલા એડિશનલ સૉલિસિટર જનરલ (એએસજી) એસ. વી. રાજુએ કહ્યું હતું કે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટના હુકમથી બંધાયેલી હતી. જેમાં કહેવાયું હતું કે આ કેસમાં રાજ્યની સજામાફીની નીતિ અંતર્ગત નિર્ણય લેવાવો જોઈએ અને સરકારે એ અંતર્ગત આ અરજીઓ અંગે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.
રાજુએ જણાવ્યું કે આ નિર્ણય ગુજરાતની વર્ષ 1992ની સજામાફીની નીતિને અનુરૂપ કાયદેસર અને તમામ પ્રક્રિયાને અનુસરીને લેવાયો હતો.
સજામાફીની અરજીની પેનલે તેમના નિર્ણયને એમ કહીને છાવર્યો હતો કે "ગુનેગારો 'સંસ્કારી બ્રાહ્મણ' છે અને તેમણે જેલમાં 14 વર્ષ જેટલો સમય વીતાવ્યો છે તથા તેમનું જેલમાં સારું વર્તન રહ્યું છે."

ઇમેજ સ્રોત, ANI
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના જે ચુકાદાને ટાંકીને એસ. વી. રાજુએ ગુજરાત સરકારના સજામાફીના નિર્ણયનો બચાવ કર્યો હતો, તેની સમીક્ષા માટેની બિલકીસબાનોની અરજી ગત વર્ષે ડિસેમ્બર માસમાં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
આ દોષિતોએ જેલમાં 15 વર્ષથી વધુ સમય કાપ્યો હતો અને એક દોષિતે સુપ્રીમ કોર્ટમાં પ્રિમૅચ્યોર રિલીઝ માટે અરજી કરી હતી.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ગત વર્ષે આ મામલે સજામાફી અંગે વિચારણા કરવા કહ્યું હતું અને સરકારે એક કમિટીની રચના કરી હતી. પંંચમહાલના કલેક્ટર સુજલ માયાત્રા આ પૅનલના અધ્યક્ષ હતા.
સજામાફીના નિર્ણય અંતર્ગત આ ગુનાના દોષિત જસવંતલાલ નાઈ, ગોવિંદ નાઈ, શૈલેશ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિનચંદ્ર જોશી, કેસરભાઈ વોહાણિયા, પ્રદીપ મોરઢિયા, બકાભાઈ વોહાણિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદાનાને છોડી મૂકાયા હતા.

ઇમેજ સ્રોત, DAHOD DISTRICT INFORMATION DEPARTMENT
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દોષિતોનું જેલમાંથી બહાર આવતા જ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતુું અને તેમાંથી ઘણા લોકો ભાજપના સાંસદો અને ધારાસભ્યો સાથે અનેક કાર્યક્રમોમાં સ્ટેજ પર પણ જોવા મળ્યા હતા.
દોષિતોને છોડી મૂકવાના નિર્ણય બાદ બીબીસી ગુજરાતીએ બિલકીસબાનોના પરિવાર સાથે વાત કરી તેમની મન:સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે એ સમયે કહેલું કે, “દોષિતોની સજામુક્તિ બાદ બિલકીસબાનો અને પરિવાર દુ:ખી છે. તેઓ ડરી ગયાં છે.”
હકીકતમાં જનમટીપની સજા મળી હોય તેવા કેદીને ઓછામાં ઓછા 14 વર્ષ જેલમાં વીતાવવા પડે છે. 14 વર્ષ બાદ તેમની ફાઇલને ફરી એકવાર રીવ્યૂ કરવામાં આવે છે. ઉંમર, અપરાધની પ્રકૃતિ, જેલમાં વ્યવહાર વગેરે પરિબળોને આધારે તેમની સજા ઘટાડી શકાય છે.
જો સરકારને એવું લાગે કે કેદીએ તેના ગુના પ્રમાણેની સજા ભોગવી લીધી છે તો તેને છોડી પણ શકાય છે. ઘણીવાર કેદીને ગંભીર રૂપે બીમાર હોવાના આધાર પર પણ છોડી મૂકવામાં આવે છે. પરંતુ તે ફરજિયાત નથી.
ઘણીવાર સજાને આજીવન ચાલુ રાખવામાં આવે છે. આ જોગવાઈ હેઠળ સામાન્ય રીતે નાના ગુનાઓના આરોપમાં બંધ કેદીઓને છોડવામાં આવે છે. સંગીન અપરાધોના ગુનેગારોને સામાન્ય રીતે છોડવામાં આવતા નથી.
શું હતો સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
2002નાં ગુજરાત રમખાણો દરમિયાન અમદાવાદ નજીકના રણધિકપુર ગામમાં ટોળાએ પાંચ મહિનાનાં ગર્ભવતી બિલકીસબાનો પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
તેમની ત્રણ વર્ષની પુત્રી સાલેહાની પણ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
એ વખતે બિલકીસની ઉંમર લગભગ 20 વર્ષની હતી.
બળાત્કાર ગુજારાયા બાદ અધમૂઈ હાલતમાં છોડી દેવાયેલાં બિલકીસ જેમતેમ કરીને નજીકની ટેકરી પર પહોંચ્યાં હતાં અને પોતાનો જીવ બચાવ્યો હતો.
આ ઘટના બાદ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા બિલકીસને ડરાવવા તેમજ પુરાવાને નષ્ટ કરવાના પણ પ્રયાસ કરાયા હતા.
તેમના પરિવારજનોના મૃતદેહો પોસ્ટમૉર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા.
બિલકીસની તપાસ કરનારા તબીબે તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું અને આ મામલે બિલકીસને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી.
આમ છતાં બિલકીસની લડાઈ ચાલુ રહી હતી અને તેમણે હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા.
સુપ્રીમ કોર્ટે આ મામલો સીબીઆઇને સોંપ્યા બાદ 2004માં કેસમાં પ્રથમ ધરપકડ કરાઈ હતી.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને આરોપીઓને સજા સંભળાવાઈ હતી.

ઇમેજ સ્રોત, ANI
ગુજરાતની અદાલતો ન્યાય આપી શકશે નહીં એવી બિલકીસની અરજી એ વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.
ન્યાય માટેની 17 વર્ષની લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને પાંચ સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં.
2017માં બીબીસીનાં ગીતા પાંડે સાથેની વાતચીતમાં બિલકીસે કહ્યું હતું, "પોલીસ અને તંત્રે હંમેશાં હુમલાખોરોનો સાથ આપ્યો છે. ગુજરાતમાં પણ અમે અમારું મોં ઢાંકીને રહીએ છીએ. અમે કોઈને પણ અમારું સરનામું આપતાં નથી."
આજે બિલકીસનાં બાળકોમાં મોટી પુત્રી હાજરા, બીજી પુત્રી ફાતિમા અને પુત્ર યાસીન તેમજ નાની પુત્રી સાલેહાનો સમાવેશ થાય છે.
આંખોની સામે હત્યા કરી દેવાયેલી પોતાની પુત્રીના નામ પરથી બિલકીસે સૌથી નાની પુત્રીનું નામ સાલેહા રાખ્યું છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર 21 જાન્યુઆરી 2008ના મુંબઈની વિશેષ સીબીઆઈ અદાલતે ગૅંગરેપ અને બિલકીસબાનોના સાત પરિવારજનોની હત્યાના આરોપમાં 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. બૉમ્બે હાઈકોર્ટે સજાને યથાવત્ રાખી હતી.
સુપ્રીમ કોર્ટે વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images
અગાઉ એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકીસબાનોને વળતર પેટે રૂ. 50 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપક ગુપ્તાની ખંડપીઠે આ વચગાળાનો નિર્દેશ આપ્યો હતો
કોર્ટે બિલકીસબાનોને સરકારી નોકરી અને નિયમાનુસાર તેમના માટે રહેઠાણની વ્યવસ્થા કરવા પણ સૂચન કર્યું હતું.
બિલકીસે કહ્યું હતું કે આ ચુકાદાથી મહિલા અને નાગરિક તરીકેની તેમની ગરિમા પુનઃસ્થાપિત થઈ હતી.
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને સૂચિત કર્યું હતું કે દોષિત અધિકારીઓ કે જેમણે 'બિલકીસ સામૂહિક બળાત્કાર મામલે' પુરાવા સાથે ચેડાં કરવાનો પ્રયાસ કર્યો હતો, એમાંથી ઘણાના પેન્શનના લાભ પરત લઈ લેવાયા છે.














