“જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ, કલમ 370 કાયમી ન હતી” – મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે ચુકાદો આપતા કઈ મહત્ત્વની વાત કરી?

કલમ 370

ઇમેજ સ્રોત, SCREENGRAB/SUPREME COURT OF INDIA

    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હઠાવવાના નિર્ણયની કાયદાકીય યોગ્યતા પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે.

સુપ્રીમ કોર્ટની જે બંધારણીય બૅન્ચે આ કેસમાં ચુકાદો આપ્યો છે તેમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ ઉપરાંત જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ બીઆર ગવઈ અને સૂર્યકાંતનો સમાવેશ થાય છે.

પાંચ જજોની બંધારણીય બૅન્ચે સર્વસંમતિથી આ ચુકાદો આપતા જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરતા આદેશને યોગ્ય ગણાવ્યો છે.

ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્ય દ્વારા લેવામાં આવેલા કેન્દ્રના નિર્ણયને પડકારી શકાય નહીં. કલમ 370 એ યુદ્ધ જેવા કિસ્સામાં વચગાળાની જોગવાઈ હતી. જો આપણે તેના લખાણને જોઈએ તો એ સ્પષ્ટ થાય છે કે આ એક અસ્થાયી જોગવાઈ હતી.”

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારતમાં વિલીનીકરણ થયા બાદ જમ્મુ-કાશ્મીરને આંતરિક સાર્વભૌમત્વનો અધિકાર નથી.

સુપ્રીમ કૉર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ પાસે હજુ પણ કલમ 370 હઠાવવાનો અધિકાર છે.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરની બંધારણસભાની ભલામણો રાષ્ટ્રપતિ માટે બાધ્યકારી નથી અને ભારતના બંધારણની તમામ કલમો જમ્મુ-કાશ્મીર પર લાગુ થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કલમ 370(3) હેઠળ રાષ્ટ્રપતિને કલમ 370 નિષ્પ્રભાવી કરવાનો અધિકાર છે.

"કોર્ટ રાષ્ટ્રપતિના નિર્ણયો પર કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરી શકે નહીં. જોકે, કોઈપણ નિર્ણય ન્યાયિક સમીક્ષાની બહાર નથી. પરંતુ 370(1)(ડી) હેઠળ કરવામાં આવેલા ઘણા બંધારણીય આદેશો દર્શાવે છે કે કેન્દ્ર અને રાજ્યએ એક સહયોગી પ્રક્રિયાને અનુસરી છે. આ પ્રક્રિયા દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું છે."

"આ વાત દર્શાવે છે કે જમ્મુ અને કાશ્મીરના એકીકરણની પ્રક્રિયા ભૂતકાળમાં ચાલી રહી હતી અને તેથી આ નિર્ણયને રાષ્ટ્રપતિની સત્તાના દુરુપયોગ તરીકે ન જોઈ શકાય. તેથી, અમે રાષ્ટ્રપતિના નિર્ણયને કાયદેસર ઠેરવીએ છીએ."

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીઓ કરાવવાનો નિર્દેશ

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો છે કે તેઓ 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીઓ કરાવે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, "અમે નિર્દેશ આપીએ છીએ કે ભારતના ચૂંટણી પંચે 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે પગલાં ભરવા જોઈએ."

આ સિવાય સુપ્રીમ કોર્ટે લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણયને પણ યોગ્ય ગણાવ્યો છે.

મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું છે કે સોલિસિટર જનરલે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો ફરી આપવામાં આવશે તે વાતની ખાતરી આપી છે.

કલમ 370 શું છે?

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કલમ 370 એ ભારતના બંધારણની એવી કલમ છે જેના દ્વારા જમ્મુ અને કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો મળ્યો હતો.

તેના કારણે ભારતીય બંધારણને આ રાજ્યમાં લાગુ પાડવામાં અમુક મર્યાદાઓ હતી. ભારતીય બંધારણની કલમ 1 ( ભારત એ રાજ્યોનો એક સંઘ છે) સિવાય એકપણ કલમ જમ્મુ કશ્મીરને લાગુ પડતી ન હતી. જમ્મુ-કાશ્મીર રાજ્યનું પોતાનું એક અલગ બંધારણ અસ્તિત્ત્વમાં હતું.

ભારતના રાષ્ટ્રપતિ પાસે બંધારણના કોઈપણ ભાગને જો જરૂરી હોય તો કોઈપણ પ્રકારના ફેરફાર સાથે રાજ્યમાં લાગુ કરવાની સત્તા હતી. જોકે, તેના માટે રાજ્ય સરકારની સહમતિ ફરજિયાત હતી.

આ કાયદા પ્રમાણે ભારતીય સંસદને રાજ્યમાં માત્ર વિદેશી બાબતો, સંરક્ષણ અને સંદેશાવ્યવહારને લગતા કાયદાઓ બનાવવાની જ સત્તા હતી.

જમ્મુ અને કાશ્મીરની બંધારણસભા 1951માં રચાયેલી 75 સભ્યોની એ સંસ્થા હતી જેણે જમ્મુ અને કાશ્મીર માટે બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો. એ જ રીતે ભારતની બંધારણસભાએ ભારતીય બંધારણનો મુસદ્દો ઘડ્યો હતો. નવેમ્બર 1956માં જમ્મુ-કાશ્મીર રાજ્યનું બંધારણ અમલમાં આવ્યું ત્યારપછી બંધારણસભાનું અસ્તિત્ત્વ ખતમ થઈ ગયું.

ભાજપ લાંબા સમયથી આ કલમને કાશ્મીરને ભારત સાથે એકીકૃત કરવા માટેનો કાંટો માની રહ્યો હતો. તેના વચનપત્રમાં પણ પાર્ટીએ કહ્યું હતું કે તે ભારતીય બંધારણમાંથી કલમ 370 અને 35Aને હઠાવી દેશે.

1954માં કલમ 35-એને બંધારણમાં દાખલ કરવામાં આવી હતી. આ જોગવાઈએ જમ્મુ અને કાશ્મીરના કાયમી રહેવાસીઓને સરકારી નોકરી, રાજ્યમાં મિલકત ખરીદવા અને રાજ્યમાં રહેવા માટે વિશેષ અધિકારો આપ્યા હતા.

કઈ રીતે કલમ 370ને હઠાવી દેવામાં આવી હતી?

કાશ્મીર કલમ 370

ઇમેજ સ્રોત, Getty Images

આ કલમને હઠાવવા માટે હાથ ધરવામાં આવેલી કાનૂની પ્રક્રિયા ખૂબ જટિલ હતી.

5 ઑગસ્ટના રોજ રાષ્ટ્રપતિએ એક આદેશ જાહેર કર્યો હતો, જેના કારણે બંધારણમાં સુધારો થયો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે હવેથી રાજ્યની બંધારણસભાનો અર્થ રાજ્યની વિધાનસભા હશે.

ત્યારબાદ એ આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રાજ્યનો અર્થ એ રાજ્યના રાજ્યપાલ થાય છે.

‘રાજ્યનો અર્થ રાજ્યના રાજ્યપાલ’ – આ શબ્દસમૂહ એટલે અગત્યનો બની જતો હતો કારણ કે ત્યારે જમ્મુ અને કાશ્મીર રાષ્ટ્રપતિના શાસન હેઠળ હતું. જૂન 2018માં, ભાજપે 2018માં પીડીપીને આપેલો ટેકો પાછો ખેંચી લેતા જમ્મુ કાશ્મીરમાં છ મહિના સુધી રાજ્યપાલનું શાસન હતું અને ત્યારબાદ રાષ્ટ્રપતિનું શાસન હતું.

સામાન્ય સંજોગોમાં આ સુધારો કરવા માટે રાષ્ટ્રપતિએ રાજ્યની વિધાનસભાની મંજૂરી લેવી પડી હોત, પરંતુ રાષ્ટ્રપતિ શાસન હોવાને કારણે વિધાનસભાની મંજૂરી લેવી શક્ય ન હતી.

આ આદેશને કારણે રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકારને તેઓ જે રીતે ચાહે તે રીતે કલમ 370માં સુધારા કરવાની સત્તા મળી ગઈ હતી.

તે પછીના દિવસે રાષ્ટ્રપતિએ અન્ય એક આદેશ બહાર પાડ્યો હતો જેમાં એવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સમગ્ર ભારતીય બંધારણ હવે જમ્મુ અને કાશ્મીરને લાગુ પડશે. આ આદેશથી જમ્મુ અને કશ્મીરને મળેલો વિશેષ દરજ્જો છીનવાઈ ગયો.

ત્યારબાદ ઑગસ્ટ 9ના રોજ સંસદે કાયદો પસાર કર્યો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કશ્મીર તથા લદ્દાખ એમ વહેંચી દેવામાં આવ્યું.

જમ્મુ અને કશ્મીરને વિધાનસભા સાથેનો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો અને લદ્દાખને વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયો.

ત્યારબાદ શું થયું?

કાશ્મીર કલમ 370

ઇમેજ સ્રોત, ANI

પાંચમી ઑગસ્ટથી જ જમ્મુ કશ્મીરને સંપૂર્ણપણે લોકડાઉનમાં મૂકી દેવામાં આવ્યું. ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો અને ટેલિફોન-ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી.

રાજકીય નેતાઓ સહિત હજારો લોકોને નજરબંદ કરવામાં આવ્યા અથવા તો તેમની અટકાયત કરવામાં આવી. હજારો સુરક્ષાકર્મીઓને જમ્મુ કશ્મીરમાં તહેનાત કરવામાં આવ્યા હતા.

થોડા મહિનાઓ પછી એટલે કે જાન્યુઆરી 2020માં 2જી ઇન્ટરનેટ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ 4જી ઇન્ટરનેટ છેક ફેબ્રુઆરી 2021માં શરૂ કરવામાં આવ્યું હતું.

કલમ હઠાવ્યાના થોડા દિવસો પછી જ કોર્ટમાં આ નિર્ણયને પડકારતી ઘણી પિટિશનો દાખલ કરવામાં આવી હતી. ઑગસ્ટ 2019માં, સુપ્રીમ કોર્ટે આ અંગે થયેલી પિટિશનોને ધ્યાનમાં રાખતા આ મામલો પાંચ જજોની બૅન્ચને સોંપી દીધો હતો. આ વર્ષે ઑગસ્ટમાં સુપ્રીમ કોર્ટે આ મામલે અંતિમ દલીલો સાંભળવાનું શરૂ કર્યું હતું.

આ કેસમાં પિટિશન કરનાર કોણ છે?

આ મામલામાં કુલ 23 પિટિશનો ફાઇલ કરવામાં આવી છે. અરજી કરનાર લોકોમાં સિવિલ સોસાયટીની સંસ્થાઓ, વકીલો, રાજકારણીઓ, પત્રકારો અને ઍક્ટિવિસ્ટો સામેલ છે.

જમ્મુ ઍન્ડ કશ્મીર પીપલ્સ કૉન્ફરન્સ, પીપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝ, નેશનલ કૉન્ફરન્સના નેતા અને સંસદસભ્ય અકબર લોન, જમ્મુ કાશ્મીરના પૂર્વ ઇન્ટરલોક્ટર રાધા કુમાર જેવા લોકો અને સંસ્થાઓએ પિટિશન દાખલ કરી છે.

પિટિશન દાખલ કરનાર લોકોની દલીલો શું છે?

કાશ્મીર કલમ 370

ઇમેજ સ્રોત, TAUSEEF MUSTAFA

અરજદારોએ અદાલતને કલમ 370 નાબૂદ કરવા અને રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજનને ધ્યાનમાં લેવા જણાવ્યું હતું.

અરજદારો પ્રમાણે કલમ 370 એ કાયમી જોગવાઈ હતી. તેમાં જો કોઈ ફેરફાર કરવો હોય તો રાજ્યની બંધારણસભાની મંજૂરી લેવી પડે જેને 1956માં જ ભંગ કરી દેવામાં આવી હતી. તેમનો દાવો છે કે આ કલમ રદ્દ કરવાની પ્રક્રિયા એ ‘ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન’ની વિરુદ્ધ જાય છે જેના દ્વારા જમ્મુ અને કાશ્મીર ભારતનો ભાગ બન્યું.

તેમણે દલીલ આપી છે કે આ માત્ર રાજકીય કૃત્ય છે જે લોકોની ઇચ્છા અને અપેક્ષાઓની વિરુદ્ધ કરવામાં આવ્યું છે.

તેઓ કહે છે કે બંધારણસભાને સ્થાને વિધાનસભાને ઉપયોગમાં લઈ શકાય નહીં કારણ કે બંનેની કાર્યપ્રણાલી અલગ છે.

આ સિવાય અરજદારોએ એવી દલીલ પણ આપી છે કે જ્યારે રાષ્ટ્રપતિ શાસન હેઠળ રાજ્ય હોય ત્યારે આ સુધારો થઈ શકે નહીં. કારણ કે એ સમયે રાજ્યપાલે વિધાનસભાની જગ્યા લીધી હતી જેમની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી. તેમણે જ આ સુધારાને પસાર કરતી વખતે અને બાદમાં કલમ 370 હઠાવતી વખતે વિધાનસભાની જગ્યા લઈ લીધી હતી.

ત્યારબાદ તેમણે કોર્ટમાં એવી પણ દલીલ કરી છે કે કેન્દ્ર પાસે એવી કોઈ સત્તા નથી કે તે રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી શકે અને આમ કરીને તે રાજ્યોની સ્વતંત્રતા અને સંપ્રભુતા છીનવી લે.

સરકાર કઈ રીતે પોતાના નિર્ણયને યોગ્ય ગણાવે છે?

કાશ્મીર કલમ 370 નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

સરકારનું કહેવું છે કે કલમ 370 એ કાયમ માટે કરવામાં આવેલી જોગવાઈ ન હતી અને બંધારણીય સભાનું વિસર્જન થયા પછી એ સ્વાભાવિક વાત છે કે વિધાનસભાએ તેનું સ્થાન લેવું પડે. નહીંતર આ જોગવાઈમાં ક્યારેય સુધારો થઈ શકે નહીં.

એવું કહેવાય છે કે આ બદલાવને કારણે જમ્મુ અને કાશ્મીર ભારત સાથે સંપૂર્ણપણે જોડાઈ ગયું છે. સરકારની એવી દલીલ રહી છે કે રાજ્યને મળેલા વિશેષ દરજ્જાને કારણે ત્યાં ભારતનું બંધારણ સંપૂર્ણપણે લાગુ થઈ શકતું ન હતું અને તેનાથી ત્યાંના નાગરિકો સાથે ભેદભાવ થતો હતો.

એ સિવાય સરકારે એવું પણ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન, તેમના દ્વારા પસાર કરવામાં આવેલા આદેશો કે રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવેલા આદેશો એ વિધાનસભાએ પસાર કર્યા સમકક્ષ જ ગણાય છે. એટલે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન કરવામાં આવેલા સુધારાઓ ગેરકાયદે ઠરતાં નથી.

સરકાર એવી દલીલ પણ આપતી રહી છે કે તેની પાસે રાજ્યોનું પુનર્ગઠન કરવાની અબાધિત સત્તા રહેલી છે. તે નામ બદલવા, રાજ્યોની સરહદ નક્કી કરવી કે રાજ્યોને કેન્દ્રશાસિત પ્રદેશમાં બદલવા જેવી સત્તાઓ ધરાવે છે. સરકાર કહે છે કે કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં આવતા જ તે જલદીથી જમ્મુ અને કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પુન:સ્થાપિત કરશે.

સરકારનો દાવો છે કે વિશેષ દરજ્જો હઠાવ્યા પછી કાશ્મીરમાં વિકાસ, પ્રવાસન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરી છે. એટલા માટે આ ફાયદાકારક પગલું છે.

બીબીસી
બીબીસી