You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મધ્યકાલીન યુગમાં લોકો કબાટમાં કેમ ઊંઘતા હતા?
- લેેખક, ઝારિયા ગૉર્વેટ
- પદ, બીબીસી ફ્યુચર
એવું કહેવાય છે કે આરામદાયક તિજોરી જેવા આ ફર્નિચરમાં પાંચ લોકો ઊંઘી શકતા હતા. પણ શા માટે એમ ઊંઘવાની પ્રથા વિસરાઈ ગઈ?
ઉત્તર સ્કોટલૅન્ડમાં આવેલા વિક મ્યુઝિયમમાં એક લાર્જ પાઇન તરીકે ઓળખાતી તિજોરી રાખવામાં આવી છે.
આગળના ભાગે ડબલ દરવાજા અને તેની ઉપર થોડા સૂટકેસના ઢગલા સાથે તે આજના આધુનિક બેડરૂમ માટે જરાય જુનવાણી ન લાગે. તે આજના પોર્ટેબલ ફર્નિચરની પણ ગરજ સારી શકે છે, કારણ કે તેને જોડી શકાય, ખસેડી શકાય અને તેના પાર્ટ્સને છૂટા પણ પાડી શકાય છે.
પરંતુ આ કબાટનો ઉપયોગ શર્ટ કે જાકીટ રાખવા માટે થતો નથી. તેમાં અંદર હૅંગર કે ખાનાં પણ નથી. તેમાં એક પથારી જેવી જગ્યા છે જે લોકો ઊંઘી શકે તેના માટે બનાવવામાં આવતી હતી.
તે બંધ થઈ શકે તેવી પથારી તરીકે પણ ઓળખાય છે. આ પથારી મધ્યકાલીન સમયથી 20મી સદીની શરૂઆત સુધી સમગ્ર યુરોપમાં અતિશય લોકપ્રિય હતી.
આ પ્રકારના કબાટ દેખાવમાં પણ ખૂબ સામાન્ય દેખાય છે, એક લાકડાનું બોક્સ હોય તેમાં બેડ હોય તેવી તેની સંરચના છે. બહારથી એ સામાન્ય લાકડાના કન્ટેનર જેવા દેખાય છે.
અમુક કબાટ એવા હતા કે જેમાં બહારથી સજાવટ કરેલી હોય અથવા તો તેમાં સુંદર કોતરણી હોય. એક તરફ કોતરણી કે સજાવટ હોય તો બીજી તરફ રંગ કરેલો હોય. આ કબાટમાં બારણાં એ રીતે બંધ થઈ શકતાં હતાં કે તેની અંદર ઊંઘનારી વ્યક્તિને જરૂરી અંધારું મળે. તેમાં નાનકડી બારી અને પડદો પણ રાખવામાં આવતો. કબાટમાં ઊંઘવાની વ્યવસ્થા સાથે અનેક ખાના અને બેસવા માટે સીટ જેવી વ્યવસ્થા પણ જોવા મળતી.
સદીઓ સુધી ખેતકામદારો, માછીમારો અને રાજવી પરિવાર માટે કામ કરતા લોકો પણ આ આરામદાયક લાકડાની કૅબિન જેવી વ્યવસ્થામાં બારણું અટકાવીને ઊંઘી જતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓછી જગ્યામાં ફાયદાકારક
તિજોરી સાથે પથારીની આ પ્રથા એ બહુપયોગી ફર્નિચર હતું. તેને ઘણી વાર મિની બેડરૂમ તરીકે ઉપયોગમાં લેવાતું હતું. કારણ કે ઘણા લોકો પાસે ઊંઘવા માટે પણ પૂરતી જગ્યા ન હતી જેના કારણે આ વધુ આરામદાયક જગ્યા હતી.
વિક સોસાયટી દ્વારા નોંધાયેલા એક કેસ પ્રમાણે સ્કોટિશ હાઇલૅન્ડ્સમાં રહેતા એક ખૂબ મોટા પરિવાર માટે એક જ ઓરડાનું મકાન હતું, જેના કારણે પરિવાર આ રીતે કબાટમાં બનાવેલા બેડમાં ઊંઘતો હતો અને આ જ ઘરમાં તેમની સાથે કૂતરા અને ઘોડા પણ રહેતા હતા.
આ પ્રકારના બોક્સ બેડમાં પરિવાર સાથે રહેવું અને સહકર્મીઓ સાથે ઊંઘવું એ અસામાન્ય પ્રથા ન હતી. 1825માં બનેલા ‘ધી ફેકટરી લાડ’ નામના નાટકમાં કામદારો આ પ્રકારના કબાટમાં ઊંઘી જતા હોવાનું બતાવાયું હતું. એક બેડમાં બે કે ત્રણ લોકો ઊંધતા હતા.
13મી સદીમાં ફ્રાન્સમાં પ્રચલિત વાર્તા પ્રમાણે એક મહિલાએ તેના આવા કબાટમાં ત્રણ મહેમાનોને છુપાવ્યા હતા, જેમનું ગૂંગળામણને કારણે મૃત્યુ થયું હતું. કારણ કે કેટલાક કબાટમાં હવાની અવરજવર થઈ શકે તેવી વ્યવસ્થા ન હતી.
આ પ્રકારની પથારીઓ યુનાઇટેડ કિંગડમ અને કૉન્ટિનેન્ટલ યુરોપમાં ખૂબ સામાન્ય હતી. 1840માં પ્રચલિત એક વાત પ્રમાણે આ પ્રકારના કબાટ બ્રિતાની, ફ્રાન્સમાં જોવા મળતા હતા અને ઑકના ઝાડમાંથી બનાવવામાં આવતા હતા. એક ઓરડામાં ઘણા કબાટ રાખવામાં આવતા અને તેનું તળિયું મજબૂત લાકડામાંથી બનાવવામાં આવતું.
અન્ય ફાયદા
આ ‘તિજોરીમાં પથારી’ ની વ્યવસ્થાનો એક અન્ય ફાયદો પણ હતો. તેમાં ઊંઘવા માટે ઘણી હૂંફ મળતી હતી. આધુનિક વ્યવસ્થાના અભાવમાં શિયાળામાં ઓરડાનું તાપમાન અતિશય ઠંડું થઈ જતું હતું. ઘણી વાર તો માત્ર ચહેરો જ દેખાય એ હદે ગરમ કપડાં પહેરવા પડતાં હતાં. તીવ્ર ઠંડી પડતી હતી.
અમેરિકાની વર્જિનિયા ટેક યુનિવર્સિટીમાં ઇતિહાસના અધ્યાપક અને ‘ઍટ ડેઝ ક્લોઝ: અ હિસ્ટ્રી ઑફ નાઇટટાઇમ’ ના લેખક રૉજર ઍકિર્ક સમજાવે છે કે, “ચૌદમી અને ઓગણીસમી સદી વચ્ચેના ગાળામાં યુરોપ અને ઉત્તર અમેરિકાના પ્રદેશો જાણે કે હિમયુગનો પ્રકોપ અનુભવતા હતા.”
તેઓ કહે છે, “લંડનમાં થેમ્સ નદી 18 વખત થીજી ગઈ હતી. 1963 પછી થેમ્સ નદી થીજી નથી. સમાચારપત્રોમાં ચીમનીઓ થીજી જવાના સમાચારો આવતા હતા.”
આવી પરિસ્થિતિઓમાં ‘તિજોરીમાં પથારી’ ની વ્યવસ્થા ખૂબ કારગર નીવડતી હતી. તેમાં થોડું હૂંફાળું તાપમાન જળવાઈ રહેતું હતું.
ત્યાર બાદ આ પ્રકારનાં ફર્નિચર એ ધીરેધીરે ગરીબીનું પ્રતીક બનવા લાગ્યાં અને પછી તેનું પ્રચલન ઓછું થતું ગયું. 20મી સદીના મધ્ય ભાગ સુધીમાં તો તે નામશેષ થઈ ગયાં.
જોકે, હવે એવું લાગે છે કે આ પ્રથા પાછી આવી રહી છે. હાલમાં બજારમાં આ પ્રકારના તંબુ મોટા પ્રમાણમાં મળે છે, જેમાં પ્રાઇવસી પણ છે અને એ સગવડભર્યા પણ છે. ‘કૅબિન સ્ટાઇલ હોમ’ નું પણ ચલણ છે જે આ પ્રકારની મધ્યકાલીન યુગની પ્રથા સાથે ઘણી સામ્યતા ધરાવે છે.