You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રૂપે ભૂલ સ્વીકારી? કહ્યું 'પીડિત પરિવારોને વળતર અને અનાથ થયેલાં બાળકોની જવાબદારી લેવા તૈયાર'
મચ્છુ નદી પરનો એક સદી જૂનો ઝૂલતો પુલ 30 ઑક્ટોબર 2022ની સાંજે અંદાજે સાડા છ વાગ્યે તૂટી પડ્યો હતો, જેના પગલે અનેક લોકો મચ્છુ નદીમાં તણાયા હતા. જેમાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, ઓરેવા ગ્રૂપે ગયા વર્ષે 30 ઑક્ટોબરે તૂટી પડેલા મોરબી ફૂટબ્રિજની જાળવણી અને સંચાલન માટે કરાર કર્યો હતો, તેણે બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં સ્વીકાર્યું હતું કે તેમની દેખરેખ હેઠળ "કંઈક ખોટું" થયું હતું, જેના કારણે 135 લોકોએ જીવ ગુમાવવો પડ્યો.
તેમણે પીડિતોના સંબંધીઓને વળતરની ઑફર કરી છે, દુર્ઘટનામાં અનાથ થયેલાં સાત બાળકોની જવાબદારી ઉપાડવાની પણ તૈયારી બતાવી છે.
ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલ ફોજદારી કેસમાં આરોપી છે અને તેમની ધરપકડ માટે વૉરંટ જારી કરવામાં આવ્યું હતું. જે બાદ કંપનીએ બ્રિજની જાળવણીમાં થયેલી ભૂલનો સ્વીકાર કર્યો હતો. તપાસ કરનારી ટીમનો દાવો છે કે બ્રિજ તૂટ્યો, એ બાદ જયસુખ પટેલનો સંપર્ક થયો નથી.
ગુજરાત હાઈકોર્ટે કંપનીને સુઓમોટો પીઆઈએલ પર કંપનીને નોટીસ આપી હતી.
અદાલતે કહ્યું છે કે પુરાવાના આધારે અનેે અજંતા ગ્રૂપને સસ્પેન્શન બ્રિજનું સંચાલન કેમ ચાલુ રાખવા દેવાયું, આ અંગે સ્પષ્ટતા કરવામાં મ્યુનિસિપાલિટીના નિષ્ફળ રહેવા પરથી "એ નિષ્કર્ષ કાઢી શકાય કે બંને વચ્ચે કંઈ સાઠગાંઠ હતી."
અગાઉ નગરપાલિકાએ બે ઍફિડેવિટ દાખલ કરી હતી, જેમાંથી એક પણ ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે શાસ્ત્રીની ખંડપીઠને સંતોષકારક લાગી નથી.
હાઈકોર્ટનો સરકારને સવાલ
હાઈકોર્ટે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે કંપનીએ એ શરત મૂકીને મ્યુનિસિપાલિટી સામે પોતાનો હાથ ઊંચો રાખ્યો કે સરકારી તંત્ર દ્વારા કોઈ હસ્તક્ષેપ નહીં કરવામાં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ચીફ જસ્ટિસ કુમારે કહ્યું કે "તમે શક્તિશાળી સંસ્થા છો. તમે કહો છો કે તમે એક સમજદાર વ્યક્તિની જેમ પગલાં લીધા? તમે કેમ ચૂપ રહ્યા? અને હવે તમે સરકારને પગલાં ન લેવા કહી રહ્યા છો."
ગુજરાત હાઈકોર્ટ એવું પણ નોંધ્યું કે મ્યુનિસિપાલિટીના ચીફ ઑફિસર અને કંપની વચ્ચે જે કરાર પર હસ્તાક્ષર થયા તે ક્યારેય જનરલ બૉડી સમક્ષ રજૂ કરવામાં આવ્યો નહોતો.
અગાઉ અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા દિલીપ ચાવડા નામની વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે બાદ કોર્ટે નોટિસ ફટકારી હતી.
19મી ડિસેમ્બરના રોજ મોરબી મ્યુનિસિપાલિટીના 52માંથી 44 કાઉન્સિલરે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંપર્ક કર્યો હતો. આ તમામ કાઉન્સિલરની રજૂઆત હતી કે મોરબી મ્યુનિસિપાલિટીને ‘સુપરસીડ’ ન કરવી જોઈએ અને મ્યુનિસિપાલિટીના માત્ર જવાબદાર લોકોની સામે જ પગલાં લેવાં જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં મોરબી પુલ દુર્ઘટનાની સુઓ મોટો પિટિશનના આધારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે સરકારે હજુ સુધી મોરબી મ્યુનિસિપાલિટીને સુપરસીડ એટલે કે બર્ખાસ્ત કેમ નથી કરી.
તે સમયે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા દિલીપ ચાવડાના વકીલ ઉત્કર્ષ દવેએ જણાવ્યું હતું, “હજુ સુધી ઓરેવા ગ્રૂપની કોઈ જવાબદારી નક્કી થઈ રહી નહોતી.”
“સરકાર પાસેથી જવાબો માગવામાં આવ્યા હતા, પરંતુ ઓરેવાને કોઈ સવાલ પૂછવામાં આવ્યો ન હતો. એટલા માટે અમે અમારી અરજીમાં નોંધ્યું છે કે મોરબીના ઝૂલતા પુલના સમારકામ અને નિભાવની કામગીરી જ્યારે આ કંપનીની હતી, તો તે કંપનીએ જવાબ આપવો જોઈએ.”
દવેએ કહ્યું હતું કે, “કોર્ટે તેમની અરજી સ્વીકારીને ઓરેવા ગ્રૂપને નોટિસ આપી છે.”
ગુજરાત હાઈકોર્ટમાં થોડા દિવસ પહેલાં સરકારે અને મોરબી મ્યુનિસિપાલિટીએ કોર્ટ સમક્ષ એક સોંગદનામું રજૂ કર્યું હતું, જેમાં નોંધવામાં આવ્યું હતું કે, આ પુલ પર લોકોની અવરજવર બંધ હતી, કારણકે તેનું સમારકામ ઓરેવા ગ્રૂપ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.
ઍફિડેવિટમાં એ પણ નોંધવામાં આવ્યું હતું કે જે દિવસે આ અકસ્માત થયો હતો ત્યારે આખા દિવસ દરમિયાન 3125 લોકોને ટિકિટ આપીને પુલ પર જવા દેવમાં આવ્યા હતા, જ્યારે સાંજના આશરે 6.30 વાગ્યે આ બ્રિજ તૂટ્યો હતો, ત્યારે આશરે 300 ટિકિટ વેચવામાં આવી હતી.
આ ઍફિટેવિટમાં એ પણ નોંધ્યું છે કે કોઈ પણ ફિટનેસ સર્ટિફિકેટ વગર આ પુલ લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.
ઍડ્વોકેટ ઉત્કર્ષ દવેએ વધુમાં જણાવ્યું કે, દિલીપ ચાવડાને ગુજરાત હાઈકોર્ટની સુઓ મોટો અરજીમાં પિટિશનર ક્રમાંક ત્રણ તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
ગુજરાત હાઈકોર્ટની પિટિશનમાં કોર્ટે સરકારની ઝટકણી કાઢતા કહ્યું હતું કે, મ્યુનિસિપાલિટીના ગેરજવાબદાર વર્તન માટે આખી મ્યુનિસિપાલિટીને સરકારે હજુ સુધી કેમ બર્ખાસ્ત કરી નથી.
- મોરબી પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રૂપે ભૂલનો સ્વીકાર કર્યો છે
- મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયાં હતાં
- દુર્ઘટના બાદ સરકારે પગલાં ભરતાં નવ લોકોની ધરપકડ કરી હતી
- બ્રિજની જાળવણીનું કામ મોરબીના ઉદ્યોગગૃહ ઓરેવાને સોંપાયું હતું
- ઓરેવા ગ્રૂપે દુર્ઘટનમાં અનાથ થયેલાં સાત બાળકોની જવાબદારી પણ ઉપાડવાનું કહ્યું છે
135 લોકોના જીવ લેનારી એ ભયાનક દુર્ઘટના કેવી રીતે બની?
ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ 30મી ઑક્ટોબરે રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. મોરબીમાં પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડ્યા હતા અને કેટલાયનાં મૃત્યુ થયાં હતાં.
સરકારી આંકડા અનુસાર, આ ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બ્રિજની જાળવણીનું કામ મોરબીના ઉદ્યોગગૃહ ઓરેવાને સોંપવામાં આવ્યું હતું.
લગભગ દોઢસો વર્ષ જૂના ઝૂલતા પુલનું સમારકામ વર્ષોથી થયું નહોતું, જેને કારણે કાટ ખાઈ ગયેલા પુલના કૅબલ અને ઢીલા પડી ગયેલા નટબોલ્ટ એ દિવસે પુલ જોવા પહોંચેલા લગભગ 'ત્રણ હજાર માણસની અવરજવર' સહન ન કરી શક્યો અને તૂટી પડ્યો.
સમગ્ર દેશ અને દુનિયાભરમાં સમાચાર બની ગયેલી આ દુર્ઘટના પાછળના જવાબદાર લોકોને છાવરવામાં આવ્યા હોવાની વાત અને પુલને યોગ્ય મેન્ટનન્સ અને મંજૂરીઓ વિના જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો જેવા વિવાદો પણ થયા હતા.
આ પુલના મેન્ટનન્સ અને સંચાલનનો કૉન્ટ્રેક્ટ મોરબીના જાણીતા ઔદ્યોગિકગૃહ ઓરેવા ગ્રૂપને આપવામાં આવ્યો હતો.
દુર્ઘટના બાદ પોલીસ પગલાં ભરતાં નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ત્રણ સિક્યૉરિટી ગાર્ડ, બે ટિકિટ આપનારા ક્લાર્ક, પુલનો કૉન્ટ્રેક્ટ લેનારા બે કૉન્ટ્રેક્ટર અને ઓરેવા ગ્રૂપના બે મૅનેજરનો સમાવેશ થયો હતો.
નોંધપાત્ર બાબત છે કે પુલને છ મહિના અગાઉ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને 26 ઑક્ટોબરે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
19મી ડિસેમ્બરના રોજ મોરબી મ્યુનિસિપાલિટીના 52માંથી 44 કાઉન્સિલરે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંપર્ક કર્યો હતો.
આ તમામ કાઉન્સિલરની રજૂઆત હતી કે મોરબી મ્યુનિસિપાલિટીને ‘સુપરસીડ’ ન કરવી જોઈએ અને મ્યુનિસિપાલિટીના માત્ર જવાબદાર લોકોની સામે જ પગલાં લેવાં જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં મોરબી પુલ દુર્ઘટનાની સુઓ મોટો પિટિશનના આધારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે સરકારે હજુ સુધી મોરબી મ્યુનિસિપાલિટીને સુપરસીડ એટલે કે બરખાસ્ત કેમ નથી કરી.