ઇઝરાયલ દ્વારા થઈ રહેલા હુમલાઓ વચ્ચે લેબનોનના લોકો હિઝબુલ્લાહ અંગે શું વિચારે છે?

    • લેેખક, કેરિન ટોર્બે
    • પદ, બીબીસી અરબી, બૈરૂતથી

લેબનોનમાં હિઝબુલ્લાહની ભૂમિકા વિશે ગંભીર મતભેદો વચ્ચે ઇઝરાયલ સાથે યુદ્ધ ચાલુ છે. હિઝબુલ્લાહ એક શિયા ચરમપંથી સંગઠન છે. તેણે ગાઝાના સમર્થનમાં ગયા વર્ષે 8 ઑક્ટોબરે ઇઝરાયલનાં સૈન્ય મથકો પર હુમલો કરવાનો નિર્ણય લીધો હતો.

જોકે, લેબનોનમાં હિઝબુલ્લાહ સમર્થકો અને તેના વિરોધીઓ વચ્ચે જે સ્પષ્ટ ખાઈ છે તેને સરળતાથી દૂર કરી શકાય તેમ નથી.

હિઝબુલ્લાહ વિશે વર્ષોથી અલગ-અલગ મંતવ્યો આ દેશની દરેક રાજકીય ચર્ચામાં કેન્દ્રસ્થાને રહ્યાં છે.

હિઝબુલ્લાહની તરફેણમાં અથવા તેની વિરુદ્ધમાં હોવું એ જાહેર અને ખાનગી વાતચીતનો મુખ્ય મુદ્દો રહ્યો છે.

લેબનોન એક એવો દેશ છે જે પ્રમાણમાં મુક્ત છે. આ પ્રદેશના બીજા દેશોની તુલનામાં અહીં વિચાર અને વાણીની સ્વતંત્રતા ઘણી વધારે છે.

લેબનીઝ નાગરિક તરીકે મેં હિઝબુલ્લાહના રાજકીય પ્રભાવ અને તેના હથિયારોના જથ્થા અંગે કેટલી ચર્ચાઓ જોઈ છે તે મને પણ યાદ નથી.

લેબનોનના લોકો શું વિચારે છે?

દેશના સૌથી શક્તિશાળી અને સૌથી અગ્રણી રાજકીય સંગઠન પ્રત્યે લોકોના વલણને વ્યાખ્યાયિત કરવાની વાત આવે ત્યારે તેમાં ઘણાં સ્તરો છે.

લેબનોનમાં ઘણાં ધાર્મિક જૂથો છે અને લોકોની રાજનીતિ પર ધાર્મિક ઓળખનો ઊંડો પ્રભાવ જોવા મળે છે.

હિઝબુલ્લાહના મોટાભાગના ટેકેદારો શિયા મુસ્લિમો છે, જ્યારે તેના મોટાભાગના ટીકાકારો અને વિરોધીઓ બિન-શિયા છે, જેમાં સુન્ની મુસ્લિમો અને ખ્રિસ્તીઓનો સમાવેશ થાય છે.

પરંતુ આ વાત માત્ર અમુક હદ સુધી જ સાચી છે.

લેબનનમાં વિવિધ ધર્મો અને વિચારધારાઓ સાથે જોડાયેલાં ઘણાં જૂથો છે જેઓ હિઝબુલ્લાહનો સંપૂર્ણપણે વિરોધ કરે છે.

તેમાંથી મોટા ભાગનાને ઈરાનના પ્રૉક્સી ગણવામાં આવે છે અને ઈરાન જ નક્કી કરે છે કે લેબનોને યુદ્ધનો માર્ગ પસંદ કરવો કે શાંતિના માર્ગે જવું. આ મામલે દેશની સરકારની સંપૂર્ણ અવગણના થાય છે.

ઘણાં જૂથો હિઝબુલ્લાહની શક્તિશાળી સેનાને વિખેરી નાખવાની માંગણી કરે છે.

પરંતુ કેટલાંક જૂથો એવા છે જેઓ ઘણા મુદ્દા પર હિઝબુલ્લાહ સાથે સહમત નથી, પરંતુ તે શસ્ત્રોનો ભંડાર રાખી તેને સમર્થન આપે છે.

હજુ હમણા સુધી તેનો મુખ્ય રાજકીય સહયોગી પક્ષ એક સમયે સૌથી મોટો ખ્રિસ્તી પક્ષ હતો, જેનું નામ છે ફ્રી પૅટ્રિયોટિક મૂવમેન્ટ.

વર્ષોથી આ જૂથોએ એકબીજાને ટેકો આપવા માટે એક વ્યવહારુ સમજૂતિ કરી હતી.

તેના કારણે ફ્રી પૅટ્રિયોટિક પાર્ટી (એફપીએમ)ને એક શક્તિશાળી શિયા રાજકીય સહયોગી મળ્યો, જ્યારે હિઝબુલ્લાહને એક ખ્રિસ્તી સાથી પક્ષ મળ્યો જે તેની પાસે હથિયારોને છોડી દેવાની માંગણી નહીં કરે.

હવે આ કરાર તૂટી ગયો છે. છતાં તે દર્શાવે છે કે લેબનોનમાં વિવિધ જૂથો ધાર્મિક વિચારધારાની પરવા કર્યા વગર ગઠબંધન બનાવી શકે છે.

રાષ્ટ્રીય સેનાની સ્થિતિ

એક તરફ કેટલાક લોકો હિઝબુલ્લાહના નિઃશસ્ત્રીકરણની માંગણી કરે છે, તો બીજી તરફ કેટલાક લોકો લડાયક ક્ષમતાના કારણે તેનું સમર્થન કરે છે.

હિઝબુલ્લાહની સૈન્ય તાકાત વધારે છે જ્યારે લેબનીઝ રાષ્ટ્રીય સેના પ્રમાણમાં નબળી છે. તેથી બહારના લોકો પણ માને છે કે હિઝબુલ્લાહ માટે હથિયારબંધ રહેવું જરૂરી છે.

1982માં ઇઝરાયલે લેબનોન પર આક્રમણ કર્યું હતું અને 2000 સુધી દેશના દક્ષિણ ભાગ પર કબજો જમાવી રાખ્યો હતો. આજે પણ તેના કેટલાક ભાગ ઇઝરાયલના નિયંત્રણમાં છે.

લેબનોનમાં એકમાત્ર હિઝબુલ્લાહ પાસે જ એવી સેના છે જે ઇઝરાયલના સૈન્યનો મુકાબલો કરવાની ક્ષમતા ધરાવે છે.

લેબનીઝ સેના પાસે સંસાધનોની અછત છે. શસ્ત્રો અને દારૂગોળા માટે તે અમેરિકા અને પશ્ચિમી દેશો પર નિર્ભર છે, અને તેનાં હથિયારો પણ જરીપુરાણા થઈ ગયાં છે.

આવા સંજોગોમાં લેબનોનમાં મોટાભાગના લોકો હિઝબુલ્લાહને સમર્થન આપે છે અને આ પાર્ટી પ્રત્યે સામાન્ય રીતે સહાનુભૂતિ ન હોય તેવા લોકો પણ તેને ટેકો આપે છે. આ કારણથી જ હિઝબુલ્લાહે તેની લડાઇની ક્ષમતા જાળવી રાખી છે.

હિઝબુલ્લાહ સાથે એકજૂથ કેમ?

તાજેતરના દિવસોમાં ઇઝરાયલ સાથેની સરહદે ગોળીબાર વધ્યો હોવાથી કટોકટી વધુ ઘેરી બની છે. તેથી લેબનોનમાં હિઝબુલ્લાહ પ્રત્યે સહાનુભૂતિ, વિરોધ અને ગઠબંધનની પહેલેથી જટિલ જાળ બદલાઈ શકે છે.

આવી સ્થિતિમાં લોકો પોતાના પરસ્પર મતભેદોને એક બાજુ રાખી દેતા હોય છે.

લેબનોનમાં તાજેતરમાં પેજર અને વૉકી-ટૉકીમાં વિસ્ફોટ કરીને હુમલા કરવામાં આવ્યા ત્યારે એવા લોકોએ પણ હિઝબુલ્લાહના સભ્યોને ટેકો આપ્યો હતો જેમણે ગાઝા યુદ્ધના સમર્થનમાં ઇઝરાયલ પર હુમલા કરવાનો વિરોધ કર્યો હતો અને દેશને ખતરનાક સંકટમાં ધકેલવાનો આરોપ મૂક્યો હતો.

વાયરલેસ કોમ્યુનિકેશનમાં મોટા પાયે થયેલા ધડાકામાં હજારો લોકો ઈજાગ્રસ્ત થયા અને અનેકનાં મોત નીપજ્યાં હતાં. તેના માટે ઇઝરાયલને દોષી ગણાવવામાં આવ્યું છે. જોકે, ઇઝરાયલે હજુ સુધી આ હુમલાની જવાબદારી નથી લીધી.

પરંતુ ઇઝરાયલે જ્યારે સાઉથ લેબનોન અને બેકા ખીણ પર ભીષણ બૉમ્બમારો શરૂ કર્યો ત્યારે લોકોમાં હિઝબુલ્લાહ માટે સમર્થન વધવા લાગ્યું. આ ઉપરાંત ઇઝરાયલે દક્ષિણ બૈરુતમાં બહારના ગીચ વિસ્તારોને પણ નિશાન બનાવ્યા હતા.

આ હુમલામાં બાળકો સહિત ઘણા નાગરિકો માર્યા ગયા અને હજારો લોકોએ આ પ્રદેશ છોડીને સલામત સ્થળે જવું પડ્યું.

અમેરિકન યુનિવર્સિટી ઑફ બૈરુત ખાતે પોલિટિકલ સાયન્સના પ્રોફેસર ડો. જમીલ મુઆવદે કહ્યું, "આ એક સ્વભાવિક એકતા હતી."

તેઓ કહે છે, "મને લાગે છે કે ઇઝરાયલ વિરુદ્ધ વ્યાપક લાગણી છે અને હિઝબુલ્લાહ વિરોધી જૂથોમાં પણ આ લાગણી છે."

તેમણે કહ્યું, “ઘણા લોકો કહી રહ્યા છે કે પરસ્પર મતભેદોને હાલ પૂરતા બાજુએ રાખવા જોઈએ. ઇઝરાયલ જે અત્યાચારો કરી રહ્યું છે તેને જોતાં આ માત્ર એક વૈચારિક અથવા રાજકીય પ્રશ્ન નથી પણ નૈતિક પ્રશ્ન પણ છે."

પરંતુ હિઝબુલ્લાને લઈને મોટા પાયે મતભેદો છે અને ઇઝરાયલ તેને વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે એવું લાગે છે."

ઇઝરાયલનાં યુદ્ધ વિમાનોએ સમગ્ર દક્ષિણ લેબનોન અને બેકા ખીણમાં બૉમ્બમારો કર્યો છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહૂએ લેબનોનના લોકોને એક સંદેશમાં કહ્યું કે, “ઇઝરાયેલની લડાઈ તમારી સામે નથી. આ યુદ્ધ હિઝબુલ્લાહ સામે છે."

લેબનોનની અંદર હિઝબુલ્લાહ કેટલું સમર્થન જાળવી શકે છે તે સરહદ પર યુદ્ધ વધારે ઉગ્ર બનવામાં અથવા શાંતિ સ્થાપવામાં એક મહત્ત્વનું કારણ બની શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.