You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકામાં ડાબેરી નેતા અનુરા કુમારા દિસાનાયકે રાષ્ટ્રપતિ બનતા ભારતને શું અસર થશે?
- લેેખક, અભયકુમારસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અનુરા કુમારા દિસાનાયકે જ્યારે ભારત આવ્યા હતા ત્યારે કોઇએ ભાગ્યે જ વિચાર્યું હશે કે અંદાજે સાત મહિના પછી તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ બનશે.
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે આ મુલાકાત વિશે ખુશી વ્યક્ત કરતા તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે બંને વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને તેમને વધુ સારા કરવા અંગે વાત થઈ છે.
હવે 22 સપ્ટેમ્બરે આવેલાં ચૂંટણીપરિણામોમાં ડાબેરી નેતા અનુરા કુમારા દિસાનાયકેએ શ્રીલંકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મેળવી છે.
તેઓ જનતા વિમુક્તિ પેરામુના (જેવીપી)ના નેતા છે અને નેશનલ પીપલ્સ પાવર(એનપીપી) ગઠબંધન તરફથી ચૂંટણી લડી રહ્યા હતા.
વર્ષ 2019માં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દિસાનાયકેને માત્ર 3 ટકા મત મળ્યા હતા. આ વખતની ચૂંટણીના પહેલા રાઉન્ડમાં દિસાનાયકેને 42.31 ટકા અને તેમના પ્રતિદ્વંદી સજીથ પ્રેમદાસાને 32.76 ટકા મત મળ્યા હતા.
જીતના ઍલાન પછીની થોડા જ કલાકોમાં રવિવારે રાત્રે શ્રીલંકામાં ભારતના રાજદૂત સંતોષ ઝાએ અનુરા કુમારા દિસાનાયકે સાથે મુલાકાત કરી હતી અને તેમને જીતની શુભેચ્છા આપી હતી.
વડા પ્રધાન મોદીએ પણ દિસાનાયકેને ઍક્સ પર લખેલી પોસ્ટમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, "ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ અને વિઝનમાં શ્રીલંકાનું વિશેષ સ્થાન છે."
પીએમ મોદીના અભિનંદનના જવાબમાં અનુરાએ લખ્યું, “તમારા સમર્થન અને સહકાર માટે વડા પ્રધાન મોદી, તમારો ખૂબ ખૂબ આભાર. અમે બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત કરવા માટે તમારી પ્રતિબદ્ધતા સાથે ઊભા છીએ. અમારો સહયોગ બંને દેશોના નાગરિકો અને આ સમગ્ર ક્ષેત્રના હિતમાં છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2022માં, જ્યારે શ્રીલંકા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું, ત્યારે દિસાનાયકેને તત્કાલીન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના પ્રખર વિરોધી માનવામાં આવતા હતા.
તેમણે પોતાને ભ્રષ્ટાચાર સામે લડતા નેતા તરીકે રજૂ કર્યા. જેના કારણે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સહિતનો મોટો વર્ગ તેમની સાથે આવતો ગયો.
શ્રીલંકાની વિદેશનીતિમાં ભારત
હવે, રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી, અનુરા કુમારા દિસનાયકે આર્થિક કટોકટી, ભ્રષ્ટાચાર અને વંશીય તણાવ જેવા સ્થાનિક પડકારોનો કેવી રીતે સામનો કરે છે એ જોવાનું છે. સાથે તે પણ જોવાનું રહેશે કે તેઓ શ્રીલંકાની વિદેશ નીતિ અને ભારત સાથેના સંબંધોને કઈ દિશામાં લઈ જાય છે.
ભારતમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને જમણેરી વિચારધારાનો પક્ષ માનવામાં આવે છે જ્યારે અનુરા કુમારા દિસાનાયકે ડાબેરી વિચારધારાના છે. ડાબેરી સરકારોને ઘણીવાર વૈચારિક રીતે ચીનની નજીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં દિસાનાયકે ભારત માટે પડકાર બની જશે કે કેમ?
પ્રોફેસર હર્ષ વી. પંત ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન, નવી દિલ્હીના અભ્યાસ અને વિદેશ નીતિ વિભાગના ઉપાધ્યક્ષ છે.
તેમનું માનવું છે કે ભલે ભૂતકાળમાં દિસાનાયકે અને જેવીપીનું વલણ થોડું ‘ભારત વિરોધી’ હતું, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમાં ફેરફાર થયો છે.
પ્રોફેસર પંત કહે છે, “તેમની પાર્ટી જેવીપી (જનતા વિમુક્તિ પેરામુના) પરંપરાગત રીતે ભારત વિરોધી રહી છે. તે શરૂઆતથી જ ભારતના પ્રભાવ સામેનું વલણ ધરાવે છે. જો તમે તેમના ઇતિહાસ પર નજર નાખો તો ખબર પડશે કે તેમણે ઘણી વખત ભારતના વિરોધમાં હિંસક દેખાવો કર્યા છે.”
પ્રોફેસર પંત કહે છે, “શ્રીલંકામાં ભારતના પ્રભાવને ઘટાડવો એ તેમનો મોટો ઍજન્ડા રહ્યો છે. પરંતુ મને લાગે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં દિસાનાયકેનાં નિવેદનો કંઈક અંશે સંતુલિત અને વિચારશીલ રહ્યાં છે. તેમણે સુશાસન, સંતુલન અને બિનજોડાણયુક્ત વિદેશનીતિ પર ભાર મૂક્યો છે. મને લાગે છે કે તેમની સરકારનું ધ્યાન પણ આના પર રહેશે. ખાસ કરીને, આઇએમએફ પૅકેજની પછીની અસરો અને સમાજ પર તેની પડેલી અસરને ધ્યાનમાં રાખીએ તો. આ મુદ્દાઓ ચૂંટણીમાં તેમની જીતનું કારણ બની ગયા છે.”
પ્રોફેસર પંતનું કહેવું છે કે વર્ષ 2022માં શ્રીલંકામાં રાજપક્ષેની સરકાર ગઈ અને વિક્રમસિંઘે આવ્યા ત્યારે ભારતે જે રીતે શ્રીલંકાને મદદ કરી હતી તેને ધ્યાનમાં રાખીને નવી સરકારે કામ કરવું પડશે.
ચેન્નઈની લૉયેલા કૉલેજના પ્રોફેસર ગ્લૅડસન ઝેવિયર પણ એ વાતને માને છે કે ભારત તરફથી કરવામાં આવેલી આર્થિક મદદને નવા રાષ્ટ્રપતિ ધ્યાનમાં રાખશે.
બીબીસી તામિલ સેવાના સંવાદદાતા મુરલીધરન કાશીવિશ્વનાથન સાથેની વાતચીતમાં તેઓ કહે છે, “જ્યાં સુધી અનુરાનો સવાલ છે ત્યાં સુધી તેઓ કેટલીક ભારતીય પરિયોજનાઓની ટીકા કરે છે. પરંતુ તેમણે ચીનની ક્યારેય ટીકા કરી નથી. તો આપણે માની શકીએ છીએ કે તેમનામાં એક પ્રકારનો પૂર્વાગ્રહ છે.”
જો કે, શ્રીલંકા હજુ પણ આર્થિક સંકટમાં છે. દેશને ભારત તરફથી આર્થિક સહાયની જરૂર રહેશે. જ્યારે શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરી બન્યું ત્યારે ભારતે તરત જ આર્થિક મદદ કરી. મને લાગે છે કે નવા રાષ્ટ્રપતિ આ બાબતોને ધ્યાનમાં રાખશે. મને નથી લાગતું કે તે ભારતને બાદ કરીને દેશને મુશ્કેલ સ્થિતિમાં લઈ જશે.
જાફના યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. અહિલન કદીરગામર માને છે કે જેવીપી અત્યારે કોઈ દેશથી બહુ નજીક કે દૂર નહીં રહે.
બીબીસી તમિલ સેવાના સંવાદદાતા મુરલીધરન કાશી વિશ્વનાથન સાથે વાત કરતા તેઓ કહે છે, "જ્યાં સુધી જનતા વિમુક્તિ પેરામુનાનો સવાલ છે, તે જૂની જેવીપી નથી. તે એક મધ્યમમાર્ગી પક્ષ બની ગયો છે. પરંતુ એવું કહી શકાય નહીં કે તે ભારત માટે રાનિલ વિક્રમસિંઘેની જેમ અનુકૂળ રહેશે. મને લાગે છે કે તેઓ ન તો કોઈ દેશ સાથે ખૂબ ગાઢ દોસ્તી રાખશે કે ન તો ગાઢ દુશ્મનાવટ ધરાવતા હશે. તેમણે સમજવું પડશે કે આ કટ્ટરપંથી વલણ અપનાવવાનો સમય નથી.”
ભારત અને ચીન વચ્ચે સંતુલન
ભારત અને ચીન બંને લાંબા સમયથી શ્રીલંકા સાથે તેમના રાજદ્વારી અને વેપાર સંબંધોને પ્રાથમિકતા આપે છે.
બંને દેશોએ છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને પણ મદદ કરી છે.
તેનું મુખ્ય કારણ શ્રીલંકાની ભૌગોલિક સ્થિતિ છે. વેપાર ઉપરાંત, શ્રીલંકા સાથે દરિયાઈ સરહદમાં વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી પણ સારા સંબંધો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
હવે આ સંદર્ભમાં શ્રીલંકામાં નવી સરકારનું ભારત અને ચીન વચ્ચે શું સંતુલન રહેશે?
આ પ્રશ્નના જવાબમાં પ્રોફેસર પંત કહે છે, "રાજપક્ષે સરકાર ચીન તરફ ખૂબ જ ઝુકાવ ધરાવતી હતી અને શ્રીલંકાને તેનું પરિણામ ભોગવવું પડ્યું હતું. જ્યારે આર્થિક કટોકટી આવી ત્યારે ચીને ક્યાંય સમર્થન આપ્યું ન હતું જ્યારે ભારતે સમર્થન આપ્યું હતું. તેથી મને લાગે છે કે તે એક રીતે બૅન્ચમાર્ક પણ બની ગયો છે. સંતુલન તો બધા લોકો કરશે પણ શું તે એક તરફ ઝુકાવ રાખશે? એ તો તેની આગામી નીતિઓ પરથી જ ખબર પડશે.
પ્રોફેસર પંત કહે છે, “જો તમે હિંદ-પ્રશાંતમાં છો, તો ભારત અને ચીન બંને એવા દેશો છે જેને તમે અવગણી શકો નહીં. ઉપરાંત, તમે ભારતને એ જ પરિપ્રેક્ષ્યથી જોઈ શકતા નથી જે રીતે તેમનો પક્ષ અગાઉ જોતો હતો. ભારત હવે સક્ષમ છે, વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને આંકડાઓ અનુસાર ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. તેથી જો તમે તમારી વિકાસયાત્રામાં ભારતને સામેલ કરવા માંગો છો, તો તમારે તેને ધ્યાનમાં રાખીને આગળ વધવું પડશે.”
પ્રોફેસર પંત અને પ્રોફેસર ઝેવિયર બંનેએ અનુરા કુમારા દિસનાયકેની ભારત મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો છે.
પ્રોફેસર પંતનું કહેવું છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે દિસાનાયકે ભારત આવ્યા ત્યારે તેમણે પ્રાદેશિક સુરક્ષા વિશે વાત કરી અને કહ્યું હતું કે ભારતની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખવી જોઈએ.
''તેઓ હવે તેનો અમલ કેવી રીતે કરે છે તે જોવું રહ્યું. છેવટે, તમારે બંને બાજુ સંતુલન બનાવીને રાખવું પડશે."
પ્રોફેસર ઝેવિયરનું કહેવું છે કે ફેબ્રુઆરી, 2024માં ભારત દ્વારા દિસાનાયકેને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેની સંપૂર્ણ અવગણના કરવામાં આવી ન હતી. તેઓ અગ્રણી નેતાઓને મળ્યા હતા. આ પ્રથમ વખત હતું જ્યારે ભારતીય પક્ષ જેવીપી સાથે સંપર્કમાં આવ્યો હતો.
માલદીવ વિવાદમાંથી પાઠ શીખવો પડશે
પ્રોફેસર પંતે માલદીવને પણ ભારત અને ચીન વચ્ચેના સંતુલનને એક ઉદાહરણ તરીકે ટાંક્યું છે.
તેમનું કહેવું છે કે શરૂઆતમાં માલદીવ સાથે ભારતના સંબંધો બહુ સારા દેખાતા ન હતા પરંતુ બાદમાં ભાષા સંપૂર્ણપણે બદલાઈ ગઈ.
તેઓ કહે છે, "મને લાગે છે કે આપણને અહીં પણ કંઇક આવું જ દૃશ્ય જોવા મળશે. મને નથી લાગતું કે આજની પરિસ્થિતિમાં તમે ભારતને નારાજ કરીને શ્રીલંકામાં કામ કરી શકો.”
માલદીવમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન 'ઇન્ડિયા આઉટ'નો નારો આપ્યો હતો. મુઇઝ્ઝુને ચીન તરફ વલણ ધરાવતા નેતા માનવામાં આવે છે.
પરંતુ તાજેતરમાં માલદીવ સાથે ભારતના સંબંધોમાં સુધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે.
થોડા દિવસો પહેલાં જ માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલયના મુખ્ય પ્રવક્તા હીના વાલિદે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ ટૂંક સમયમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવશે.
જોકે, ચૂંટણી પહેલાં અદાણી ગ્રૂપ દ્વારા સંચાલિત ઊર્જા પ્રોજેક્ટનો જે રીતે દિસાનાયકેએ વિરોધ કર્યો હતો, તેને વિશ્લેષકો પક્ષના ભારત વિરોધી વલણ તરીકે પણ આંકે છે.
સપ્ટેમ્બર, 2023માં રાજકીય ચર્ચા દરમિયાન, દિસાનાયકેએ અદાણી જૂથના પવન ઊર્જા પ્રોજેક્ટને રદ કરવાનું વચન આપ્યું હતું, અને તેને શ્રીલંકાના સાર્વભૌમત્વ માટે ખતરો ગણાવ્યો હતો.
આ અંગે જાફના યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. અહિલન કદીરગમારે બીબીસી તામિલ સેવાના સંવાદદાતા મુરલીધરન કાશી વિશ્વનાથનને કહ્યું હતું કે, “માત્ર આ મુદ્દાના આધારે ભારત સાથેના સંબંધો અંગે કોઈ નિષ્કર્ષ કાઢી શકાય નહીં.”
તેઓ કહે છે, "જ્યાં સુધી અદાણીના વિન્ડ પાવર પ્રોજેક્ટનો સવાલ છે, તો તેનો વિરોધ એટલા માટે નથી થઈ રહ્યો કે તે ભારતનો પ્રોજેક્ટ છે. માત્ર જેવીપી જ નહીં પરંતુ અન્ય લોકો પણ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંગે ઘણી પર્યાવરણને લગતી ટીકાઓ અને આર્થિક ટીકાઓ છે.”
નવી સરકારમાં ભારતને શું જોવા મળશે?
પ્રોફેસર પંત માને છે કે ભારતને પહેલા એ સમજવું પડશે કે શ્રીલંકાની નવી સરકારની આર્થિક નીતિઓ શું છે અને તેઓ કઈ રીતે સરકાર ચલાવે છે.
પ્રોફેસર પંત કહે છે, “જો તેઓ એવી આર્થિક નીતિઓ લાવે છે કે જેમાં શ્રીલંકામાં સ્થિરતા બની રહે છે, તો તે ભારત માટે આપોઆપ સારી વાત થશે. ભારત માટે ચિંતાનું કારણ ત્યારે બને છે કે જ્યારે તેના પાડોશી દેશો આર્થિક રીતે પાયમાલ થઈ જાય અને પછી ભારતને તેમને સમર્થન આપવું પડે. પછી ભારતને એ દેશો સંભાળવા પડે છે અને તેમને મદદ કરવી પડે છે.”
તેમનું કહેવું છે કે આ સાથે ભારત પણ એ વાત પર નજર રાખશે કે શ્રીલંકાની નવી સરકાર આ વાતની સંવેદનશીલતાનું ધ્યાન રાખે છે કે નહીં.
“શ્રીલંકાની ભૌગોલિક સ્થિતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ચીન ત્યાં લાંબા સમયથી નજર રાખી રહ્યું છે. ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે બંદર છે તેમાંથી શ્રીલંકાનો હિસ્સો અને ચીનનો હિસ્સો કેટલો છે એ બધા મુદ્દાઓ એવા છે કે જેના પર ભારત નજર રાખશે કે નવી સરકાર આ બધી બાબતોનું સંતુલન કઈ રીતે રાખે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન