ભારતની ચૂંટણીપ્રક્રિયામાં સુધારા માટે સતત સંઘર્ષશીલ રહેનાર પ્રો. જગદીપ છોકરની વિદાય, કેવી રહી તેમની સફર?

    • લેેખક, પ્રો. અનિલ ગુપ્તા
    • પદ, પ્રોફેસર

આઈઆઈએમએમાં સમાજના પડકારજનક પ્રશ્નો સાથે સંકળાવાની પરંપરા ઘણી જૂની છે. 1984માં તત્કાલીન ડિરેક્ટર પ્રો. વી. એસ.વ્યાસે 'એકૅડેમિક્સ એઝ ઍક્ટિવિસ્ટ્સ' શીર્ષક હેઠળ એક શોધપત્ર લખ્યો હતો. જગદીપ એસ. છોકરે તે પરંપરાને ભવ્ય રીતે આગળ વધારી હતી, જે પ્રો. ત્રિલોચન શાસ્ત્રીની પહેલને આભારી છે.

આઈઆઈએમએમાં એવું વાતાવરણ હતું, જેમાં ફૅકલ્ટી તેમને પરેશાન કરતા મુદ્દાઓ વિશે મોકળાશથી વાત કરી શકતા હતા. રાજકારણીઓ દ્વારા ભ્રષ્ટાચાર એવો એક મુદ્દો હતો, જેણે પ્રો. ત્રિલોચન શાસ્ત્રીના અનેક સહયોગીઓને ખળભળાવ્યા હતા.

પ્રો. ત્રિલોચને તેમને આપેલી શ્રદ્ધાંજલિમાં લખ્યું હતું કે તેઓ (જગદીપ) 1998માં એસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સ(એડીઆર)ની સ્થાપના થઈ ત્યારથી જ તેના સહ-સ્થાપક, ટ્રસ્ટી અને સચિવ હતા.

તેઓ એડીઆરનો જાણીતો ચહેરો હતા અને ચૂંટણી સુધારાઓ તથા રાજકીય સુધારાઓ વિશે નિયમિતપણે લખતા તેમજ વાત કરતા હતા. તેમણે એ માટે ઘણું કામ કર્યું હતું. તેમણે અનેક દીર્ઘ અરજીઓ તથા કોર્ટના ચુકાદાઓ કાળજીપૂર્વક વાંચ્યા હતા.

તેમણે કાયદાનો અભ્યાસ કર્યો હતો અને ડિગ્રી પણ મેળવી હતી...તેઓ બંધારણ, ચૂંટણી કાયદાઓ, વિવિધ ચુકાદાઓ અને તેની ઝીણવટભરી બાબતોના સૌથી વધુ સારા જાણકાર હતા. તેમણે તેને ખૂબ જ સરળ વ્યવહારુ કાર્ય બનાવ્યું હતું.

રાજકારણમાં કેવી રીતે કામકાજ થાય છે તેનાથી તેઓ સંપૂર્ણપણે વાકેફ હતા. તેમને બહુ જ પ્રિય વિષયોમાં એક વિષય યુવાનોને લોકશાહીનાં તમામ પાસાં વિશે શિક્ષિત કરવાનું હતું. એડીઆર આજે છે, એ તેમના વિના ન હોત.

ચૂંટણીપ્રક્રિયાના સુધારામાં અભૂતપૂર્વ ફાળો

તેમની સાથે મારી મુલાકાત ઘણીવાર કૉરિડોરમાં થતી હતી. સામેની વ્યક્તિ ભલે તેમની ગમે તેટલી ટીકા કરતી હોય, પરંતુ તેમનો હસમુખો ચહેરો અને રમુજી વર્તન, વાતચીતની થોડી મિનિટોમાં જ કોઈપણ વ્યક્તિને સરળતાથી નિઃશસ્ત્ર કરી દેતો હતો.

2024ની 16 માર્ચે તેમણે ઇન્ડિયન ઍક્સપ્રેસ માટે એક લેખ લખ્યો હતો. તેનું શીર્ષક હતું- ઇલેક્શન બૉન્ડ કેસમાં અમે શા માટે લડ્યા અને સુપ્રીમ કોર્ટેના ચુકાદાએ શું કર્યું.

મૂળ અરજીમાં માત્ર ઇલેક્શન બૉન્ડને ગેરબંધારણીય જાહેર કરવાની વિનંતી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તે કર્યું હતું અને તેનાથી આગળ વધીને ચુકાદાનું સંપૂર્ણ અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે એસબીઆઈ તથા ચૂંટણીપંચને નિર્દેશો પણ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટની તે પહેલને આવકારવી અને વખાણવી જોઈએ.

આમ એડીઆરે અસંખ્ય અરજીઓ અને કેસીસ દ્વારા રાજકીય પક્ષોની લોકો પ્રત્યેની જવાબદારી વધારવાના પ્રયાસ કર્યા. સમયાંતરે થતી ચૂંટણી પણ તે સુનિશ્ચિત કરે છે, એવું કોઈ કહી શકે, પરંતુ ત્યારે મતદાન વખતે લોકો પાસે જે માહિતી હોય છે તે પૂરતી ન હોય તે શક્ય છે. તેથી સુપ્રીમ કોર્ટે 2003માં તેના એક ઐતિહાસિક ચુકાદામાં તમામ ઉમેદવારો માટે તેમની નાણાકીય, શૈક્ષણિક અને ગુનાહિત પૃષ્ઠભૂમિને જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું હતું.

થોડા સ્વયંસેવકો અને પત્રકારોએ બધી માહિતી એકત્ર કરવાના તથા તેને ગુજરાતીભાષી અખબારો દ્વારા શેર કરવાના પ્રયાસ નેવુંના દાયકામાં કર્યા હતા, પરંતુ ઉમેદવારને જાણવાનો તે પ્રયાસ લાંબુ ટક્યો ન હતો અને તેનો વિસ્તાર થઈ શક્યો ન હતો. આ દિશામાં એડીઆરે જે કર્યું છે તે લોકશાહીમાં અજોડ છે.

એડીઆર પાસે વિધાનસભા અને સંસદીય ચૂંટણીના દેશભરના લાખો ઉમેદવારોનો વિશ્વનો સૌથી મોટો ડેટાબેઝ હતો. ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોનો વધતો વ્યાપ દરેક માટે ચિંતાનો વિષય હતો અને તે યોગ્ય પણ હતું. જોકે, એવા ઉમેદવારોનો હિસ્સો સામાન્ય રીતે 20થી 30 ટકા કરતાં ઓછો હતો. તેનો અર્થ એ હતો કે સ્વચ્છ ઉમેદવારોની સંખ્યા પણ મોટી હતી.

નોટાનો વિકલ્પ ઉમેરવામાં પણ ભૂમિકા

એડીઆર અત્યાર સુધીમાં 15થી વધુ કેસ જીત્યું છે અને એ કેસીસમાં એડીઆરના અન્ય સમર્થકો સાથે જગદીપે મુખ્ય ભૂમિકા ભજવી હતી. 1999માંં ત્રિલોચનને આગ્રહને પગલે એક બિન-પક્ષપાતી પ્લૅટફૉર્મ -એડીઆરની રચના માટે 11 ફૅકલ્ટી મેમ્બર્સ એકઠા થયા હતા.

અનેક સ્વયંસેવકોના નેટવર્ક દ્વારા એડીઆરે ઘણા ફેરફાર કરાવ્યા હતા અને ભારતમાં ચૂંટણીની પરિસ્થિતિમાં સુધારો કરવામાં જગદીપે ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી હતી. એડીઆરના પ્રયાસોને કારણે કોઈને મત ન આપવાનો વિકલ્પ (NOTA) બેલેટ પેપરમાં ઉમેરવામાં આવ્યો હતો.

જગદીપ અત્યંત પ્રામાણિક વ્યક્તિ હતા અને પોતાની વાત સહજતાથી રજૂ કરતા હતા. સાદા શબ્દોમાં સાચું કહેવામાં પાછીપાની કરતા ન હતા અને યુવા વિદ્યાર્થીઓ તથા સાથીદારો પ્રત્યે ખૂબ જ દયાળુ હતા.

તેઓ પક્ષી નિરીક્ષક પણ હતા. લોકોના બંધારણીય અધિકારો અને દેશના ચૂંટણી કાયદાઓને સૂક્ષ્મતાથી વધુ સારી રીતે સમજવા માટે તેમણે આઈઆઈએમએમાં ઑર્ગેનાઇઝેશનલ બિહેવિયર ક્ષેત્રમાં ફૅકલ્ટી તરીકે સેવા આપતી વખતે ગુજરાત યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો.

તેમના યોગદાન અને કાર્ય વિશે ઘણું કહેવામાં આવ્યું છે, પરંતુ મને લાગે છે કે ટીમના એક સભ્ય બનવું અને સેંકડો સ્વયંસેવકો તથા સમર્થકો સાથે એડીઆરને કામમાં મદદરૂપ થવું એ સંસ્થા-નિર્માણના પ્રયાસમાં તેમનું મોટું યોગદાન હતું.

કોઈ વ્યક્તિ એકલા હાથે પરિવર્તનશીલ સામાજિક સુધારા ભાગ્યે કરી શકતી હોય છે. ત્રિલોચન કહે છે તેમ જગદીપના નિરંતર સમર્થન અને માર્ગદર્શન વિના એડીઆર આટલો પ્રભાવ પાડી શક્યું ન હોત. તેમનો વારસો અમર રહે.

(લેખક આઈઆઈએમ અમદાવાદના ભૂતપૂર્વ પ્રોફેસર છે અને જગદીપ છોકર સાથે કામ કરી ચૂક્યા છે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન