આસારામને બળાત્કારના કેસમાં છ મહિનાના જામીન મળ્યા એ મામલો શું હતો?

16 વર્ષની કિશોરી પર બળાત્કારના કેસમાં જોધપુરની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આસારામને ગુજરાત હાઇકોર્ટે છ મહિનાના વચગાળાના જામીન આપ્યા છે.

આસારામને આ કેસમાં આજીવન કેદની સજા થયેલી છે. લાઇવ લૉના અહેવાલ પ્રમાણે આસારામે પોતાની તબીબી સ્થિતિ સારી ન હોવાનો દાવો કર્યો છે, જેના અનુસંધાને હાઇકોર્ટે રાજ્ય સરકારનો જવાબ માગ્યો છે.

રાજસ્થાન હાઇકોર્ટે એક અઠવાડિયા અગાઉ આસારામની સજા છ મહિના માટે સસ્પેન્ડ કરી હતી અને તેમની મેડિકલ સ્થિતિને ધ્યાનમાં રાખીને વચગાળાના જામીન આપ્યા હતા. કોર્ટે એ બાબતની નોંધ કરી હતી કે "આસારામ અર્ધજાગ્રત અવસ્થામાં છે અને તેમને જે સુવિધાઓની જરૂર છે તે જેલમાં ઉપલબ્ધ નથી."

રાજસ્થાન હાઇકોર્ટે જે આધાર પર આસારામને જામીન આપ્યા છે, તે જ આધારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન અપાયા છે. જસ્ટિસ ઇલેસ વોરા અને આરટી વછાણીની બેન્ચે આસારામની મેડિકલ સ્થિતિને ધ્યાનમાં રાખીને જામીન આપ્યા છે.

સુનાવણી દરમિયાન આસારામના વકીલે રાજસ્થાન હાઇકોર્ટનો ઑર્ડર ગુજરાત બેન્ચ સમક્ષ મૂક્યો હતો અને આસારામની તબીબી સ્થિતને ધ્યાનમાં રાખવા અપીલ કરી હતી.

આસારામને જેલમાં જવું પડ્યું તે કેસ શું હતો?

ગુજરાતનો કેસ 2001થી 2006 વચ્ચે સુરતમાં એક મહિલા પર વારંવાર રેપ કરવાને લગતો છે જેમાં જાન્યુઆરી 2023માં તેમને આજીવન કેદની સજા થઈ છે. એટલે કે એક સાથે બે કેસમાં તેઓ સજા ભોગવે છે.

વર્ષ 2013માં આસારામ અને તેના પુત્ર નારાયણ સામે તેના આશ્રમમાં સેવિકા તરીકે રહેતી સુરતની બે બહેનોએ દુષ્કર્મ, ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાની અને અકુદરતી શારીરિક સંબંધ રાખવાની ફરિયાદ કરી હતી.

ગાંધીનગર સેસન્શ કોર્ટે આસારામને આ કેસમાં દોષી માન્યા હતા અને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે આસારામના પત્ની અને પુત્રી સહિત કુલ છ સહઆરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં હતાં.

કોણ છે આસારામ?

આસારામનું સાચું નામ આસુમલ હરપલાણી છે. આસારામનો જન્મ અવિભાજિત ભારતના પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં (હાલ પાકિસ્તાનમાં) આવેલા નવાબશાહ જિલ્લાના બેરાની ગામમાં એપ્રિલ 1941માં થયો હતો.

સિંધી વેપારી સમાજના આસારામનો પરિવાર 1947ના ભાગલા પછી નિરાશ્રિત બનીને ભારત આવ્યો હતો અને અમદાવાદમાં આવીને વસ્યો હતો. એ સમયે રૅફ્યૂજી માટેના વિસ્તાર મણિનગરમાં રહેતા, જ્યાં તેમના નામે સાથે અનેક કહાણીઓ સાંભળવા મળે છે.

1960ના દાયકામાં આસારામે લીલાશાહને ગુરુ બનાવ્યા હતા. 1972માં અમદાવાદથી તે વખતે દસેક કિમી દૂર આવેલા મોટેરા ગામ પાસે સાબરમતી નદીના કિનારે આસારામે પોતાની નાનકડી ઝૂંપડી બાંધી હતી.

આગળ જતાં આસારામે અહીં જ આશ્રમ સ્થાપ્યો અને તેને મુખ્યમથક બનાવ્યું, જે લગભગ 10 એકરમાં ફેલાયેલો હતો. આ માટે પણ આસારામે આજુબાજુની જમીનો ઉપર પેશકદમી કરી હોવાના આરોપ લાગ્યા હતા.

આસારામના ભક્તોની સંખ્યા ધીમે-ધીમે વધવા લાગી અને ગુજરાતનાં કેટલાંય શહેરો તથા દેશનાં જુદાં-જુદાં રાજ્યમાં પણ તેમના આશ્રમો ખૂલવા લાગ્યા.

શરૂઆતમાં ગુજરાતનાં ગામડાંમાંથી લોકોને આસારામે પોતાના 'પ્રવચનો, દેશી દવાઓ અને ભજન-કીર્તન'ના ત્રેખડથી આકર્ષી હતી.

બાદમાં ધીમે ધીમે ગુજરાતના શહેરી વિસ્તારોના મધ્યમવર્ગમાં પણ આસારામનો પ્રભાવ વધવા લાગ્યો.

શરૂઆતનાં વર્ષોમાં આસારામનાં પ્રવચનો બાદ પ્રસાદના નામે મફત ભોજન અપાતું હતું. તેના કારણે 'ભક્તો'ની સંખ્યામાં ઝડપથી વધારો થવા લાગ્યો હતો.

આસારામના સમર્થકોનો દાવો છે કે દુનિયાભરમાં તેના ચાર કરોડ અનુયાયીઓ છે, જોકે જાણકારો તેને 'અતિશયોક્તિ ભરેલો' જણાવે છે.

આસારામે દીકરા અને પુત્રીને સાથે રાખીને દેશભરમાં કુલ 400 આશ્રમો ખોલ્યા હતા.

પરંતુ 2008માં આસારામ માટે મુસીબતો શરૂ થઈ. એમના આશ્રમમાં ભણતાં બે બાળકો દીપેશ અને અભિષેક શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામ્યાં હતાં, જેના ગુજરાત બંધ રહ્યું અને અમદાવાદમાં ઊહાપોહ શરૂ થયો.

બાળકોનાં મોત પર સવાલો ઊઠ્યા. છેવટે બંને બાળકોના મૃત્યુની તપાસ શરૂ થઈ ગઈ. લોકોનો આક્રોશ શાંત પાડવા માટે દીપેશ અને અભિષેકના મૃત્યુની તપાસ કરવા માટે ડીકે ત્રિવેદી પંચની રચના કરવામાં આવી હતી.

2013માં જયપુરમાં સગીર છોકરી પર બળાત્કાર કર્યાનો કેસ થયો. 15 ઑગસ્ટ, 2013માં થયેલા બળાત્કારની ફરિયાદ દિલ્હીમાં ઝીરો નંબરથી 20 ઑગસ્ટ, 2013માં ફરિયાદ દાખલ થઈ.

31 ઑગસ્ટ સુધી આસારામે કાયદાને હાથતાળી આપી, છેવટે રાજસ્થાન પોલીસે 31 ઓગસ્ટ, 2013ના દિવસે મધ્ય પ્રદેશમાંથી ધરપકડ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન