દસ મહિલાઓ, એક પુરુષ : એવો ડેટિંગ શો જેણે હલચલ મચાવી દીધી

બીબીસી ગુજરાતી, બીબીસી, ગુજરાત, નાઇજિરિયા, આફ્રિકા,

ઇમેજ સ્રોત, D!nkTV

    • લેેખક, વેદેલી ચિબેલુશી અને ન્યાશા મિશેલ
    • પદ, બીબીસી ન્યૂઝ

છોકરો-છોકરી મળે છે. છોકરીને છોકરો ગમી જાય છે. તે તેના પ્રેમના માર્ગમાં આવતી અન્ય સ્પર્ધક યુવતીઓને મ્હાત આપે છે અને આખરે છોકરો તે યુવતીની સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કરે છે. જો તમને રિયાલિટી ટીવી ડેટિંગ શો જોવા ગમતા હોય, તો આ જ કથાવસ્તુનાં ઘણાં વેરિયેશન્સ તમે જોઈ ચૂક્યા હશો - આ એક પ્રચલિત સ્ટોરીલાઇન છે, જે લવ આઇલેન્ડ, લવ ઇઝ બ્લાઇન્ડ અને ધી બેચેલર જેવા શોમાં જોવા મળી હતી.

પણ ઇથિયોપિયામાં પરંપરાગત રોમાન્સને જરા હટકે સ્વરૂપ આપવામાં આવ્યું છે.

પૂર્વ આફ્રિકાના રૂઢિચુસ્ત દેશમાં ડેટિંગનાં ધોરણો અંગે વિવાદ ઊભો કરનારા રિયાલિટી શો - 'લેઇટેઃ લુકિંગ ફૉર લવ'માં કન્ટેન્ટ ક્રિએટર બેથેલ ગેટાહુન ઇન્શ્યૉરન્સ એજન્ટ મસીહા હેઇલેમેસ્કેલનું દિલ જીતી લેવામાં સફળ થયાં હતાં.

લેઇટેની કથાવસ્તુ અમેરિકાના ઉપર જણાવેલા હિટ શો - 'ધી બેચલર'ને મળતી આવે છે. વાસ્તવમાં અમ્હારિક ભાષામાં લેઇટેનો અર્થ - 'બેચલર' થાય છે.

ડલ્લાસમાં ઉછરેલા અને ત્યાં જ રહેતા 38 વર્ષના ઇથિયોપિયન-અમેરિકન મસીહાનો પ્રેમ જીતવા માટે દસ યુવતીઓ વચ્ચે હોડ જામી હતી.

સમગ્ર સિરીઝ દરમિયાન યુવતીઓ વચ્ચે બૉક્સિંગ મૅચ, બાસ્કેટબૉલ સ્પર્ધા યોજાઈ હતી અને તેમણે ધી ઍપ્રેન્ટિસની માફક ગાદલાની ટીવી એડ તૈયાર કરવાના વિચિત્ર પ્રકારના કૉન્ટેસ્ટમાં પણ ભાગ લીધો હતો.

યુટ્યૂબ પર પ્રસારિત થયેલો 'લેઇટી' પ્રકારનો ડેટિંગ પ્રોગ્રામ જ્યાં પ્રેમ-સબંધને એક અંગત બાબત ગણવામાં આવે છે, એવા દેશ ઇથિયોપિયામાં ભાગ્યે જ બને છે.

'શોનો સમગ્ર વિચાર વિવિધ પ્રકારની મહિલાઓનું પ્રતિનિધિત્વ કરવાનો છે'

બીબીસી ગુજરાતી, બીબીસી, ગુજરાત, ઇથિયોપિયા, આફ્રિકા,

ઇમેજ સ્રોત, Bethel Getahun

ઇમેજ કૅપ્શન, લેટીનાં વિજેતા બેથેલ ગેટાહન શોના ટીકાકારોના એવા મત સાથે અસંમતિ વ્યક્ત કરે છે કે શો મહિલાઓને 'ઉતારી પાડે છે'

25 વર્ષની બેથેલે બીબીસીના ફોકસ ઑન આફ્રિકા પૉડકાસ્ટને જણાવ્યું હતું કે આ પ્રકારનો નવતર શો પોતે જીતી ગઈ હોવાનો તેને વિશ્વાસ જ બેસતો ન હતો. ફિનાલેને સપ્તાહો વીત્યા પછી પણ આ જીત તેને બહુમાન જેવી લાગે છે. ઉલ્લેખનીય છે કે, આ શોના ફિનાલે ઍપિસોડને 6,20,000 કરતાં વધુ વ્યૂઝ મળ્યા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, આવી લાગણી બધાંને નથી થતી.

ઇથિયોપિયાના વ્લોગર સેમેરે કાસાયેએ જણાવ્યું હતું, "ડેટિંગ શોનો કૉન્સેપ્ટ સંપૂર્ણપણે પશ્ચિમી વિચારધારા પર આધારિત છે."

"ઇથિયોપિયામાં ડેટિંગ હંમેશાંથી અંગત બાબત રહી છે, આ મામલાને ધ્યાનપૂર્વક સંભાળવામાં આવતો હોય છે અને આ સબંધ પરિપક્વતાના સ્તરે પહોંચે, ત્યારે પરિવાર કે સમાજને જાણ કરવામાં આવે છે."

41 વર્ષના સેમેરેનું માનવું છે કે, આ શો મહિલાઓનું અવમૂલ્યન કરે છે અને તેમને હાંસલ કરવા માટેની વસ્તુ તરીકે રજૂ કરે છે.

ઘણા દર્શકોએ પણ સમાન અભિપ્રાય આપ્યો હતો. યુટ્યૂબમાં એક વ્યૂઅરે લખ્યું હતું, "લેડીઝ, તમે કોઈ વસ્તુ નથી કે, પૈસાવાળી વ્યક્તિ સહેલાઈથી તમને મેળવી શકે."

તો, અન્ય વ્યૂઅરે સવાલ કર્યો હતો, "નિર્માણના સ્તરે ઘણી સર્જનશીલતા રહેલી હોય, પણ જો તે સંસ્કૃતિની વિરુદ્ધમાં હોય, તો તેનો શો અર્થ?"

બેથેલ પણ જણાવે છે કે, મહિલાઓ ખુલ્લેઆમ પુરુષ માટે એક-બીજા સાથે હરીફાઈ કરી રહી હોય, તે વિચાર ઇથિયોપિયન પરંપરાથી વિરુદ્ધ છે, પણ સાથે જ તે જણાવે છે કે, શોમાં તેના કેન્દ્રીય આધાર ઉપરાંત બીજાં પણ તત્ત્વો રહેલાં છે.

બેથેલ જણાવે છે, "શોનો સમગ્ર વિચાર વિવિધ પ્રકારની મહિલાઓનું પ્રતિનિધિત્વ કરવાનો છે."

"જો તમે ઍપિસોડ્ઝ જોયા હશે, તો તમે નોંધ્યું હશે કે, તે ઍપિસોડમાં દરેક મહિલાના ભિન્ન-ભિન્ન સંઘર્ષ, તેમની પૃષ્ઠભૂમિ અને એવાં જુદાં-જુદાં પરિબળો દર્શાવવામાં આવ્યાં છે, જે અગાઉ ઇથિયોપિયાનાં માધ્યમોમાં વ્યક્ત કે રજૂ કરવામાં આવ્યાં નથી."

નિઃશંકપણે, આ બાબતે લેઇટી સફળ રહ્યાં છે. શોમાં હોટેલ મૅનેજર્સ, ફ્લાઇટ ઍટેન્ડન્ટ્સ તથા ઍકાઉન્ટન્ટ્સ સહિતની મહિલાઓ તરત એકમેકની નજીક આવી ગઈ હતી અને તેમણે એકબીજાને તથા દર્શકોને તેમની અંગત વાતો જણાવી હતી.

એક હૃદયદ્રાવક દૃશ્યમાં, અભિનેત્રી વિવિયને જણાવ્યું હતું કે, તે તમામ તંદુરસ્ત નાગરિકોને અનિશ્ચિત સમય સુધી સૈન્યમાં જોડાવાની ફરજ પાડતા ઇથિયોપિયાના પાડોશી દેશ ઇરીટ્રિયામાંથી ભાગીને આવી છે.

બીબીસી ગુજરાતી, બીબીસી, ગુજરાત, ઇથિયોપિયા, આફ્રિકા,

ઇમેજ સ્રોત, D!nkTV

વિવિયન એકલાં જ ઇથિયોપિયા પહોંચ્યાં હતાં. તેમણે છેલ્લાં પાંચ વર્ષથી તેમનાં માતાને જોયાં નથી.

આંખોમાં આંસુ સાથે વિવિયન કહે છે, "હું તેમને ખૂબ યાદ કરું છું."

બીજી તરફ, મોડેલ રાહેલ જણાવે છે કે, તેઓ તેમનાં ભાઈ-બહેનોની સંભાળ રાખવા માટે અને નોકરી કરવા માટે શાળામાંથી ઊઠી ગયાં હતાં. જ્યારે, અન્ય મહિલાઓએ તેમનો ઉછેર કરનારા લોકો પ્રત્યે ભાવનાશીલ વાત કરી હતી.

નિર્માતા મેટાસેબિયા યોસેફે બીબીસીને જણાવ્યું હતું કે, આ મહિલાઓની વાસ્તવિકતાઓ, તેમની રોમેન્ટિક ઇચ્છાઓ રજૂ કરીને લેઇટીએ પોતાના સમયના વિષયવસ્તુની બાબતમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે.

લેઇટીની પ્રોડક્શન કંપની ડિન્કટીવીનાં સહ-સ્થાપક મેટાસેબિયાના મતે, શોએ ભારે સફળતા મેળવી, પણ તેમાં ઇથિયોપિયન સંસ્કૃતિનું અપમાન કરવામાં આવ્યું નથી.

તેઓ જણાવે છે, "પહેલી વાત તો એ કે, આ શો અત્યંત કામુકતાભર્યો નથી."

"અમે તેને ડેટિંગના નિર્દોષ, એકમેકને જાણવાના તબક્કા પર મૂકીએ છીએ."

તેઓ જણાવે છે કે, આ શો દર્શકોને સંસ્કૃતિની વિભાવના પર સવાલ કરવા માટે જણાવે છે અને સાથે જ સંસ્કૃતિ શું છે? શું આપણે એકરૂપ છીએ? - આ વિષયો પર ચર્ચા છેડે છે.

ઇથિયોપિયામાં સર્વવ્યાપક પ્રકારની રિયાલિટી ટીવી ફૉર્મ્યુલા અપનાવવામાં આવતા, ઘણા લોકોને આનંદ થયો છે, જે પૈકી એક પ્રશંસકે ટિપ્પણી કરી હતી, "મને જોખમ ઉઠાવવાનું ગમે છે. એક સમાજ તરીકે આપણે ઘણાં સંકુચિત છીએ અને મારે હંમેશાં અન્ય શો ઇથિયોપિયન વર્ઝનમાં જોવા હતા. આ એક અભૂતપૂર્વ ક્ષણ છે."

તો, અન્ય એક દર્શકે લખ્યું હતું, "મેં કદી 'ધી બેચલર' ઇથિયોપિયામાં જોવાની કલ્પના કરી ન હતી, પણ તમે તેને જીવંત બનાવીને ઉત્તમ કામ કર્યું છે."

'દર્શકો તરફથી મળી રહ્યા છે અઢળક પ્રતિભાવ'

આ સફળતાથી પ્રેરાઈને ડિન્ક ટીવી બીજી સિરીઝનું પ્લાનિંગ કરી રહી છે.

મેટાસેબિયાના જણાવ્યા પ્રમાણે, આ વખતે એક સ્ત્રી 10 પુરુષ ઉમેદવારોમાંથી તેના માટે જીવનસાથીની પસંદગી કરી શકે છે.

તેમણે કહ્યું હતું, "અમને દર્શકો પાસેથી અઢળક પ્રતિભાવો મળી રહ્યા છે. લોકો ઈચ્છે છે કે, હવે ભૂમિકાઓ બદલી દેવામાં આવે."

પણ બેથેલ અને મસીહાનું શું? દુઃખની વાત છે કે, તેમની પ્રેમ કથા અટકી ગઈ છે.

તેમણે જણાવ્યું હતું, "તેમની વચ્ચેનું અંતર ઘણું મોટું છે, કારણ કે, મસીહા અત્યારે તેના પુત્ર સાથે અમેરિકામાં છે. આથી, આ ઘણું મુશ્કેલ છે... ભવિષ્યમાં શું થશે, એ મને ખબર નથી."

જોકે, બેથેલ તેની કેટલીક સાથી સ્પર્ધકો સાથે હજુયે નિકટતા ધરાવે છે.

બેથેલને એ વાતનો ગર્વ છે કે, લેઇટેએ ઇથિયોપિયાનું રોમાન્ટિક પાસું રજૂ કર્યું હતું અને સાથે જ તેના મતે, આ શોથી ઇથિયોપિયન મીડિયામાં મહિલાઓનું બહેતર પ્રતિનિધિત્વ થશે.

તેઓ જણાવે છે, "મહિલાઓને, તેઓ સ્વયંને કેવી રીતે અભિવ્યક્ત કરે છે, તે રજૂ કરવાનો આ નવો માર્ગ છે."

"આ નવો દૃષ્ટિકોણ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.