મનમોહનસિંહની વડા પ્રધાન તરીકેની અંતિમ પ્રેસ-કૉન્ફરન્સમાં કેવા આકરા સવાલો પુછાયા હતા?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મનમોહનસિંહે ઘણી વાર પત્રકારોના આકરા સવાલોનો સામનો કર્યો છે

વડા પ્રધાન તરીકે મનમોહનસિંહની અંતિમ પ્રેસ-કૉન્ફરન્સનો સંદર્ભ ઘણી વખત આપવામાં આવે છે, જેમાં પત્રકારોએ તેમને ખૂબ અઘરા સવાલ પૂછ્યા હતા.

વડા પ્રધાન મોદીની ટીકા કરતાં લોકો પણ આ પ્રેસ-કૉન્ફરન્સનો ઉલ્લેખ કરીને કહે છે કે મોદીએ વડા પ્રધાન તરીકે કોઈ પ્રેસ કૉન્ફરન્સ નથી કરી.

મનમોહનસિંહે એક વાર પોતાના વિશે કહેલું કે, "લોકો મને 'આકસ્મિક વડા પ્રધાન' કહે છે, પરંતુ હું 'આકસ્મિક નાણામંત્રી' પણ હતો."

વડા પ્રધાન તરીકે મનમોહનસિંહની અંતિમ પ્રેસ-કૉન્ફરન્સ 3,જાન્યુઆરી 2014ના રોજ થઈ હતી, જે એક કલાક કરતાં પણ વધુ સમય માટે ચાલી હતી.

તે દરમિયાન કેટલીક ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમાં દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની હાર મુખ્ય હતી, જ્યાં અન્ના હજારેના નેતૃત્વમાં એક આંદોલન થયું હતું, જેના નિશાના પર કેન્દ્ર સરકાર હતી.

મનમોહનસિંહે પ્રેસ-કૉન્ફરન્સની શરૂઆતમાં જ દેશના આર્થિક પડકારો અને વૈશ્વિક આર્થિક મંદીની ચર્ચા કરી. દેશમાં વધતી મોંઘવારીને પણ મનમોહનસિંહે પોતાના ભાષણમાં સ્વીકારી હતી.

નજર કરીએ, વડા પ્રધાન તરીકે મનમોહનસિંહની છેલ્લી પ્રેસ-કૉન્ફરન્સ પર, જેમાં તેમને અનેક મુશ્કેલ સવાલોનો સામનો કરવો પડ્યો હતો.

સરકાર પર ભષ્ટાચારના આરોપ પર સવાલો

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મનમોહનસિંહના પ્રથમ કાર્યકાળમાં સરકાર પર ભ્રષ્ટાચારના ઘણા આરોપ લાગ્યા હતા

મનમોહનસિંહને આ દરમિયાન પુછાયું હતું કે, "યુપીએ-1થી યુપીએ-2 સુધી સતત એક પછી એક ભ્રષ્ટાચારના મુદ્દાઓ સામે આવ્યા છે, તમારી મિસ્ટર ક્લીનની છાપ હતી તમને નથી લાગતું કે જ્યારે તમે ખુરશી છોડવાના છો, ત્યારે તમારી છબિ હવે ખરડાઈ ગઈ છે?"

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ પ્રશ્નના જવાબમાં મનમોહનસિંહે કહ્યું, "જ્યાં સુધી ભષ્ટાચારના આરોપોનો સવાલ છે તો તેમાં વધારે પડતા આરોપ યુપીએ-1થી જોડાયેલા છે. કોલ બ્લૉક ફાળવણી, 2જી સ્પેક્ટ્રમ ફાળવણી બંને યુપીએ-1ના સમયના છે. અમે અમારા કામને આધારે વોટરો સામે ગયા હતા અને ભારતની જનતાએ અમને બીજી વાર જનાદેશ આપ્યો."

"આ મુદ્દા અવારનવાર મીડિયા, સીએજી અને કોર્ટમાં ઉઠાવવામાં આવ્યા છે, પરંતુ ભારતની જનતાએ અમારા પર બીજી વાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ભ્રષ્ટાચારના આરોપોને મારી કે મારી પાર્ટી સાથે નથી જોડ્યા."

ભ્રષ્ટાચાર મુદ્દે તેમને ફરી સવાલ પૂછવામાં આવ્યો, "શું તમને નથી લાગતું કે યુપીએ-1 દરમિયાન ભ્રષ્ટાચારના આરોપોના કારણે તમારી સરકારને મોટી કિંમત ચૂકવવી પડી છે?"

મનમોહનસિંહે કહ્યું, "હું એ મામલે થોડુ દુ:ખ અનુભવુ છું, કારણ કે મેં એ વાતને મહત્ત્વ આપ્યું હતું કે સ્પેક્ટ્રમ ફાળવણી પારદર્શક અને નિષ્પક્ષ હોય. મેં જ ભારપૂર્વક કોલ બ્લૉકની ફાળવણી હરાજીથી કરવાની વાત કરી હતી, પરંતુ એ તથ્યને ભુલાવી દેવામાં આવ્યું. આ મામલામાં વિપક્ષનો પોતાને સ્વાર્થ હતો. કેટલાક પ્રસંગોમાં મીડિયા તેમના હાથનું રમકડું પણ બની ગયું હતું."

"જેથી મારી પાસે એ વાતનું દરેક કારણ છે કે જ્યારે પણ આ સમયનો ઇતિહાસ લખાશે, તો અમે બેડાઘ બહાર આવીશું. તેનો મતલબ એ નથી કે કોઈ અનિયમિતતા નથી થઈ, પરંતુ આ સમસ્યાને મીડિયા દ્વારા, કેટલીક વાર સીએજી અને અન્યો દ્વારા અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરાઈ.

આ એ સમય હતો જ્યારે કેન્દ્ર સરકાર પર અનેક ભ્રષ્ટાચારના આરોપો લગાવાઈ રહ્યા હતા. વિપક્ષી દળો કૉમનવેલ્થ ગેમ્સ-2010, કોલ બ્લૉક ફાળવણી અને 2જી સ્પેક્ટ્રમની ફાળવણીમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇ પર પણ સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી.

મનમોહનસિંહના કાર્યકાળમાં તેમના કેટલાક મંત્રીઓ પર પણ ભષ્ટાચારના આરોપ લાગ્યા હતા. આ બાબતે તેમને એક સવાલ કરવામાં આવ્યો કે પોતાના મંત્રીઓ પર કાર્યવાહી કરવામાં શું તેઓ નિષ્ફળ રહ્યા?

મનમોહનસિંહે કહ્યું, "હું માનું છું કે ઇતિહાસ મારા પ્રત્યે આજના મીડિયા કરતાં વધારે ઉદાર હશે."

ઓછું બોલવાની વાત સામે સવાલ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મનમોહનસિંહની ગણતરી ઓછું બોલતા લોકોમાં થતી

મનમોહનસિંહને એક પત્રકારે પ્રશ્ન કર્યો કે, "છેલ્લાં નવ-દસ વર્ષમાં શું ક્યારેય અવો સમય આવ્યો, જ્યારે તમને લાગ્યું હોય કે રાજીનામું આપી દેવું જોઈએ?"

તેમણે જવાબમાં કહ્યું કે, "મેં ક્યારેય એવું નથી અનુભવ્યું કે મારે રાજીનામું આપી દેવું જોઈએ. મેં મારા કામનો ખૂબ આનંદ લીધો છે. મેં કોઈ પણ ડર કે પક્ષપાત વગર મારા કામને પૂરી પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે કરવાની કોશિશ કરી છે."

મનમોહનસિંહની ગણતરી સામાન્યપણે ઓછું બોલનારા લોકોમાં થતી.

તેમને એ વિશે પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે પાછલાં દસ વર્ષમાં તેમના પર સૌથી વધુ ચૂપ રહેવાના આરોપ લાગ્યા છે, શું તમને એવી કોઈ કમી દેખાય છે કે જ્યાં તમારે બોલવાની જરૂર હતી, ત્યાં તમે ન બોલી શક્યા?

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો

જવાબ આપતા તેમણે કહેલું કે, "જ્યાં સુધી બોલવાનો પ્રશ્ન છે, જ્યારે પણ મને જરૂર જણાય છે, ત્યારે પાર્ટી ફોરમમાં હું બોલ્યો છું અને આગળ પણ બોલતો રહીશ."

મનમોહનસિંહ જ્યારે પહેલી વાર વડા પ્રધાન બન્યા ત્યારે લોકો તેમને એક બિનરાજકીય, ચોખ્ખી છાપવાળા અર્થશાસ્ત્રી તરીકે જોતા હતા. તેમને પૂછવામાં આવ્યું કે ભવિષ્યમાં લોકો તેમને કઈ રીતે જોશે?

ત્યારે તેમણે જણાવ્યું હતું, "હું જેવો પહેલાં હતો, તેવો જ આજે પણ છું. તેમાં કોઈ પરિવર્તન નથી થયું. મેં સંપૂર્ણ સમર્પણ અને પ્રામાણિકતા સાથે દેશની સેવા કરવાની કોશિશ કરી છે. મેં ક્યારેય મારા પદનો ઉપયોગ મારા મિત્રો કે સંબંધીઓના ફાયદા માટે નથી કર્યો."

મનમોહનસિંહની સરકાર પર વિપક્ષનો એવો આરોપ પણ હતો કે તેમની સરકાર સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીના ઇશારે ચાલે છે

મનમોહનસિંહે જવાબમાં કહ્યું, "તેમાં કોઈ નુકસાન નથી. પાર્ટી અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને લાગે છે કે તેમનો અમુક દૃષ્ટિકોણ સરકારના વિચારોમાં પ્રતિબિંબિત થવું જોઈએ તો એ વાતમાં કંઈ ખોટું નથી. સોનિયા ગાંધી અથવા રાહુલ ગાંધી સરકારની મદદ માટે જ છે."

છબિ સાથે જોડાયેલા પ્રશ્નો

પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ પંજાબ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યા બાદ કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં માસ્ટર્સ કરવા ગયા હતા. તેમણે ઑક્સફર્ડથી ડી. ફિલ કર્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ પંજાબ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યા બાદ કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં માસ્ટર્સ કરવા ગયા હતા. તેમણે ઑક્સફર્ડથી ડી. ફિલ કર્યું

આ પ્રેસ-કૉન્ફરન્સમાં મનમોહનસિંહે પ્રશ્ન કરવામાં આવ્યો કે ભાજપ અને નરેન્દ્ર મોદી (ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી) તમારા પર નબળા વડા પ્રધાન હોવાનો આરોપ કરે છે, ત્યારે તેમણે જણાવ્યું હતું તેઓ નથી માનતા કે તેઓ નબળા વડા પ્રધાન છે.

તેમનું કહેવું હતું, "એે નિર્ણય ઇતિહાસ કરશે. ભાજપ અને તેના સહયોગીઓએ જે બોલવું એ બોલે. જો તેમનો મતલબ મજબૂત વડા પ્રધાન બનવું એટલે અમદાવાદના રસ્તાઓ પર નિર્દોષ નાગરિકોની હત્યા થાય તેવો હોય, તો હું નથી માનતો કે દેશને આવા મજબૂત વડા પ્રધાનની જરૂર છે."

મનમોહનસિંહના કાર્યકાળમાં આરટીઆઇ, મનરેગા, ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન અને અન્ય કેટલાંક ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ કામ થયાં. જોકે, આ દરમિયાન આર્થિક મંદી, મોંઘવારી અને ભ્રષ્ટાચારના આરોપોને કારણે તેમની સરકાર મુશ્કેલીમાં હતી.

તેમણે જણાવ્યું કે, "સમગ્ર દુનિયામાં આર્થિક સંકટ, યુરો ઝોનનું સંકટ અને દુનિયાના અન્ય દેશોમાં રહેલા સંકટને જોતાં હું માનું છું કે વિકાસ માટે મેં અનેક સારાં કામ કર્યાં છે, જેને અમે છેલ્લાં દસ વર્ષથી જાળવી રાખ્યાં છે. મને નથી લાગતું કે અમારો કાર્યકાળને અસફળ ગણવામાં આવશે."

પ્રેસ-કૉન્ફરન્સમાં તેમને એ પ્રશ્ન પણ પુછાયો હતો કે તેઓ ચોખ્ખી છબિ સાથે આવ્યા હતા, પરંતુ દસ વર્ષ પછી તેઓ પોતાની છબિને કેવી જોઈ રહ્યા છે? દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર કૉંગ્રેસના કથિત ભ્રષ્ટાચારના વિરુદ્ધ જ આવી છે.

મનમોહનસિંહે જવાબ આપતાં જણાવ્યું કે, "લોકોએ દિલ્હીમાં આમ આદમી પાર્ટી પર ભરોસો કર્યો છે. મને લાગે છે કે આપણે લોકશાહીની પ્રક્રિયાનું સન્માન કરવું જોઈએ. સમય જ એ વાતનો જવાબ આપશે કે આ પ્રકારના પ્રયોગ શું આર્થિક અને રાજકીય પડકારોને પહોંચી વળવા સક્ષમ છે કે કેમ?."

આની સાથે જોડાયેલ અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, "ભ્રષ્ટાચાર એક મુદ્દો છે અને નિશ્વિત રીતે "આપ" પાર્ટી આ મુદ્દાને સાથે લઈ સફળ થઈ, પરંતુ ભ્રષ્ટાચાર ખતમ કરવામાં સફળ થશે કે નહીં તેનો જવાબ સમય જ આપશે. મને લાગે છે કે ભ્રષ્ટાચારને પહોંચવું સહેલું કામ નથી. આપણે સાથે મળી આ માટે કામ કરવું પડશે. આ કામ માત્ર એક પાર્ટી ન કરી શકે."

આ દરમિયાન અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીની હાર થઈ હતી, તેથી તેમને સવાલ કરવામાં આવ્યો કે બધા કહી રહ્યા છે કે મનમોહનસિંહ સરકારની નકારાત્મક છાપના કારણે કૉંગ્રેસ પાર્ટીની કારમી હાર થઈ રહી છે, આ અંગે શું કહેશો?

મનમોહનસિંહે પોતાની સરકાર પર લાગેલા આરોપ અંગે કહ્યું, "હું એવું નથી માનતો અને જો તમને લાગે કે એવા લોકો છે જે આવું માને છે, તો હું તેના વિશે કંઈ ન કરી શકું. મેં શું કર્યું અને શું ન કર્યું તે ઇતિહાસકારોએ નક્કી કરવાનું છે."

જ્યાં સુધી મારો પ્રશ્ન છે તો મેં આર્થિક મંદીની હાલત અને અન્ય પરિસ્થિતિઓમાં સારું કામ કર્યું છે. અમે અમારાં નવ વર્ષના શાસનકાળમાં ભારતની આઝાદી પછી સૌથી વધારે વિકાસદરને જાળવી રાખ્યો છે."

સૌથી સારો સમય કયો રહ્યો?

મનમોહનસિંહ 1999માં લોકસભાની ચૂંટણી હાર્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મનમોહનસિંહ 1999માં લોકસભાની ચૂંટણી હાર્યા હતા

મનમોહનસિંહે આ પ્રેસ-કૉન્ફરન્સમાં અગાઉથી જ જણાવી દીધું હતું કે તેઓ કૉંગ્રેસ કે યુપીએ તરફથી વડા પ્રધાનપદ માટેનો ચહેરો નહીં હોય. પ્રેસ-કૉન્ફરન્સ દરમિયાન તેમને પોતાના કાર્યકાળ દરમિયાન સૌથી સારો અને સૌથી ખરાબ સમય કયો રહ્યો એ અંગે પણ પૂછવામાં આવ્યું.

મનમોહનસિંહે કહ્યું કે તેમને આ અંગે યાદ કરવામાં સમય લાગશે. જોકે, તેમણે અમેરિકા સાથે થયેલા પરમાણુ કરારને તેમની સરકારની મોટી ઉપલબ્ધિ ગણાવી હતી.

નોંધનીય છે કે અમેરિકા સાથે પરમાણુ કરાર કરવા મુદ્દે મનમોહનસિંહની યુપીએ-1 સરકાર પર ખતરો ઊભો થઈ ગયો હતો, કારણ કે લેફ્ટિસ્ટ પાર્ટીઓએ આ મુદ્દે સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું હતું.

મનમોહનસિંહ ભારતના પ્રથમ શીખ વડા પ્રધાન હતા અને તેમનાથી વર્ષ 1984માં થયેલાં શીખવિરોધી રમખાણો અને પીડિતોને ન્યાય સંબંધિત પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું, "અમારી સરકારે આ મામલે ઘણું બધું કર્યું છે અને મેં સંસદમાં અમારી સરકાર તરફથી શીખ સમુદાયની સાર્વજનિકપણે માફી માગી હતી. કોઈની જિંદગીના બદલામાં કોઈ વળતર ન આપી શકે, પણ જ્યાં સુધી સંભવ હતું, અમે પીડિત પરિવારોને મદદ કરી છે."

મનમોહનસિંહને પૂછવામાં આવ્યું કે શું તમને તમારા કાર્યકાળમાં કોઈ વાતનો પસ્તાવો થાય છે? ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "મેં એ વિશે ઝાઝું વિચાર્યું નથી, પરંતુ હું સ્વાસ્થ્ય ક્ષેત્રે, મહિલાઓ, બાળકોના સ્વાસ્થ્ય મામલે ઘણું બધું કરવા માગું છું."

"અમે જે ગ્રામીણ સ્વાસ્થ્ય મિશનની શરૂઆત કરી હતી તેનાથી ખૂબ સારાં પરિણામો મળ્યાં છે, પરંતુ હજુ આ દિશામાં વધારે કામ કરવાની જરૂર છે."

મનમોહનસિંહને પુછાયું હતું કે, "તમારા વિશે કહેવાય છે કે તમે એક ઓવરરેટેડ અર્થશાસ્ત્રી અને અંડરરેટેડ રાજકારણી છો, આ અંગે તમે શું માનો છો?"

ત્યારે તેમણે જણાવ્યું હતું, "તમે કે દેશ મારા વિશે શું વિચારે છે, એ એવી વાત છે કે જેની હું કલ્પના પણ ન કરી શકું. હું જ્યારે વડા પ્રધાન બન્યો હતો, ત્યારે સામાન્યપણે એવું મનાતું કે કૉંગ્રેસે ક્યારેય ગઠબંધનની સરકાર નથી ચલાવી, પરંતુ કૉંગ્રેસે બે કાર્યકાળ સુધી ગઠબંધનની સરકાર ચલાવવામાં સફળતા મેળવી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.