કોલકતામાં ડૉક્ટરોના વિરોધપ્રદર્શન દરમિયાન હિંસા, ભીડ દ્વારા હૉસ્પિટલમાં તોડફોડ

ઇમેજ સ્રોત, ANI
કોલકતાની આરજી કર મેડિકલ કૉલેજમાં મહિલા તબીબની સાથે દુષ્કર્મ તથા હત્યા મામલે ડૉક્ટરો વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે 14 અને 15 ઑગ્સ્ટની મધ્યરાત્રિએ અજાણ્યા શખ્સોની ભીડે હૉસ્પિટલ પરિસરમાં પ્રવેશ કરીને પ્રદર્શનસ્થળ, વાહનો તથા સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું.
કોલકતાના પોલીસ કમિશનર વિનીતકુમારના કહેવા પ્રમાણે મીડિયાના અપપ્રચારને કારણે આ બધું ઘટ્યું હતું અને મોડી રાત્રે જ ભીડને વિખેરી નાખવામાં આવી હતી.
દરમિયાન પશ્ચિમ બંગાળનાં સત્તાધારી પક્ષ તૃણમુલ કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચીવ તથા લોકસભામાં સંસદસભ્ય અભિષેક બેનરજીએ કહ્યું હતું કે આરજી કરમાં ગુંડાગીરી તથા બર્બરતાએ સ્વીકાર્ય સીમાઓ ઓળંગી દીધી છે.
તેમણે માગ કરી હતી કે જે લોકોએ હિંસા આચરી હોય તેમને 24 કલાકની અંદર ઓળખી લેવામાં આવે તથા તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે.
બીજી બાજુ, રાજ્યમાં વિરોધપક્ષના નેતા શુભેન્દુ અધિકારીનો આરોપ છે કે હુમલાખોર ટીએમસીના ગુંડા હતા.
વિનીત કુમારે કહ્યું હતું કે માત્ર અફવાઓના આધારે તેઓ પીજીના વિદ્યાર્થીની ધરપકડ ન કરી શકે. "મારા આત્માને એ મંજૂર નથી." વિનીતકુમારના કહેવા પ્રમાણે, 'આ મામલે પોલીસ ઉપર મીડિયાનું ભારે દબાણ છે.'
વિનીત કુમારે ઉમેર્યું, "અમે અત્યાર સુધી યોગ્ય તપાસ કરી છે તથા મને તેમાં કોઈ શંકા નથી. હવે સીબીઆઈ આ કેસની તપાસ કરશે. તે નિષ્પક્ષ તપાસ કરશે. અમે સીબીઆઈને પૂરો સહકાર આપીશું."
મોડીરાત્રે શું થયું ?

ઇમેજ સ્રોત, ANI
બીબીસી સંવાદદાતા સલમાન રાવીએ મોડી રાત્રે પ્રદર્શનસ્થળે જે કંઈ બન્યું, તેનો આંખે દેખ્યો અહેવાલ જણાવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે, અજાણ્યા શખ્સો આરજી કર હૉસ્પિટલમાં ઘૂસી ગયા હતા, એ પછી સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન મીડિયાને પણ ટાર્ગૅટ કરવામાં આવ્યાં હતાં. કૅમેરાપર્સન ઉપર હુમલા થયા. ત્યાં રહેલી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી. કેટલાક પત્રકાર ઘણો સમય સુધી ફસાયેલા રહ્યા.
ઘટનાસ્થળે પણ ભારે તોડફોડ થઈ હતી. ત્યાંના વીડિયોમાં અનેક વાહન તથા હૉસ્પિટલ પરિસરમાં ભારે તોડફોડ થઈ હોવાનું માલૂમ પડે છે.
હિંસા પછી આરજી કર હૉસ્પિટલના તબીબોએ વીડિયો સંદેશ પણ બહાર પાડ્યો હતો.
હિંસા મુદ્દે રાજકારણ

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અભિષેક બેનરજીએ ટ્વીટ કરીને લખ્યું, "એક જનપ્રતિનિધિ તરીકે મેં હમણાં જ કોલકતા પોલીસ કમિશનર સાતે વાત કરી હતી. મેં તેમને આગ્રહ કર્યો હતો કે હિંસા માટે જવાબદાર એક-એક શખ્સને ઓળખીને આગામી 24 કલાકમાં તેમની સામે કાર્યવાહી થાય, ચાહે તે ગમે તે રાજકીય પક્ષની નજીક કેમ ન હોય. પ્રદર્શનકારી તબીબોની માગો વ્યાજબી તથા ન્યાયસંગત છે. આ એકદમ પાયાની બાબતો છે, જેની તેઓ સરકાર પાસેથી અપેક્ષા કરે છે. તેમને સુરક્ષા મળવી જોઈએ."
બીજી બાજુ ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ લખ્યું, "મમતા બેનરજી આરજી કર મેડીકલ કૉલેજ અને હૉસ્પિટલ પાસે ચાલી રહેલા બિનરાજકીય પ્રદર્શનમાં ટીએમસીના ગુંડા મોકલ્યા. તેમને લાગે છે કે આખી દુનિયામાં તેઓ જ સૌથી સમજદાર વ્યક્તિ છે અને લોકોને માલૂમ નહીં પડે કે કેવી રીતે તેમણે પોતાના ગુંડાઓને પ્રદર્શનકારીઓના વેશમાં આરજી કર મેડિકલ કૉલેજ મોકલ્યા."
શુભેન્દુ અધિકારીનું કહેવું છે કે તોડફોડ કરનારાઓને પોલીસે સલમામત રીતે પ્રવેશવા દીધા હતા, જેથી કરીને ભીડ હૉસ્પિટલ પરિસરમાં રહેલા મહત્ત્વપૂર્ણ પુરાવાનો નાશ કરી શકે તથા આ સબૂત સીબીઆઈને ન મળે.
શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું કે આ ભીડે તબીબોના પ્રદર્શનસ્થળે જઈને મંચ તોડી પાડ્યો હતો, જેનાથી સ્પષ્ટ થાય છે કે તે ટીએમસીના ગુંડા હતા. જો કોઈ પ્રદર્શનકારીઓનું સમર્થન કરવા આવ્યું હોય, તો તેઓ આ મંચને તોડે ?
અધિકારીએ સવાલ ઉઠાવ્યો હતો કે જો સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ પ્રદર્શન થયાં, પરંતુ માત્ર આરજી કરમાં જ શા માટે હિંસા થઈ ? તેમણે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સમક્ષ તત્કાળ દખલ દેવાની માગ કરી હતી અને માગ કરી હતી કે સીબીઆઈએ હિંસાને પણ ધ્યાને લેવી જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












