અમદાવાદ પ્લેન ક્રૅશ : તપાસના પ્રારંભિક રિપોર્ટ પછી બધી ઍરલાઇન કંપની ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચની ચકાસણી કેમ કરી રહી છે?

ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ ઍવિયેશન (ડીજીસીએ)એ સોમવારે બૉઇંગ 787 અને 737 વિમાનોની ફ્યૂઅલ સ્વિચ લૉકિંગ સિસ્ટમની ચકાસણી કરવાની તમામ ઍરલાઇનોને સૂચના આપી છે.

અમદાવાદમાં ગયા મહિને થયેલી વિમાન દુર્ઘટના અંગે એએઆઈબી (વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો)નો પ્રાથમિક રિપોર્ટ આવ્યા પછી આ સૂચના અપાઈ છે. રિપોર્ટમાં જણાવાયું હતું કે ઍર ઇન્ડિયાના પ્લેન ક્રૅશ અગાઉ ફ્યૂઅલ સ્વિચ બંધ થઈ ગઈ હતી.

12 જૂન, 2025ના થયેલી દુર્ઘટનામાં કુલ 260 લોકોનાં મોત થયાં હતાં. પ્રાથમિક તપાસ અહેવાલ બહાર આવ્યા પછી ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચની સુરક્ષા ચર્ચાનો વિષય બની છે.

અગાઉ અમેરિકન ફેડરલ ઍવિયેશન ઍડમિનિસ્ટ્રેશન (એફએએ)એ વર્ષ 2018માં જણાવ્યું હતું કે "બૉઇંગ વિમાનોમાં વપરાતી ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચ સુરક્ષિત છે."

એફએએએ બીબીસી સાથે શૅર કરેલી આંતરિક નોટમાં જણાવ્યું કે "બૉઇંગનાં વિવિધ મૉડલોમાં ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચનાં ડિઝાઇન અને લૉકિંગ ફીચર એક સરખાં છે.

એફએએ તેને એટલું અસુરક્ષિત નથી માનતું કે 787 સહિત કોઈ પણ મૉડલ માટે ઉડાન ભરવા માટે વિમાનને સુરક્ષિત બનાવવા માટે કોઈ નિર્દેશ આપવા પડે."

એફએએએ એમ પણ જણાવ્યું કે તે અન્ય દેશોની સિવિલ ઍવિયેશન ઑથોરિટી સાથે આની માહિતી શૅર કરશે.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ ભારતની અલગ અલગ ઍરલાઇનો 150થી વધારે બૉઇંગ 737 અને 787 વિમાનોનું સંચાલન કરે છે.

તેમાં ઍર ઇન્ડિયા, ઍર ઇન્ડિયા એક્સપ્રેસ, આકાશા ઍર, સ્પાઇસ જેટ અને ઇન્ડિગો સામેલ છે.

પીટીઆઈ મુજબ "ઇન્ડિગો પાસે સાત બૉઇંગ 737 મૅક્સ 8 વિમાનો અને એક બૉઇંગ 787-9 વિમાન છે. આ તમામ વિમાનો લીઝ પર લેવાયેલાં છે જેથી ભારતમાં રજિસ્ટર્ડ નથી."

અમેરિકન ફેડરલ ઍવિયેશન ઍડમિનિસ્ટ્રેશને 2018માં એક વિશેષ બુલેટિન દ્વારા 787 અને 737 સહિત કેટલાક બૉઇંગ મૉડલોમાં ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચ લૉકિંગ ફીચર સંભવતઃ નિષ્ક્રિય હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

પરંતુ આ ચેતવણી પછી પણ કોઈ 'બંધનકર્તા સુરક્ષા નિર્દેશ' (ઍરવર્ધીનેસ ડાયરેક્ટિવ) ઇશ્યૂ કરાયા ન હતા. તેનો અર્થ એ થયો કે હાલમાં તે 'સુરક્ષાને લગતી ચિંતા'નો વિષય નથી.

ડીજીસીએએ શું કહ્યું?

ડીજીસીએએ સોમવારે જણાવ્યું કે કેટલાક આંતરરાષ્ટ્રીય અને ડૉમેસ્ટિક ઑપરેટરોએ એફએએના એસએઆઈબી મુજબ પોતાનાં વિમાનોની તપાસ શરૂ કરી હોવાનું તેના ધ્યાનમાં આવ્યું છે.

પીટીઆઈ મુજબ ડીજીસીએએ પોતાના આદેશમાં કહ્યું કે, "સંબંધિત વિમાનોના તમામ ઍરલાઈન ઑપરેટરોને સલાહ આપવામાં આવે છે કે 21 જુલાઈ 2025 સુધી તેની તપાસ પૂરી કરે અને તેનો રિપોર્ટ કાર્યાલયને સોંપવામાં આવે."

ડીજીસીએએ પોતાના ઑર્ડરમાં કહ્યું કે "નિર્ધારિત સમયમર્યાદાનું ચુસ્ત રીતે પાલન કરવું એ વિમાનોની નિરંતર ઉડાન યોગ્યતા (ઍરવર્ધીનેસ) અને સંચાલનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે."

ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચ વિમાનનાં ઍન્જિનોમાં ફ્યુઅલના પ્રવાહને નિયંત્રિત કરે છે. એએઆઈબીએ શનિવારે બૉઇંગ 787-8 દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ આપ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે "વિમાનનાં બંને ઍન્જિનનો ફ્યૂઅલ સપ્લાય એક સેકન્ડની અંદર બંધ કરવામાં આવ્યો હતો."

તેના કારણે ટેક-ઑફ પછી તરત કૉકપિટમાં ગુંચવણની સ્થિતિ પેદા થઈ હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "કૉકપિટના વૉઇસ રેકૉર્ડિંગમાં એક પાઇલટ બીજાને પૂછે છે કે તેણે સ્વિચ શા માટે બંધ કરી? ત્યારે બીજા પાઇલટે જવાબ આપ્યો કે તેણે આવું નથી કર્યું."

ઍર ઇન્ડિયાએ ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચની ચકાસણી શરૂ કરી

ઍર ઇન્ડિયાએ પોતાનાં બૉઇંગ 787 અને 737 વિમાનોમાં ફ્યૂઅલ સ્વિચ લૉકિંગ સિસ્ટમની ચકાસણી પહેલેથી શરૂ કરી દીધી છે.

પીટીઆઈ મુજબ ઍર ઇન્ડિયાનાં મોટાં ભાગનાં બૉઇંગ 787 વિમાનોની તપાસ પૂરી થઈ ગઈ છે. જ્યારે 737 વિમાનોની તપાસ લગભગ પૂરી થઈ જશે.

ટાટા જૂથની માલિકીની ઍર ઇન્ડિયા પાસે કુલ 33 વાઇડ બૉડીનાં બૉઇંગ 787 વિમાનો છે, જ્યારે ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસ પાસે લગભગ 75 સાંકડી બૉડીનાં 737 વિમાનો છે.

પીટીઆઈ મુજબ ઍર ઇન્ડિયાએ સ્વેચ્છાએ અગમચેતીનાં પગલાં તરીકે આ ચકાસણી શરૂ કરી છે.

આકાશા ઍર અને સ્પાઇસ જેટ બૉઇંગ 737 વિમાનોનું સંચાલન કરે છે. ઇન્ડિગો ઍરલાઇન્સ પણ બૉઇંગ 787 અને 737 ઉડાવે છે. પરંતુ બધાં વિમાન વિદેશી ઍરલાઇન પાસેથી લીઝ પર લેવાયેલાં છે તેથી તેનાં પર ડીજીસીએના આદેશ લાગુ નથી થતા.

એએઆઈબીના રિપોર્ટ પછી એતિહાદ ઍરવેઝ સહિત દુનિયાભરની અન્ય ઍરલાઇનોએ પણ પોતાનાં બૉઇંગ 787 વિમાનોમાં ફ્યૂઅલ સ્વિચ લૉકિંગ સિસ્ટમની તપાસ શરૂ કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન