વાદળો અંદરથી ખરેખર કેવાં દેખાય છે, પહેલી વખત અંતરિક્ષમાં લેવાયેલી તસવીરથી હવામાન વિશે શું જાણી શકાશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જોનાથન અમોસ
- પદ, વિજ્ઞાન સંવાદદાતા
યુરોપિયન યુનિયન અને જાપાની સ્પેસ એજન્સીએ સ્ટૉર્મ ક્લાઉડની આંતરિક રચનાની અગાઉ ક્યારેય જોવા ન મળી હોય તેવી સ્પેસ ઇમેજ પ્રકાશિત કરી છે.
આ છબી ઝડપવા માટે તેમના અર્થકેર ઉપગ્રહે ડૉપ્લર રડારનો ઉપયોગ કર્યો હતો.
તેના ડેટા વાદળોમાંના બરફ, હિમ અને વરસાદની ઘનતા તેમજ આ કણો પૃથ્વી પર કેટલી ઝડપે પડી રહ્યાં છે તેની વિગત દર્શાવે છે.
વાદળો આબોહવા પર કેવી રીતે અસર કરે છે તેને વધારે સારી રીતે સમજવા માટે આ અર્થકેર મિશનને મે મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું.
વિજ્ઞાનીઓને આશા છે કે 85 કરોડ યુરોના આ અવકાશયાનના અવલોકનોથી હવામાનની આગાહી પણ વધુ સારી રીતે કરી શકાશે.
તે હાલ જે પ્રકારની ઇમેજ આપે છે તે ભ્રમણકક્ષામાંથી નહીં, પરંતુ સામાન્ય રીતે રિસર્ચ પ્લૅન્સ અને જમીન પરના સંશોધન મથકો દ્વારા મેળવવામાં આવે છે.
વાદળોમાં ક્યાં ક્યાં પાણી સંગ્રહાયેલું છે એ પણ જાણી શકાશે

ઇમેજ સ્રોત, ESA
યુરોપિયન સેન્ટર ફૉર મિડિયમ-રૅન્જ વેધર ફોરકાસ્ટ્સ (ઈસીએમડબલ્યુએફ)ના મિશન સાયન્ટિસ્ટ ડૉ. રૉબિને હૉગને કહ્યું હતું, "અર્થકેર તરફથી મળેલી રડાર ઇમેજીસ જોઈને હું રોમાંચિત થઈ ગયો છું. તેના દ્વારા આપણે જમીન પરનાં મુઠ્ઠીભર રડાર સ્ટેશનો પરથી જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં બરફના સ્ફટિકો, વરસાદનાં ટીપાં અને સ્નોફ્લેકસના પડવાની ગતિને માપી શકીએ છીએ."
તેમણે બીબીસી ન્યૂઝને કહ્યું હતું, "આ એક મહાન તકનીકી સિદ્ધિ છે. અમે પવનની માત્ર એક મીટર પ્રતિ સેકન્ડની ગતિનો તાગ મેળવવા માટે રડારા ઈકોમાંની નાની ડોપ્લરસ શિફ્ટનો ઉપયોગ કરી રહ્યા છીએ. તે પોતાની ભ્રમણકક્ષામાં સાત કિલોમીટર પ્રતિસેકન્ડની ઝડપે ફરી રહેલા ઉપગ્રહ વડે થઈ રહ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાપાનની પૂર્વમાં પેસિફિક મહાસાગરની ઉપર તેરમી જૂને સેમ્પલ ક્લાઉડ જોવા મળ્યું હતું.
વાદળામાં પાણી ક્યાં-ક્યાં સંગ્રહાયેલું છે તે આ ઇમેજમાં જોઈ શકાય છે. મોટા કણો વાદળની મધ્યમાં હોય છે.
વેગ માપન દર્શાવે છે કે બરફના સ્ફટિકો અને સ્નૉફ્લૅક્સ કાં તો લટકેલા છે અથવા તો ધીમે ધીમે પડી રહ્યા છે. લગભગ પાંચ કિલોમીટરની ઊંચાઈ પર એક સ્પષ્ટ સીમા છે, જ્યાં બરફ અને હિમ પીગળે છે, પાણીનાં ટીપાં બનાવે છે. એ ટીપાં બાદમાં વરસાદ સ્વરૂપે વરસે છે.

20 વર્ષથી થઈ રહ્યું હતું સંશોધન

ઇમેજ સ્રોત, ESA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઘનતા, કદના વિસ્તાર અને વિવિધ પાર્ટિકલ્સની હિલચાલના વિશ્લેષણ દ્વારા વિજ્ઞાનીઓને વાદળોની રચના તથા વર્તન સંબંધી ભૌતિકશાસ્ત્રમાં વધુ સ્પષ્ટ સમજણ મેળવવાની આશા છે.
વધુને વધુ ગરમ થતા વિશ્વમાં વાદળો ચોક્કસ કેવી ભૂમિકા ભજવતાં હોય છે તે બધા જાણવા ઈચ્છે છે.
નિમ્ન-સ્તર પરના કેટલાક વાદળો સૂર્યપ્રકાશને સીધો અવકાશમાં પ્રતિબિંબિત કરીને પૃથ્વીને ઠંડી રાખતા હોય છે, જ્યારે ઊંચાઈ પર આવેલા અન્ય વાદળો ધાબળા જેવું કામ કરે છે અને સૂર્યની ઊર્જાને ફસાવે છે.
તેમાં સંતુલન ચોક્કસ કઈ જગ્યાએ છે તે જાણવાનો પ્રયાસ અર્થકેર મિશન કરશે.
તે ગ્રીનહાઉસ ગેસના વધતા પ્રમાણ સામે આબોહવા કેવી રીતે પ્રતિસાદ આપે છે તેની આગાહી માટે ઉપયોગમાં લેવાતા કમ્પ્યૂટર મૉડેલ્સની મોટી ગડમથલ પૈકીની એક છે.
ડૉ. હોગાને કહ્યું હતું, "આ માત્ર શરૂઆત છે.અર્થકેર ઉપર અન્ય ત્રણ ઉપકરણો છે. તેને વારાફરતી ચાલુ કરવામાં આવી રહ્યાં છે. રડાર સાથે તેનો ઉપયોગ અમે વાદળોના રહસ્યો અને આબોહવા પ્રણાલીમાં તેમની ભૂમિકાને ઉજાગર કરવા માટે કરીશું."
તેમણે બીબીસી ન્યૂઝને એમ પણ હતું, "મારા સહિતની અર્થકેરની ઘણી ટીમ છેલ્લાં 20 વર્ષથી આ સેટેલાઇટના લૉન્ચિંગની તૈયારી કરી રહી હતી. તેથી તેમાંથી ડેટા મળવાનું શરૂ થવું તે અવિશ્વસનીય રીતે રોમાંચક છે."












