You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ધ કશ્મીર ફાઇલ્સ'વિવાદ : ઇઝરાયલના રાજદૂતે કહ્યું, "લપિડ તમને શરમ આવવી જોઈએ"
- ઇઝરાયલના ફિલ્મમૅકર નદાવ લપિડે આઈએફએફઆઈમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુરની હાજરીમાં ‘કશ્મીર ફાઇલ્સ’ ફિલ્મની ટીકા કરી હતી
- તેમણે પોતાના નિવેદનમાં ફિલ્મને ‘બેઢંગ અને પ્રૉપેગૅન્ડા’ ગણાવી હતી
- નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આવી હતી
- ભારતમાં ઇઝરાયલના રાજદૂત નાઓર જીલને લપિડના નિવેદનની ટીકા કરી હતી અને ભારતની માફી માગી છે
ગોવામાં 53મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ (આઈએફએફઆઈ)માં ફેસ્ટિવલના જ્યૂરી ચૅરમૅન ઇઝરાયલી ફિલ્મમૅકર નદાવ લપિડે ‘કશ્મીર ફાઇલ્સ’ને ‘પ્રૉપેગૅન્ડા અને બેઢંગ’ ગણાવતાં વિવાદ સર્જાયો છે.
સોમવારે 53મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાનો સમાપન સમારોહ હતો અને ચૂંટાયેલી ફિલ્મોની જાહેરાત પહેલાં નદાવ લપિડે મંચ પર બોલાવવામાં આવ્યા.
લપિડે કહ્યું, "અમે ડેબ્યૂ કૉમ્પિટિશનમાં સાત ફિલ્મો અને ઇન્ટરનેશનલ કૉમ્પિટિશનમાં 15 ફિલ્મો જોઈ. તેમાંથી 14 ફિલ્મો સિનેમૅટિક ગુણવત્તાની હતી અને તેમણે અત્યંત શાનદાર ચર્ચાને પ્રેરી."
"15મી ફિલ્મ ‘કશ્મીર ફાઇલ્સ’ને જોઈને અમે બધા વિચલિત અને આશ્ચર્યચકિત થઈ ગયા. તે એક પ્રૉપેગૅન્ડા અને અશ્લીલ ફિલ્મ જેવી હતી. જોકે આ પ્રકારના પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલની કલાત્મક સ્પર્ધા માટે અયોગ્ય હતી."
તેમના આ નિવેદન બાદ વિવાદ વધુ વકર્યો હતો અને ‘કશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને ભારતમાં ઇઝરાયલના રાજદૂતનાં પણ નિવેદન આવ્યાં હતાં.
લપિડે પોતાના ભાષણમાં આગળ કહ્યું હતું, "આ મંચ પરથી મુક્ત મને લાગણીઓ શૅર કરતાં હું સહજ મહેસૂસ કરી રહ્યો છું, કારણ કે આ ફેસ્ટિવલનો આત્મા ગંભીર વાદવિવાદને નિશ્ચિતપણે સ્વીકાર કરી શકે છે, જે કે કલા અને જિંદગી માટે જરૂરી છે."
પોતાનું ભાષણ શરૂ કરતાં પહેલાં લપિડે કહ્યું કે સામાન્યપણે તેઓ લેખિત ભાષણ નથી આપતા, પરંતુ હાલ તેઓ ‘લેખિત ભાષણ વાંચશે, કારણ કે તેઓ સટીક’ રીતે પોતાની વાત કરવા માગે છે.
આ સમારોહમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમારોહ પહેલાં અનુરાગ ઠાકુરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, "હું સારામાં સારી ફિલ્મો જોવાનું પસંદ કરું છું અને સારી ફિલ્મો બને તે માટે પ્રયાસ પણ કરું છું. "
લપિડના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં પણ વિવાદ થઈ રહ્યો છે.
વિવેક રંજન અગ્નિહોત્રીએ શું કહ્યું?
લપિડના નિવેદન બાદ ‘કશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક રંજન અગ્નહોત્રી તરફથી કોઈ આધિકારિક નિવેદન નથી આવ્યું.
જોકે, વિવેક અગ્નિહોત્રીએ મંગળવારે એક એવું ટ્વીટ કર્યું જેને નિવેદન સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
વિવેક અગ્નિહોત્રીએ લખ્યું, "સુપ્રભાત, સત્ય સૌથી ખતરનાક વસ્તુ છે. આનાથી લોકો જૂઠ બોલવા લાગે છે."
ઇઝરાયલના રાજદૂતે લખ્યો ખુલ્લો પત્ર
ડેક્કન હેરાલ્ડ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર આ સમગ્ર વિવાદ બાદ ભારતમાં ઇઝરાયલના રાજદૂત નાઓર જીલને મંગળવારે આઇએફએફઆઈ અને લપિડને ખુલ્લો પત્ર લખ્યો હતો. જેમાં તેમણે ભારતની માફી પણ માગી છે.
લપિડના નિવેદન પર ભારતમાં ઇઝરાયલના રાજદૂત નૂર ગિલોને ભારતની માફી માગી છે અને કહ્યું છે કે, ભારતની યજમાની અને મિત્રતાના બદલે લપિડના આવા નિવેદન માટે હું શરમ અનુભવું છું અને માફી માગું છું.
ગિલોને નદાવ લપિડના નામે ટ્વીટ કરીને એક ખુલ્લો પત્ર લખ્યો. જેમાં તેઓએ કહ્યું હતું કે, “નદાવ લપિડનું કશ્મીર ફાઇલ્સને લઈને આપવામાં આવેલું નિવેદન અને તેને લઈને કરવામાં આવેલી ટીકા પર મારો નદાવને ખુલ્લો પત્ર.”
“આ પત્ર હિબ્રૂમાં લખી રહ્યો નથી, કારણ કે હું ઇચ્છું છું કે મારા ભારતીય ભાઈ અને બહેન મારી વાત સમજે. આ પત્ર થોડો લાંબો છે, તેથી પહેલાં હું મુદ્દાની વાત કહી દઉં છું- ‘તમને (નદાવ લપિડ) શરમ આવવી જોઈએ.’”
ભારતીય સંસ્કૃતિમાં કહેવાઈ રહ્યું છે કે, મહેમાન ભગવાન હોય છે. આ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરીની પેનલની અધ્યક્ષતા માટેના ભારતીય આમંત્રણનો દુરુપયોગ કર્યો છે.
સાથે જ ભારતે તમારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તમારું સન્માન અને અતિથિ સત્કાર કર્યો એ તેમનું અપમાન છે. આપણા ભારતીય મિત્રોએ ફૌદા સિરીઝના અભિનેતા લિયો રૈઝ અને નિર્માતા એવી ઇઝાશેરોફને પણ બોલાવ્યા હતા, જેથી આ સિરીઝને સેલિબ્રેટ કરવામાં આવે. મને લાગે છે કે, તમને ઇઝરાયલી તરીકે આમંત્રિત કરવાનું એક કારણ આ પણ હતું.
તમારા વ્યવહારને ‘વાજબી’ ઠેરવવા માટે તમારી આત્મનિરીક્ષણ કરવાની આદતને સમજી શકું છું, પરંતુ હું એ સમજી શકતો નથી કે, ત્યારબાદ તમે કેમ એક ચેનલને કહ્યું કે, હું (નૂર ગિલોન) અને મંત્રી (અનુરાગ ઠાકુર) બંનેએ સ્ટેજ પર કહ્યું કે, આપણા બંને દેશોમાં સમાનતા છે- “અમે એક જ દુશ્મન સામે લડી રહ્યા છે અને ખરાબ પાડોશી સાથે રહીએ છે.”
અમે ઇઝરાયલ અને ભારત વચ્ચે સમાનતા વિશે વાત કરી. મંત્રી (અનુરાગ ઠાકુર) એ તેમના ઇઝરાયલ પ્રવાસ અંગે વાત કરી, ત્યાંની ઉચ્ચ ટેકનોલોજીની વાત કરી અને ફિલ્મ ઉદ્યોગની દુનિયામાં સાથે કામ કરવાની આશા વ્યક્ત કરી. મેં પણ કહ્યું કે, ‘અમે લોકો ભારતીય ફિલ્મો જોઈને મોટા થયા છે.’
મેં એ પણ કહ્યું હતું કે, આપણે વિનમ્ર હોવું જોઈએ કે ભારતમાં સારી ફિલ્મ સંસ્કૃતિ હોવા છતાં, તેઓ ઇઝરાયલની સામગ્રી જોઈ રહ્યા છે. (ફૌદા અને બીજા ઘણા શો)
મને ફિલ્મો વિશે જાણકારી નથી, પરંતુ મને એ ખબર છે કે, આ નિવેદન અસંવેદનશીલ અને અભિમાનથી ભરેલું છે, જે એક ઐતિહાસિક ઘટનાના સંપૂર્ણ અભ્યાસ વિના આપવામાં આવ્યું છે. આ ભારતમાં એક તાજા ઘા જેવું છે, જે ઘણા લોકોએ અનુભવ્યું છે અને કેટલાંય લોકો હજુ સુધી તેની કિંમત ચુકવી રહ્યા છે.
'કશ્મીર ફાઇલ્સ' ફિલ્મને 'બેઢંગ' ગણાવતા સોશિયલ મીડિયા પર હંગામો
ઇઝરાયલના ફિલ્મમૅકર નદાવ લપિડે ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના મંચ પરથી ફિલ્મ 'કશ્મીર ફાઇલ્સ'ને બેઢંગ અને પ્રૉપેન્ગૅન્ડાવાળી ગણાવતાં વિવાદ સર્જાયો હતો.
લપિડના ભાષણને લઈને સોશિયલ મીડિયા પર જાતભાતની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
જ્યોત જીત નામના યૂઝરે ટ્વીટ કર્યું છે, "તેમની ટિપ્પણી, જેનોસાઇડના પીડિતોનું અપમાન છે અને ભારતીયોની ભાવનાઓ ઠેસ પહોંચાડે છે."
કોણ છે નદાવ લપિડ?
નદાવ લપિડ ઇઝરાયલના ફિલ્મમૅકર છે અને તેમને જ્યૂરીના ચૅરમૅન બનાવાયા છે.
1975માં ઇઝરાયલના તેલ અવિવમાં જન્મેલા નદાવ લપિડ તેલ અવિવ યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્ર ભણ્યા છે. સૈન્યસેવામાં ગયા બાદ લપિડ એક સમય માટે પેરિસ જતા રહ્યા.
તે બાદ લપિડે ઇઝરાયલ પાછા ફરીને જેરુસલેમની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન સ્કૂલમાંથી ડિગ્રી લીધી.
ગોલ્ડન બીયર અને કાન જ્યૂરી પ્રાઇઝ હાંસલ કરનારા લપિડની ચર્ચિત ફિલ્માં પોલીસમૅન, કિંડરગાર્ટન ટીચર સામેલ છે.
પોતાનાં નિવેદનોથી હંમેશાં વિવાદ સર્જનારા વિવેક અગ્નિહોત્રીએ 'કશ્મીર ફાઇલ્સ' ફિલ્મ ડાયરેક્ટ કરી છે, જેમાં અનુપમ ખેરે મુખ્ય ભૂમિકા ભજવી છે. મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે.
'કશ્મીર ફાઇલ્સ' રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં રહી છે અને ઘણા ફિલ્મ સમીક્ષકો ફિલ્મને પ્રૉપેગૅન્ડા ગણાવી ચૂક્યા છે.
આ ફિલ્મ કથિતપણે 1990ના દાયકામાં કશ્મીર પંડિતોના પલાયન અને હત્યાઓ પર આધારિત છે.
11 માર્ચે આ ફિલ્મ રિલીઝ થઈ હતી. ઘણાં થિયેટરોમાં તે હાઉસફુલ રહી. દેશનાં ચાર રાજ્યોએ ફિલ્મને ટૅક્સ-ફ્રી જાહેર કરી હતી.
સંજોગવશાત્ ચાર રાજ્યો (હરિયાણા, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ગુજરાત) ભાજપશાસિત છે.
દાવો છે કે આ વર્ષે રિલીઝ થનાર ફિલ્મોમાં આ ફિલ્મે સૌથી વધુ કમાણી કરી હતી.
રિલીઝના એક દિવસ બાદ જ એ સમયે વિવાદ સર્જાયો જ્યારે વિવેક અગ્નિહોત્રીની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક તસવીર વાઇરલ થઈ.
ફિલ્મના પ્રોડ્યૂસર અભિષેક અગ્રવાલે નરેન્દ્ર મોદી સાથેની એક તસવીર શૅર કરી જેને વિવેક અગ્નિહોત્રીએ રિ-ટ્વીટ કરી હતી.