એ રોગ જેમાં વધુ પડતું જમી લીધા બાદ દર્દી પરાણે ખોરાક બહાર કાઢી નાખે છે

    • લેેખક, સુમનદીપકોર
    • પદ, બીબીસી સંવાદદાતા

"ભોજન મારા માટે કમ્ફર્ટ ઝોન બની ગયું. હું કલાકો સુધી ખાઈ શકું. મારો કોઈ કાબૂ નહોતો એ વાતથી હું મારી જાતને નફરત કરવા લાગી હતી. હું ઉદાસ રહેવા લાગી."

બોલીવૂડ ઍક્ટ્રેસ ફાતિમા સના શેખે જાહેર પ્લૅટફૉર્મ પરથી પોતાની મુસીબત અંગે ઉપરોક્ત વાત કહી હતી.

તેમણે રિયા ચક્રવર્તી સાથે એક પૉડકાસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ દંગલ ફિલ્મ બાદ બુલિમિયા નામની એક સ્થિતિ સામે સંઘર્ષ કરી રહ્યાં છે. તેમણે એવું પણ કહ્યું કે એક એવો પણ સમય હતો જ્યારે તેમનો પોતાના પર કોઈ કાબૂ નહોતો.

તેમણે કહ્યું, "મને લાગવા માંડ્યું કે હું બહાર જઈશ તો હું ખાઈ લઈશ. મારો મારી જાત સાથે પ્રેમ-નફરતભર્યો સંબંધ થઈ ગયો. મારો ભોજન સાથેનો સંબંધ ઝેરી બની ગયો હતો. દંગલ માટે મારે વજન વધારવાનું હતું, જે મેં કર્યું."

"હું ત્રણ કલાક સુધી ટ્રેનિંગ કરતી, તેથી મારે વજન વધારવા માટે દરરોજ 2500-3000 કૅલરી લેવી પડતી. પરંતુ જ્યારે ફિલ્મ પૂરી થઈ ત્યારે હું એટલી ટ્રેનિંગ નહોતી કરી રહી, તેમ છતાં હું 3000 કૅલરી લઈ રહી હતી, કારણ કે મને તેની આદત પડી ગઈ હતી."

તેમણે ઉમેર્યું, "હું સ્વસ્થ નહોતી અને કસરત પણ નહોતી કરી રહી. વધુ ખાવું એ મુદ્દો નથી. પરંતુ મુદ્દો તમારી સાથે છે, કારણ કે તમે અસલામત છો. જ્યારે તમે ખાઓ છો ત્યારે તમે સુન્ન રહેવા માગો છો."

"આ ડૂમસ્ક્રોલિંગ જેવું છે, એટલે કે સતત મોબાઇલ પર એવાં પોસ્ટ કે વીડિયો જોવાં જે શરીરના આકાર, વજનનો ઘટાડો અને પાતળા રહેવા પર ભાર મૂકે છે. અત્યારે પણ, હું સતત ભોજન વિશે જ વિચારતી રહું છું."

આ વર્ષની શરૂઆતમાં, બ્રિટનમાં સાંસદોના એક જૂથે 'ઇટિંગ ડિસૉર્ડર' એટલે કે ભોજન સંબંધિત સમસ્યાઓને કટોકટી ગણવાની માગ કરી હતી.

તેમણે કહ્યું હતું કે પાછલા દાયકામાં બુલિમિયા જેવા ઇટિંગ ડિસૉર્ડરમાં વધારાએ 'કટોકટી'નું સ્વરૂપ ધારણ કરી લીધું છે.

પરંતુ બુલિમિયાએ ખરેખર શું છે, તેનાં અમુક લક્ષણો શું છે, અને લોકો પર તેની અસર કેવી રીતે થાય છે, ખાસ કરીને યુવાનો પર? અમે આ સમસ્યા શારીરિક ડિસઑર્ડર છે કે માનસિક એ સમજવા માટે આરોગ્ય નિષ્ણાતો સાથે વાત કરી.

બુલિમિયા નરવોસા શું છે?

નૅશનલ હેલ્થ સર્વિસ પ્રમાણે બુલિમિયા (બુલિમિયા નરવોસા)એ એક ભોજન સંબંધિત ડિસૉર્ડર અને ગંભીર માનસિક સ્વાસ્થ્યને લગતી સ્થિતિ છે. આ સમસ્યા ગમે તેને થઈ શકે છે અને તેના ઇલાજમાં સમય લાગે છે.

આ અંગે દિલ્હી એઇમ્સ ખાતે વરિષ્ઠ મનોચિકિત્સક ડૉ. ટીના ગુપ્તા કહે છે કે આ ડિસૉર્ડરથી પીડાતી વ્યક્તિ ઓછા સમયમાં વધુ પડતું જમી લે છે (બિન્જ ઇટિંગ) અને તેના ભોજન પર તેનો કોઈ કાબૂ નથી અનુભવતો.

તેઓ સમજાવે છે કે, "આ વાત સામાન્ય રીતે બિન્જ ઇટિંગ અને ડાયટિંગ કરતાં જુદી છે, અને તેમાં વ્યક્તિ દ્વારા ભોજન પરનો કાબૂ ગુમાવી દેવાનું તત્ત્વ સામેલ હોય છે. આવી વ્યક્તિ પોતે ખાધેલા વધુ પડતા ખોરાકને સરભર કરવા માટે ઊલટી, જુલાબ લેવો, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું કે વધુ પડતી કસરત કરવા જેવા ઉપાયો અજમાવે છે."

બુલિમિયાનાં લક્ષણો

ડૉ. ટીના કહે છે કે બુલિમિયાનું નિદાન જલદી થાય એ અઘરું છે, કારણ કે લોકો તેનાં લક્ષણો છુપાવે છે. તેનું સૌથી સામાન્ય લક્ષણ એ છે કે આમાં ભોજન લીધા બાદ પીડિત વ્યક્તિ ઊલટી કરવા માટે બાથરૂમમાં જાય છે. આના સિવાય, એનએચએસ પ્રમાણે, તેનાં લક્ષણો નીચે મુજબનાં હોય છે.

  • પીડિત વધુ પડતાં ખોરાકને બહાર કાઢવા માટે જાતે ઊલટી કરે છે.
  • વજન વધી જવાની બીક અને અરીસામાં જોઈને સ્થૂળતાની વાત કરવી
  • તમારા વજન અને શરીરના આકાર અંગે વધુ પડતું વિચારવું અને ટીકા કરવી
  • મૂડમાં ફેરફાર - ખિન્નપણું, ચિંતા કે તાણનો અનુભવ
  • ભોજનની ટેવો અંગે વાત કરવામાં મૂંઝવણ અનુભવવી
  • થાક અને ઊંઘમાં મુશ્કેલી
  • નબળાઈ અને ચક્કર
  • ગળામાં દુખાવો, પેટ ફૂલવું કે પેટમાં દુખાવો
  • ગ્રંથિના સોજાને કારણે મોઢાની બંને તરફ અને કાન નીચે સોજો
  • અનિયમિત માસિક કે માસિક આવવાનું બંધ થવું

આ કેવી શારીરિક માંદગીઓનું કારણે બની શકે?

ટીના ગુપ્તા કહે છે કે બુલિમિયાને કારણે શરીરમાં પોટેશિયમના સ્તરમાં થયેલી વધઘટ હૃદયરોગનું કારણ બની શકે છે.

"પાચનતંત્રને લગતા રોગો થઈ શકે છે. જેમ કે, પેટમાં તીવ્ર દુખાવો, એસિડ રિફ્લક્સ. તેમજ કેટલાક દુર્લભ મામલામાં, ઊલટી વખતે પેટમાં કાણું પડી શકે છે."

તેઓ કહે છે કે, "આના કારણે દાંત સંબંધિત તકલીફો થઈ શકે છે, કારણ કે વારંવાર ઊલટી કરવાને કારણે પેટનું એસિડ દાંતને નુકસાન કરી શકે. જે દાંતના સડા અને પેઢાને લગતી સમસ્યાનું કારણ બને છે. દાંતનું ઉપરનું સ્તર પણ ઘસાઈ શકે છે. તેમજ જડબામાં દુખાવો થઈ શકે."

"હોર્મોન સંબંધિત સમસ્યાઓ થઈ શકે. મહિલાઓને અનિયમિત માસિકની કે માસિક બંધ થવા જેવી સમસ્યાઓ થઈ શકે. ઉપરાંત તેમને પ્રજનન સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે. ડિહાઇડ્રેશન કે ડાયટની ગોળી, જુલાબ વગેરે લેવાથી કિડની સંબંધિત સમસ્યા પણ થઈ શકે."

"તે ચામડી અને વાળ સંબંધિત સમસ્યાનું કારણ પણ બને છે. આ સિવાય બુલિમિયા ડિપ્રેશન અને તાણ જેવી માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને પણ આમંત્રી શકે છે."

બુલિમિયાનું નિદાન કેવી રીતે થાય છે?

ન્યૂટ્રિશનિસ્ટ અમીશા ગુલાટી જણાવે છે કે આના નિદાન માટે કોઈ ટેસ્ટ નથી, પરંતુ પરિવારના સભ્યો કે મિત્રો તેને ડિટેક્ટ કરી શકે છ.

તેમના પ્રમાણે, "સામાન્યપણે આ ડિસૉર્ડર તરુણાવસ્થાના અંત ભાગમાં કે 20-25 વર્ષની ઉંમર દરમિયાન થાય છે. તેમજ આ સ્થિતિ ઓછા આત્મસન્માન, ડિપ્રેશન, શરમ, પારિવારિક મુશ્કેલીઓ જેવી સમસ્યાઓ સાથે સંકળાયેલી હોય છે. બાળકોના ડૉક્ટર કે થૅરપિસ્ટ આનું નિદાન સરળતાથી કરી શકે છે."

ડૉ. ટીના ગુપ્તા સમજાવે છે કે બુલિમિયાનું નિદાન વ્યક્તિના વર્તનમાં ફેરફાર મારફતે થઈ શકે છે.

શું આનો કોઈ ઇલાજ છે?

તેઓ કહે છે કે, "આના માટે દર્દી સાથે ખૂબ વિસ્તારપૂર્વકની વાત કરવી પડે છે, જેને આપણે ક્લિનિકલ ઇન્ટરવ્યૂ તરીકે ઓળખીએ છીએ. ક્લિનિકલ ઇન્ટરવ્યૂમાં, ડૉક્ટર દર્દીની ખાનપાનની ટેવો વિશે, વધુ પડતું ભોજન લીધું હોય એવા પ્રસંગો વિશે, કાબૂ ગુમાવ્યાની સ્થિતિમાં તેમની મન:સ્થિતિ વિશે પૂછે છે. એ બાદ પોતાની કદકાઠી અંગે તેમને કોઈ ચિંતા છે કે કેમ એ અંગે તેમજ તેમને કોઈ પ્રકારનો તણાવ છે કે કેમ એ અંગે પૃચ્છા કરે છે."

"આના થકી અમે વર્તનમાં ચાવીરૂપ પૅટર્ન શોધીએ છીએ, જેમાં વધુ પડતું ખાવું અને પછી પેટમાં રહેલા ભોજનથી છૂટકારો મેળવવાની આત્યંતિક રીતોની ઓળખ સામેલ છે.બિંજ ઇટિંગ ડિસૉર્ડરના ઇલાજ માટે અમે બિજ ઇટિંગ અને ભોજનથી છૂટકારો મેળવવાના પ્રયાસોના ચક્રને તોડવાનો પ્રયાસ કરીએ છીએ.

ઉપરાંત દર્દીનું ભાવનાત્મક સ્વાસ્થ્ય સુધરે એ માટે અને દર્દીને માનસિક અને શારીરિક રીતે સાજા થવામાં મદદ કરીએ છીએ."

તેમના પ્રમાણે, આની સારવાર બહુપરિમાણીય હોય છે. સારવારમાં ઘણી બધી બાબતો એક સાથે હોવી જોઈએ. કૉગ્નિટિવ બિહેવિયરલ થૅરપીના સ્વરૂપમાં વાતચીતની થૅરપીનો ઉપયોગ થાય છે.

"ઘણા કેસોમાં યોગની પણ જરૂરી બની શકે છે, આ સિવાય ડિપ્રેશન માટે દવાઓ જેને SSRI કહે છે તે ફ્લુક્સેટિના હાઇ ડોઝ લેવાનું સૂચવવામાં આવે છે."

આ સિવાય કેટલીક મેડિકલ ટેસ્ટ અને મૉનિટરિંગની પણ જરૂર પડી શકે છે. ડૉક્ટર તમને બ્લડ ટેસ્ટ, ડેન્ટલ ચેકઅપ અને હૃદયના મૉનિટરિંગ વગેરે માટે કહી શકે છે.

કેટલાક ગંભીર મામલામાં દર્દીને સારવાર માટે હૉસ્પિટલમાં પણ દાખલ થવું પડી શકે છે.

સાજા થવામાં કેટલો સમય લાગે?

ડૉ. ટીના ગુપ્તા કહે છે કે બુલિમિયા એક એવી સ્થિતિ છે જેનામાંથી બેઠા થવામાં ઘણો સમય લાગે છે, સામાન્ય રીતે થૅરપી અને દવાની સાથે આ સારવારનો સમય અમુક અઠવાડિયાંથી બે મહિના સુધીનો હોઈ શકે છે.

તેમના પ્રમાણે, "સરેરાશપણે, નવથી 12 મહિનાના સમયને રિકવરી કહી શકાય. ફરીથી સમસ્યા થાય એ ખૂબ જ સામાન્ય બાબત છે. બુલિમિયાગ્રસ્ત 30-50 ટકા લોકો તેમની સાજા થવાની સફર દરમિયાન ફરી વખત તેનો શિકાર બની શકે છે."

અમીશા ગુલાટી મુજબ, જ્યારે કોઈ ચિંતા, ડિપ્રેશન, અને એકલાપણાનું પ્રકરણ ફરીથી બને છે ત્યારે આ સમસ્યા સામાન્યપણે પાછી દેખાવા લાગે છે.

તેઓ કહે છે કે સાજા થવાની વાત જે તે વ્યક્તિ તેનાથી કેટલા સમયથી પીડિત છે, તેના પર પણ આધારિત છે.

સારવાર દરમિયાન પરિવારની ભૂમિકા

બુલિમિયાથી સાજા થવા માટે પરિવાર અને મિત્રો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે ઘરે સલામત અને આરામદાયક વાતાવરણ ઊભું કરવું જોઈએ, જેથી તેઓ પીડિત વ્યક્તિ સાથે પ્રેમપૂર્વક વાત કરી શકે. તેમણે આવી વ્યક્તિના વજન, શરીરના આકાર અને દેખાવ અંગે ટિપ્પણી ન કરવી જોઈએ.

તેમની સાથે કરુણા, ધીરજ રાખવી જોઈએ. તમારે તમારી જાતને આ વિશે વધુ માહિતગાર બનવાની અને તેમની મદદ કઈ રીતે કરી શકાય એ સમજવાની જરૂર હોય છે.

બુલિમિયાને ટાળી શકાય?

ન્યૂટ્રિશનિસ્ટ અમીશા ગુલાટી સમજાવતાં કહે છે કે સ્કૂલ અને કૉલેજે આના માટે સલામત વાતાવરણ પૂરું પાડવું જોઈએ. તેમણે બાળકો અને માતાપિતાને ન્યૂટ્રિશન તેમજ ખાવાની સ્વાસ્થ્યપ્રદ રીતો અંગે માર્ગદર્શન આપવું જોઈએ.

તેમણે ઉમેર્યું, "તરુણોને ખાસ કરીને માતાપિતાની સહાયથી બૉડી પૉઝિટિવિટી માટે પ્રોત્સાહિત કરી શકાય છે. તરુણો આજકાલ સોશિયલ મીડિયા અને ટીવીથી ખૂબ પ્રભાવિત થાય છે, તેથી તેઓ પાતળા બાંધાને આદર્શ બાંધો ન ગણવા લાગે એ માટે મૉનિટરિંગ આવશ્યક છે."

નિષ્ણાતો જણાવે છે કે જો કોઈ પણ વ્યક્તિને બુલિમિયાનાં પ્રારંભિક લક્ષણો પોતાનામાં દેખાય તો તેમણે તરત વ્યવસાયિક મદદ મેળવવી જોઈએ.

આ ઉપરાંત, ડૉ. ટીના ગુપ્તા કહે છે કે, "બુલિમિયાથી સાજા થવું શક્ય છે, પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે યોગ્ય સમયે યોગ્ય મદદ મેળવવામાં આવે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન