જૂનાગઢ : સિંહણને બેભાન કરવા છોડેલું ઇન્જેક્શન ટ્રેકરને લાગતા મોત, આ દવા માણસો માટે કેમ ઘાતકી હોય છે?

ઇમેજ સ્રોત, Hanif Khokhar/GettyImages
જૂનાગઢના વીસાવદર તાલુકાના નાની મોણપરી ગામે રવિવારે સાંજે એક વાડીમાં એક સિંહણે એક ખેતમજૂરના દીકરા તેવા શિવમ પારગી નામના ચાર વર્ષના બાળક પર હુમલો કરતા તે બાળકનું મૃત્યુ થયું.
આ ઘટના બાદ તે સિંહણને પાંજરે પૂરવા માટે સાસણ વન્ય પ્રાણી વિભાગની એક વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ ટીમ નાની મોણપરી ગામે પહોંચી ગઈ.
સિંહણને પાંજરે પૂરવાના બીજા ઉપાયો કામ ન કરતા છેવટે ટીમે તે સિંહણને બેભાન કરવાનો નિર્ણય લીધો.
સિંહણને બેભાન કરવા માટે રેસ્ક્યૂ ટીમના પશુ ડૉક્ટરે દવા ભરેલું એક ઇન્જેક્શન બંદૂકની મદદથી સિંહણ તરફ છોડ્યું, પરંતુ ઇન્જેક્શન સિંહણને ન લાગતા બચાવ કામગીરીમાં મદદ માટે હાજર અશરફ ચૌહાણ નામના વાઇલ્ડલાઇફ ટ્રેકરને હાથમાં અકસ્માતે ભોંકાઈ ગયું.
દવાની અસર થતા મિનિટોની અંદર જ 30 વર્ષના અશરફ ચૌહાણની તબિયત લથડવા માંડી.
વનવિભાગના અધિકારીઓના કહેવા મુજબ ટ્રેકરને તાબડતોબ વીસાવદર શહેરની એક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધારે સારવાર માટે માટે જૂનાગઢની સિવિલ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા, પરંતુ જૂનાગઢની સિવિલ હૉસ્પિટલમાં બારેક કલાકની સારવાર બાદ અશરફ ચૌહાણનું સોમવારે સવારે 7:33 વાગ્યે મૃત્યુ નીપજ્યું તેમ ડૉક્ટરોએ જણાવ્યું.
અશરફ ચૌહાણ વીસાવદર રેન્જમાં વાઇલ્ડલાઇફ ટ્રેકર તરીકે નોકરી કરતા હતા. વન્ય જીવો કયા વિસ્તારમાં હરફર કરી રહ્યા છે, દેખીતી રીતે તેમનું સ્વાસ્થ્ય કેવું છે, તે કોઈ મુશ્કેલીમાં કે માનવીઓ સાથે સંઘર્ષની સ્થિતિમાં તો નથીને વગેરે બાબતોનું ધ્યાન વાઇલ્ડલાઇફ ટ્રેકર્સ રાખતા હોય છે.
વન્ય જીવો જો કોઈ મુશ્કેલી કે સંઘર્ષની સ્થિતિમાં આવે તો તેવી પરિસ્થિતિને હેન્ડલ કરવા માટે ટ્રેકર્સ વનવિભાગના અધિકારીઓને મદદ કરતા હોય છે. એશિયાઈ સિંહોના રહેઠાણ એવા ગીરનું જંગલ અને તેની આજુબાજુના વિસ્તારોમાં રેસ્ક્યૂ ઑપરેશનમાં પણ મોટા ભાગે ટ્રેકર્સની હાજરી હોય છે અને રેસ્ક્યૂ ટીમને સહાય પૂરી પાડતા હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિષ્ણાતો કહે છે કે સિંહ-દીપડા જેવાં મોટાં માંસાહારી પ્રાણીઓના રેસ્ક્યૂ દરમિયાન રેસ્ક્યૂ ટીમ અને વનવિભાગના કર્મચારીઓને આવાં પ્રાણીઓ દ્વારા હુમલાનો ભોગ બનવાનું જોખમ હંમેશાં રહેતું હોય છે, પરંતુ વીસાવદરની ઘટનાથી બચાવ કામગીરી વખતે બચાવકારો પર રહેલું એક નવું જોખમ ઉજાગર થયું છે.
અશરફ ચૌહાણની સારવાર કરનાર જૂનાગઢ સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરો કહે છે કે આ પ્રકારના કેસ તેમના જીવનમાં આવ્યા ન હતા અને તેની અસરકારક સારવાર માટે ચોક્કસ પ્રોટોકૉલ પણ ઉપલબ્ધ નથી.
સિંહ સહિતનાં વન્ય પ્રાણીઓને બેભાન કરવા માટે કઈ દવાઓ વપરાય છે?

ઇમેજ સ્રોત, Hanif Khokhar
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નાની મોણપરી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવ અભયારણ્યની સરહદ પર આવેલું ગામ છે. આ ગામ ગીર-પશ્ચિમ વન્ય જીવ વિભાગની વીસાવદર રેન્જમાં આવેલું છે.
નાની મોણપરીની ઘટનામાં અશરફ ચૌહાણનું મૃત્યુ કેવી રીતે થયું તેની વિગતો પત્રકારોને આપતા જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળના મુખ્ય વનસંરક્ષક ડૉ. રામરતન નાલાએ સોમવારે કહ્યું કે સાસણની રેસ્ક્યૂ ટીમના તાલીમબદ્ધ પશુ ડૉક્ટરે સિંહણને ટ્રાન્કિલાઇઝ એટલે કે બેભાન કરવા માટે માટે મિડિટૉમિડિન અને કેટામિન નામની બે દવાના મિશ્રણવાળું એક ઇન્જેક્શન તૈયાર કર્યું હતું. આ ઇન્જેક્શનને એક ડાર્ટ એટલે કે કાંટામાં ભરીને એક બંદૂકની મદદથી સિંહણ તરફ છોડ્યું હતું, પરંતુ સિંહણના બદલે એ દિશામાં ઊભેલા અશરફ ચૌહાણને તે લાગી ગયું.
જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં 20 વર્ષ સુધી પશુ ડૉક્ટર તરીકે સેવા આપી 2011માં નિવૃત્ત થનાર ડૉ. છગનલાલ ભુવાએ બીબીસીને જણાવ્યું, "કેટામિન દવા પશુને ઘેન ચડાવીને બેભાન કરે છે જ્યારે મિડિટૉમિડિન મસલ્સને રિલેક્સ કરે છે, એટલે કે માંસપેશીઓને ઢીલી પાડે છે. તેના કારણે શરીર ઢીલું પડી જાય છે અને પશુ બેસી જાય છે. નોકરી દરમિયાન મેં કેટલાંય રેસ્ક્યૂ ઑપેરશન કર્યાં હતાં. હું કેટામિન અને ઝાયલાઝિનનું કૉમ્બિનેશન કરીને પ્રાણીઓને બેભાન કરવાનો ડોઝ તૈયાર કરતો હતો, કારણ કે તે કૉમ્બિનેશન મને સલામત લાગતું હતું. એમાં ઝાયલાઝિન મસલ્સને ઢીલા પાડવાનું કામ કરે છે."
પ્રાણીઓને આપવાની દવાની માણસો પર શું અસર થાય?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. ભુવાએ કહ્યું કે આ બંને દવા પ્રાણીના શરીરનાં વિવિધ તંત્રો પર અસર કરે છે. તેમણે કહ્યું, "આ દવાઓ પશુના ચેતાતંત્ર પર અસર કરે છે. આ દવાઓનો કોઈ પ્રાણીને કેટલો ડોઝ આપવો તેનો આધાર તે પ્રાણીના અંદાજે વજન પર હોય છે. સામાન્ય રીતે પ્રતિ કિલો વજન સામે કેટામિન એકથી 10 મિલીગ્રામ અને ઝાયલાઝિન પ્રતિ કિલો વજન સામે એક મિલીગ્રામ જેટલું આપવામાં આવે છે. એટલા ડોઝથી સામાન્ય રીતે કોઈ પશુ એકાદ કલાક બેભાન રહે છે અને ત્યાર પછી ધીમે ધીમે ભાનમાં આવવા લાગે છે."
સાસણની રેસ્ક્યૂ ટીમમાં ઘણાં વર્ષો સુધી ફરજ બજાવી ચૂકેલા અન્ય એક પશુ ડૉક્ટરે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું, "મિડિટૉમિડિન અને કેટામિનની જેવી અસર વન્ય પ્રાણીઓ પર થાય તેવી જ અસર માનવો પર પણ થઈ શકે. મારા મતે માનવો પર તેની અસર વધારે થાય, કારણ કે વન્ય પ્રાણીઓનું કદ અને વજન માનવીનાં કદ એને વજન કરતાં વધારે હોય છે અને તેથી તેમને બેભાન કરવા માટે આપવામાં આવતી દવાની માત્રા માનવશરીર માટે ઘણી વધારે સાબિત થઈ શકે છે."
કોઈ ઑપરેશન પહેલાં દર્દીઓને બેભાન કરવા એનેસ્થેસિયા (ઘેનના ઇન્જેક્શન) આપવામાં આવે છે અને તેના નિષ્ણાત ડૉક્ટરોને એનેસ્થેશિયોલૉજિસ્ટ કહેવાય છે. જૂનાગઢના જાણીતા એનેસ્થેશિયોલૉજિસ્ટ ડૉ. પૂર્વેશ કાચાએ કહ્યું કે આ પ્રકારની દવાઓ દર્દીને આપાતા દર્દી પર જોખમ તાળાતું રહે છે.
બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, "એનેસ્થેસિયા અથવા ટ્રાન્કવિલાઇઝર ડ્રગ (દવા) જોખમકારક હોય છે. આવી દવાઓ ચેતાતંત્ર, કાર્ડિયોવૅસ્ક્યુલર ફંક્શન (રુધિરાભિસરણની પ્રક્રિયા) અને શ્વસનતંત્ર પર અસર કરે છે. દર્દીનું બીપી (બ્લ્ડપ્રેશર એટલે કે લોહીનું દબાણ) અને હૃદયના ધબકારા વધી શકે છે કે એકદમ ઘટી શકે છે."
"દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે અને દર્દીની હાલત ગંભીર થાય તો તેને વૅન્ટિલેટર સપોર્ટની પણ જરૂર પડી શકે છે. આવી દવાઓ મગજ, હૃદય અને ફેફસાં પર અસર કરતી હોવાથી તે લેવામાં જોખમ રહેલું હોય છે. તેથી હૉસ્પિટલોમાં દર્દીને આવી દવાઓ આપતાં પહેલાં દર્દીની કે તેના સંબંધીને જોખમની જાણ કરી તેમની સહી લઈને સંમતિ લેવાતી હોય છે."
ડાર્ટ વાગ્યા પછી અશરફ ચૌહાણને શું થયું?

ઇમેજ સ્રોત, Hanif Khokhar
ડૉ. નાલા ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસના અધિકારી ઉપરાંત એક તાલીમબદ્ધ પશુ ડૉક્ટર પણ છે. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે સિંહણ માટે તૈયાર કરાયેલો ડોઝ અકસ્માતે અશરફ ચૌહાણના શરીરમાં ઊતરી જતા ટ્રેકરનું મૃત્યુ નીપજ્યું.
તેમણે કહ્યું, "સિંહણનું વજન માણસોના વજન કરતાં સામાન્ય રીતે ત્રણ ગણું વધારે હોય છે. સામાન્ય રીતે માણસનું વજન 70 કિલો હોય છે જ્યારે સિંહણ કે સિંહનું વજન 200થી 210 કે 250 કિલો જેટલું હોય છે. તેના વજનને ધ્યાનમાં રાખીને ટ્રાન્કવિલાઇઝિંગ ડોઝ નક્કી કરાતો હોય છે, પરંતુ કુદરતી રીતે માણસનું વજન ઓછું છે અને તેના (સિંહણ) માટે જે ડોઝ તૈયાર કરવામાં આવ્યો હતો તે વધારે હતો. તેથી, ડોઝ વધારે હોવાથી થોડો ઓવરડોઝ થઈ ગયો."
નાની મોણપરીથી વીસાવદર પંદરેક કિલોમીટર દૂર છે અને વીસાવદરથી જૂનાગઢ શહેર 45 કિલોમીટર દૂર છે.
ડૉ. નાલાએ કહ્યું કે અશરફ ચૌહાણેને પ્રથમ વીસાવદરની એક હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધારે સારવાર માટે અશરફ ચૌહાણને જૂનાગઢ સિવિલ હૉસ્પિટલ તરીકે જાણીતી જીએમઇઆરએસ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ ખસેડાયા હતા.
જૂનાગઢ સિવિલ હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે અશરફ ચૌહાણને લઈને ઍમ્બ્યુલન્સ રવિવારે 7:30 વાગ્યે સિવિલ હૉસ્પિટલ પહોંચી ત્યારે જ દર્દીની સ્થિતિ સારી ન હતી.
ડૉ. બ્રહ્મભટ્ટે બીબીસીને જણાવ્યું, "દર્દીને અમારા કેઝ્યુઅલ્ટી વિભાગમાં લઈ આવવામાં આવ્યા ત્યારે જ દર્દી ક્રિટિકલ (ગંભીર અવસ્થામાં) હતો. દવાની દર્દીના હૃદય પર અસર થઈ હોવાથી દર્દી કાર્ડિયાક અરેસ્ટ (હૃદય થંભી જવાની) સ્થિતિમાં હતો. દર્દી બેભાન હતો. અમે તાત્કાલિક તેને આઇસીયુમાં ખસેડ્યો અને વૅન્ટિલેટર સપોર્ટ પર મૂક્યો. અમારા ડૉક્ટરોએ તેને એન્ટિડોટ પણ આપ્યો. અમારા બધા પ્રયત્નો છતાં દર્દીની તબિયત સુધરી નહીં અને સોમવારે સવારે 7:33 વાગ્યે તેનું મૃત્યુ થઈ ગયું. તેને આપવામાં આવેલા ડોઝ માણસોને બેભાન કરવા માટે આપવામાં આવતા ડોઝ કરતાં 40થી 50 ગણો વધારે હતો."
જૂનાગઢ સિવિલ હૉસ્પિટલના સહાયક નિવાસી તબીબી અધિકારી ડૉ. અલ્પેશ વૈશ્નાણી અશરફ ચૌહાણની સારવાર કરી રહેલા ડૉક્ટરોની ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા.
ડૉ. વૈશ્નાણીએ બીબીસીને જણાવ્યું, "કેટામિન માણસોની સારવાર કરવા માટે પણ વપરાય છે. દર્દીને કોઈ નાની સર્જરી કરવી હોય તો કેટામિનનો પીડાશામક દવા તરીકે ડૉક્ટરો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ કિસ્સામાં દર્દીને મળેલો ડોઝ બહુ જ વધારો હતો. જે માત્રામાં તેને મિડિટૉમિડિન અને કેટામિન અપાઈ ગયા હતા તે ઓવરડોઝ હતો. દર્દીને અમારી હૉસ્પિટલમાં લવાયો ત્યારે જ તેના મહત્ત્વનાં અંગો સામાન્ય રીતે કામ કરતાં નહોતાં. તેથી, અમે દવા આપી તેની ધારી પ્રતિક્રિયા દર્દી આપી શકતો ન હતો. પછી અચાનક દર્દીનું હૃદય ધબકતું બંધ થઈ ગયું અને તેનું મૃત્યુ થયું."
આવી દવાનું કોઈ મારણ હોય?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. ભુવા જણાવે છે કે કોઈ વન્ય પ્રાણીને બેભાન કરાયા બાદ તે સામાન્ય રીતે એકાદ કલાક સુધી બેભાન રહે છે અને જો જરૂર જણાય તો તેને વધારાનો ડોઝ આપવામાં આવે છે.
"પણ જો કામ સમયસર પાર પડી જાય તો પ્રાણીને ટ્રાન્કવિલાઇઝર ડ્રગનો એન્ટિડોટ (કોઈ ઝેરનું મારણ) પણ આપવામાં આવે છે. કેટામિન અને ઝાયલાઝિનના કૉમ્બિનેશનનો એન્ટિડોટ યોહિમ્બિન છે," એમ તેમણે કહ્યું.
ડૉ. ભુવાએ ઉમેર્યુ, "ટ્રાન્કવિલાઇઝર ડ્રગ બંદૂકની મદદથી છોડાતા ડાર્ટ દ્વારા આપવામાં આવતું હોવાથી તે ઇન્ટ્રા-મસ્કયુલર (માંસપેશીઓમાં) આપવું પડે છે. આવી દવા માંસપેશીઓ વાટે લોહીમાં ભળે એટલે તેની અસર શરીરનાં વિવિધ તંત્રો પર થવા લાગે છે. સામાન્ય રીતે આ પ્રક્રિયા ધીમી હોય છે અને તેમાં ઘણી મિનિટો જતી રહે છે, પરંતુ એન્ટિડોટ ઇન્ટ્રાવિનસ (રગોમાં) આપવામાં આવે છે અને સીધો જ લોહીમાં ભળી જાય છે. તેથી, તેની અસર ઝડપી હોય છે."
ડૉ. વૈશ્નાણીએ કહું કે અશરફ ચૌહાણની સારવાર દરમિયાન ડૉક્ટરોની ટીમે એન્ટિપામેઝોલ નામની દવા એન્ટિડોટ તરીકે આપી, "પરંતુ આવા કિસ્સામાં એટીપામેઝોલ કેટલી અસરકારક નીવડે છે તે હજુ પ્રસ્થાપિત થયું નથી. વળી, અમારી અત્યાર સુધીની કારકિર્દીમાં આવો કોઈ કેસ આવ્યો નથી. અમારા માટે પણ આ નવું હતું."
સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. બ્રહ્મભટ્ટે કહ્યું, "આ દવાઓ સામાન્ય રીતે માણસોને આ રીતે નથી આપવામાં આવતી. એટલે તેનું પિક્ચર (લક્ષણો) કેવું અને શું છે તે રિપોર્ટ આવ્યા પછી આપણને ખબર પડશે. અમે દર્દીના બોડીનું પોસ્ટમૉર્ટમ કર્યું છે અને વિસેરા સેમ્પલ ટેસ્ટિંગ માટે ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં મોકલી આપ્યા છે અને રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. તે રિપોર્ટ આવ્યા પછી જ દર્દીના મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












