ફ્યૂઅલ સ્વિચ શું છે, જેના બંધ થવાને કારણે અમદાવાદમાં પ્લેન ક્રૅશ થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું?

અમદાવાદમાં ઍર ઇન્ડિયાના પ્લેન ક્રૅશ થવાની દુર્ઘટના મામલે ભારતના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોએ તેનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરી દીધો છે.
આ રિપોર્ટ પ્રમાણે વિમાનની બંને ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચ, વિમાનના ટેક ઑફ થતાંની સાથે જ કટ ઑફ પોઝિશનમાં જતી રહી હતી.
કૉકપિટના વૉઇસ રેકૉર્ડિંગમાં એક પાઇલટ બીજા પાઇલટને પૂછી રહ્યા છે કે, "વ્હાય ડિડ યુ કટ ઑફ?" એટલે કે તમે (ફ્યૂઅલ સ્વિચ) કેમ બંધ કરી દીધું?
રિપોર્ટમાં જણાવાયું છે કે બંને ઍન્જિનની ફ્યૂઅલ કટ ઑફ સ્વિચ વિલંબ પછી બંધ થઈ ગઈ હતી.
રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, "ઍરક્રાફ્ટે મહત્તમ 180 નૉટ્સ આઇએએસની સ્પીડ હાંસલ કરી હતી અને એ પછી તરત જ બંને ઍન્જિનની ફ્યૂઅલ કટ ઑફ સ્વિચ એ RUN મોડમાંથી કટ ઑફ પોઝિશનમાં ચાલી ગઈ હતી. બંને ઍન્જિનની સ્વિચ કટ ઑફ થઈ એ વચ્ચેનો સમયગાળો એક સેકન્ડનો હતો."
"ઍન્જિન N1 અને N2 ધીમેધીમે તેમની ટેક ઑફ વૅલ્યૂઝથી નીચે આવવાં લાગ્યાં હતાં કારણ કે ઍન્જિન સુધી ઇંધણનો પુરવઠો બંધ થઈ ગયો હતો."
રિપોર્ટ પ્રમાણે, "કૉકપિટના વૉઇસ રેકૉર્ડિંગમાં એક પાઇલટ બીજા પાઇલટને પૂછે છે કે તમે કેમ કટ ઑફ કર્યું? બીજો પાઇલટ જવાબ આપે છે કે તેણે નથી કર્યું."
રિપોર્ટમાં એ સ્પષ્ટ નથી કે તેમાં કયો અવાજ કયા પાઇલટનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉડાન સમયે વિમાનને કો-પાઇલટ ઉડાવી રહ્યા હતા જ્યારે કે કૅપ્ટન તેની દેખરેખ રાખી રહ્યા હતા.
15 પાનાના આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિમાન ટેક ઑફ થયા બાદ કેટલીક સૅકન્ડોમાં જ તેની સાથે શું થયું?
હવે જે ફ્યૂઅલ સ્વિચ બંધ થવાને કારણે આ પ્લેન ક્રૅશ થયું હોવાનું પ્રાથમિક તારણ મળે છે તે ફ્યૂઅલ સ્વિચ શું છે અને તે કોઈ પણ પ્લેન માટે કેમ મહત્ત્વની છે તે સમજવાનો પ્રયાસ કરીએ.
ફ્યૂઅલ સ્વિચ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા પ્રમાણે ફ્યૂઅલ કંટ્રેલ સ્વિચ એટલે કે આ એવી સ્ચિચો છે જે ઍન્જિનના ઈંધણને નિયંત્રિત કરે છે. તેનો ઉપયોગ પાઇલટ્સ દ્વારા જમીન પર ઍન્જિન શરૂ કરવા અથવા બંધ કરવા માટે કે પછી ફ્લાઇટ દરમિયાન ઍન્જિનમાં કોઈ નિષ્ફળતા જોવા મળે તો મૅન્યુઅલી ઍન્જિન બંધ કરવા કે ફરીથી શરૂ કરવા માટે થાય છે.
ઍવિયેશન ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે પાઇલટ ઍન્જિનને ઈંધણનો સપ્લાય રોકવા માટે આ ફ્યૂઅલ સ્વિચને આકસ્મિક રીતે બંધ કરી શકે નહીં. તે ભૂલથી બંધ થાય તેવી નથી હોતી. પરંતુ પાઇલટ જો તેને બંધ-ચાલુ કરે તો તેની તરત જ અસર થાય છે. કારણ કે, તેને બંધ કરવાથી ઍન્જિનને ઈંધણનો સપ્યાલ તરત જ બંધ થઈ જાય છે.
અમેરિકાના ઍવિયેશન સેફ્ટી ઍક્સપર્ટ જૉન કૉક્સે સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું હતું કે "આ ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચ માટે અલગથી વાયરિંગ અને પાવર સપ્યાય હોય છે. આ સ્વિચને કંટ્રોલ કરવા માટે ફ્યૂઅલ વાલ્વ હોય છે."
ફ્યૂઅલ સ્વિચ ક્યાં હોય છે?

હવે જો અમદાવાદમાં જે પ્લેન ક્રૅશ થયું તે ઍર ઇન્ડિયાની ફ્લાઇટની વાત કરવામાં આવે તે આ બૉઇંગ 787માં બે ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચ હતી. તે બે GE ઍન્જિન સાથે જોડાયેલી હતી. અને થ્રસ્ટ લિવરની નીચે આવેલી હતી.
આ થ્રસ્ટ લિવરનો પાઇલટ દ્વારા પાવર સપ્લાય માટે કંટ્રોલ કરવા ઉપયોગ થાય છે અને તે કૉકપીટમાં હોય છે.
આ સ્વિચ સ્પ્રિંગ દ્વારા લોડેડ હોય છે. જેથી તે તેની પરિસ્થિતિમાં યથાવત્ રહી શકે. તેને ચાલુ કે બંધ કરવા માટે પાઇલટે પહેલા સ્વિચને ઉપર કરવી પડે અને પછી તેને કટ ઑફ કરી શકાય અથવા ચાલુ કરી શકાય.
ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં ફ્યૂઅલ સ્વિચ સાથે શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ પ્લેન દુર્ઘટનાનો જે પ્રાથમિક અહેવાલ આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે વિમાનના ટેક ઑફ થયા બાદ કેટલીક સૅકન્ડોમાં જ ઍર ઇન્ડિયાના વિમાન સાથે શું શું થયું?
રિપોર્ટ પ્રમાણે, "વિમાને બપોરે 1 વાગ્યાને 38 મિનિટ અને 42 સેકન્ડે સૌથી વધુ સ્પીડ 180 નૉટ્સ હાંસલ કરી. પછી તરત જ ઍન્જિન-1 અને ઍન્જિન-2ની ફ્યૂઅલ સ્વિચ કટ ઑફ પોઝિશનમાં જતી રહી હતી. બંને સ્વિચ કટ ઑફ પોઝિશનમાં ગઈ તેમના વચ્ચે માત્ર એક જ સૅકન્ડનો ફરક હતો."
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે "કૉકપિટ વૉઇસ રોકૉર્ડિંગમાં એક પાઇલટ બીજા પાઇલટને પૂછે છે કે તેમણે કટ ઑફ કેમ કર્યું? બીજા પાઇલટ જવાબ આપે છે કે તેમણે આમ નથી કર્યું."
લગભગ દસ સૅકન્ડ બાદ 1 વાગીને 38 મિનિટ અને 56 સૅકન્ડે ઍન્જિન-1ની ફ્યૂઅલ સ્વિચ કટ ઑફથી રન પોઝિશનમાં આવી જાય છે. પછી ચાર સૅકન્ડમાં ઍન્જિન-2ની ફ્યૂઅલ સ્વિચ કટ ઑફથી રન પોઝિશનમાં જતી હતી."
એનો અર્થ એ છે કે પાઇલટે બીજી વખત વિમાનને નિયંત્રિત કરવાની કોશિશ કરી.
લગભગ 9 સૅકન્ડ બાદ એટલે કે 1 વાગીને 39 મિનિટ અને 5 સૅકન્ડે એક પાઇલટે જમીન પર ઍર ટ્રાફિક કંટ્રોલ અધિકારીને મે ડે કૉલ આપ્યો. તેમને કોઈ જવાબ નહોતો મળ્યો અને થોડી જ વારમાં વિમાન ક્રૅશ થતું જોવા મળ્યું.
જ્યારે ઍન્જિનોએ કામ કરવાનું બંધ કર્યું ત્યારે રૅમ ઍર ટર્બાઇન નામની એક નાની પ્રોપેલર જેવું એક ડિવાઇસ આપોઆપ ઍક્ટિવ થઈ ગયું જેથી વિમાનને તેના થકી ઇમર્જન્સી હાઇડ્રૉલિક પાવર મળી શકે.
રિપોર્ટમાં કહેવાયું છે કે "ઍરપૉર્ટથી મળેલાં સીસીટીવી ફૂટેજમા જોવામાં આવ્યું છે કે લિફ્ટ – ઑફના તરત જ વિમાને ઉપર ઊઠવાનું શરૂ કર્યું હતું. ત્યારે રૅમ ઍર ટર્બાઇન (રૅટ) ઍક્ટિવ થઈ ગઈ હતી. ઉડાનના રસ્તાની આસપાસ કોઈ મોટી બર્ડ ઍક્ટિવિટીની કોઈ જાણકારી નથી. ઍરપૉર્ટના રન-વેની બાઉન્ડ્રી પાર કરવા પહેલાં જ વિમાને ઊંચાઈ ખોવાની શરૂઆત કરી દીધી હતી."
રિપોર્ટ પ્રમાણે ફ્યૂઅલના સૅમ્પલનો રિપોર્ટ પણ 'સંતોષજનક' મળ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












