અમદાવાદ પ્લેન દુર્ઘટના : માતાને ખબર નથી કે એનો વ્હાલસોયો પુત્ર હવે હયાત નથી, એક કરુણ કહાણી
'દુ:ખનું ઓસડ દહાડા' એવી કહેવત છે પરંતુ એક મહીનો થયો હોવા છતાં પટ્ટણી પરિવારનું દુ:ખ ઓછું થયું નથી.
અમદાવાદમાં એક મહિના પહેલાં ઘટેલી પ્લેન દુર્ઘટનામાં પટ્ટણી પરિવારે પોતાનો વ્હાલસોયો પુત્ર ગુમાવ્યો છે.
કાજલબહેન કહે છે, ''મારો ભાઈ જવાથી અમને એમ લાગે છે કે અમારી જિંદગીમાંથી બધું જ ચાલ્યું ગયું છે.''
સુરેશભાઈ કહે છે, ''મારી જિંદગીની તમામ ખુશી ચાલી ગઈ છે.''
પંદર વર્ષના આકાશને દૂધ અને ખારીનો નાસ્તો ખૂબ પસંદ હતો. એક મહિનાથી રોજ તેની તસવીર પાસે દૂધ અને ખારીનો નાસ્તો મુકવામાં આવે છે.
''પરંતુ તકલીફ એ છે કે હવે દીકરો ખાવા માટે હાજર નથી'' સુરેશભાઈ રડતા અવાજે કહે છે.
જ્યાં વિમાન ટકરાયું હતું એ મેડીકલ કૉલેજ હૉસ્ટેલની બહાર આકાશનાં માતા સીતાબહેન ચાની લારી હતી. આકાશ એની માતાને બપોરનું ટિફીન આપવા માટે ગયો હતો.
વિમાન હૉસ્ટેલ સાથે ટકરાયું ત્યારે વિમાનની પાંખ આકાશ પર પડ્યું હતું. આકાશનાં માતા સીતાબહેન ગંભીર રીતે દાઝી ગયાં હતાં. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કરુણતાની સીમા તો એ છે કે આકાશનાં માતાને પુત્રના મૃત્યુની હજુ સુધી જાણ નથી કરવામાં આવી. આકાશના અસ્થિને હજું સાચવવામાં આવ્યાં છે.
દીકરા આકાશને સંભારીને પરિવાર રડી પડે છે. આ વીડિયો કોઈ પણ સંવેદનશીલ માણસની આંખ ભીની કરી મુકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



