You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'વૉટ્સઍપ પર રિવ્યુ કરવાના 150 મળશે', આવો મૅસેજ કઈ રીતે લાખો રૂપિયા પડાવી લે છે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
તમને વૉટ્સઍપ પર પાર્ટ ટાઇમ નોકરી માટેના મૅસેજ આવે છે? તમને ક્યારેય ગુગલ રીવ્યુ કરવાના પૈસા મળ્યા છે? શું તમને ક્રીપ્ટોકરન્સીના નામે લાખોની કમાણી કરવાના લોભામણા મૅસેજ કે કૉલ આવે છે? જો હા, તો સાવધાન થઇ જજો, તમે સાઇબર ક્રાઇમના શિકાર બની શકો છો.
આ પ્રકારની મોડસ ઑપરેન્ડીથી ગુનો આચરીને લોકોને છેતરી કરોડો રૂપિયાની ગેરકાયદેસર કમાણી કરનારા લગભગ 36 જેટલા આરોપીઓને રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા જેવાં શહેરોથી પકડવામાં આવ્યા અને હૈદરાબાદની સાઇબર ક્રાઇમ પોલીસની સાત ટીમો એને પકડીને હૈદરાબાદ લઇ ગઈ છે.
ધરપકડ કરાયેલા આ લોકો અલગઅલગ મોડસ ઑપરેન્ડીથી કામ કરી રહ્યા હતા. જે દેશભરમાં સંબંધિત 980થી વધુ ફરીયાદોનો ભાગ હોઇ શકે તેવું પોલીસ માની રહી છે. હૈદરાબાદ પોલીસ કમિશનર કે. શ્રીનીવાસ રેડ્ડી અને ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ, ડી. કવિતા, સાઇબર ક્રાઇમે પત્રકારપરિષદમાં સંબંધિત ગુના વિશે માહિતી આપી હતી.
ગુજરાતમાંથી ધરપકડ કરાયેલી વ્યક્તિઓમાંથી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત વિવિધ સૉફ્ટવૅર એન્જિનિયર તેમજ ખાનગી નોકરી કરતા લોકોનો સમાવેશ થાય છે.
બીક અને લાલચ
આ વિશે બીબીસી ગુજરાતીએ હૈદરાબાદસ્થિત સાઇબર ક્રાઇમ સેલના વિવિધ અધિકારીઓ સાથે વાત કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે આ ગુનેગારો ભલે અલગઅલગ સ્થળેથી ઑપરેટ કરતા હોય, તેઓ એક જ પ્રકારની મોડસ ઑપરેન્ડી અપનાવી રહ્યા હતા.
હૈદરાબાદ ખાતે પત્રકારો સાથે વાત કરતા ડી. સી. પી. ડી. કવિતાએ જણાવ્યું હતું કે ગુનો આચરતા લોકો ત્રણ લેયરમાં ફેલાયેલા છે. પ્રથમ લેયર ના લોકો બૅન્ક ખાતેદારો છે, બીજા લેયરમાં બૅન્કખાતા સપ્લાયરો છે અને ત્રીજા લેયરમાં ખરેખર ગુનો આચરનારા લોકોનો સમાવેશ થાય છે. તમારા મોબાઇલ પર લોભામણા મૅસેજે મોકલનારા લોકો એ આ ત્રીજા સ્તરમાં સામેલ છે.
પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે બીક અને લાલચ - એ બે બાબતો છે, જેના થકી મોટા ભાગના લોકો આવા સાઇબર ક્રાઇમનો ભોગ બને છે.
આ કેસની તપાસ સાથે જોડાયેલા પોલીસ અધિકારી સુદર્શન રાવએ બીબીસી ગુજરાતી સાથે ફોન પર વાત કરતા સાઇબર ક્રાઇમની વિવિધ મોડસ ઑપરેન્ડી અંગે સમજાવ્યું હતું. જે અહીં રજૂ કરાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાર્ટટાઇમ જૉબની લાલચ આપીને આચરવામાં આવતો ગુનો
ઘણી વખત એવું બને કે તમે પાર્ટટાઇમ નોકરી શોધી રહ્યા હો અને તમારા વૉટ્સઍપ પર પાર્ટટાઇમ નોકરી કરવા માટેની લિંક આવે. લિંકમાં તમને કહેવામાં આવે કે તમારે કોઈ કૉમર્શિયલ પ્રૉપ્રટી માટે રિવ્યુ કરવાનું છે અને રિવ્યુ દિઠ તમને 150 રૂપિયા મળશે. લોકો આવી લાલચમાં ફસાઈ જતા હોય છે. શરૂઆતમાં તેમનાં ખાતાંમાં પૈસા પણ આવે છે.
પ્રારંભિક સ્તરે અમુક રકમ તમારા ખાતામાં જમા કરાવ્યા બાદ જે-તે કૌભાંડીઓ વધુ કમાણી માટે તમને ટેલિગ્રામ પ્લૅટફૉર્મ પર આવવાની લાલચ આપે છે. ટેલિગ્રામ પર વેબસાઇટની લિંક મોકલવામાં આવે છે અને ત્યાં નોંધણી કરાવીને અલગઅલગ પ્રવૃતિ કરવા જણાવાય. એ પ્રવૃતિમાં ફસાવાયા બાદ જે-તે વ્યક્તિને ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અંગે જણાવાય છે અને ખાતું ખોલાવાય છે. સામાન્ય રીતે પહેલા નાનીનાની રકમ નાખીને કમાણી કરવાનું કહેવાય છે. આ રકમનું પ્રમાણ 2 હજાર, 5 હજાર કે 7 હજાર જેવું હોઈ શકે.
આ રકમ જમા કરાવ્યા બાદ તમારા ખાતામાં નફો થયો હોય એવું દેખાય છે. જેમ કે 5 હજારની સામે તમને 5 હજાર રૂપિયાનો નફો થયો હોવાનું દેખાય છે. જેમાંથી તમે કદાચ 2 હજાર રૂપિયા ઉપાડી પણ શકો. આવી રીતે બીજી વખત તમને 10 હજાર રૂપિયા જમા કરાવવા માટે જણાવાય છે. આવી રીતે જમા કરાવવા માટેની રકમ દિવસદિવસે વધારી દેવામાં આવે છે. તમારા ખાતામાં પૈસા પણ દેખાય છે પણ એ પૈસા તમે ઉપાડી શકતા નથી.
આ રીતે ધીમેધીમે વધવા લાગે છે અને જ્યારે તમને ખબર પડે કે તમે છેતરપિંડીનો ભોગ બન્યા ત્યારે મોડું થઈ જતું હોય છે.
'આપનું કુરિયર આવ્યું છે'
ઘણી વખત તમારા મોબાઇલ પર એવા મૅસેજ આવે છે કે તમારું કુરિયર આવ્યું છે અને તેને લેવા માટે સંબંધિત લિંક પર ક્લિક કરો. પહેલા તમને કહેવામાં આવે છે કે તમારા નામે હીરા કે સોનું - એવી મોંઘી વસ્તુ આવી છે અને તેને મેળવવા માટે 5 હજાર કે 7 હજાર જેવી રકમ ભરવી પડશે. હીરા કે સોનું મેળવવાની લાલચમાં જે-તે વ્યક્તિ પૈસા ભરી દેતી હોય છે.
આવી રીતે એક વખત પૈસા ભરી દેવાયા બાદ ગુનેગારો મુંબઈ-સીબીઆઈની ઓળખ આપીને પૈસા ભરનારી વ્યક્તિનો સંપર્ક સાધતી હોય છે અને તેની ધરપકડ કરી લેવાની ધમકી આપતી હોય છે.
એક વખત આ પૈસા ભરાય જાય પછી, ગુજરાતના આ સાઇબર ગઠીયાઓ, મુંબઇ સીબીઆઇની ઓળખાણ આપીને આવી વ્યક્તિનો સંપર્ક કરે છે, અને તેમને ધરપકડ કરી લેવાની ધમકી આપે છે. હૈદરાબાદ પોલીસની એક પ્રેસનોટ પ્રમાણે, “આ એમ ઓમાં થકી અનેક લોકોનો સંપર્ક કરી તેમને બીવડાવીને તેમની સાથે છેતરપીંડી કરવામાં આવી છે.”
આવા કિસ્સામાં કૌભાંડીઓ પીડિતોને વીડિયો કૉલ કરે છે. એવા કૉલમાં પીડિતને હૂબહૂ પોલીસચોકી બતાવવામાં આવે છે અને કૌભાંડીઓ પોલીસ જેવાં કપડાં પહેરીને પીડિતને વધારે બીવડાવી દેતા હોય છે. આવી રીતે લાખો રૂપિયા પડાવી લેવામાં આવતા હોય છે.
ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ કરવું છે?
ક્રીપ્ટોકરન્સીના નામે આચરવામાં આવતા ગુના સાઇબર ક્રાઇમ માટે નવા નથી.
કૌભાડીઓએ પીડિતોને ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ વાટે માટે મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલૉડ કરવા માટે લલચાવે છે. જોકે, આવી રીતે ક્રીપ્ટોકરન્સી ખરીદનારા લોકોને ઓનલાઇન ખાતામાં ફાયદો થતો માત્ર દેખાય છે પણ એ ક્યારે તે પૈસા ઉપાડી શકતા નથી કે પોતાના બીજા ખાતામાં ટ્રાન્ફર કરી શકતા નથી.
ગુજરાતમાંથી પકડવામાં આવેલા આરોપીઓ કોણ?
હૈદારાબાદ પોલીસની પ્રેસનોટ પ્રમાણે સુરતમાંથી સાગર પ્રજાપતિ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીકુંજ કાનાણી, પ્રવીણ વસોયા, રાજકોટ ગોંડલના રહેવાસી કુલદીપ ચુડાસમા, રાજકોટમાંથી ધૈવતસિંહ જાડેજા તથા કેતન સીનોજિયા તેમજ ભાવનગરમાંથી કિરીટ પરમાર નામના આરોપીઓની ધરપકડ કરાઈ છે.
હૈદરાબાદ પોલીસ કમિશનર કે. શ્રીનીવાસ રેડ્ડીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, “આ લોકો નાની મોટી નોકરી કરે છે અને આ દરમિયાન આવાં કામ પણ કરે છે. આરોપીઓમાં ઘણા સોફ્ટવેર એન્જિનિયર પણ છે”
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)