તાલિબાન અને ભારત વચ્ચે એવી કઈ વાત થઈ જેનાથી પાકિસ્તાનમાં હલચલ, અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાજદ્વારીએ ગણાવ્યો વિશ્વાસઘાત

ઇમેજ સ્રોત, @MEAIndia
પાકિસ્તાનને એવું લાગી રહ્યું હતું કે અફઘાનિસ્તાનમાંથી અશરફ ગનીની સરકારના પતન બાદ અને તાલિબાનની વાપસીથી તેની પકડ મજબૂત થશે.
15 ઑગસ્ટ, 2021ના રોજ જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર નિયંત્રણ કરી લીધું તો પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે અફઘાનિસ્તાનના લોકોએ ગુલામીની બેડીઓ તોડી નાખી છે.
ત્યારે પાકિસ્તાનમાં ઉજવણીનો માહોલ હતો. સ્પષ્ટ છે કે તાલિબાનને પાકિસ્તાન વર્ષોથી મદદ કરતું રહ્યું છે, પરંતુ ગત ચાર વર્ષોમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ છે.
હવે પાકિસ્તાન અને તાલિબાન સામસામે છે. બંને તરફથી એકબીજા પર હુમલા થઈ રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારી અએ પત્રકાર પોતાની સરકાર પર એ વાત અંગે કટાક્ષ કરી રહ્યા છે કે તાલિબાનના આગમન પર ઉજવણી કરનારા અત્યારે ક્યાં છે?
ભારત-અફઘાનિસ્તાનની નિકટતા

ઇમેજ સ્રોત, @MEAIndia
અફઘાનિસ્તાનમાંથી અશરફ ગનીની સરકારનું પતન એ ભારત માટે ખૂબ મોટો ફટકો માનવામાં આવી રહ્યો હતો.
એવું લાગી રહ્યું હતું કે ભારતે અફઘાનિસ્તાનમાં જે અબજો ડૉલરનું રોકાણ કર્યું છે, તેના પર પાણી ફરી જશે. પરંતુ પાછલા કેટલાક મહિનાથી તાલિબન સાથે ભારતના સંપર્કમાં વધારો થયો છે અને ફરી એક વાર અફઘાનિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં સુધરતા દેખાઈ રહ્યા છે.
ભારતના વિદેશ સચિવ મિસ્રી આઠ જાન્યુઆરીના રોજ દુબઈમાં તાલિબાનના કાર્યકારી વિદેશમંત્રી આમિર ખાન મુત્તાકીને મળ્યા.
તાલિબાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અફઘાનિસ્તાન ભારતને મહત્ત્વપૂર્ણ ક્ષેત્રીય અને આર્થિક સહયોગી તરીકે જુએ છે. વર્ષ 2021માં તાલિબાનના સત્તામાં આવ્યા બાદથી ભારત સાથે આ અત્યાર સુધીની સૌથી ઉચ્ચસ્તરીય બેઠક હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ઈરાનના ચાબહાર પૉર્ટ દ્વારા ભારત સાથે વેપાર વધારવાની વાત થઈ છે. ભારત ઈરાનમાં ચાબહાર પૉર્ટ બનાવી રહ્યું છે, જેથી પાકિસ્તાનનાં કરાચી અને ગ્વાદર પૉર્ટને બાયપાસ કરીને અફઘાનિસ્તાન, ઈરાન અને મધ્ય એશિયા સાથે કારોબાર કરી શકાય.
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે વિક્રમ મિસ્રી સાથેની મુલાકાત બાદ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું, "અમારી વિદેશનીતિ સંતુલિત અને અર્થતંત્રને મજબૂત કરવા પર કેન્દ્રિત છે. અમારું લક્ષ્ય છે કે ભારત સાથે રાજકીય અને આર્થિક ભાગીદારી મજબૂત બને."
તેમજ ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં વિકાસના પ્રોજેક્ટોને ફરીથી શરૂ કરવાની વાત પર વિચાર કરાઈ રહ્યો છે અને સાથે જે વેપાર વધારવા અંગે પણ વાત થઈ છે. વિશ્વના કોઈ પણ દેશે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને માન્યતા નથી આપી અને ભારત પણ તે પૈકી એક છે.
પાકિસ્તાનમાં હલચલ

ઇમેજ સ્રોત, @MEAIndia
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દુબઈમાં તાલિબાન અને ભારતની મુલાકાત અંગે પાકિસ્તાનમાંથી ઘણી પ્રતિક્રિયા આવી રહી છે. આ મુલાકાત પાકિસ્તાનને પણ પરેશાન કરી શકે છે.
પાકિસ્તાને થોડા દિવસ અગાઉ જ અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા છે, પાકિસ્તાનનું કહેવું છે કે અફઘાનિસ્તાનની જમીનથી આતંકવાદી હુમલા કરાઈ રહ્યા છે.
આ અઠવાડિયે ભારતે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હુમલાની નિંદા કરી હતી.
અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'નાં પાકિસ્તાનમાં સંવાદદાતા રહેલાં નિરૂપમા સુબ્રમણ્યને લખ્યું કે, "તાલિબાન માટે કાબુલ નદી પર શહતૂત ડૅમ પ્રાથમિકતા છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્ષ 2020માં 25 કરોડ ડૉલરના પ્રોજેક્ટ પર સમજૂતી થઈ હતી, પરંતુ તાલિબાનના આગમન બાદ ઘણું બધું રોકાઈ ગયું હતું. તાલિબાન હવે ભારતને કહી રહ્યું છે કે આ પ્રોજેક્ટ પૂરો કરો."
અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રહેલા હુસૈન હક્કાનીએ ઍક્સ પર લખ્યું કે, "ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્રીની તાલિબાનના વિદેશમંત્રી સાથે મુલાકાત પાકિસ્તાની વ્યૂહરચનાકારો માટે એક પાઠ છે, જેઓ એવું વિચારી રહ્યા હતા કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના આગમનથી પાકિસ્તાનને મદદ મળશે અને ભારતનો પ્રભાવ ખતમ થઈ જશે."
આ પહેલાં હક્કાનીએ પાકિસ્તાની ન્યૂઝ ચૅનલ સમા ટીવીને કહેલું કે, "આ લોકો તો કાબુલ વિજય મેળવીને એવું વિચારી રહ્યા હતા કે તાલિબાનના આગમનથી પાકિસ્તાનનું ભવિષ્ય સુરક્ષિત બની જશે, પરંતુ તેઓ તો આપણા જ ગળે પડી ગયા છે. વિદેશનીતિને સમજનારાનો દૃષ્ટિકોણ જ જોવો જોઈએ. તમે એક સમયે કોઈ બ્રિગેટના કમાન્ડર હતા, તેનો એ અર્થ નથી કે તમને બધું સમજાઈ રહ્યું હશે."
અમેરિકાની યુનિવર્સિટી ઑફ અલ્બાનીમાં રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર ક્રિસ્ટોફર ક્લેરીએ લખ્યું છે, "દાયકાઓથી અમેરિકન નીતિનિર્માતા પાકિસ્તાનને કહેતા રહ્યા કે તાલિબાનને સમર્થન કરવાથી કદાચ જ વ્યૂહરચનાની દૃષ્ટિએ કોઈ લાભ થશે. હવે બધું સામે આવી રહ્યું છે."
અમેરિકન થિંક ટૅન્ક ધ વિલ્સન સેન્ટરમાં સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટના નિદેશક માઇકલ કુગલમૅને ભારત અને તાલિબાન વચ્ચે વધતા સંપર્ક અંગે લખ્યું છે, "કોઈ એવું કહી શકે કે તાલિબાન સાથે ભારતની વધતી નિકટતા અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનને માત આપવાનો પ્રયત્ન છે. પરંતુ આ વાતનો વ્યવહારિક પક્ષેય ખરો, કારણ કે ભારત નથી ઇચ્છતું કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ દેશ પર આતંકવાદી હુમલા માટે થાય."
"આ સિવાય ભારત ઈરાનના ચાબહાર થકી અફઘાનિસ્તાન સાથે સંપર્ક પણ વધારવા માગે છે. ભારત અહીંથી જ મધ્ય એશિયા પણ પહોંચશે. ભારતની આ કોશિશના દમ પર જ ત્યાંની જનતાના વિશ્વાસમાં પણ વધારો થશે. પાકિસ્તાન ઇચ્છે છે કે તાલિબાન અફઘાનિસ્તાનમાં તેના વિરોધીઓને કાબૂમાં કરે, પરંતુ તાલિબાન આવું કરવાના મૂડમાં નથી અને આ જ વાતનો લાભ ભારતને મળી રહ્યો છે. પરંતુ ભારત અને તાલિબાનના સંબંધોને પાકિસ્તાનના અરીસામાં ન જોવા જોઈએ."
'ધ હિંદુ'ના આંતરરાષ્ટ્રીય સંપાદક સ્ટેનલી જૉનીએ લખ્યું છે કે, "2021માં ભારત અને તાલિબાન એકબીજા સાથે સંપર્ક જાળવી રાખવા માગતા હતા. તેનાં ઘણાં કારણો છે. ભારતે અફઘાનિસ્તાનમાં રોકાણ કર્યું છે અને આતંકવાદ અંગે પણ ચિંતા છે. પાકિસ્તાન ફૅક્ટર પણ મહત્ત્વપૂર્ણ છે. તાલિબાન ઇચ્છે છે કે પાકિસ્તાનની દખલથી મુક્ત રહે અને ભારત માટે આ વાત તક છે. આનો એ અર્થ બિલકુલ નથી કે ભારત તાલિબાન સાથે સંબંધ સામાન્ય કરવા માટે કોઈ ઉતાવળમાં છે. આ આંતરરાષ્ટ્રીય સમાધાન બાદ જ થશે, પરંતુ ભારત અને તાલિબાન સંપર્ક જાળવી રાખશે અને ધીમે ધીમે નવી તકોની શોધ કરતાં રહેશે."
ભારતથી નારાજગીય ખરી...

ઇમેજ સ્રોત, EPA
ભારતમાં પાકિસ્તાનના પૂર્વ ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતનું કહેવું છે કે અફઘાનિસ્તાન અંગે પાકિસ્તાનની નીતિ જબરદસ્ત રીતે અસફળ રહી છે. આ અંગે કોઈ સ્પષ્ટ નીતિ નથી.
તેઓ કહે છે કે એક જ સમયે બંને દેશો વચ્ચે કારોબાર અને સંબંધો આગળ વધારવાના મતલબની વાત થાય છે અને બરાબર એ જ સમયે હુમલા પણ થાય છે.
અબ્દુલ બાસિત અફઘાનિસ્તાનમાં સંબંધ બગડવાના કેન્દ્રમાં પાકિસ્તાન તાલિબાન (ટીટીપી) હોવાનું કહે છે. તેમું કહેવું છે કે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા વધ્યા છે અને પાકિસ્તાન સરકાર ટીટીપી (તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન) વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે, પરંતુ ટીટીપીનું સુરક્ષિત આશ્રયસ્થાન અફઘાનિસ્તાનમાં છે. આમ, આખો મામલો અત્યંત સંવેદનશીલ બની જાય છે.
અબ્દુલ બાસિતે પાકિસ્તાની ન્યૂઝ ચૅનલ એબીએન ન્યૂઝને કહ્યું, "આ ખૂબ સંવેદનશીલ મામલો છે, અફઘાન તાલિબાન અને પાકિસ્તાન તાલિબાન પૂર્વમાં સહયોગ કરી રહ્યાં છે. પાકિસ્તાન કાબુલ સાથે પોતાના સંબંધો સુધરે એવી પણ ઇચ્છા ધરાવે છે, આ હુમલા પણ મજબૂરી બની જાય છે, કારણ કે તાલિબાન સરકાર પાકિસ્તાન તાલિબાન વિરુદ્ધ પગલાં નથી લઈ રહી."
અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે તાલમેલ ન બેસાડી શકવાને કારણે રાજકીય જાણકારો પાકિસ્તાનના રાજનેતાઓને જવાબદાર ઠેરવે છે.
એક યૂટ્યૂબ ચૅનલ સાથેની વાતચીતમાં પાકિસ્તાની રાજકીય વિશ્લેષક મોહમ્મદ આમિર રાણાએ કહ્યું કે તાલિબાન જ્યારે સત્તામાં આવ્યું ત્યારે તેને સમજવામાં ભૂલ થઈ અને પાકિસ્તાને વધુ આશાઓ જોડી લીધી.
તેમણે કહ્યું, "ભૂલ એ થઈ કે અમે હક્કાનીની નજરથી આખા તાલિબાનને જોયું, અમને લાગ્યું કે હક્કાની આપણા હિમાયતી છે. આપણી ઍસેટ છે, તેથી કદાચ આપણને મદદ કરશે. પરંતુ એવું ન થયું."
તાલિબાન સાથે ભારતના વધતા જતા સંપર્ક અંગે અફઘાન રિપબ્લિકના રાજદ્વારી ઘણા નારાજ છે.
શ્રીલંકા, ભારત અને અમેરિકામાં રિપબ્લિક અને અફઘાનિસ્તાનના રાજદૂત રહેલા એમ અશરફ હૈદરીએ વિક્રમ મિસ્રી અને તાલિબાનની મુલાકાત પર કઠોર શબ્દોમાં લખ્યું છે, "આ અફઘાનિસ્તાનની જનતા, લોકશાહી, સ્વતંત્રતા, માનવાધિકાર, અફઘાનિસ્તાનના વૈવિધ્ય, અફઘાન હિંદુ, શીખ, યહૂદી અને એક રાષ્ટ્ર સાથે દગો છે, જેમણે 2021 પહેલાં ભારત માટે અંતહીન લોહી રેડ્યું છે. પાકિસ્તાનની માફક ભારત પણ જલદી કે મોડે પોતાનાં જ મૂલ્યો અને હિતો સાથે દગા પર અફસોસ કરશે."
અશરફ હૈદરીએ લખ્યું કે, "તમે એ ન ભૂલો કે તાલિબાન એવું કહે છે કે હિંદુઓએ તેમનાં ભાઈબહેનોના કાશ્મીર પર કબજો કરેલો છે અને કાશ્મીરના સ્વાતંત્ર્ય માટે એ ઝઝૂમશે. તમે એ પણ ન ભૂલો કે બામિયાનમાં બુદ્ધની મૂર્તિઓ તાલિબાને જ તોડી હતી અને એ મૂર્તિઓ આપણી સાંસ્કૃતિક સંપદા હતી."
ભારતમાં રિપબ્લિક ઑફ અફઘાનિસ્તાનના રાજદૂત રહેલા ફરીદ મામુન્દઝઈએ કહ્યું છે કે, "તાલિબાન સરકાર સાથે કોઈ પણ પ્રકારની વાતચીત એ લોકોને ધ્યાને રાખ્યા વગર ન થઈ શકે, જેઓ ત્યાં સતત અત્યાચારનો શિકાર બની રહ્યા છે. કોઈ પણ પ્રકારની વાતચીતમાં મહિલાઓ અને બાળકોનાં હિતોને પ્રાધાન્ય આપવાનું રહેશે. ત્યાંના માનવીય સંકટનું સમાધાન લાવવું પડશે, ભારત ત્યાં તાલિબાનના જુલમને માન્યતા ન આપે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












