‘તેના બન્ને પગ કપાઈ ગયા હતા, ભાખોડિયા ભરીને મારી તરફ આવ્યો’ ગાઝાનાં ઘાયલ બાળકો જેમણે પરિવારો ગુમાવી દીધા છે

    • લેેખક, દલિયા હૈદર
    • પદ, બીબીસી અરેબિક, ગાઝા

ગાઝા પટ્ટી વિસ્તારમાં કામ કરતા તબીબી સમુદાયના લોકો યુદ્ધનો ભોગ બનેલા ચોક્કસ પ્રકારના લોકો માટે એક ખાસ શબ્દપ્રયોગ કરતા હોવાનું બીબીસીને જણાવવામાં આવ્યું છે.

ડૉક્ટર્સ વિધાઉટ બૉર્ડર્સ નામની સંસ્થા સાથે કામ કરતાં ડૉ. તાન્યા હજ-હસને બીબીસી ન્યૂઝને કહ્યું હતું, "ડબલ્યુસીએનએસએફ આ ટૂંકું નામ ખાસ ગાઝા પટ્ટી માટેનું છે. એ પરિવારવિહોણા થઈ ગયેલાં ઘાયલ બાળકો (વુન્ડેડ ચાઇલ્ડ, નો સર્વાઈવિંગ ફેમિલી) માટે વાપરવામાં આવે છે અને તેનો ઉપયોગ જવલ્લે જ થતો નથી."

આ અભિવ્યક્તિ ગાઝાનાં બાળકોની ભયાનક પરિસ્થિતિને વ્યક્ત કરે છે. તેમનું જીવન એક મિનિટમાં બદલાઈ જાય છે. તેમનાં માતા-પિતા, ભાઈ-બહેન તથા દાદા-દાદીની હત્યા કરી દેવામાં આવે છે અને બધું ઉપરતળે થઈ જાય છે.

હમાસે સાતમી ઑક્ટોબરે ઇઝરાયલ પર હુમલો કરીને 1,200 લોકોની હત્યા કરી અને 240 અન્ય લોકોને બંધક બનાવ્યા પછી યુદ્ધ શરૂ થયું હતું તથા ઇઝરાયલે વળતો હુમલો શરૂ કર્યો હતો. ગાઝાના હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સંઘર્ષમાં આશરે 6,000 બાળકો સહિત 14,800 લોકો માર્યા ગયા છે.

બેઘર અનાથ

અહમદ શબાતનો સમાવેશ પરિવારવિહોણા થઈ ગયેલાં ઘાયલ બાળકોમાં થાય છે. તેનો પરિવાર સંઘર્ષમાં ખતમ થઈ ગયો હતો. એ ઘાયલ થયો હતો અને ઉત્તર ગાઝામાં ઇન્ડોનેશિયન હૉસ્પિટલમાં રડતો હતો.

નવેમ્બરની મધ્યમાં બીટ હનુન વિસ્તારમાં આવેલા ઘર પરના હવાઈ હુમલામાંથી અહમદ બચી ગયો હતો, પરંતુ તેનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં હતાં. જાણે કોઈ ચમત્કાર હોય તેમ અહમદને નાની ઈજા થઈ હતી. બાદમાં એવું જાણવા મળ્યું હતું કે તેનો બે વર્ષની વયનો નાનો ભાઈ ઓમર પણ હુમલામાંથી બચી ગયો હતો. બાદમાં તેમનો મેળાપ તેમના વ્યાપક પરિવારના એક વડીલ સાથે કરાવી આપવામાં આવ્યો હતો.

અહમદના કાકા ઇબ્રાહિમ અબુ અમશાએ કહ્યું હતું, "બૉમ્બ વિસ્ફોટ પછી અમને ખબર પડી હતી કે ઇન્ડોનિશિયન હૉસ્પિટલમાં એક અનાથ બાળક છે. તેથી અમે તત્કાળ ત્યાં ગયા હતા. અહમદ અજાણી વ્યક્તિ સાથે ત્યાં હતો. તેણે જણાવ્યું હતું કે વિસ્ફોટને લીધે અહમદ હવામાં ફંગોળાઈ ગયો હતો અને ઘરથી લગભગ 20 મીટર દૂર ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો."

અહમદ તથા ઓમર અનાથ બની ગયા હતા. સતત થતા બૉમ્બમારાથી બચવા માટે તેમની પાસે કોઈ ઘર રહ્યું ન હતું.

તેથી ઇબ્રાહિમે તેમની સંભાળ લેવાનું નક્કી કર્યું હતું. પહેલાં તેઓ બન્નેને શેખ રદવાન શહેરમાં લઈ ગયાં હતાં, પરંતુ “વિસ્ફોટને લીધે કાચની કરચ લાગી” ત્યારે તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા.

એ પછી તેઓ સંયુક્ત રાષ્ટ્રસંઘ સંલગ્ન શાળામાં રહેવા નુસીરાત કેમ્પમાં ગયા હતા, પરંતુ રહેવાની આ નવી જગ્યાએ ફરીથી તેમણે હુમલાનો સામનો કરવો પડ્યો હતો, જેનું પરિણામ અહમદ માટે વિનાશક હતું.

ઇબ્રાહિમે કહ્યું હતું, "હું શાળાના દરવાજાની બહાર દોડી ગયો હતો અને મારી સામે જમીન પર અહમદને પડેલો જોયો હતો. તેના બન્ને પગ કપાઈ ગયા હતા. તે ભાખોડિયા ભરીને મારી તરફ આવી રહ્યો હતો. હાથ ફેલાવીને મદદ માગી રહ્યો હતો." વિસ્ફોટ વખતે અહમદ સાથે રહેલા તેના પરિવારના એક સભ્યનું પણ મોત થયું હતું.

ઇબ્રાહિમ અને તેમની બહેનનાં સંતાનો આજે પણ બેઘર છે. ઇબ્રાહિમે જણાવ્યું હતું કે તેમની ઇચ્છા અહમદને ગાઝા બહાર સારવાર માટે મોકલવા માટે સક્ષમ બનવાની છે. તેમણે કહ્યું હતું, "અહમદનાં ઘણાં સપનાં હતાં. અમે ફૂટબૉલ મૅચ જોવા સાથે જતા ત્યારે તેણે કહેલું કે એ પ્રખ્યાત ફૂટબૉલ ખેલાડી બનવા ઇચ્છે છે."

માતા માટે આક્રંદ

અહમદની જેમ મુના અલવાન પણ યુદ્ધને લીધે અનાથ થયેલી છોકરી છે. મુના અલવાનને ઇન્ડોનેશિયન હૉસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તેને પણ ડબલ્યુસીએનએસએફ તરીકે વર્ણવવામાં આવી હતી.

બે વર્ષની મુના અલવાન તેની માતાને યાદ કરીને સતત રડે છે, પરંતુ તેની મમ્મીનું મૃત્યુ થયું છે.

ઉત્તર ગાઝાના જબલ અલ રાઈસ વિસ્તારમાં પાડોશીના ઘર પર હવાઈ હુમલો થયો પછી મુના અલવાનને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવી હતી. મુનાનાં માતા-પિતા, ભાઈ અને દાદા મૃત્યુ પામ્યા હતા. મુનાની આંખમાં ગંભીર ઈજા થઈ હતી અને તેના જડબામાં ફ્રેક્ચર થયું હતું.

મુનાને બીજી હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી અને તેનાં કાકી હાનાએ તેને ત્યાંથી શોધી કાઢી હતી.

હાનાએ કહ્યું હતું, "અમને ઇન્ટરનેટ મારફત ખબર પડી હતી કે મુના નાસેર હૉસ્પિટલમાં છે. અમે ત્યાં ગયાં હતાં અને તેને ઓળખી કાઢી હતી."

મુના બહુ પીડાઈ રહી છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું, "એ ચીસો પાડ્યા કરે છે. ખાસ કરીને કોઈ તેની પાસે જાય તો બહુ ડરે છે."

મુનાની મોટી બહેનો હયાત છે, પરંતુ એ ગાઝા શહેરમાં છે.

હાનાએ કહ્યું હતું, "તેઓ અટવાઈ ગયાં છે અને તેમને દક્ષિણમાં લાવવાનો કોઈ માર્ગ નથી. હું મારી જાતને સતત પૂછું છું કે અમે શું કરીશું? અમે તેની માતાની ખોટ કઈ રીતે પૂરી શકીશું?"

‘મેં મારો પગ અને પરિવાર ગુમાવ્યો’

દક્ષિણ ગાઝાના ખાન યુનિસ ખાતેની નાસેર હૉસ્પિટલના એક રૂમના ખૂણામાં મેટલ બેડ પર પડેલી 11 વર્ષની દુન્યા અબુ મહેસેન સફેદ પાટામાં લપેટેલા તેના જમણા પગને જોઈ રહી છે.

લાંબા વાંકડિયા વાળવાળી દુન્યાએ મખમલી લાલ ડ્રેસ પહેર્યો છે. તે મોટાભાગે મૌન રહે છે અને ખૂબ ઉદાસ દેખાય છે.

દુન્યા, તેના ભાઈ યુસુફ અને નાની બહેન હવાઈ હુમલામાંથી બચી ગયાં હતાં. એ બધા દક્ષિણ ગાઝાના ખાન યુનિસમાં અલ અમલ વિસ્તારમાં તેમના ઘરે સૂતા હતા ત્યારે હવાઈ હુમલો થયો હતો.

એ હુમલામાં દુન્યાનાં માતા-પિતા, એક ભાઈ અને બહેન મૃત્યુ પામ્યાં હતાં. દુન્યાએ પણ તેનો જમણો પગ ગુમાવ્યો છે.

એ ઘટનાને યાદ કરતાં દુન્યાએ કહ્યું હતું, "મેં મારા પિતાને જોયા ત્યારે હું ડરી ગઈ હતી, કારણ કે તેમનું શરીર લોહી અને પત્થરથી લપેટાયેલું હતું. લોકો અમારી આસપાસ ઉભા હતા અને મારી બહેન ચીસો પાડી રહી હતી. મેં મારા શરીર તરફ જોયું તો મારો એક પગ નાશ પામ્યો હતો. મને દુખાવો થતો હતો અને હું એક જ વાત વિચારતી હતી કે મારો પગ ક્યાં ગયો?"

તેના કાકી ફદવા અબુ મહસેને કહ્યુ હતું, "દુન્યાને યાદ નથી કે તે હોસ્પિટલમાં કેવી રીતે પહોંચી, પરંતુ પોતે ત્યાં એકલી હતી અને તબીબી કર્મચારીઓ તેની ઓળખ માટે તેને વારંવાર સવાલ કરતા હતા એ યાદ છે."

ફદવા અબુ મહસેનના કહેવા મુજબ, દુન્યાએ નર્સને એવું કહેતી સાંભળી હતી કે ભગવાન તેના પર દયા કરે. તેનો અર્થ તેના મમ્મી-પપ્પા હતો.

ફદવા અબુ મહસેન હૉસ્પિટલ રૂમમાં દુન્યાની બાજુમાં બેસે છે અને તેમની સાથેની વ્હીલચેર નાનકડી દુન્યા માટે હવે બહાર નીકળવાનું અને તાજી હવામાં શ્વાસ લેવાનું એકમાત્ર સાધન બની ગઈ છે. ફદવાએ કહ્યું હતું, "ઘાયલ થયા પહેલાં દુન્યા બહુ રમતિયાળ, મજબૂત અને સક્રિય હતી."

દુન્યાએ કહ્યું હતું, "મેં મારો પગ અને પરિવાર ગુમાવ્યો છે, પરંતુ મારે હજુ પણ કેટલાંક સપનાં સાકાર કરવાં છે. હું કૃત્રિમ પગ મેળવવા, મુસાફરી કરવા, ડૉક્ટર બનવા ઇચ્છું છું. હું ઇચ્છું છું કે આ યુદ્ધ સમાપ્ત થાય અને અમારાં બાળકો શાંતિથી જીવે."

ગાઝામાં કેટલાં અનાથ બાળકો છે?

યુનિસેફના કમ્યુનિકેશન મૅનેજર રિકાર્ડો પાયર્સના જણાવ્યા અનુસાર, "શત્રુતાની તીવ્રતા અને જમીન પર ઝડપથી આકાર લેતી પરિસ્થિતિને જોતાં" ગાઝા પટ્ટીમાં હાલ અનાથ બાળકોની ચોક્કસ સંખ્યા નક્કી કરવી પડકારજનક છે.

રિકાર્ડો પાયર્સે ઉમેર્યું હતું કે અનાથ બાળકોની ઓળખ તથા નોંધણી કરવા અમારી સંસ્થાએ ગાઝામાં હૉસ્પિટલો અને આરોગ્ય કર્મચારીઓ સુધી પહોંચવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ "અત્યંત પડકારજનક પરિસ્થિતિને કારણે આ પ્રયાસો ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે."

રિકાર્ડો પાયર્સના કહેવા મુજબ, આશ્રયસ્થાનો અને હૉસ્પિટલોમાં "અંધાધૂંધી તથા ભીડને કારણે" સલામત, હંગામી ઓળખ વ્યવસ્થા કરવાનું મુશ્કેલ છે. "દસ્તાવેજોને આધારે બાળકોની ઓળખ કરવી અને તેમની તેમના સંબંધીઓ સાથે પુનર્મિલન કરાવવાની વ્યવસ્થા પણ ઠીકઠાક નથી."