You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલની જેલોમાં મહિલા કેદીઓ પર રૅપની ધમકી, માર અને કૂતરાં છોડવાના અત્યાચારોની કહાણી, પેલેસ્ટાઇનના કિશોરે બતાવ્યા ઘા
- લેેખક, લૂસી વિલિયમ્સન
- પદ, બીબીસી ન્યૂઝ, જેનિન, વેસ્ટબૅન્ક
ઇઝરાયલી જેલોમાંથી મુક્ત થયેલા પેલેસ્ટાઇનના કેદીઓએ કહ્યું કે સાત ઑક્ટોબરે ઇઝરાયલ પર હુમલા બાદ થોડા સપ્તાહોની અંદર જ જેલના ગાર્ડે તેમને ટૉર્ચર કર્યાં અને સામૂહિક સજા પણ આપી.
આ કેદીઓએ કહ્યું કે તેમને દંડાથી માર મારવામાં આવતો હતો. તેમની ઉપર ખૂંખાર કૂતરાં છોડાતાં હતાં. તેમનાં ધાબળા, કપડાં અને ખાવાનું પણ છીનવી લેવાયું.
એક મહિલા કેદીએ કહ્યું કે તેમને બળાત્કારની ધમકી આપવામાં આવી. અને એ ગાર્ડોએ બૅરેકોમાં બે વાર ટિયરગેસના શેલ છોડ્યા હતા.
બીબીસીએ છ કેદીઓ સાથે વાત કરી અને તે બધાએ કહ્યું કે તેમને જેલમાંથી મુક્ત કરતાં પહેલાં માર મારવામાં આવ્યો હતો.
પેલેસ્ટિનિયન પ્રિઝનર્સ સોસાયટીએ કહ્યું કે કેટલાક ગાર્ડોએ હાથકડી બાંધી હોય તેવા કેદીઓ પર કથિત રીતે પેશાબ કર્યો. ઇઝરાયલની કસ્ટડીમાં છેલ્લાં સાત અઠવાડિયામાં છ કેદીઓનાં મૃત્યુ થઈ ગયાં છે.
ઇઝરાયલનું કહેવું છે કે આ બધા જ કેદીઓને કાયદા અંતર્ગત કસ્ટડીમાં લેવાયા હતા.
18 વર્ષના મોહમ્મદ નઝ્ઝલ એ લોકો પૈકીના એક છે, જેમણે આ અઠવાડિયે ઇઝરાયલે ગાઝામાં હમાસના કબજામાં રાખેલાં ઇઝરાયલી મહિલાઓ અને બાળકોની મુક્તિના બદલામાં છોડવામાં આવ્યા.
તેમને ઑગસ્ટથી કોઈ આરોપો નોંધ્યા વિના જ નફહા જેલમાં કસ્ટડીમાં રખાયા હતા. તેમનું કહેવું છે કે તેમને નથી ખબર કે તેમની ધરપકડ કેમ કરાઈ હતી?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોહમ્મદે મને પોતાના ઘરે આમંત્રિત કર્યાં કે જે ઇઝરાયલી કબજાવાળા વેસ્ટ બૅન્કના ઉત્તરમાં જેનિનની પાસે કબાતિયા ગામમાં એક ગોળાકાર ગલીની નીચે છે.
હમાસના હુમલા બાદ બદલાયું વર્તન
જૂના ઘરની ઉપરનો ડ્રૉઇંગ રૂમ અનેક સિગારેટના ધુમાડાથી ભરેલો છે. મોહમ્મદના પિતરાઈ આગંતુને થર્મોસમાં રાખેલી કૉફી કાગળના કપમાં આપી રહ્યા છે.
મોહમ્મદ પોતાના પુરુષ સંબંધીઓ સાથે બેઠા છે. તેમના બન્ને હાથમાં પાટા બાંધેલા છે અને એક બૉક્સરની જેમ તેમણે પોતાના હાથ સામેની બાજું રાખેલા છે. બન્ને હાથના અંગુઠા એ પાટાની બહાર છે.
તેઓ કહે છે કે દસ દિવસ પહેલાં ઇઝરાયલી જેલ ગાર્ડ તેમના બૅરેકમાં એક માઇક્રોફોન અને સ્પીકરની સાથે આવ્યા અને તેમણે તાલી વગાડતા તેમના નામની બૂમો પાડીને તેમને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો.
તેમણે કહ્યું, "જ્યારે તેમણે જોયું કે હું કોઈ જવાબ નથી આપી રહ્યો તો તેમણે અમને મારવાનું શરૂ કરી દીધું."
"તેમણે અમને એવી રીતે ઊભા રાખ્યા કે ઘરડા કેદીઓ પાછળ રહે અને યુવાનો સામે. તેમણે અમને પકડ્યા અને મારવાનું શરૂ કરી દીધું."
મોહમ્મદના પરિવારે મને રમલ્લાહના પેલેસ્ટાઇનના ડૉક્ટરો પાસેથી મળેલા મેડિકલ રિપોર્ટ અને ઍક્સ-રે બતાવ્યા. જ્યારે સોમવારે મોહમ્મદને છોડવામાં આવ્યા તો આ ડૉક્ટર્સે તેમની સારવાર કરી.
અમે બ્રિટનના બે ડૉક્ટર્સને આ એક્સ-રેની તસવીરો બતાવી. તેમણે કહ્યું કે બન્ને હાથ તૂટેલા છે. જેનાથી મોહમ્મદને કોઈ નવાઈ ન લાગી.
તેમણે મને કહ્યું, "શરૂઆતમાં હું દુખાવાથી રડી રહ્યો હતો. થોડા સમય બાદ મને લાગ્યું કે હાથ તૂટી ગયા છે તો મેં તેનો ઉપયોગ બંધ કરી દીધો. હું જ્યારે ટૉયલેટ જતો ત્યારે જ હાથનો ઉપયોગ કરતો."
મોહમ્મદે મને કહ્યું કે ખાવાપીવા અને ટૉઇલેટ જવામાં અન્ય એક કેદી તેમની મદદ કરતા હતા. તેમણે મેડિકલ મદદ માટે ગાર્ડોને ન કહ્યું કારણ કે તેમને ડર હતો કે ક્યાંક તેઓ માર મારશે.
મારને કારણે બન્ને હાથ તૂટ્યા
ઇઝરાયલ પ્રિઝન સર્વિસે મોહમ્મદની કહાણીનું ખંડન કર્યું છે અને કહ્યું છે કે જેલમાંથી છૂટતાં પહેલાં ડૉક્ટરે તેમની તપાસ કરી હતી અને તેમને કોઈ પણ મેડિકલ સમસ્યા નહોતી જોવા મળી.
પ્રિઝન સર્વિસે કિશોરને જેલમાંથી મુક્ત કરવા અને રેડક્રૉસની બસમાં બેસાડતી વખતે શૂટ કરેલા વીડિયો જાહેર કર્યાં છે અને કહ્યું છે કે કિશોરનો દાવો ખોટો છે.
આ ફૂટેજમાં કિશોરના હાથ પર પાટા નથી બાંધેલા અને એવુ લાગે છે કે તે બસમાં ચઢતી વખતે પણ બગલમાં ઝૂલી રહ્યા છે. પણ તેમાં બીજું કંઈ જ સ્પષ્ટ નથી દેખાતું.
મોહમ્મદે અમને કહ્યું કે તેમની સૌથી પહેલી સારવાર આ રેડક્રૉસ બસમાં થઈ.
જે દિવસે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમણે રમલ્લાહના એક હૉસ્પિટલમાં સારવાર માટે તપાસ કરાવી. આ હૉસ્પિટલના રિપોર્ટમાં કહેવાયું કે ફ્રૅક્ચર પોતાની જાતે સારું ન થાય તો તેમના હાથમાં પ્લેટ ફિટ કરાવી પડી શકે છે.
અમે મોહમ્મદના દાવાની પુષ્ટિ માટે રેડક્રૉસનો સંપર્ક કર્યો. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું "જો કેદીઓની મેડિકલ સ્થિતિ અંગે કોઈ ચિંતા હોય તો અમે કસ્ટડીમાં લેનારા અધિકારીઓ સાથે સીધી વાત કરીએ છીએ. આ સંવાદને જોતા અમે વ્યક્તિગત કેસમાં સાર્વજનિક રીતે કંઈ નથી કહેતા."
મોહમ્મદે કહ્યું કે સાત ઑક્ટોબરે હમાસના હુમલા બાદ ઇઝરાયલની જેલોના ગાર્ડોનું વર્તન બિલકુલ બદલાઈ ગયું હતું.
તેમણે કહ્યું કે ગાર્ડોએ તેમને લાત મારી અને લાકડીથી માર માર્યો. અને અન્ય એક ગાર્ડે તો તેમના ચહેરા પર બૂટ મૂક્યા.
'કેદીઓ પર કૂતરાં છોડાયાં'
તેઓ આગળ જણાવે છે કે "તેઓ પોતાનાં કૂતરાંની સાથે આવ્યા. તેમણે અમારા પર હુમલો કરવા માટે કૂતરાં છોડી મૂક્યાં અને ત્યાર બાદ તેમણે અમને મારવાનું શરૂ કરી દીધું."
"તેમણે અમારી પાસેથી ચટાઈ, અમારાં કપડાં, તકિયા લઈ લીધાં અને અમારું ખાવાનું માળ પર ફેંકી દીધું. લોકો ખૂબ ડરી ગયા હતા."
મોહમ્મદે પોતાની પીઠ અને ખભાનાં નિશાન બાતાવ્યાં. તેમના મુજબ તે માર મારવાના કારણે પડ્યાં હતાં.
તેઓ કહે છે કે "હુમલો કરનારાં કૂતરાંનાં મોઢે ધારદાર જાળીઓ લાગેલી હતી. આ જાળીઓ અને તેમના પંજાનાં નિશાન મારા આખા શરીર પર છે."
તેઓ કહે છે કે આ પ્રકારે તેમને મેગિડો જેલમાં બે વાર મારવામાં આવ્યા અને નફહા જેલમાં તો એટલી વાર માર મારવામાં આવ્યો કે ગણતરી પણ યાદ નથી.
અમે જે અન્ય પેલેસ્ટાઇનના કેદીઓ સાથે વાત કરી તેમણે પણ હમાસના હુમલા બાદ આવેલા પરિવર્તન અંગે આવી જ વાત કરી.
તેમણે કહ્યું કે તેમને એ સમજાઈ ગયું હતું કે હમાસની કાર્યવાહી માટે આ પેલેસ્ટાઇનના કેદીઓ વિરુદ્ધ એક 'બદલો' હતો.
પેલેસ્ટિનિયન પ્રિઝનર્સ સોસાયટીના પ્રમુખ અબ્દુલ્લાહ અલ-ઝગારીએ મને કહ્યું કે કેદીઓએ જોયું હતું કે તેમના સાથીઓને હિંસક રીતે તેમના ચહેરા અને શરીર પર માર મારવામાં આવ્યો હતો.
તેમણે હાથકડી લગાવેલી હોય તેવા કેદીઓ પર ગાર્ડોએ પેશાબ કર્યો હોય તેવા આરોપો અંગે પણ સાંભળ્યું હતું.
અમે આ આરોપોને લઈને ઇઝરાયલના પ્રિઝન સર્વિસ પાસેથી જવાબ માગ્યો. તેમણે કહ્યું કે બધા જ કેદીઓને કાયદા અંતર્ગત કસ્ટડીમાં લેવાયા હતા અને તેમને જરૂરી કાયદાકીય અધિકાર મળ્યા હતા.
નિવેદન અનુસાર "તમે જે કહ્યું છે એવા દાવા અંગે અમારી પાસે કોઈ જ જાણકારી નથી. આ સિવાય કેદીઓ અને કસ્ટડીમાં લેવાયેલા લોકોને અપીલનો અધિકાર છે. જેની પ્રશાસન દ્વારા પૂર્ણતઃ તપાસ કરાશે."
મહિલા કેદીને 'રેપની ધમકી'
આ અઠવાડિયાની શરૂઆતમાં જ લામા ખાતરને ઇઝરાયલી જેલમાંથી છોડવામાં આવ્યાં. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પૉસ્ટ કર્યો જેમાં આરોપ લગાવાયો હતો કે ઑક્ટોબરમાં તેમની ધરપકડના તુરંત બાદ એક ગુપ્તચર અધિકારીએ " સ્પષ્ટ રીતે તેમને બળાત્કારની ધમકી" આપી હતી.
વીડિયોમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું "મને એક હાથકડી લગાવાઈ હતી અને આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી. તેમણે મને બળત્કારની ધમકી આપી... એ સ્પષ્ટ હતું કે તેઓ મને ડરાવવા માગતા હતા."
ઇઝરાયલે કહ્યું કે આ દાવા તેમના વકીલ તરફથી કરાતા હતા અને કેદીએ પોતે જ તેનું ખંડન કરી દીધું હતું. પ્રિઝન સર્વિસે ઉકસાવવાની એક ફરિયાદ પણ નોંધાવી હતી.
પણ લામા ખાતરે અને ટેલિફોન પર જણાવ્યું કે તેમના સહિત મહિલા કેદીઓને ખરેખર બળાત્કારની ધમકી અપાઈ હતી અને ડૈમોન જેલમાં તેમની સૂવાની જગ્યાએ ટિયરગેસના શેલનો ઉપયોગ કરાયો હતો.
ઇઝરાયલી જેલોમાં પેલેસ્ટાઇનનાં લોકોનાં મૃત્યુ
પેલેસ્ટિનિયન પ્રિઝનર્સ સોસાયટીએ કહ્યું કે સાત ઑક્ટોબરે હમાસ પર થયેલા હુમલા બાદ ઇઝરાયલની જેલોમાં બંધ પેલેસ્ટાઇનના કેદીઓનાં મૃત્યુમાં ઝડપથી વધારો થયો છે. ત્યારથી અત્યાર સુધીમાં જેલોમાં છ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
ઇઝરાયલે આ સવાલનો કોઈ સીધો જવાબ તો ન આપ્યો પણ એટલું જરૂર કહ્યું કે ગયા મહિનાઓમાં અલગ અલગ સમયે ચાર લોકોનાં મૃત્યુ થયાં છે અને પ્રિઝન સર્વિસને મૃત્યુનાં કારણો અંગે નથી ખબર.
કબાતિયા ગામમાં મોહમ્મદ નઝ્ઝલ કહે છે કે તેમના હાથમાં હજી પણ દુખાવો થાય છે. ખાસ કરીને રાત્રે દુખાવો વધી જાય છે.
તેમના ભાઈ મુતાઝે મને કહ્યું કે જે મોહમ્મદ નઝ્ઝલને તેઓ પહેલાં ઓળખતા હતા તે જેલમાંથી પાછા ફર્યા પછી હવે તેવા નથી રહ્યા.
મુતાઝે કહ્યું "આ એ મોહમ્મદ નથી જેને અમે ઓળખીએ છીએ. તે બહાદુર, સાહસી હતા. હવે તેનું દિલ તૂટી ચૂક્યું છે અને તે ડરી ગયા છે."
તેમણે કહ્યું કે ગઈકાલે ચાર કિલોમીટર દૂર જેનિન સિટીમાં ઇઝરાયલી સેનાએ એક અભિયાન ચલાવ્યું,"તમે જોઈ શકતા હતા કે તે કેટલા ડરેલા હતા."
ઇઝરાયલી જેલોમાં કેટલા પેલેસ્ટાઇના કેદીઓ છે?
ઇઝરાયલની જેલોમાં કેદ પેલેસ્ટાઇની લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થતો જોઈ શકાય છે.
પેલેસ્ટાઇનની માનવાધિકાર સંસ્થા અદ્દામીર અનુસાર છ નવેમ્બર સુધી ઇઝરાયલના નિયંત્રણવાળી જેલોમાં કેદ પેલેસ્ટાઇનના લોકોની સંખ્યા સાત હજાર સુધી પહોંચી ગઈ છે. જેમાં 80 મહિલાઓ અને 18 વર્ષની ઉંમરથી ઓછા 200 લોકો સામેલ છે.
આ સંસ્થા મુજબ સાત ઑક્ટોબર બાદ 3 હજારથી વધુ પેલેસ્ટાઇનીઓની ધરપકડ કરી છે.
જ્યારે કે ઇઝરાયલની માનવાધિકાર સંસ્થા હામોકેડ મુજબ એક નવેમ્બર સુધી ઇઝરાયલમાં 2070 કેદીઓ છે. સંસ્થા મુજબ હમાસના હુમલા સમયે આ આંકડો 1,319 હતો.
ઇઝરાયલી માનવાધિકાર સંગઠન બેતસેલેમ અનુસાર સપ્ટેમ્બર 2023ના અંતમાં ઇઝરાયલ પ્રિઝન સર્વિસે સુરક્ષા કારણોથી 146 પેલેસ્ટાઇનના સગીરોને કસ્ટડીમાં અથવા કેદ કરીને રાખેલા છે.
આ સાથે જ ઇઝરાયલી જેલ સેવા ઇઝરાયલમાં ગેરકાયદે હોવાના કારણે 34 પેલેસ્ટાઇનના સગીરોને કસ્ટડીમાં રાખેલા છે.
પેલેસ્ટાઇનના જમણેરી સંગઠન પેલેસ્ટાઇન પ્રિઝનર્સ ક્લબ મુજબ હમાસના હુમલા બાદ ઇઝરાયલી જેલોમાં છ કેદીઓ માર્યા ગયા છે. જેમાં પાંચ લોકોની સાત ઑક્ટોબર બાદ ધરપકડ કરાઈ હતી.
ગયા અઠવાડિયે ઇઝરાયલ-હમાસ વચ્ચે બંધકો અને કેદીઓ વચ્ચે અદલાબદલી અને સંઘર્ષ વિરામની સમજૂતી થઈ હતી. જેમાં 50 ઇઝરાયલી બંધકોના બદલામાં 150 પેલેસ્ટાઇની કેદીઓને મુક્ત કરાયા.
ઇઝરાયલી જેલોથી છોડાયેલા 40 ટકા કેદીઓ 18 વર્ષની ઉંમરના છોકરા છે.