'મહિલાઓ માટે ઘર પણ જોખમી', દસ મિનિટે જીવનસાથી કે કુટુંબીજન દ્વારા એકની હત્યા

બીબીસી ગુજરાતી મહિલા હિંસા યુએન રિપોર્ટ સ્ત્રીહત્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2025માં ઇટલીમાં રોમ ખાતે મહિલાઓ વિરુદ્ધ હિંસાનો વિરોધ કરતા પ્રદર્શકો

સંયુક્ત રાષ્ટ્રસંઘની ઑફિસ ઑન ડ્રગ્સ ઍન્ડ ક્રાઇમ (યુએનઓડીસી) અને યુએન વિમૅનનો નવો અહેવાલ જણાવે છે કે વિશ્વભરમાં દર દસ મિનિટે ક્યાંકને ક્યાંક એક મહિલા કે છોકરીની હત્યા તેના પરિચિત વ્યક્તિ, જીવનસાથી, કે પરિવારના સભ્ય દ્વારા કરવામાં આવે છે.

અહેવાલ જણાવે છે કે દરરોજ 130 મહિલાઓ જીવ ગુમાવે છે અને વિશ્વના તમામ ભાગોમાં આ સ્થિતિ પ્રવર્તે છે.

અહેવાલ મુજબ, 2024માં લગભગ 50,000 મહિલાઓ તથા છોકરીઓની હત્યા તેમના નજીકના સંબંધો ધરાવતી વ્યક્તિઓ અથવા પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી. આ હત્યાઓનું પ્રમાણ વિશ્વભરમાં મહિલાઓ અને કન્યાઓની ઇરાદાપૂર્વકની હત્યાઓના 60 ટકા જેટલું હતું.

મહિલાઓ વિરુદ્ધની હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે 25 નવેમ્બરે પ્રકાશિત કરવામાં આવેલો આ અહેવાલ એક ચિંતાજનક સત્યને પ્રકાશિત કરે છે, જેમાં યુએન કહે છે કે મહિલાઓ માટે ઘર સૌથી ઘાતક સ્થળ બની રહ્યું છે.

સ્ત્રીહત્યા ઘરની બહાર પણ કરવામાં આવે છે, પરંતુ તેનો ડેટા મર્યાદિત છે, એવું યુએને જણાવ્યું છે.

'મહિલાઓ માટે ઘર પણ જોખમી જગ્યા'

બીબીસી ગુજરાતી મહિલા હિંસા યુએન રિપોર્ટ સ્ત્રીહત્યા

ઇમેજ સ્રોત, Reuters

યુએનના મહિલા નીતિ વિભાગનાં ડિરેક્ટર સારાહ હેન્ડ્રિક્સે કહ્યું હતું, "સ્ત્રીહત્યા છૂટીછવાઈ થતી નથી. તે મોટા ભાગે હિંસાનો સિલસિલો હોય છે, જેની શરૂઆત મહિલાઓ પર અંકુશ, ધમકી અને ઑનલાઇન સતામણીથી થાય છે."

આફ્રિકામાં મહિલાના અંતરંગ સાથી કે પરિવારના સભ્યો દ્વારા સૌથી વધુ સ્ત્રીહત્યા કરવામાં આવતી હોવાનું નોંધાયું છે. આફ્રિકામાં પ્રત્યેક એક લાખ મહિલાઓ અને કન્યાઓમાં ત્રણ પીડિત હોય છે. એ પછીના ક્રમે અમેરિકા (1.5), ઓશનિયા (1.4), એશિયા (0.7) અને યુરોપ (0.5) આવે છે.

યુએનઓડીસીના કાર્યકારી ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર જોન બ્રેન્ડાલિનોએ કહ્યું હતું, "દુનિયાભરમાં અનેક મહિલાઓ અને કન્યાઓ માટે ઘર એક ખતરનાક અને ક્યારેક જીવલેણ સ્થાન બની રહ્યું છે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અહેવાલ જણાવે છે કે યુરોપ અને અમેરિકામાં 2024માં મોટાભાગની સ્ત્રીહત્યા (પરિવારજનોને બદલે) મહિલાના અંતરંગ સાથી દ્વારા કરવામાં આવી હતી. યુરોપમાં એવી હત્યાનું પ્રમાણ 64 ટકા, જ્યારે અમેરિકામાં 69 ટકા હતું.

આ હત્યાઓ વર્ષોના દુર્વ્યવહારનું પરિણામ હોઈ શકે છે.

આલ્બેનિયામાં હત્યાનો ભોગ બનેલી 90 ટકા પીડિતાઓ પર, તેમના હત્યારાઓએ હિંસા આચરી હતી. પ્રોટેક્શન ઑર્ડર્સ જેવા રક્ષણાત્મક ઉપાયો હોવા છતાં, કેટલાક કિસ્સાઓમાં ગુનેગારો જેલમાંથી મુક્ત થયાના થોડા દિવસમાં જ હત્યા કરવામાં આવી હતી. ઘણા કિસ્સામાં ઘાતક અથવા બોથડ હથિયારો કે શારીરિક બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ઇર્ષ્યા, અલગ થવાનો ઇન્કાર, પોલીસને જાણ કર્યાનો બદલો અથવા નવા સંબંધના અસ્વીકાર હત્યાનાં પ્રાથમિક કારણો હતાં. સ્ત્રીહત્યાને કારણે 35 બાળકોએ તેમની માતા ગુમાવી હતી.

આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, અંતરંગ સાથી દ્વારા હત્યાનો દર લેસોથોમાં સૌથી વધારે છે, જ્યાં 15થી 49 વર્ષની વયની 44 ટકા મહિલાઓએ તેમના જીવનસાથી દ્વારા શારીરિક અથવા જાતીય હિંસાની ફરિયાદ નોંધાવી હતી.

વિશ્વાસપાત્ર ડેટા દુર્લભ છે, પરંતુ અહેવાલ જણાવે છે કે મોટાભાગની સ્ત્રીહત્યામાં અંતરંગ સાથીઓ અથવા પરિવારજનોની સંડોવણી હોય છે. તેનું કારણ ઘરેલુ હિંસા, દારૂ પીવાની લત અને સંઘર્ષ હોય છે.

હથિયારો અને ટૅક્નૉલૉજી

બીબીસી ગુજરાતી મહિલા હિંસા યુએન રિપોર્ટ સ્ત્રીહત્યા

ઇમેજ સ્રોત, Getty Image

ઇમેજ કૅપ્શન, ટૅક્નૉલૉજીની મદદથી મહિલાઓનો પીછો કરવો એ સામાન્ય બની ગયું છે

હથિયારો અને ટૅક્નૉલૉજી સ્ત્રીહત્યાને શક્ય બનાવતી બાબતો તરીકે ઊભરી રહી હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

"આ ક્ષેત્રમાં ઉપલબ્ધ પુરાવા સૂચવે છે કે અંતરંગ સાથી દ્વારા હિંસાના કિસ્સામાં તેની પાસે હથિયાર હોવાની શક્યતા નોંધપાત્ર રીતે વધારે છે. ખાનગી રીતે કરવામાં આવતી હત્યાઓમાં બહુવિધ પીડિતોનું જોખમ 70 ટકા વધ્યું છે," એમ અહેવાલ જણાવે છે.

ટૅક્નૉલૉજી પણ નિયંત્રણનું એક હથિયાર હોવાનું અહેવાલમાં નોંધવામાં આવ્યું છે.

આ અહેવાલમાં ઊભરતાં જોખમો સંબંધે ચેતવણી આપવામાં આવી છે. તેમાં ઑનલાઇન પીછો, ડૉક્સિંગ (વ્યક્તિ વિશેની ખાનગી માહિતી તેની સંમતિ વિના ઇન્ટરનેટ પર પ્રકાશિત કરવી) અને ઇમેજ આધારિત દુરુપયોગ જેવી ટૅક્નૉલૉજીની સહાય સાથેની હિંસાનો સમાવેશ થાય છે.

"યુનાઇટેડ કિંગ્ડમમાં 2011 અને 2014 વચ્ચે નોંધાયેલી 41 ઘરેલુ સ્ત્રીહત્યાની સમીક્ષાનું વિશ્લેષણ દર્શાવે છે કે 58.5 ટકા કિસ્સાઓમાં પીડિતાની હત્યા પહેલાં ટૅક્નૉલૉજીનો ઉપયોગ તેના પર બળજબરીથી નિયંત્રણ અને નજર રાખવા માટે કરવામાં આવ્યો હતો."

વધતા જતા પુરાવા દર્શાવે છે કે બળજબરીથી નિયંત્રણ, નજર રાખવા અને પીછો કરવા જેવી ઑનલાઇન હિંસા કેવી રીતે ઑફલાઇન બની શકે તેના પુરાવા વધી રહ્યા છે. તેમાં શારીરિક હિંસાનો પણ સમાવેશ થાય છે.

અહેવાલ જણાવે છે કે પત્રકાર, કાર્યકર્તા અને રાજકીય નેતા જેવી જાહેરમાં રહેતી મહિલાઓ પર આવી ટૅક્નૉલૉજી સંબંધી હિંસાનું જોખમ વધારે હોય છે.

અહેવાલનું તારણ જણાવે છે કે લક્ષિત નીતિઓ સહિતના "સમયસર અને યોગ્ય હસ્તક્ષેપ" વડે સ્ત્રીહત્યાને અટકાવી શકાય છે. જોખમી પરિબળોમાં હથિયારોની સરળ ઉપલબ્ધતા, પીછો કરવો, સંબંધમાં ભંગાણ અને માદક દ્રવ્યોનો દુરુપયોગનો સમાવેશ થાય છે. આવી સ્ત્રીહત્યા થાય એ પહેલાં જ તેને રોકવા માટે મજબૂત કાયદા, સુરક્ષા આદેશોનો અમલ અને વધુ સારા ડેટા સંગ્રહની માંગ અહેવાલમાં કરવામાં આવી છે

બીબીસી ગુજરાતી મહિલા હિંસા યુએન રિપોર્ટ સ્ત્રીહત્યા

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, રેબેકા ચેપ્ટેગી જાણીતાં દોડવીર હતાં. તેમનાં ભૂતપૂર્વ પાર્ટનરે તેમની હત્યા કરી હતી.

પીડિતાઓ

  • રેબેકા ચેપ્ટેગી: યુગાન્ડાનાં આ 33 વર્ષનાં ઑલિમ્પિક દોડવીર પર પશ્ચિમ કૅન્યાની ટ્રાન્સ નઝોઇયા કાઉન્ટીમાંના તેમના ઘરે તેમના ભૂતપૂર્વ સાથી ડિક્સન ઍન્ડીમા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ડિક્સને રેબેકા પર પેટ્રોલ છાંટીને તેમને આગ ચાંપી દીધી હતી. થોડા દિવસો પછી રેબેકા મૃત્યુ પામ્યાં હતાં. આ ઘટનામાં ગંભીર રીતે દાઝી જવાને કારણે ડિક્સનનું પણ રેબેકાના મૃત્યુના થોડા દિવસ પછી મોત થયું હતું. રેબેકા અને ડિક્સન વચ્ચે જમીનના ટુકડા બાબતે ઝઘડો થયો હોવાનું કહેવાય છે.
  • લુઇસ હન્ટ: 25 વર્ષનાં આ મહિલા અને તેમનાં 28 વર્ષીય બહેન હેન્નાની લુઇસના ભૂતપૂર્વ સાથી કાયલ કિલફોર્ડે યુનાઇટેડ કિંગ્ડમના હર્ટફોર્ડશાયરના બુશે ખાતેના તેમના ઘરે હત્યા કરી હતી. કાયલે એ પહેલાં લુઇસનાં 61 વર્ષીય માતા કેરોલ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. લુઇસે કાયલ સાથેના સંબંધનો જુલાઈ 2024માં અંત લાવ્યા પછી કાયલે લુઇસ પર બળાત્કાર કર્યો હતો અને લુઇસ તથા તેમનાં બહેનની હત્યા કરી હતી. કાયલે બંને બહેનોને ક્રોસબો (તીર) વડે શૂટ કરી હતી. તેને ત્રણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ મહિલાઓ બીબીસીના હૉર્સ રેસિંગ કૉમેન્ટેટર જોન હન્ટની પત્ની તથા પુત્રીઓ હતી.
બીબીસી ગુજરાતી મહિલા હિંસા યુએન રિપોર્ટ સ્ત્રીહત્યા

ઇમેજ સ્રોત, Kristina Joksimovic/Instagram

ઇમેજ કૅપ્શન, ક્રિસ્ટિના એક મૉડલ હતાં. તેમના પતિએ તેમની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
  • ક્રિસ્ટિના જોક્સિમોવિક: 38 વર્ષનાં આ ભૂતપૂર્વ મૉડેલ અને મિસ સ્વિત્ઝર્લૅન્ડ ફાઇનલિસ્ટની ફેબ્રુઆરી 2024માં બેસલ નજીકના તેમના ઘરમાં હત્યા કરવામાં આવી હતી. તેમનાં બે બાળકોના પિતા અને પતિએ ક્રિસ્ટિનાની હત્યાની કબૂલાત કરી હતી. સ્વિસ મીડિયાના અહેવાલો અનુસાર, શારીરિક હિંસાની ફરિયાદને પગલે અગાઉ પોલીસ તેમના ઘરે ગઈ હતી.
  • નોર્મા એન્ડ્રેડ: નોર્મા એન્ડ્રેડનાં પુત્રીની મૅક્સિકોના સિઉદાદ જુઆરેઝમાં હત્યા કરવામાં આવી હતી. લિલિયા એલેજાન્ડ્રાની અપહરણ તથા અત્યાચાર બાદ હત્યા કરવામાં આવી હતી. એ પછી નોર્મા એન્ડ્રેડે મૅક્સિકોમાં 'નુએસ્ટ્રાસ હિજાસ ડી રેગ્રેસો એ કાસા' નામના સ્વૈચ્છિક સંગઠનની સ્થાપના કરી હતી.

"મારી દીકરી લિલિયા એલેજાન્ડ્રા ગાર્સિયા એન્ડ્રેડ એક દિવસ ઘરે પાછી ન આવી. પછી મને ખબર પડી કે હું તેનું મોં ફરી ક્યારેય જોઈ શકીશ નહીં. એ ક્ષણે મારી દુનિયા ખતમ થઈ ગઈ હતી. અપહરણ અને અત્યાચાર પછી લિલિયા એલેજાન્ડ્રાની હત્યા કરવામાં આવી હતી. તેની હત્યા પછી અમે જોયું તો સિઉદાદ જુઆરેઝમાં આવી હત્યાનો એ પહેલો કિસ્સો ન હતો. અમે એક થયા અને અમારી પીડાને ન્યાય માટે લડવાની અને સ્ત્રીહત્યાનો અંત લાવવાની માંગણીના સંકલ્પમાં પરિવર્તિત કરી દીધી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન