માવઠાથી જીરાના પાકને કઈ રીતે બચાવી શકાય, બગડેલા જીરાના પાક માટે શું ઉપાય થઈ શકે?

ગુજરાતમાં મંગળવારથી શરૂ થયેલો છૂટોછવાયો કમોસમી વરસાદ ગુરુવારે પણ ચાલુ રહ્યો હતો. આ માવઠું એવે સમય આવ્યું છે જયારે રાજ્યના શિયાળુ સીઝનના બે મુખ્ય રોકડિયા પાકો તેવા ચણા અને જીરું ખૂબ મહત્ત્વની અવસ્થાએ છે.

અને નિષ્ણાતો કહે છે કે વાતાવરણના ફેરફારની તેના પર ખૂબ માઠી અસર પડી શકે છે.

ગુજરાત સરકારના સત્તાવાર આંકડા અનુસાર 29 ડિસેમ્બર એટલે કે સોમવાર સુધીમાં રાજ્યમાં કુલ 44.74 લાખ હેક્ટર કરતા વધારે વિસ્તારમાં શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું હતું.

6.25 વીઘાએ એક હેક્ટર થાય અને તે હિસાબે રાજ્યમાં લગભગ 2.80 કરોડ વીઘામાં શિયાળુ પાકોનું વાવેતર થયું છે.

13.24 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘઉં ગુજરાતનો સૌથી મોટો શિયાળુ પાક રહેશે. ત્યાર બાદ ચણા અને જીરાનો નંબર આવે છે.

ખેડૂતોએ 8.47 લાખ હેક્ટર એટલે કે આશરે 53 લાખ વીઘામાં ચણા અને 3.75 લાખ હેક્ટર એટલે કે લગભગ 23.43 લાખ વીઘામાં જીરું વાવ્યું છે.

રાજ્યમાં આ સીઝનમાં નોંધાયેલ કુલ વાવેતર પાછલાં ત્રણ વર્ષમાં નોંધાયેલ સરેરાશ 46.47 લાખ હેક્ટર વાવેતર વિસ્તારના 96 ટકા થાય છે. પરંતુ ઘઉં અને ચણાના કેસમાં સરેરાશ 13.03 લાખ હેક્ટર અને 7.48 લાખની સામે આ વર્ષે વાવેતર વધી જતા અનુક્રમે 101 ટકા અને 113 ટકા થયા છે.

જો કે જીરાનું વાવેતર આ વર્ષે આશરે 14 ટકા ટકા ઘટ્યું છે અને સરેરાશ 4.38 લાખ હેક્ટરની સામે 3.75 લાખ જેટલું જ થયું છે.

ખેડૂતો કહે છે કે હાલ જીરા અને ચણાનો પાક ફૂલ અને દાણા બેસવાની અવસ્થાએ છે અને તેમને ભય છે કે વરસાદી વાતાવરણના કારણે આ પાકોમાં રોગો આવી જશે.

હવામાન ખાતાએ આગાહી કરી છે કે શુક્રવારથી રાજ્યમાં હવામાન સૂકું થઈ જશે. પરંતુ કૃષિ નિષ્ણાતો ચેતવણી આપે છે કે માવઠાની અસર આગામી થોડા દિવસો સુધી રહી શકે છે અને જો ખેડૂતો યોગ્ય કાળજી ન લે તો જીરા અને ચણાના પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

"પિયતની જરૂર ન હતી ને વરસાદ આવી ગયો"

રાજ્યમાં જીરાની ખેતી મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વિસ્તારોમાં થાય છે.

સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં આ વર્ષે 2.48 લાખ હેક્ટર (15.52 લાખ વીઘા)માં અને ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓમાં 64,200 હેક્ટર (4 લાખ વીઘા)માં જીરાનું વાવેતર થયું છે.

કચ્છ વિસ્તારમાં 58,800 હેક્ટર એટલે કે 3.67 લાખ વીઘામાં જીરું વવાયું છે. ત્યાર બાદ સુરેન્દ્રનગર (૩.91 લાખ વીઘા ) અને દેવભૂમિ દ્વારકા (3 . 56 લાખ વીઘા) જિલ્લાઓમાં સૌથી વધારે જીરાનું વાવેતર નોંધાયું છે.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામના ખેડૂત મેરગભાઈ આંબલિયા કહે છે કે તેમણે આઠ વીઘામાં જીરું વાવ્યું છે અને પાક પચાસેક દિવસનો થઈ ગયો હોવાથી ફુદડીએ પડી ગયો છે એટલે કે ફૂલ બેસવાની શરૂઆત થઈ ગઈ છે.

બીબીસી સાથે વાત કરતા મેરગભાઈએ કહ્યું કે તેમણે જીરાના પાકને ત્રીજું પિયત 10 ડિસેમ્બરે આપ્યું હતું અને હવે ચોથું પિયત આપવાનું ન હતું.

ચિંતા સાથે મેરગભાઈએ ઉમેર્યું , "અમે જીરાને ત્રણથી ચાર પિયત આપીએ છીએ. જો છાસીયો (જીરામાં થતો સફેદ છારી કે સફેદ ચરમી નામનો રોગ) દેખાવા લાગે તો અમે ચોથું પિયત આપતા નથી."

"આ વર્ષે મેં ત્રીજું પિયત આપ્યું ત્યારથી છાસીયો દેખાવા લાગ્યો હતો અને જીરું પીળું થઈ, ગોટો વળીને સુકાવા લાગ્યું હતું. મેં દવાના બે છંટકાવ કરીને આ રોગને રોકવાની કોશિશ કરી."

"પાક સુધારવા લાગ્યો હતો ત્યાંજ જ માવઠું થયું."

મેરગભાઈ કહે છે કે કમોસમી વરસાદે તેમની વાડીમાં ભેજનું પ્રમાણ વધારી દીધું છે. તેઓ કહે છે, "મારા જીરાને હવે પિયત આપવાનું ન હતું અને મને પાણીની બહુ બીક લાગતી તેવે વખતે બુધવારે દિવસમાં બે વાર વરસાદ પડ્યો અને વાડીમાં ગારો કરી નાખ્યો."

"જીરું ફુદડીયે પડી ગયું છે મને ભય છે કે છાસીયો પાછો આવશે અને કાળી ચર્મી પણ આવશે."

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના માનપર ગામના ખેડૂત સંજયભાઈ પટેલે પણ 30 વીઘામાં જીરું અને 60 વીઘામાં વરિયાળી વાવી છે.

તેઓ કહે છે કે બે પિયત બાદ તેમના જીરામાં સુકારાનો રોગ દેખાતા તેમણે ત્રીજું પિયત આપવાનું ટાળ્યું હતું પરંતુ બુધવારે વરસાદના છાંટાં પડતા તેમની ચિંતા વધી છે.

તેમણે કહ્યું , "આ વર્ષે ઑક્ટોબરમાં પડેલા વરસાદને કારણે જમીનમાં ભેજ વધારે હતો તેથી 15 વીઘાના એક ખેતરમાં વાવેલ જીરામાં સફેદ ચરમી (આ રોગને ખેડૂતો છારો કે ભૂકી છારો પણ કહે છે) દેખાવા લાગતા મેં તેમાં ત્રીજું પિયત આપ્યું ન હતું. અન્ય 15 વીઘામાં ત્રીજું પિયત આપ્યું હતું."

"પરંતુ બુધવારે માવઠું થયું અને ગુરુવારે પણ વાતાવરણ વાદળછાયું રહ્યું. સફેદ ચરમી દવાથી નિયંત્રણમાં આવી જાય છે. પરંતુ વરસાદ પડતા મને બીક છે કે કાળી ચરમી (જીરામાં થતો અન્ય રોગ જેમાં જીરાના છોડ કાળા પડી સૂકાઈ જાય છે) આવી જશે."

"આ કાળી ચરમી આવી ગયા પછી તેને કાઢવી બહુ અઘરી પડે છે."

જીરાને વરસાદી વાતાવરણ કેમ નડે છે?

જીરું ઠંડા અને સૂકા હવામાનવાળા વિસ્તારોમાં આવેલી સારી નિતાર ક્ષમતા ધરાવતી જમીનમાં થતો પાક છે.

દુનિયામાં જીરાનું સૌથી વધારે ઉત્પાદન ભારતમાં થાય છે અને ભારતની અંદર સૌથી વધારે ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ભારતમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ જીરાની ખેતી મોટા પાયે છે.

પરંતુ આ પાક હવામાન પ્રત્યે બહુ સંવેદનશીલ હોય છે.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં આવેલી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણના ડાયરેક્ટર ડૉ. પ્રકાશ પટેલ કહે છે કે ભેજવાળું અને હૂંફાળું વાતાવરણ જીરાના પાક પર વિપરીત અસર પડી શકે છે.

તેઓ કહે છે, "જીરામાં ફૂગજન્ય રોગો એક પડકાર છે. ફૂગને ભેજવાળું અને હૂંફાળું વાતાવરણ અનુકૂળ આવે છે. તેથી જો વરસાદ પડે કે વાદળછાયું વાતાવરણ રહે તો જીરામાં આવા રોગો આવી જવાની શક્યતા રહે છે."

"જો વરસાદ પડ્યા પછી એકાદ દિવસમાં જ વાતાવરણ પૂર્વવત સૂકું અને ઠંડું થઈ જાય તો બહુ ચિંતા ન રહે. પણ જો વરસાદ બાદ બે-ત્રણ દિવસો સુધી વાદળછાયું વાતાવરણ રહે તો હવામાં ભેજનું પ્રમાણ વધારે રહે છે. આવું હવામાન રોગ ફેલાવા માટે અનુકૂળ બની રહે છે."

ખેડૂતો શું પગલાં લઈ શકે?

ડૉ. પ્રકાશ પટેલ જણાવે છે કે પ્રથમ તો ખેડૂતોએ આવા વાતાવરણમાં જીરાને પિયત આપવાનું ટાળવું જોઈએ અને રોગને નિવારવા માટે પગલાં લેવા જોઈએ.

બીબીસી સાથે વાત કરતા ડૉ. પટેલે જણાવ્યું, "વરસાદ પડવાથી હવામાં ભેજનું પ્રમાણ વધી જાય છે અને તેથી બ્લાઇટ (કાળીયો કે સુકારા નામનો રોગ) આવી જવાની શક્યતા રહે છે."

"જે એરિયામાં આ રોગ દર વર્ષે આવતો હોય ત્યાં એવું ભેજવાળું વાતાવરણ સર્જાતા તે ઝડપથી આવી જાય."

"જો ફૂલ અવસ્થા જેવા મહત્ત્વના તબક્કે આ રોગ આવી જાય અને તેનું નિયંત્રણ ન કરવામાં આવે તો ઉત્પાદનમાં ખૂબ મોટો ઘટાડો થઈ શકે છે."

"તેથી, આ રોગને નિવારવા વરસાદ બંધ થયા પછી વાતાવરણ સુધરે એટલે તરત જ વેટેબલ સલ્ફર પાવડર, મેન્કોઝેબ, ટેબ્યુકોનાઝોલ જેવી ફૂગનાશક દવાઓ છાંટવી જોઈએ."

"જો દવા છાંટવામાં મોડું થાય તો ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે.

ડૉ. પટેલે ઉમેર્યું કે હાલ ચણાનો પાક પણ ફૂલ અને પોપટા બેસવાના તબક્કે છે અને કમોસમી વરસાદ અને ભેજવાળા વાતાવરણને કારણે તેમાં લીલી ઈયળનો ઉપદ્રવ થઈ શકે છે.

તેમણે ઉમેર્યું, "આ ઈયળના ઉપદ્રવને કાબૂમાં લેવા એચએનપીવી જેવી દવા તેમ જ લીમડાનું તેલ વગેરે છાંટી શકાય."

બીબીસી માટે કેલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન