એ મુસલમાન શાસક, જેણે રાજપાટ છોડીને આખરે 'સ્વર્ગની ચાવી' બીજાને સોંપવી પડી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વકાર મુસ્તફા
અબુ અબ્દુલ્લાહ મહમદનો જન્મ 1459માં સ્પેનના અલ-હમરા પૅલેસમાં થયો હતો, ત્યારે જ્યોતિષીઓએ આગાહી કરી હતી કે તેઓ મોટા થઈને મુસ્લિમ ગ્રેનાડાના શાસક તો બનશે, પરંતુ છેલ્લા શાસક હશે.
આઠમી સદીની શરૂઆતથી 300 વર્ષ સુધી સ્પેન ઉમય્યદ ખિલાફત એટલે કે શાસન હેઠળ હતું. જેણે શિક્ષણ અને નવીન આવિષ્કારોને પ્રોત્સાહન આપ્યું. ત્યાર બાદનાં 40 વર્ષ સુધી સ્પેન નાનાં રજવાડાંમાં વહેંચાયેલું રહ્યું.
મોરોક્કોથી આવેલા મુરાબિતુન (મુરાબિતા જાતિના રાજાઓ)એ 1086થી 1147 સુધી શાસન કર્યું.
તેમના પછી મુવાહિદુન (અલ મુવાહિદ અથવા કટ્ટર એકેશ્વરવાદી રાજાઓ)એ ઉત્તર આફ્રિકા અને સ્પેનના મોટા ભાગો પર શાસન સ્થાપિત કર્યું.
તેરમી સદીમાં અરબસ્તાનના બાનુ ખઝરાજ જાતિના નાસ્ર પરિવારના મહમદ પહેલાએ ગ્રેનાડા પર કબજો કર્યો ત્યાં સુધીમાં તો મુસ્લિમ સ્પેનનો પ્રદેશ ઘણો ઘટી ગયો હતો.
નાસ્રીઓ (નાસ્ર રાજવંશવાળા)એ મોરોક્કોના મરીનાઇટ્સ (અલ મેરીયુન અથવા મૂર વંશ) સાથે પણ જોડાણ કર્યું.
તેમના શાસન દરમિયાન ગ્રેનાડા ઇસ્લામિક સંસ્કૃતિનું કેન્દ્ર બન્યું હતું. જેણે શિક્ષણ, કારીગરી અને સિરામિક્સને પ્રોત્સાહન આપ્યું હતું.
ચૌદમી સદીમાં નસ્રી તેના સ્થાપત્ય માટે જાણીતું હતું. અલ-હમરા ઇસ્માઇલ પહેલા અને મહમદ પાંચમાના પ્રયાસોથી બન્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અબુ અબ્દુલ્લાહનો જન્મ સુલતાન અબુલ હસન અલીના ઘરે થયો હતો. આ પરિવાર બસો પચીસ વર્ષથી શાસન કરતો હતો. તેમને બુ અબ્દુલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કૌટુંબિક ઝઘડા અને પતન તરફનો ઇશારો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એલિઝાબેથ ડ્રેસન તેમના પુસ્તક 'ધ મૂર્સ લાસ્ટ સ્ટેન્ડ'માં સમજાવે છે કે અબુલ હસન અલી (જેને મૌલા-એ-હસન તરીકે પણ ઓળખવામાં આવે છે)ના શાસન દરમિયાન ગ્રેનાડાને આંતરિક અને બાહ્ય દબાણ અને રાજકીય ઊથલપાથલનો સામનો કરવો પડ્યો હતો.
પંદરમી સદીના અંતમાં રેકોનક્વિસ્ટા (સ્પેનને ફરીથી જીતવાની ઝુંબેશ) તરીકે ઓળખાતા આઠ સદીથી ચાલતાં લાંબાં લશ્કરી આક્રમણોએ વેગ પકડ્યો.
આ આક્રમણોનો ઉદ્દેશ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા આઈબેરિયન પ્રદેશો પર શાસન પુનઃસ્થાપિત કરવાનો હતો, જેને સામૂહિક રીતે અલ-અન્દુલસ તરીકે ઓળખવામાં આવે છે.
1469માં એરાગોનના રાજા ફર્ડિનાન્ડ બીજાના કાસ્ટિલનાં રાણી ઇસાબેલા સાથેનાં લગ્નનો હેતુ મુસ્લિમ સલ્તનતો પર વિજય મેળવવાનો હતો. જ્યારે નાસ્રીદો ગ્રેનાડાના તાજ માટે અંદરોઅંદર લડી રહ્યા હતા.
આ ગૃહયુદ્ધનો પૂરો લાભ લઈને કેસ્ટાઇલના શાસકોએ મજબૂત નાસ્રીદ કિલ્લાઓ પર કબજો કરવાનું ચાલુ રાખ્યું.
ડ્રેસેન લખે છે કે, "નાસ્રીદ રાજાનો આ પ્રદેશ એક મહાન મુસ્લિમ સામ્રાજ્યનો છેલ્લો સ્પેનીશ ગઢ હતો. એક સમયે તે પિરેનીસ અને તેનાથી પણ આગળ વિસ્તરેલું હતું. જેમાં બાર્સેલોના અને પેમ્પ્લોના જેવા ઉત્તરીય સ્પેનિશ શહેરો પણ સામેલ હતાં."
"પાયરેનીસ એક પર્વતમાળા છે જે ફ્રાન્સ અને સ્પેનની સરહદ પર આવેલી છે અને આઈબેરિયન દ્વીપકલ્પને અલગ રાખે છે."
સ્ટેનલી લેનપૂલ 'ધ મૂર્સ ઇન સ્પેન'માં લખે છે કે મૌલા-એ-હસનનો યુગ કૌટુંબિક ઝઘડાઓમાં ફસાયેલો હતો અને તે સામ્રાજ્યના પતન તરફ ઇશારો કરી રહ્યો હતો.
'આંતરિક વિવાદો અને વિરોધીઓની વધતી તાકાત'

ઇમેજ સ્રોત, Getty Images
1482માં બુ અબ્દુલે તેમનાં માતા આઈશા અલ્હુરાની ઉશ્કેરણીથી તેમના પિતા અબુલ હસન અલી સામે જ બળવો કરી નાંખ્યો. એ સમયે તેઓ લોશાનાં મેદાનોમાં ફર્ડિનાન્ડના સૈનિકો સામે લડી રહ્યા હતા.
ઇતિહાસકાર એલપી હાર્વે તેમના પુસ્તક 'ઇસ્લામિક સ્પેન: 1250થી 1500'માં લખે છે કે આયેશાની પોતાના પુત્રને સત્તામાં લાવવાની ઇચ્છા પાછળનું કારણ મૌલા-એ-હસનનાં બીજાં પત્ની ઝવરિયા (સુરૈયા) સાથેની તેમની દુશ્મનાવટ હતી.
લેનપૂલના જણાવ્યા મુજબ સુરૈયાએ ઇસ્લામ અંગીકાર કર્યો તે પહેલાં તેઓ એક ખ્રિસ્તી ગુલામ અઝાબિલ દા સોલિસ હતાં, જેમણે તેમના પતિનું દિલ જીતી લીધું હતું.
તેઓ લખે છે, "સુરૈયા પ્રત્યે તેમની ઈર્ષ્યાની કોઈ સીમા નહોતી. તેઓ તેમને દરજ્જા માટે જ નહીં, પરંતુ તેમના પુત્રના 'સિંહાસન પરના અધિકાર' માટે પણ ખતરો માનતી હતી."
ડ્રેસન લખે છે કે, "આયેશાની ઈર્ષ્યાએ કૌટુંબિક ઝઘડાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જે આખરે નાસ્રીઓનાં પતનનું કારણ બની. પોતાના પુત્રની વિરાસતને સુરક્ષિત રાખવાની ચાહતમાં લીધેલા પગલાએ પહેલાંથી જ કમજોર સામ્રાજ્યને વધુ અસ્થિર બનાવ્યું."
બેટાની બાપ સામે બગાવત

ઇમેજ સ્રોત, Getty Images
એક પ્રભાવશાળી પરિવારના ટેકાથી બુ અબ્દુલે અલ-હમરા મહેલ પર કબજો કરી લીધો અને પોતાને ગ્રેનાડાનો સુલતાન જાહેર કરી દીધા.
ડ્રેસેન લખે છે કે, "જ્યારે બુ અબ્દુલ્લાહ નાસ્રીદ પરિવારના દેશમાં સુલતાન તરીકે ગાદી પર બેઠો ત્યારે તે 20 વર્ષનો અપરિપક્વ યુવાન હતો. જે માંડમાંડ અલ હમરા પૅલેસમાંથી નીકળ્યો હતો અને તેને તેના નિષ્ક્રિય પરિવારની બહાર આવેલી દુનિયાનો કોઈ અનુભવ નહોતો."
પરંતુ મૌલા-એ-હસને ટૂંક સમયમાં રાજધાની ફરીથી કબજે કરી લીધી. બે વર્ષ પછી તેમના ભાઈ અલ-ઝગલે તેમને ગાદી પરથી ઉતારી દીધા. એક વર્ષની અંદર બુ અબ્દુલ ફરીથી ગ્રેનાડાના શાસક બન્યા.
ઇતિહાસકાર રિચાર્ડ ફ્લેચર તેમના પુસ્તક 'મૂરિશ (મુસ્લિમ) સ્પેન'માં લખે છે, "નાસ્રીદ સામ્રાજ્ય એક વિભાજિત ઘર જેવું હતું. જેમાં હરીફ જૂથો કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેના કારણે વધતી જતી ખ્રિસ્તી શક્તિનો પ્રતિકાર કરવાની તેમની ક્ષમતા નબળી પડી ગઈ હતી."
કેદ અને કરતબાનો કરાર

ઇમેજ સ્રોત, Getty Images
1483માં કાસ્ટિલા સામે બુ અબ્દુલનો પહેલો હુમલો નિષ્ફળ ગયો અને તેમને પકડી લેવામાં આવ્યા. કૅથલિક રાજાઓ (રાણી ઇસાબેલા અને સમ્રાટ ફર્ડિનાન્ડ)એ તેમને કરતબા (કોરડોબા)ની સંધિ હેઠળ મુક્ત કર્યા.
આ કરાર હેઠળ બુ અબ્દુલે તેમના કાકા અલઝગલ સામેના સમર્થનના બદલામાં કાસ્ટિલાને પોતાનો કેટલોક પ્રદેશ આપવો પડ્યો. ઇતિહાસકાર હ્યુ કૅનેડી દલીલ કરે છે કે બુ અબ્દુલે પોતાની મુક્તિ માટે પોતાના લોહી અને જમીન સાથે દગો કર્યો તેનાથી નસ્રી પ્રતિરોધને વધુ નુકસાન થયું.
તેમની મુક્તિ પછી બુ અબ્દુલને નાસ્રીદ રાજ્યના પશ્ચિમ ભાગ પર શાસન કરવાનો અધિકાર આપવામાં આવ્યો જ્યારે તેમના કાકા અલઝગલે પૂર્વ ભાગ પર નિયંત્રણ જાળવી રાખ્યું. કરતબાની સંધિ પ્રમાણે બુ અબ્દુલે અસરકારક રીતે પોતાના પ્રદેશનું સાર્વભૌમત્વ ફર્ડિનાન્ડ અને ઇસાબેલાને સોંપી દીધું.
અલઝગલના મજબૂત પ્રતિકાર છતાં ખ્રિસ્તી દળો ધીમે ધીમે આગળ વધ્યા અને આખરે પૂર્વી ગ્રેનાડા અને અલ્મેરિયામાં પ્રદેશો પર કબજો જમાવી લીધો. આ રીતે બુ અબ્દુલ ફક્ત ગ્રેનાડા શહેરના સુલતાન બની રહ્યા. હવે રિકનક્વિસ્ટાનું પૂર્ણ થવું એ માત્ર 'ક્યારે'નો પ્રશ્ન બની ગયો.
જ્યારે અંતિમ વાર હથિયાર હેઠાં મૂક્યાં

ઇમેજ સ્રોત, Getty Images
1491ની વસંતઋતુ મુસ્લિમો માટે ગ્રેનાડા શાસનના અંતની શરૂઆત હતી.
કાસ્તિલાનાં દળો દ્વારા ઘણા મહિનાઓ સુધી ઘેરાબંધી કર્યા બાદ બુ અબ્દુલને સમજાયું કે વધુ પ્રતિકાર કરવો નકામો છે. નવેમ્બરમાં વાટાઘાટ શરૂ થયા બાદ આ જ મહિનાની 25મી તારીખે ગ્રેનાડા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ બુ અબ્દુલનું સ્થાન જાળવી રાખવાનું હતું અને મુસ્લિમોની ધાર્મિક સ્વતંત્રતાને સુનિશ્ચિત કરવાની હતી.
2 જાન્યુઆરી, 1492ના રોજ બુ અબ્દુલે ગ્રેનાડાને કૅથૉલિક રાજાઓને સોંપી દીધું. ડ્રેસેનના મતે સ્પેનિશ કાર્ડિનલ ફ્રાન્સિસ્કો સિસ્નેરોસ અને પ્રવાસી ક્રિસ્ટોફર કોલંબસ સહિત રેશમી ઝભ્ભા પહેરેલા દરબારી અને ઉમરાવોના એક જૂથ સાથે ગ્રેનાડા પહોંચ્યા હતા.
શાનદાર પોશાક પહેરેલા ઘોડેસવારો સાથે બુ અબ્દુલે શહેરની ચાવીઓ સોંપતા નવા શાસકોના હાથે ચુંબન કર્યા અને કહ્યું કે આ "સ્વર્ગની ચાવીઓ" છે. કરાર મુજબ બુ અબ્દુલ હાથ ચૂમવાના અપમાનથી બચી શક્યા હોત.

ઇમેજ સ્રોત, Getty Images
વૉશિંગ્ટન ઇરવિંગે 'ધ અલ-હમરા'માં લખ્યું છે કે બુ અબ્દુલ અલ-હમરાને છેલ્લી વાર જોવા માટે એક ખડક પર ચડી ગયા.
અલ-હમરાને જોઈને તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પછી તેમનાં માતાએ તેમને ઠપકો આપતા કહ્યું કે એક સ્ત્રીની જેમ તું એના માટે રડી રહ્યો છે જેને તું મર્દાનગીથી બચાવી ન શક્યો.
આ વાર્તા સાચી હોય કે કાલ્પનિક, નુકસાન અને હારની ઊંડી ભાવનાની છે. બુ અબ્દુલ પર્વતના ખડક પરથી અલ-હમરાને છેલ્લી નજરે જોતા હોય એવું દૃશ્ય ઘણાં ચિત્રોનો વિષય બન્યું.
શરણાગતિ સ્વીકાર્યા બાદ બુ અબ્દુલ્લને એક નાની જાગીર આપવામાં આવી હતી, પરંતુ તેઓ મોરોક્કોમાં રહેવા જતા રહ્યા.
તેમના શાહી ભૂતકાળથી દૂર તેઓ ફેઝમાં મરીનાઇટ શાસકોના દરબારના ભાગ બન્યા.
ઇતિહાસકાર એલિઝાબેથ ડ્રેસન બુ અબ્દુલના અંજામનું આ રીતે વર્ણન કરે છે: "નિર્વાસિત અને અધિકારવિહીન બુ અબ્દુલે પોતાના દિવસો ગુમનામીમાં વિતાવ્યા. ખોવાયેલી મહાનતાના પ્રતીક તરીકે''.
સદીઓ સુધી ફેલાયેલા મુસ્લિમ શાસનનું પતન
બુ અબ્દુલની વિદાયનો અર્થ આઈબેરિયા પ્રાયદ્વીપમાં અંદાજે આઠ સદી સુધી ફેલાયેલા મુસ્લિમ શાસનનો ખાતમો હતો, જેમાં સાંસ્કૃતિક અને ધાર્મિક વૈવિધ્ય હતું.
ઇતિહાસકાર મારિયા રોઝા મેનોકલ 'ધી ઑર્નામેન્ટ ઑફ ધ વર્લ્ડ'માં લખે છે કે મુસ્લિમ સ્પેન એક એવી જગ્યા હતી, જ્યાં ઈસાઈ, યહૂદી અને મુસ્લિમ સંસ્કૃતિઓનો તાલમેળે એક અલગ અને સ્થાયી વિરાસત પેદા કરી હતી. ગ્રેનાડા એક આવી સામૂહિકતાનો અંતિમ ગઢ હતો.
ગ્રેનાડાના પતનથી ધાર્મિક અસહિષ્ણુતાના એક નવા દૌરની શરૂઆત થઈ.
ગ્રેનાડા કરારનું ઉલ્લંઘન કરીને કૅથલિક બાદશાહોએ એવી નેતાઓ શરૂ કરી, જેનો હેતુ ધાર્મિક વિવિધતાને ખતમ કરવાનો હતો. મુસલમાન અને યહૂદીઓનું ધર્માંતરણ એક સામાન્ય બાબત બની ગયું હતું.
હેનરી કૉમન પોતાના પુસ્તક 'ધ સ્પેનિશ ઇનક્વિઝિશનઃ અ હિસ્ટ્રોરિકલ રિવીઝન'માં લખે છે કે ગ્રેનાડાનું બીજી વારનો ઈસાઈ કબજાનો અંતિમ અધ્યાય હતો, પરંતુ આ સંગઠિત અત્યાચાર અને બળપૂર્વક વિલયનો પ્રારંભ પણ હતો.
ડ્રેસનનું કહેવું છે કે ઈ.સ. 711 બાદ અંદાજે 800 વર્ષ સુધી સ્પેની પ્રાયદ્વીપ એવા લોકોનું ઠેકાણું રહ્યું, જે હુમલાખોર તરીકે આવ્યા હતા, પરંતુ તેમણે એક એવી અલગ અને સાફસુથરી સંસ્કૃતિ બનાવી, જેણે સ્પેનને એક સ્થાયી સાંસ્કૃતિક વિરાસત આપી.
તેઓ લખે છે, ઈસાઈઓ, મુસલમાનો અને યહૂદીઓનું સહઅસ્તિત્વ મધ્યકાળના સ્પેની જીવનનો એક મહત્ત્વનો ભાગ રહ્યું હતું. જેનું સ્થાન ગંભીર સંઘર્ષ અને વિવાદોએ લીધું. તેના કારણે 1609માં મોરોસકોને પણ કાઢી મુકાયા. એ ઈસાઈઓને મોરિસકો કહેવાતા, જેમને મુસલમાનથી બળપૂર્વક ઈસાઈ બનાવ્યા હતા."
"1492 બાદ સ્પેન એક એવા સમાજ (જ્યાં ત્રણ અલગ અલગ ધર્મોના લોકો સાથે રહેતા હતા)ને બદલે એક ધર્મ અને એક-ભાષી સમાજ બન્યો, એક એવી જગ્યા જ્યાં વિવિધતાને દબાવાઈ અને ખતમ કરી દેવાઈ."
"બુ અબ્દુલે અને ગ્રેનાડા ધાર્મિક અસહિષ્ણુતા, નિરંકુશ શક્તિ અને સાંસ્કૃતિક અજ્ઞાનતા સામેના અંતિમ અવરોધક હતા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












