You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
EPFOમાં મોટા સુધારાની તૈયારી : વેતનમર્યાદા 15,000થી વધીને કેટલી થશે?
ઍમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડમાં સરકાર કેટલાક મોટા સુધારા કરે તેવી શક્યતા છે. તેના કારણે EPF માટે માસિક બેઝિક પગારની મર્યાદા 15,000 રૂપિયાથી વધારવામાં આવે તેવી શક્યતા છે. કેટલાક અહેવાલ પ્રમાણે આ મર્યાદા 25,000 રૂપિયા કરવામાં આવી શકે છે, પરંતુ તેની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
હાલમાં જેમનો માસિક 15,000 રૂપિયા સુધીનો બેઝિક પગાર હોય, તેવા લોકો માટે જ EPFમાં નોંધણી કરાવવી ફરજિયાત હતી. તેનાથી વધુ પગાર હોય તો EPFમાં જોડાવું ફરજિયાત ન હતું. પરંતુ આ મર્યાદા વધારીને 25,000 કરવામાં આવે તો તેના કારણે એક કરોડથી વધુ કામદારોને EPF અને EPS (ઍમ્પ્લોયીઝ પેન્શન સ્કીમ)નો લાભ મળી શકશે.
અહીં EPFOના નવા સંભવિત સુધારા વિશે વાત કરવામાં આવી છે.
નવા ફેરફાર કેવા હોઈ શકે?
છેલ્લે 2014માં EPF માટે માસિક પગારની મર્યાદા 6,500થી વધારીને 15,000 કરવામાં આવી હતી. ત્યાર પછી પગાર અને મોંઘવારીમાં જે રીતે વધારો થયો છે તેને ધ્યાનમાં રાખીને 15,000ની મર્યાદા વધારવાની ઘણા સમયથી માંગણી થતી રહી છે. છેલ્લાં 11 વર્ષમાં મોંઘવારીના દર અને બેઝિક વેતન ઉપરાંત યુનિવર્સલ મિનિમમ વેજ પણ વધી ગયો છે.
તાજેતરમાં મુંબઈ ખાતે નાણાકીય સર્વિસ વિભાગના સેક્રેટરી એમ. નાગારાજુએ કહ્યું કે, "હાલમાં 15,000 રૂપિયાથી વધારે બેઝિક વેતન હોય તેવા કર્મચારીઓનો મોટો વર્ગ પેન્શન કવરથી વંચિત રહી જાય છે. 15,000થી સહેજ વધુ પગાર હોય તેવા પ્રાઇવેટ સેક્ટરના ઘણા કામદારો હજુ પણ પેન્શન સ્કીમનો ભાગ નથી. વૃદ્ધાવસ્થામાં તેમણે પોતાનાં સંતાનો પર આધારિત રહેવું પડે છે."
આગામી મહિને EPFOના સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ટ્રસ્ટીઝની બેઠક મળવાની છે, જેમાં EPFO માટે પગારની મર્યાદા વધારવાની દરખાસ્ત પર નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
EPFની ગણતરી કેવી રીતે થાય છે?
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ અહેવાલ પ્રમાણે ભારતમાં 66 ટકા કરતાં વધુ લોકો પાસે કોઈ જીવનવીમો નથી. ઓછો પગાર ધરાવતા ઘણા લોકો પાસે નિવૃત્તિ સમયે એટલી બચત નહીં હોય કે તેઓ સરળતાથી પોતાનું ગુજરાન ચલાવી શકે.
EPFની મર્યાદા વધારવામાં આવે તો કરોડો લોકો લાંબા ગાળાની બચત કરી શકશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલમાં જે લોકો EPF હેઠળ આવરી લેવાયા છે, તેમના બેઝિક પગારનો 12 ટકા હિસ્સો EPFમાં જાય છે. તેની સામે તેના ઍમ્પ્લોયર અથવા કંપની પણ 12 ટકાનું સમાન યોગદાન આપે છે. તેમાંથી 8.33 ટકા રકમ પેન્શન સ્કીમ (EPS)માં જમા થાય છે, જ્યારે બાકીનો 3.67 ટકા હિસ્સો EPFમાં જાય છે.
આ ઉપરાંત સરકાર પણ 1.16 ટકા હિસ્સો (વધુમાં વધુ 174 રૂપિયા) આપે છે. પરંતુ આ ફાયદો માત્ર 15,000 રૂપિયા સુધીનો માસિક પગાર ધરાવતા કામદારોને મળે છે.
હવે EPF માટે વેતનની મર્યાદા 15,000થી વધારવામાં આવે તો કર્મચારીઓના EPF અને EPS બંનેમાં રકમ વધશે.
EPF માટે આપેલા યોગદાનને આવકવેરા ધારાના સેક્શન 80-સી હેઠળ આવકવેરામાંથી મુક્તિ મળે છે. જોકે, તેની મહત્તમ મર્યાદા વાર્ષિક 1.50 લાખ રૂપિયાની છે.
EPFO માટે દર વર્ષે વ્યાજની રકમ અલગ-અલગ હોઈ શકે છે. દર વર્ષે EPFOની ભલામણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજનો દર નક્કી થાય છે. વર્ષ 2024-25 માટે (પહેલી એપ્રિલ 2024થી 31 માર્ચ 2025) કેન્દ્ર સરકારે 8.25 ટકા વ્યાજનો દર નક્કી કર્યો છે.
EPS હેઠળ કોને અને કેટલું પેન્શન મળી શકે?
ઍૅમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનની વેબસાઈટ પ્રમાણે મહિને15,000 રૂપિયા સુધીનો પગાર મેળવતા અને ઓછાંમાં ઓછાં 10 વર્ષ સુધી સર્વિસ કરનારા લોકો EPSને પાત્ર ગણાય છે.
તે મુજબ છેલ્લા 60 મહિનાના પેન્શનપાત્ર પગાર અને પેન્શન પાત્ર સર્વિસના વર્ષનો ગુણાકાર કરીને તેને 70 વડે ભાગવાથી પેન્શનની રકમ મળે છે. અહીં બેઝિક પે અને મોંઘવારી ભથ્થાના સરવાળાને પેન્શનપાત્ર પગાર તરીકે ગણવામાં આવે છે.
ભારતમાં EPF હેઠળ પેન્શન મેળવવાની ઉંમર 58 વર્ષ છે, પરંતુ ચોક્કસ શરતોને આધીન રહીને 50 વર્ષની ઉંમરથી ઘટાડા સાથે પેન્શન ઉપાડી શકાય છે.
58 વર્ષની ઉંમર અગાઉ પેન્શન ઉપાડો તો દરેક વર્ષ દીઠ પેન્શનની રકમ ચાર ટકા ઘટી જાય છે.
બીજી તરફ તમે 60 વર્ષની ઉંમર સુધી પેન્શન લેવાનું ટાળો તો 58 વર્ષ પછી દરેક વર્ષ દીઠ તમને ચાર ટકા વધારાની રકમ મળશે.
EPFનું પેન્શન માસિક ચૂકવાય છે, તેમાં કોઈ લમ્પસમ ચૂકવણી થતી નથી.
તમે બધી નોકરીઓ બદલી હોય અને એકથી વધુ EPS ખાતાં હશે, તો તેને મર્જ કરવામાં આવે છે અને પેન્શન તરીકે એક જ રકમ મળે છે.
કોઈ કારણથી કર્મચારી કાયમી વિકલાંગ થાય તો તેમને ડિસેબિલિટી પેન્શન મળી શકે છે. જો કર્મચારીનું મૃત્યુ થાય તો તેના પરિવારજનોને વિધવા/વિધુર પેન્શન અથવા ચાઇલ્ડ પેન્શન મળી શકે છે.
માતા-પિતા બંનેનાં મૃત્યુ થયાં હોય તો વધુમાં વધુ બે બાળકોને તેઓ 25 વર્ષના થાય ત્યાં સુધી અનાથ તરીકેનું પેન્શન મળે છે. જો બાળકો વિકલાંગ હોય તો આજીવન પેન્શન ચાલુ રહે છે.
પગારની મર્યાદા વધવાથી શું થાય?
EPFO હાલમાં લગભગ 26 લાખ કરોડ રૂપિયા કરતાં વધારે રકમનું સંચાલન કરે છે અને 7.6 કરોડથી વધારે સક્રિય સભ્યો ધરાવે છે.
EPFO હેઠળ પગારની મર્યાદા કેટલી વધારવામાં આવશે તે સ્પષ્ટ નથી, પરંતુ જો પગાર મર્યાદા વધશે તો વધુ લોકોને આ સુવિધાનો લાભ મળશે અને નિવૃત્તિ પછી વધારે પ્રોવિડન્ટ ફંડ તથા પેન્શન મેળવવાના પાત્ર બનશે.
ચાલુ મહિને EPFOએ પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડની વ્યવસ્થામાં કેટલાક સુધારા કર્યા હતા. તે મુજબ મેમ્બર પોતાના એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ તરીકે 25 ટકા રકમ રાખીને બાકીની 75 ટકા રકમ ઉપાડી શકશે.
હાલમાં EPS ધારકો માટે લઘુતમ પેન્શનની રકમ માત્ર એક હજાર રૂપિયા છે, તેને વધારીને લઘુતમ પેન્શન 7500 રૂપિયા કરવા ઘણા સમયથી ટ્રેડ યુનિયનો માંગણી કરી રહ્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન