પહલગામ હુમલામાં માર્યા ગયેલા એકમાત્ર કાશ્મીરી આદિલના પરિવારમાં શોક, મોદી સરકાર પાસે શું માંગ કરી?

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ-કાશ્મીરના પહલગામથી લગભગ 5 કિમી દૂર બૈસરન વિસ્તારમાં થયેલા ઉગ્રવાદીઓના હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં એકમાત્ર કાશ્મીરી સૈયદ આદિલ હુસૈન શાહ હતા.
હાલ આદિલના ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પહલગામ તાલુકાના હપ્તનાર ગામના રહેવાસી આદિલ પહલગામમાં ઘોડા પર સવારી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.
પરિવારના સભ્યો કહે છે કે તેઓ પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય હતા.
જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાહે કહ્યું, "એવું સાંભળવામાં આવ્યું છે કે તે આ રીતે મૃત્યુ પામ્યો નથી. તે બહાદુરીથી આ હુમલાને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે બંદૂક છીનવી લેવાનો પણ પ્રયાસ કર્યો હશે અને તે જ સમયે તેને નિશાન બનાવવામાં આવ્યો હતો."
પરિવારનો એકમાત્ર આધાર

ઇમેજ સ્રોત, Getty Images
આદિલ તેમના પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા. તેમના પરિવારમાં તેમનાં પત્ની, માતા, પિતા અને બે નાના ભાઈઓ છે.
આદિલ શાહને પણ એક પુત્ર હતો પણ તેનું થોડા દિવસ પહેલાં અવસાન થયું. દીકરાના મૃત્યુ પછી આદિલનાં માતાની હાલત ખૂબ જ ખરાબ છે.
તેમનાં માતાએ રડતા રડતા સમાચાર એજન્સી ANI ને જણાવ્યું, "તે એકમાત્ર કમાતો દીકરો હતો. તે પરિવારમાં સૌથી મોટો હતો."
આદિલના પિતા સૈયદ હૈદર શાહે ANI ને જણાવ્યું, "તે ઘોડેસવારી માટે પહલગામ ગયો હતો. 3 વાગ્યે અમે સાંભળ્યું કે ત્યાં કંઈક ઘટના બની છે. જ્યારે અમે તેને ફોન કર્યો ત્યારે તેનો ફોન બંધ હતો. તેનો ફોન 4 થી 4.30 વાગ્યાની વચ્ચે ચાલુ હતો. અમે ફોન કરતા રહ્યા પણ કોઈ જવાબ મળ્યો નહીં અને પછી અમને ખબર પડી કે ત્યાં અકસ્માત થયો છે. પછી અમારા છોકરાઓ ત્યાં ગયા અને તે હૉસ્પિટલમાં હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હૈદર શાહે કહ્યું કે, "જેણે મરવાનું હતું તે મરી ગયો છે પરંતુ જેણે પણ આવું કર્યું છે તેને સજા મળવી જોઈએ."
જનાજાની નમાઝમાં હાજર રહ્યા મુખ્ય મંત્રી

ઇમેજ સ્રોત, ANI
બુધવારે સૈયદ આદિલ હુસૈન શાહનો જનાજો નીકળ્યો હતો. મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાહે પણ આખા ગામ સાથે આમાં ભાગ લીધો હતો. તેમણે આદિલના પરિવાર સાથે પણ વાત કરી છે.
ઉમર અબ્દુલ્લાહે કહ્યું, "આ ઘટના વિશે શું કહી શકાય? અમે તેની ટીકા કરીએ છીએ અને અમારી સહાનુભૂતિ તે લોકો સાથે છે જેઓ આ આઘાતમાંથી પસાર થયા છે. અમારા મહેમાનો રજાઓ ગાળવા માટે બહારથી આવ્યા હતા અને કમનસીબે તેમને કફન પહેરીને ઘરે મોકલી દેવામાં આવ્યા છે."
આદિલના કાકાએ ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું , "તેના પરિવારમાં કોઈ કમાઉ સભ્ય બચ્યો નથી. આ પરિવાર ખૂબ જ ગરીબ છે. તે નિર્દોષ હતો. આવી સ્થિતિમાં, તેના પરિવારનું રક્ષણ થવું જોઈએ."
મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાહે કહ્યું, "આપણે આ પરિવારની સંભાળ રાખવી પડશે. તેમને મદદ કરવી પડશે અને હું અહીં બધાને ખાતરી આપવા આવ્યો છું કે સરકાર તેમની સાથે ઊભી છે અને અમે શક્ય તેટલું કરીશું."
પહલગામમાં હુમલાના 'ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવશે'

ઇમેજ સ્રોત, Getty Images
આદિલ શાહના ગામના લોકો અને તેમના સંબંધીઓ પહલગામ હુમલાથી ખૂબ જ નારાજ અને આક્રોશમાં છે.
તેમના એક સંબંધી મોહિદ્દીન શાહે કહ્યું, "આ કાશ્મીરીયત અને આપણા પ્રદેશ પર એક ડાઘ છે તથા આ ડાઘ ભૂંસી નાખવો ખૂબ જ મુશ્કેલ છે. આપણે બધા આ ઘૃણાસ્પદ ષડયંત્રની નિંદા કરીએ છીએ. અમે બધા ભારતના દુઃખમાં સહભાગી છીએ."
શાહે કહ્યું, "અમારા મહેમાનો અને ખાસ કરીને અમારા પરિવારનો એક છોકરો કે જે ઘોડાનું કામ કરતો હતો તેની સાથે જે બન્યું તેની હત્યા કરવામાં આવી છે. આ ખૂબ જ નિંદનીય છે."
તેમણે કહ્યું, "અમે સરકારને અપીલ કરીએ છીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવે. તે એક ગરીબ પરિવારમાંથી હતો અને તેનાં માતાપિતાનો એકમાત્ર આધાર હતો. આ ગરીબ લોકો હવે શું કરશે? તેમનો કોઈ આધાર નથી."
પરિવારજનોને દસ લાખ રૂપિયાની સહાય

ઇમેજ સ્રોત, Getty Images
ઉમર અબ્દુલ્લાહે પહલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો માટે સહાયની જાહેરાત કરી છે. આ હુમલામાં માર્યા ગયેલી દરેક વ્યક્તિના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
ઉમર અબ્દુલ્લાહે કહ્યું, "ગઈકાલે પહલગામમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાથી હું ખૂબ જ આઘાતમાં છું અને દુઃખી છું. કોઈપણ રકમ નુકસાનની ભરપાઈ કરી શકે નહીં."
તેમણે કહ્યું, "સમર્થન અને એકતાના પ્રતીક તરીકે, જમ્મુ અને કાશ્મીર સરકાર મૃતકોના પરિવારજનો માટે પ્રત્યેકને 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરે છે."
તેમણે કહ્યું, "નિર્દોષ નાગરિકો સામેના આ ક્રૂર કૃત્યનું આપણા સમાજમાં કોઈ સ્થાન નથી. અમે તેની સખત ટીકા કરીએ છીએ."
પીડીપીનાં વડાં મહેબૂબા મુફ્તીએ આ હુમલાની ટીકા કરતાં ટ્વિટર પર લખ્યું, "પહલગામમાં થયેલા આ કાયર આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરું છું. આ પ્રકારની હિંસા બિલ્કુલ અસ્વીકાર્ય છે. ઐતિહાસિક રીતે, કાશ્મીરે પ્રવાસીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. તેથી, હુમલાની આ દુર્લભ ઘટના અત્યંત ચિંતાજનક છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.















